Niranjan Mehta

Romance

4.2  

Niranjan Mehta

Romance

વિરહવેદના

વિરહવેદના

3 mins
337


સખી સુલું,

આજે અનરાધાર વરસાદે તારી યાદ અપાવી અને અંતરમન પણ ભીંજાઈ ગયું.

તું હાજર નથી તેનો જે વસવસો છે તે આ વરસાદને કારણે તીવ્ર બની ગયો. તું કહેશે મન તો ચંચળ છે જે હાજર ન હોય તેને જ ઝંખે છે. સાચી વાત છે આ ઝંખના હું અનુભવું છું એટલે પરોક્ષ હોવાને કારણે આ પત્ર દ્વારા મારી લાગણીનાં પૂરને વહાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પત્ર તો તેની એક ધારા છે.

વરસની બધી ઋતુઓમાં વર્ષાઋતુ એક એવી ઋતુ છે જેમાં વરસાદ આવતા જ કવિની સુષુપ્ત કલ્પનાઓ અને લાગણીઓ જાગૃત થઈ જાય છે. આજે આ પત્ર લખતા કવિ હરીન્દ્ર દવેની બે પંક્તિઓ યાદ આવી ગઈ. સાથે સાથે તારી યાદ પણ ન આવે તો આપણો લાગણીસેતુ એટલો નબળો, બરાબરને ? 

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,

ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.

કોલેજકાળમાં લાઈબ્રેરીમાં સાથે બેસી કવિતાઓનો સ્વાદ માણ્યો હતો તે આસ્વાદ આપણે જીવનની ઘરેડમાં ક્યાંય ભૂલી ગયા છીએ. પણ આજે આ વરસાદે ફરી એકવાર તેની યાદ અપાવી..તે યાદે મનમાં નક્કી કર્યું છે કે હવે તું આવે ત્યારે રોજ નહીં પણ અઠવાડિયે એક વાર સાથે બેસી કાવ્ય પઠન કરશું. સાથ મળશેને ? 

પણ આજે તો તારી ગેરહાજરીને કારણે હૃદયમાં થતો ચચરાટ અકલ્પનીય બની ગયો છે અને ઉત્કટતાની સીમા પાર કરવાની તૈયારીમાં છે. હવે તું કહે તારા વિના કેમ ભીંજાઉ ? કોની સાથે બેસી કવિતા માણું ?

શું તું પણ ત્યાં આવી જ લાગણી અનુભવી રહી છે? હું માનું છું કે ચોક્કસ તેમ જ હશે કારણ ભલે આપણે એકબીજાથી દૂર છીએ પણ એકબીજાના મનને સારી રીતે સમજીએ છીએ અને તેથી તું પણ આ જ અનુભવ કરતી હશે તે વાત હું નિ:સંકોચ કહી રહ્યો છું. 

હમણાં જ વીજળી અને મેધગર્જના થઈ અને મને યાદ આવ્યું તારી સાથેનું પહેલું ચોમાસું. લગ્નને હજી વાર હતી પણ આપણે એકબીજાને મળતા હતા. આવા જ એક મિલનની સાંજે આવી જ વીજળી અને મેધગર્જના થઈ હતી અને તું મને વળગી પડી હતી. મારા માટે તો તે અનન્ય અનુભવ હતો. મન તો કહી રહ્યું હતું કે આ બધું સમાપ્ત ન થાય પણ કુદરત તેના નિયમ મુજબ જ ચાલે ન કે આપણી મરજી મુજબ. એટલે થોડી ક્ષણોમાં વાતાવરણ યથાવત થઈ ગયું અને તું મારાથી અળગી થઈ ગઈ. શરમ તારા મુખ પર પથરાયેલી હતી પણ તારા માટે આ એક આલ્હાદક અનુભવ રહ્યો હશે તેમ તારા હાવભાવ પરથી લાગ્યું. જો કે સ્ત્રી પ્રકૃતિ પ્રમાણે તું તે કબૂલ શેની કરે ? પણ મેં જોયું અને અનુભવ્યું કે તું પણ આ પળો અટકે નહીં તેમ ઈચ્છતી હતી, સાચું ને ?

તું પણ માનશે કે આજે આવા આર્દ્ર વાતાવરણમાં આવી પળો યાદ ન આવે તે શક્ય નથી. આવી યાદ તો વિરહ વેદનાને વધુ વણસાવે છે પણ મારા માટે તે વેદનાને ભોગવ્યા સિવાય કોઈ ચારો નથી. આ સમજવા છતાં તે વ્યક્ત કરવાની લાગણીને દબાવી નથી શકતો એટલે આ પત્ર લખીને થોડોક હલાવો થવા પ્રયત્ન કરી રહ્યો છું. પત્ર વાંચીને તું પણ, મારી લાગણીઓને, જેની તને જાણ છે, સમજી શકશે. 

અરે જો, બારી પર પારેવાનું યુગ્મ આવીને બેસી ગયું. વરસાદમાં ભીંજાઈ ગયા હોવાથી એકબીજાને હૂંફ આપવા ચાંચમાં ચાંચ પરોવી કેવું ઘૂટરગુ કરી રહ્યા છે. જાણે એકબીજા પ્રત્યે લાગણી વરસાવી ન રહ્યા હોય ! યાદ છે આપણે પણ એકવાર બાગમાં બેઠા હતા અને અચાનક વરસાદ આવી ગયો હતો ! છત્રી ન હતી એટલે એકબીજાને વળગીને દોડ્યા હતા અને એક ઝાડ નીચે આશરો લીધો હતો ? આજે તારી ગેરહાજરીમાં જ આ બધું યાદ આવે છે પણ ભૂતકાળને વાગોળવા સિવાય કશું કરાય તેમ નથી. 

હવે વધુ નથી લખતો, કારણ જો હું નહીં અટકું તો લાગણીનાં પ્રવાહમાં ક્યાંનો ક્યાં પહોંચી જઈશ નહીં પણ પત્ર વાંચતા વાંચતા કદાચ લાગણીસભર બનેલી તારી આંખોમાં આવેલા અશ્રુ તારી નજરને ધૂંધળી કરી નાંખશે અને તે અશ્રુઓ કાગળને પણ ભીંજવી દેશે. 

મારી જાતને ચાતક નથી ગણાવતો પણ હા, તારી રાહ તો ચોક્કસ જોઉં છું.

તારો જ.


Rate this content
Log in

Similar gujarati story from Romance