Niranjan Mehta

Romance Classics

4  

Niranjan Mehta

Romance Classics

પાકીટમાંનો કાગળ

પાકીટમાંનો કાગળ

9 mins
229


રોજની જેમ સવારે જ્યારે હું ચાલવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક પાકીટ પડેલું જોયું. મારી જેમ સવારે ફરવા નીકળેલા કોઈનું આ પાકીટ પડી ગયું હશે અને શોધતા હશે, જો તેમાં કોઈનું નામ ઠેકાણું હોય તો તેને પરત કરી શકાય તે આશયે મેં તે પાકીટ ઉપાડ્યું અને અંદર જોયું તો ન કોઈ નામ ન કોઈ સરનામું કે જેથી તે પરત કરી શકાય. અંદર વીસેક રૂપિયા અને થોડું પરચુરણ હતું. તે સાથે એક ચોળાયેલ પરબીડિયું પણ દેખાયું જેની ઉપર મનસુખ શાહનું નામ અને મોકલનારનું સરનામું લખેલા હતા.

હવે મેં જે કર્યું તે અગોગ્ય જ ગણાય જે નીચે મુજબ હતો.

મનસુખ,

આપણે ભલે એકબીજાના પ્રેમમાં છીએ પણ એક સંસ્કારી મહિલા તરીકે હું મારા માતાપિતાની વિરુદ્ધ જવાની મારામાં હિંમત નથી માટે આપને લગ્નબંધનથી જોડાઈ નહિ શકીએ. હા, તારા સિવાય અન્ય સાથે લગ્નનો વિચાર કેમ કરાય એટલે અન્ય સાથે લગ્ન નહિ કરૂં એમ પણ મેં મારા માતાપિતાને જણાવી દીધું છે. ભવિષ્યમાં મળીએ કે કેમ તો નિયતિ જ નક્કી કરશે પણ મારા હ્રદયમાં તો તારો કાયમ વાસ રહવાનો. હા, તું અન્ય કોઈ સાથે લગ્ન કરશે તો મને તેનો કોઈ વાંધો નથી કારણ તારે તારી જીંદગી હજી લાંબી જીવવાની છે, ક્યારેક તારી સરયુંની યાદ આવે તો હું તેને મારૂં સદનસીબ માનીશ.

તારી જ સરયુ.

આટલું વાંચતા મારા મનમાં એક કરતા વધુ વિચારો ઉમટયા. શું આ બેનો પ્રેમ અનન્ય હશે કે યુવાનીનો જોશ ? આજે તે મહિલા જીવતી હશે કે કેમ અને હોય તો સહેજે તેની ઉંમર ૭૦-૭૨ની હોવી જોઈએ. હા, એક વાતતો પાક્કી કે મનસુખ નામની વ્યક્તિ જીવતી છે અને તે પણ ૭૨-૭૫ની ઉંમરનો હોવો જોઈએ. જે હોય તે પણ હવે મને વાતના અંત સુધી પહોંચવાની તાલાવેલી લાગી. પણ તે કેમ કરવું તેનો વિચાર કરતા લાગ્યું કે કવર પર જે સરનામું છે ત્યાં જી તપાસ કરવી જોઈએ. તે મહિલા ત્યાં હજી રહેતી હશે કે કેમ તેની શંકા પણ ઉદ્ભવી પણ હવે તો આગળ વધવું તેમ નક્કી કરી લીધું. સરનામું જોયું તો તે બહુ દૂર ન હતું એટલે રિક્ષા કરી ત્યાં પહોંચ્યો.  

ત્યાં જઈને આપેલા ફ્લેટ નંબર પર ટકોરા મારતા એક ભાઈએ દરવાજો ખોલ્યો અને કોનું કામ છે તેમ પૂછ્યું. મેં જણાવ્યું કે મારે સરયુબેનને મળવું છે. તે ભાઈએ કહ્યું કે સરયુબેન હવે અહી નથી રહેતા. તે ક્યા મળશે એમ પૂછતાં તે ભાઈએ કહ્યું કે હાલમાં તે ક્યા રહે છે તેની માહિતી નથી પણ એટલી જાણ છે કે તેમની આર્થિક સ્થિતિને કારણે તેમણે આ ઘર ખાલી કર્યું હતું અને દૂર પરામાં નાનું ઘર લીધું હતું.

