Niranjan Mehta

Romance

3.6  

Niranjan Mehta

Romance

સંબંધસેતુ

સંબંધસેતુ

13 mins
395


‘આ શું ?’ મંજરીએ મોકલેલ ફોટો જોઈને રોહિતથી એકદમ બોલાઈ ગયું.

રોહિત એક વ્યસ્ત ઉદ્યોગપતિ હતો. ધંધાને કારણે તેની દેશ વિદેશમાં આવનજાવન રહેતી. ક્યારેક અઠવાડિયું તો ક્યારેક દસ કે બાર દિવસ ઘર બહાર રહેવું પડતું. જો કે પોતાની પ્રાણપ્રિયા મંજરી સાથે તે દિવસમાં એક વાર ફોન કે વિડીઓ દ્વારા વાત કરી લેતો. આમ તેમની વચ્ચે સંબંધસેતુ બંધાઈ રહેતો.

રોહિત મંજરીને અત્યંત ચાહતો હતો. પ્રેમલગ્ન હતાં તે કારણ ખરૂં પણ તે સાથે સાથે આ તેના બીજા લગ્ન હતાં એટલે તે હવે ફરીવાર તેની જીવનસાથીને ગુમાવવા નહોતો માંગતો. આ જ કારણસર તે મંજરીના સતત સંપર્કમાં રહેતો અને પોતાની લાગણીને જીવંત રાખતો.

તેના પહેલા લગ્ન માબાપના કહેવાથી તો કર્યા હતાં પણ મનમેળ વગર. અંતે તે સંબંધ છૂટાછેડામાં પરિણમ્યો. ત્યારબાદ રોહિત કેટલોક સમય એકાકી જીવન જીવતો હતો. માબાપને પણ ગુમાવ્યા એટલે કામકાજમાં વ્યસ્ત રહીને તે સમય વ્યતિત કરતો પણ જીવનસંગિની વગર જાણે તે જીવનમાં અધૂરપ જ અનુભવી રહેતો.

ધંધાને કારણે અન્ય ઉદ્યોગપતિઓ તેને અવારનવાર પાર્ટીમાં આમંત્રિત કરતા. ક્યારેક તે આવી પાર્ટીઓમાં જતો, તો ક્યારેક જવાનું ટાળતો. આ તેના મૂડ પર આધારિત રહેતું. તો ક્યાંક ધંધાકીય સંબંધ કે વિકાસ માટે તે મનેકમને પણ જઈ ચડતો. આવી પાર્ટીઓ યોજનારની કેવી પહોંચ છે તે ઉપર પાર્ટીમાં આગંતુકોનો આધાર રહેતો. મોટા માથાના ઉદ્યોગપતિની પાર્ટીમાં આમંત્રણ મળવું તે એક અહોભાગ્ય ગણાતું અને રોહિત પણ જ્યારે આવું આમંત્રણ મળે ત્યારે જવાનું ચૂકતો નહીં કારણ તે બહાને તેના ધંધાનો તો વિકાસ થતો પણ નવા નવા સંબંધો પણ વિકસતા. કોઈક એવી હસ્તીની પાર્ટી પણ ખાસ રહેતી જ્યાં ઉદ્યોગપતિ સિવાય જાણીતી અભિનેત્રીઓ કે મોડેલો પણ હાજરી પૂરાવતી. આવી પાર્ટીઓ માટે લોકો આમંત્રણની જાણે રાહ જ જોતા ન હોય તેમ આમંત્રણ મળતા જ હાજર થઈ જતા જેથી એ બહાને અભિનેત્રીઓ કે મોડેલો સાથે પણ મિત્રતા કરવાની તક મળે.

જો કે રોહિત આ કારણસર આવી પાર્ટીઓમાં જતો તેમ તો ન જ કહેવાય પણ જ્યાં જ્યાં આવી અભિનેત્રીઓ કે મોડેલો આવી હોય ત્યાં ત્યાં કોઈ ને કોઈ તેને તેમની પાસે લઈ જઈ ઓળખાણ કરાવે. રોહિત પણ ઔપચારિકતા દાખવતો પણ કોઈ સાથે સંબંધ આગળ વધારવાની તેને ઈચ્છા ન થતી. કારણ, આવી મહિલાઓના જીવન વિષે તેની જે માન્યતા હતી તે તેને આમ કરવા મજબૂર કરતી.