તેમના નવા ઘરના સરનામાનું પૂછતા કહ્યું કે તેમણે જતી વખતે આપેલું પણ હવે ત્યાં રહે છે કે નહિ તે ખબર નથી. તમે અંદર આવો કદાચ તે કાગળ મળી જાય તો તમને આપું.

આપેલા કાગળ પરનું સરનામું હું રહેતો હતો તેની નજીક હતું એટલે સીધો ત્યાં જ ગયો. ત્યાં પણ એક રીતે નિરાશા મળી કારણ તે ત્યાં ન રહેતા હતા અને નવા માલિકને તેમના વિષે કોઈ જાણકારી ન હતી. તેમને તેમના પાડોશીને બોલાવ્યા અને બધી વાત કરી. મારા સારા નસીબે તે બહેન વર્ષોથી સરયુબહેનના પાડોશી હોવાના નાતે તેમનો સારો સંબંધ હતો અને તેમની પાસેથી મળેલી માહિતી પ્રમાણે તે તેમના મા સાથે અહી રહેતા હતા. બે વર્ષ પર તેમના માતાનું અવસાન થયું હતું અને ત્યારબાદ ઉંમરને કારણે અને એકલા હોવાને લઈને તેમણે સ્વેચ્છાથી એક વૃધ્ધાશ્રમમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

ક્યા વૃદ્ધાશ્રમમાં રહે છે તેમ પૂછતા તે બહેને તેનું નામ અને સરનામું આપ્યું જે થોડા અંતરે આવેલું હતું. નવરા માણસને સમય જ સમય હોય એટલે હું ત્યાંથી સીધો આપેલા સરનામે પહોંચી ગયો અને ત્યાના સંચાલકને મળ્યો. તેમને મેં બધી વિગત આપી અને સરયુબેન ત્યાં રહે છે તેમ જાણ્યું એટલે તેમને મળવા આવ્યો છું. શું હું તેમને મળી શકું ?

સંચાલકને પણ વિગત જાણ્યા બાદ રસ પડ્યો પણ કહ્યું કે એક તો સરયુબેન બપોરે આરામ કરતા હોય છે અને કોઈ અજાણ્યાને મળવા રાજી છે કે તે પણ જાણવું જરૂરી છે કારણ વૃદ્ધાશ્રમના નિયમ મુજબ કોઈ પણ રહેણાકની મરજી વગર અમે કોઈને મળવાની પરવાનગી આપતા નથી.

તેમણે ત્યાના સહાયકને મોકલી સરયુબેનને પૂછાવ્યું કે કોઈ ભાઈ તમને મળવા માંગે છે તો શું તે મળી શકે ? તેમની હા આવતા સંચાલક મને તેમની રૂમમાં લઇ ગયા. તેમણે અન્ય કામ હતું એટલે તે ત્યારબાદ તે જતાં રહ્યા. હું ગયો ત્યારે સરયુબેન કોઈ નવલકથા વાંચી રહ્યા. તેમને જોઈ એકવાર મને પણ લાગ્યું કે આ મહિલા અત્યારે આટલી સુંદર જણાય છે તો યુવાનીમાં જરૂર સુંદરતા નીખરતી હશે.

મને જોઈ તેમણે વાંચવાનું બંધ કર્યું અને મને બેસવા કહ્યું. પછી કહ્યું, ‘મેં તમને ઓળખ્યા નહીં.’

‘હા, આપને પહેલીવાર મળી રહ્યા છીએ. પણ તમને મળવાનું કારણ જાણશો તો તમે પણ આશ્ચર્ય પામશો. પછી મેં તેમને આખી બિના વર્ણવી અને પાકીટમાંથી મળેલો કાગળ તેમને આપ્યો અને સાથે સાથે તે વાંચવા બદલ તેમની માફી પણ માંગી.

કાગળ જોઈ તેમના મોં પર ચમક આવી ગઈ અને આપોઆપ કહેવાનું શરૂ કર્યું.

‘હું ત્યારે ૧૭ વર્ષની હતી એટલે આમ તો નાબાલિગ ગણાઉં પણ મને તે બધાની સમજ ન હતી. હોય તો શું ફર્ક પડે ? હું તો મનસુખના પ્રેમમાં ગળાડૂબ હતી કારણ તે અસલ દેવઆનંદ જેવો દેખાય. કેટલીયે બીજી છોકરીઓ તેની પાછળ પાગલ હતી અને મને તેની જાણ હતી તેમ છતાંય હું મારા વિવશ હતી અને મારા અંતરમનમાં તેને વરી ચુકી હતી. અમારી મુલાકાત પણ કોઈ અનન્ય સંજોગોમાં થઇ હતી પણ તેની વિગતોને હવે યાદ કરીને શું અર્થ ? સમય જતા મનસુખ પણ મારા સૌન્દર્ય પર લટ્ટુ થઇ ગયો હતો તે તેના વર્તન પરથી જણાઈ આવ્યું હતું. વાત એટલી વધી કે અમને લાગ્યું કે હવે લગ્ન જ અમારા માટે એક રસ્તો છે."

'‘પણ મનુષ્ય ધારે કાંઈ અને થાય વિપરીત તે મારા કિસ્સામાં બરોબર લાગુ પડે છે. મારી માને અમારા પ્રેમ પ્રકરણની જાણ થઇ ગઈ અને તેમણે તેનો વિરોધ કર્યો કારણ અમારા બંનેની નાત અલગ હતી અને આજ્થી ૫૦ વર્ષ પર હજી નાતજાતના વડા બંધાયેલા હતા. તેમને મારા બાપુને કાને વાત નાખી ત્યારે તેમનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. મારા પર પ્રતિબંધ લગાવ્યા અને મને આ પ્રકારનો કાગળ લખવા કહ્યું. બહુ આનાકાની પછી મારે તેમ કરવું પડ્યું.’'

આંખમાં આવતા અશ્રુબિંદુને ખાળવાનો પ્રયત્ન કરતાં તે આગળ બોલ્યા, ‘આજે પણ મારા મનમાં મનસુખ માટે એટલી જ લાગણી છે અને એટલે મારા માતા-પિતાના દબાણ છતાં મેં લગ્ન ન કર્યા. તમને તે કોઈ રીતે મળે તો મારી લાગણીને તમારી રીતે વ્યકત કરશો ?’

‘હવે તો મને તમારા બન્ને વિષે જાણ્યા બાદ તેમણે શોધવાના મારા પ્રયત્ન ચાલુ રહેશે અને જેવી મને કોઈ જાણ થશે તો તમારો સંદેશ આપીશ. તે હશે કે નહીં અને હશે તો કેવી હાલતમાં હશે તે તો ઉપરવાળો જાને પણ તમારા અતુટ પ્રેમને કારણે મારૂં મન કહે છે કે બહુ જલદી મને મારા કામમાં સફળતા મળશે. હાલમાં હું રજા લઉં છું અને મનસુખભાઈ માટે કોઈ માહિતી મળશે તો તમને જરૂરથી જણાવીશ.’

જતા જતા હું સંચાલકનો આભાર માનવા તેમને મળ્યો ત્યારે તેમને મને કહ્યું કે જો મને વાંધો ન હોય તો શું તેમને સરયુબેને લખેલો કાગળ વાંચી શકું ?

‘જરૂર, મને આનંદ થશે કારણ કદાચ કોઈ તીર લાગી જાય અને તમને આજે નહીં તો ભવિષ્યમાં કોઈ ભાલ મળે તેની શક્યાતા નકારી ન શકાય.’

કાગળ આપવા જેવું મેં તે પાકીટ કાઢ્યું કે સંચાલક બોલી ઉઠ્યા કે અરે આ તો અમારા મનસુખભાઈ શાહનું પાકીટ છે. તેઓ આ વૃદ્ધાશ્રમમાં જ રહે છે. ઉંમરને કારણે તેમની યાદદાસ્ત ઓછી થતી ગઈ છે એટલે કઈ ચીજ ક્યાં મૂકી છે તે તેમણે યાદ નથી રહેતું. કદાચ રોજની જેમ આજે ફરવા ગયા હતાં ત્યારે તે રસ્તામાં પડી ગયું હશે. કારણ મને પૂછતા હતા કે મારૂં પાકીટ નથી મળતું. ક્યાંક પડી ગયું લાગે છે. અંદર મારૂં નામ કે ઠેકાણું નથી એટલે ખબર નથી કે કોઈને મળે તો પણ તે મને કેવી રીતે પહોચાડશે. અંદર વીસેક રૂપિયા છે પણ તે ગયા સમજો. ચાલો તેમને મળીને તેમને ચકિત કરી દઈએ.’

અમે તરત જ મનસુખભાઈની રૂમે પહોંચ્યા. તે ટી.વી. જોતા હતા. સંચાલકને જોઇને કહ્યું કે કેમ આવવું થયું ? અને આ ભાઈ કોણ છે?

‘તમે સવારે કહેતા હતાં કે તમારૂં પાકીટ ખોવાઈ ગયું છે.’