આવી જ એક પાર્ટીમાં તેનો ભેટો મંજરી સાથે થયો. મંજરી એક જાણીતી મોડેલ હતી અને કેટલીયે જાહેરખબરોમાં તેનો ચહેરો ચમકતો. તેના ચહેરાવાળી જાહેરખબરો ન કેવળ પ્રિન્ટ મીડિયામાં દેખાતી પણ ટી.વી. પર પણ રજુ થતી. ટી.વી. પરની રંગીન જાહેરખબરો તેના ચહેરાને વધુ નિખારતી અને જાણે તે જોયા કરીએ તેવી લાગણી લોકો અનુભવતા. તેમાંય જ્યારે કોઈ જાહેરખબરમાં કંઈક અંશે દેહ પ્રદર્શન વધુ રહેતું ત્યારે તો એમ કહેવાતું કે જે માલ માટે તે જાહેરખબર બનાવાઈ છે તેના માલની ખપત વધી જતી. આ વાતમાં કેટલું તથ્ય છે તે સાબિત કરી શકાય કે કેમ એ એક પ્રશ્ન ઊભો રહેતો.

મંજરી પણ ક્યારેક જાહેરખબરોમાં આવી રીતે દેખા દેતી જે રોહિતની જાણમાં હતું. એટલે પ્રથમ મુલાકાતે તે તેની વધુ નિકટ ન આવ્યો. પણ ત્યાર પછીની એક પાર્ટીમાં રોહિતે મંજરીને જોઈ ત્યારે ન ધારવા છતાં તેણે તેની નજીક જવા પ્રયત્ન કર્યો. રોહિત પણ નવાઈ પામ્યો કે શું હું બદલાઈ ગયો ? પણ કુદરતની કરામત આગળ જેમ અન્યો લાચાર થઈ જાય છે તેમ રોહિતનું પણ થયું. મંજરી પણ સમજી ગઈ કે રોહિત નજીક આવવા પ્રયત્ન કરે છે. આ પહેલા તેણે રોહિત વિષે જાણકારી મેળવી હતી અને તેના ભૂતકાળની અને તેના સ્વભાવની તેને જાણ થઈ હતી. એટલે રોહિતના બદલાયેલા તેવર જોઈ તેને પણ થોડી નવાઈ લાગી.

આ બીજી મુલાકાત બાદ રોહિત પણ અવઢવમાં હતો કે તેને આ શું થઈ રહ્યું છે. અત્યાર સુધી પોતાના વિચારોમાં સ્ત્રીઓ પ્રત્યે અને ખાસ કરીને આવી અભિનેત્રીઓ અને મોડેલો પ્રત્યે જે અભિગમ હતો તે હવે મંજરી પ્રત્યે કેમ બદલાઈ રહ્યો છે ? જો કે આનો કોઈ જવાબ રોહિત પાસે ન હતો અને કોઈને પૂછી પણ ન શકાય કે મારામાં આમ કેમ બદલાવ થઈ રહ્યો છે.

એક બાજુ મન માનતું ન હતું આ નવીન અનુભૂતિ ને બીજી બાજુ તેને એક પ્રકારનો રોમાંચ પણ થતો હતો. પણ જેમ દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ તેમ તે પણ આ નવી અનુભૂતિથી સંભાળીને રહેવામાં માનતો હતો કારણ તેના પ્રથમ લગ્નનો કડવો અનુભવ.