‘હા, તમને મળ્યું ?’

‘આ ભાઈને મળ્યું છે.’

‘શું વાત કરો છો? ક્યાં અને કેવી રીતે ? અને અંદર મારૂ નામ કે સરનામું ન હતું તો તમે મને કેવી રીતે શોધ્યો ?’

હવે મારો બોલવાનો વારો હતો.

મેં તેમને વિગતવાર વાત કરી કે કેવી રીતે આ પાકીટ મળ્યું, તેના માલિકને શોધવા અંદર જોયું તો કોઈ સગડ ણ હતાં પણ એક કાગળ હતો જેમાં મોકલનારનું સરનામું હતું. તે ઉપરથી ક્યાં ક્યાં ફર્યો અને છેવટે અહી આવી ગયો.

સહેજ ગંભીર અવાજે તેમણે પૂછ્યું, ‘તો તમે તે કાગળ વાંચ્યો ?’

‘માફ કરજો પણ મારી જિજ્ઞાસાને સંતોષવા મેં તે ગુસ્તાખી કરી. પણ તેમ કર્યું ત્યારે મારા મનમાં મેં નક્કી કર્યું કે મનસુખભાઈ નહીં મળે તો પણ સરયુબેનને શોધવા રહ્યા .જો કે તેમાં કોઈ અન્ય પ્રયોજન ન હતું પણ ફક્ત મારી જીજ્ઞાસાવૃત્તિ હતી. તમને તે યોગ્ય ન લાગે તે સ્વાભાવિક છે તો તે બદલ મને દરગુજર કરશો,’

‘અરે ના રે, આજના સમયમાં આવી માથાફોડ કોણ કરે છે અને સમય આપે છે ? મને તો મારૂં પાકીટ મળી ગયું તે જ ઘણું છે. તે માટે મારી પાસે આભાર માનવા સિવાય કશું નથી. હા, જ્યારે ૫૦ વર્ષ પહેલા તે કાગળ મને મળ્યો હતો ત્યારે લાગ્યું કે મારી દુનિયા ડૂબી ગઈ. પણ જીંદગી તો અટકવાનું નામ નથી લેતી એટલે મારે પણ વખત જતા આગળ ધપવું પડ્યું. પણ હવે મારૂં મન આળું થઇ ગયું હતું એટલે મેં કુંવારા રહેવાનો નિર્ણય લીધો અને જ્યારે ઉંમરને કારણે મારામાં એકલા રહેવાની ક્ષમતા ન રહી ત્યારે જીવનના અંત સુધી અહી રહેવા આવી ગયો. મને તમારા સ્વભાવ પરથી લાગે છે કે તમે સરયુને પણ ગમે તેમ કરીને શોધી લેશો. જો કે તે હયાત હશે કે કેમ તેની શંકા છે પણ મનુષ્ય યત્ન તો ઈશ્વર મહેરબાન એમ હું માનું છું.’

‘તમારી વાત સાચી છે. મણે તેમની ભાળ મળી છે.’

‘ઓહ ભગવાન,શું મારી સરયુ જીવે છે ? તે ક્યાં છે ? મારો મેળાપ તેની સાથે થઇ શકે ? જો તેમ તમે કરશો તો તમારો જીવનભર ઋણી રહીશ. કેવી દેખાય છે તે ? યુવાનીમાં તો તેના રૂપ પર હું ફિદા હતો પણ અમારા કમનસીબે સમાજ આડો આવ્યો અને અમે જીવનસાથી ન બની શક્યા.’

‘હા, મને બધી વાત સરયુબેને કરી છે.’

‘તેને વિષે વાત તો કરો છો પણ તેનો મેળાપ ક્યારે કરાવશો ? તે ક્યા રહે છે અને તે નજીક હોય તો હમણાં જ જઈએ. હવે મારી ધીરજ નથી રહી.’

‘મનસુખભાઈ, જેમ તેઓ તમારા હૃદયમાં વસેલા છે તેમ તેઓ તમારી નજીક જ છે.’

‘ક્યાં છે તે ? તમે કહો છો નજીકમાં છે તો ચાલો હમણાં જ જઈએ.’

હવે સંચાલકે કહ્યું કે હું તમને તેમની પાસે લઇ જઈશ.

‘તમે ? તમે તેને ઓળખો છો ?’