આ અગાઉ રોહિતના લગ્ન સુજાતા સાથે થયા હતાં વિધિવત. તે કોઈ પ્રેમલગ્ન ન હતાં પણ બંનેના વડીલોએ તેમનો સંબંધ નક્કી કર્યો હતો. પરંતુ રોહિત પોતાના વ્યવસાયમાં જે રીતે વ્યસ્ત રહેતો હતો તેને કારણે તે સુજાતાની લાગણીઓ કે જરૂરિયાતોને સંતોષી ન શકતો. સ્વાભાવિક છે કે આને કારણે બંને વચ્ચે ચર્ચા પણ થતી રહેતી જે સમય જતા ઉગ્ર રૂપ પણ ધારણ કરતી.

એકબીજાના મનના ભાવ એવા ગંઠાઈ ગયા હતાં કે પતિ-પત્ની દેખાવ પૂરતા જ રહ્યા હતાં. જો કે બહારનાં વર્તુળોમાં કોઈને આની ગંધ પણ ન આવે તેટલી તકેદારી બંનેએ રાખી હતી. કોઈ પાર્ટીમાં કે કોઈને ત્યા પ્રસંગે સાથે જાય ત્યારે જાણે બંને એકબીજાને અત્યંત પ્રેમ કરે છે તેવો દેખાડો કરવામાં સફળ રહેતા. અરે ત્યાં સુધી કે મિત્રવર્તુળ તો તેમને આદર્શ યુગલ તરીકે જ ગણતું પણ હકીકત તો એ બે જણ જ જાણતા અને સમજતા હતા. 

પણ આવા કિસ્સાઓમાં બને છે તેમ આ ભારેલો અગ્નિ ક્યારેક તો ફાટી નીકળે તેમાં નવાઈ શું ?

રોહિત અવારનવાર ધંધાર્થે બહારગામ જાય અને ચાર-પાંચ દિવસે તો ક્યારેક સાત દિવસે પાછો આવે. તે દરમિયાન સુજાતાને એકલા રહેવું પડે. પણ હવે તે આ એકલતાથી કંટાળતા ઘર બહાર મિત્રવર્તુળમાં ભળવા લાગી. આવી એક પાર્ટીમાં તેનો ભેટો સાહિલ સાથે થઈ ગયો.

સાહિલ સુદ્રઢ બાંધાનો યુવાન. આવી પાર્ટીઓમાં તે છવાઈ જતો. આમેય તે હજી અપરણિત હતો એટલે સ્ત્રી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતો. તો સુજાતા પણ અન્ય મહિલાઓની સરખામણીમાં ઓછી સુંદર ન હતી. એટલે સાહિલ પણ બીજી મહિલાઓ કરતા તેના તરફ વધુ આકર્ષાયો હતો. તેને જાણ હતી કે સુજાતા પરણિત છે છતાં તેને આત્મવિશ્વાસ હતો કે એક દિવસ સુજાતા જરૂર તેની પાસે ખેંચાઈ આવશે. અને કુદરતે તેનું કાર્ય પાર પાડ્યું. સુજાતા અને સાહિલ એકબીજાની નજીક આવી ગયા અને વ્યવસાયમાં વ્યસ્ત રહેતા રોહિતની નજર બહાર મળવાનું શરૂ થયું. પરંતુ આ બધું ક્યા સુધી છૂપું રહે ? રોહિતને ઊડતી ઊડતી આ બંનેના સંબંધ વિષે જાણ તો થઈ પણ એકદમ તેના માનવામાં ન આવ્યું. પણ એક દિવસ તે બહારગામનું કામ પતાવી જણાવ્યાથી એક દિવસ વહેલો પાછો આવ્યો અને દરવાજે બેલ મારી પણ દરવાજો ન ખુલતા તેણે માન્યું કે સુજાતા બહાર ગઈ હશે એટલે પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલી દાખલ થયો. ફ્રેશ થવા તે બેડરૂમમાં ગયો તો અંદરનું દ્રશ્ય જોઈ તેને ચક્કર આવી ગયા. સુજાતા અને સાહિલ એકબીજાના ગાઢ આલિંગનમાં એવા ડૂબેલા હતાં કે તેઓને રોહિત અંદર આવ્યો તેની જાણ પણ ન થઈ.

‘સુજાતા, આ શું ચાલી રહ્યું છે ?’

જોરથી પૂછાયેલા આ સવાલે બેડ પર સુતેલા બંને એકદમ ચમક્યા અને સામે રોહિતને ઊભેલો જોઈ સાહિલ તો એકદમ ગભરાઈ ગયો અને ભાગવા લાગ્યો. પણ રોહિતે તેને પકડીને બે લાફા મારી દીધા. હજી આગળ તે કશું કરે તે પહેલા સાહિલ તેનો હાથ છોડાવી અધુરા વસ્ત્ર સાથે ત્યાંથી ભાગ્યો.

હવે રોહિતે સુજાતા તરફ જોયું. ભયની મારી તે થરથર કાંપતી હતી.

‘કેટલા વખતથી આ છાનગપતિયાં ચાલે છે ?’

‘રોહિત, તમે માનો છો એવું કાંઈ નથી. આ પહેલા અમે આવું કોઈ વર્તન નથી કર્યું. અમે તો મિત્ર તરીકે જ મળતા. પણ આજે અચાનક સાહિલ આવી ચઢ્યા અને તે થોડા નશામાં હતાં. વાત વાતમાં મારો હાથ પકડી મને આપણા બેડરૂમમાં લઈ આવ્યા. મેં મારી જાતને તેનાથી બચાવવા પ્રયત્ન કર્યા પણ એક સશક્ત બાંધાના પુરુષ આગળ એક અબળાનું શું ચાલે ? અંતે હું તેના હાથોથી જકડાઈ ગઈ અને તમે આવી ગયા.’

‘એમ, તું માને છે કે હું આ બધું માની લઈશ ? મને મારા મિત્રો તરફથી તમારા બે વિષે અછડતી જાણ કરાઈ હતી પણ મારા માન્યામાં ન આવતું. પણ આજે નજરોનજર જોયા બાદ હવે તને નફરત કરૂ છું તેમ કહું તો નફરત શબ્દનું અપમાન કર્યું એમ ગણાશે. હવે તો એક જ રસ્તો છે અને તે છે છૂટાછેડા.’

‘અરે પણ, હું ક્યાં જાઉં ? પિયરમાં હવે ભાઈ ભાભી જ છે અને ત્યાં મને લાંબો સમય આશરો મળશે તેની કોઈ ખાતરી નથી.’

‘કેમ સાહિલ છે ને ? કે તે પણ તારી સાથે મજા માણવા જ સંબંધ રાખતો હતો ? આમેય તે પરણેલો નથી તો તેને શું વાંધો હોય તારી સાથે લગ્ન કરીને તને રાખવાનો ?’

‘ના, તે શક્ય નથી.’

‘કેમ ?’

‘અત્યારે મારે તેની ચર્ચા નથી કરવી. બસ મને તમારી પાસે જ રહેવા દો.’

‘તે તો શક્ય નથી જ. તને એક અઠવાડિયાનો સમય આપું છું, તે દરમિયાન તું તારી જે વ્યવસ્થા કરવી હોય તે કરી લે અને આ ઘર ખાલી કર.’

અને આમ ત્યાર બાદ રોહિત ફરી એક વાર એકલો થઈ ગયો. સ્ત્રીઓ તરફની તેની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ અને તેમનાથી બને તેટલો દૂર રહેવાનો પ્રયાસ કરતો રહ્યો. આ માટે વ્યવસાયમાં ગળાડૂબ રહેવા સિવાય કોઈ ચારો નથી તેમ તેને લાગ્યું અને તે વધુને વધુ સમય ધંધામાં વ્યસ્ત રહેવા લાગ્યો.  

પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને તેની આગળ તે લાચાર બની ગયો હોય તેવું તેને લાગ્યું. જો કે તે કોઈ પણ પગલું એકદમ ભરવામાં નહોતો માનતો એટલે તેલ જુઓ તેલની ધાર જુઓ જેવો અભિગમ અપનાવવાનો જ હાલમાં સાચો માર્ગ છે તેમ રોહિતે માન્યું.