‘હા, તે પણ અહીના સ્ત્રી વિભાગમાં રહે છે પણ તમારા બન્ને વચ્ચેનો સંબંધ ખબર ન હતો નહીં તો ક્યારનો તમારો મેળાપ તેમની સાથે કરાવી દીધો હોત.’

આટલું કહી અમે ત્રણ સરયુબેનણા રૂમ પર ગયા. મને ફરી આવેલો જોઇને તેમનાથી પૂછ્યા વગર ણ રહેવાયું, ‘તમે ? ફરી આવ્યા ? લાગે છે કે મનસુખની કોઈ માહિતી મળી હશે.’

‘હું આ ભાઈને તમને મળવા લઇ આવ્યો છું. તે તમને મનસુખભાઈ વિષે જણાવશે.’

‘સરયુ, કેટલા વર્ષે મળ્યા ? ઓળખાણ પડીએ ?’

‘અરે, મનસુખ તું ? ન કેમ ઓળખું. જનમ જનમના સાથ નીભાવનારને જીવનના અંત સુધી મનમાં કંડારી રાખ્યો હોય તેને કેમ ભૂલાય ? પણ તું આ લોકોને ક્યાથી મળ્યો ? જરૂર આ ભાઈની ધગશને દાદ દેવી પડે.’

વાતાવરણ થોડું બોઝિલ બન્યું હોય તેવું લાગતા હું અને સંચાલક ત્યાંથી નીકળી ગયા. સંચાલકે કહ્યું કે ઉપરવાળો પણ ખરો ખેલાડી છે. ધારે તેને ભેગા કરી શકે છે અને ધારે તો જુદા.

મારે હવે આગળ કશું કરવાનું ન હતું એટલે સંચાલકની રજા લઇ નીકળી ગયો. જતાં પહેલા તેમણે મારો ફોન નંબર લીધો.

દસેક દિવસ પછી મને સંચાલકનો ફોન આવ્યો કે કાલે તમે અહીં આવો થોડું કામ છે. શું કામ છે પૂછ્યું તો કહે આવો ત્યારે જણાવીશ.

થોડીક ઉત્કંઠા સાથે હું બીજે દિવસે વૃદ્ધાશ્રમ પહોંચ્યો. જોયું તો તે ફૂલહારથી શણગારેલું હશે. લાગ્યું કે કોઈ સમારંભ હશે અને તે માટે મને બોલાવ્યો હશે. વધુ ણ વિચારતા હું સંચાલકને મળવા અંદર ગયો તો અંદર જાને લગ્નનો માહોલ હોય તેવું વાતાવરણ જણાયું.

‘કોઇના લગ્ન છે ?’

‘હા, અને તમે તેમાં ખાસ મહેમાન છો.’

‘હું અને ખાસ મહેમાન ?’

‘બે યુવાન દિલોને ભેગા કરવા તમે નિમિત્ત હો તો તમે ખાસ જ કહેવાઓને’ મરકતે મુખે મને કહ્યું.

‘કોણ બે યુવાન દિલો ? હું કાંઈ સમજ્યો નહીં.’

‘અરે ભાઈ, તમે પણ ભૂલી ગયા ? મનસુખભાઈ અને સરયુબેનને ?’

‘એમ થોડા ભૂલાય ? પણ તેનું શું ?’

‘આજે સાદાઈથી તેમના લગ્ન લેવાવાના છે જે બધા રહેવાસીઓએ મળીને ઉજવવા નક્કી કર્યું છે તો તેમને બંનેને એક કરનારને કેમ ભૂલાય ?’

‘ઓહ, આ તો બહુ સારા સમાચાર છે. આ પ્રસંગમાં સામેલ થવાનું મારૂં અહોભાગ્ય.’

તે જ વખતે નવદંપતી ત્યાં આવ્યા. મનસુખભાઈ મને ભેટીને બોલ્યા કે તમે તો દેવદૂત બનીને આવ્યા. સરયુબેને પણ વંદન કરી પોતાની ખુશી વ્યક્ત કરી.

‘ચાલો, હવે બે રૂમને બદલે એક રૂમનો ખર્ચો.’ વાતાવરણને હળવું બનાવવા મારાથી કહ્યા વગર ન રહેવાયું. હાજર સૌએ પણ તેમાં સાથ પુરાવ્યો.

૫૦ વર્ષના લાંબા ગાળાના પ્રેમસંબંધની સુવર્ણજયંતિ આમ ઉજવાઈ તે કોઈ અનન્ય બીના ગણાય, નહીં!’


Rate this content
Log in

Similar gujarati story from Romance