પાર્ટી સિવાય તો મળવાનું બને તેમ ન હતું પણ રોહિતની મનોદશા અને એકલતાનો મંજરીને અંદાજ હતો અને એટલે શરૂઆત તેણે જ કરી હતી. પ્રથમ ફોન પર વાત થતી જે સમય જતા રૂબરૂમાં મળવામાં પ્રવર્તિત થઈ ગયું. અને આમ બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. તેને લઈને બંને એકબીજાની એકલતા અને સ્વભાવને સમજી શક્યા. પરંતુ આગળ વધવાની કોઈમાં હિંમત ન હતી અને હાલમાં તે સંબંધ એક મિત્ર તરીકેનો બની રહ્યો.

લાંબા ગાળે મંજરીને લાગ્યું કે રોહિત તો આગળ નહિ વધે એટલે મારે જ પહેલ કરવી રહી. એટલે તેણે તેના જન્મદિવસે રોહિતને પોતાના ઘરે આમંત્રિત કર્યો. આમ તો રોહિત તેના ઘરે ક્યારેય ગયો ન હતો પણ આમંત્રણનું કારણ જાણ્યા બાદ ના ન કહી શક્યો. શું ભેટ આપવી તે માટે રોહિત મૂંઝવણમાં હતો. અંતે એક હીરાજડિત નેકલેસ પર પસંદગી ઉતારી.

થોડાક સંકોચ સાથે જ્યારે તે મંજરીને ઘરે પહોંચ્યો ત્યારે મંજરી જે રીતે તૈયાર થઈ હતી તે જોઈ એક ક્ષણ તો તેને માન્યામાં ન આવ્યું કે મંજરી આટલી સુંદર પણ હોય શકે.

‘તારી સુંદરતા આગળ મારી આ ભેટ તો ફિક્કી છે પણ તે સ્વીકારીશ તો મને અત્યંત આનંદ થશે.’ આમ કહી તેણે તે નેકલેસનું બોક્ષ મંજરીને આપ્યું. બોક્ષ ખોલીને જોયા બાદ મંજરીના મુખ પર રોમાંચના ભાવ જણાયા જે રોહિતની ધ્યાન બહાર ન હતું.

‘આ તો તમારે તમારા હાથે જ પહેરાવવો પડશે.’

કોઈ પ્રતિભાવ વગર અચકાઈને ઊભા રહેલા રોહિતનો હાથ પકડી મંજરીએ તેને પાસે ખેંચ્યો અને ઊંધા ફરી વાળ ઉપર લીધા જેથી નેકલેસ રોહિત પહેરાવી શકે. ધ્રુજતે હાથે રોહિતે નેકલેસ મંજરીના ગળામાં પહેરાવ્યો. હાર તો પહેરાવ્યો પણ તેને લઈને જે રોમાંચ થયો તે રોહિત માટે એક નવો અનુભવ હતો. તેને કારણે અચાનક જાત પર કાબુ ગુમાવી બેઠો અને મંજરીને બાહુપાશમાં જકડી લીધી.

મંજરી સમજી ગઈ કે મારે હવે કોઈ પહેલ કરવા જેવી નથી કારણ હવે રોહિત જ પોતાના મનોભાવ વ્યક્ત કરશે. તેના વિચારોને અનુરૂપ રોહિત બોલ્યો કે મંજરી શું આપણે બે એક થઈ શકીએ ? બોલ્યા પછી રોહિત પણ નવાઈ પામ્યો કે તેનામાં આમ કહેવાની હિંમત ક્યાંથી આવી ?

મંજરીએ કહ્યું, ‘મોડે મોડે પણ તમને હિંમત આવી. હું તો કેટલાય વખતથી તમારૂં વર્તન જોઈને રાહ જોતી હતી કે ક્યારે તમે આ વાત કરશો. ખેર, દેર આયે દુરસ્ત આયે એમ કહેવાય છે તે આજે અનુભવ્યું. મને ખબર હતી તમારા ભૂતકાળના લગ્નજીવનનાં કડવા અનુભવની એટલે કોઈ ઉતાવળ કરવી તે મુનાસીબ નથી સમજી હું પણ ચૂપ રહી હતી. મને આ સંબંધ મંજૂર છે. ફક્ત તમે..... ‘ આગળ ઉપર તે કશું બોલે તે પહેલા રોહિતના હોઠોએ તેના હોઠ પર મંજૂરીની મહોર મારી દીધી.

‘પણ મારી એક શરત છે.’ રોહિત બોલ્યો.

શું શરત છે તે જાણવા મંજરી થોડીક દૂર ખસી.

‘આજ પછી તારે કોઈ મોડેલિંગનું કામ ન કરવું. ફક્ત મારી અર્ધાંગીની બનીને રહેવું. તારી અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં મને વાંધો નથી અને તે તું ચાલુ રાખી શકે છે. બોલ, મંજૂર છે ?’

‘મંજૂર છે. મોડેલિંગ કોઈ શોખ નથી. આજ સુધી આજીવિકા માટે મારે તેમ કરવું પડ્યું અને તેને કારણે ઘણું અનુભવ્યું પણ છે અને ઘણું સહન પણ કર્યું છે. એટલે તમારી સાથે રહ્યા બાદ મને મોડેલિંગની કોઈ જરૂરિયાત જણાતી નથી. એટલે આ શરત ન મૂકી હોત તો પણ લગ્ન બાદ હું સ્વયં આ કામ છોડી દેવાની હતી.’

આમ ઘીના ઠામમાં ઘી પડી ગયું. બંને એકબીજાના મનને સારી રીતે સમજતા હતાં એટલે તેમનું લગ્નજીવન આનંદમય બની રહે તેમાં મિત્રવર્તુળને નવાઈ ન લાગી. ઉલટું તેઓ તો ખુશ હતાં કે રોહિત હવે સામાન્ય વ્યક્તિ બની ગયો છે અને બધા સાથે આનંદમાં સજોડે સમય ગાળે છે.

રોહિતને મંજરીને એટલી આદત પડી ગઈ હતી કે તે બને ત્યાં સુધી બહારગામ જવાનું ટાળતો. પણ ધીરે ધીરે મંજરીના સમજાવવાથી તે બહારગામ જવા લાગ્યો. પણ રોજ વિડિયો પર કે ફોન ઉપર વાતચીતનો દોર ચાલુ રહેતો.

આવી જ એક વાત દરમિયાન બે દિવસ ઉપર મંજરીએ રોહિતને વાત કરી કે આમ તો તેણે વર્ષોથી મોડેલિંગનું કામ છોડી દીધું છે પણ એક સંસ્થા જેની સાથે તે વર્ષોથી સંકળાયેલી છે તે સંસ્થા ફંડ ભેગું કરવા એક ફેશન શો કરવા ધારે છે અને મને ખાસ આગ્રહ કર્યો છે કે હું તેમાં ભાગ લઉં. મેં તો ના પાડી કે વર્ષોથી મેં આ કામ છોડી દીધું છે પણ તેમનો અતિ આગ્રહ હતો કે હું ભાગ લઉં જેથી શોમાં ચાર ચાંદ લાગી જાય. અંતે મેં કહ્યું કે મારા શ્રીમાન હા હશે તો હું ભાગ લઈશ. એટલે તમને પૂછ્યું.

જવાબમાં રોહિતે કહ્યું કે સારા કામ માટે જરૂર ભાગ લે પણ તારો આ મોડેલિંગનો ફોટો મને તરત મોકલ જેથી હું પણ મારી મંજરીના જુના અવતારને ફરી જોઈ શકું. એના ફળસ્વરૂપે આજે મંજરીએ ફોટો મોકલ્યો હતો અને તે જોઈ રોહિતથી ઉપરના ઉદ્ગાર નીકળી ગયા. શું મંજરી આપેલું વચન ભૂલી ગઈ ? એકવાર તો થયું કે ફોન કરી મંજરીનો ઉધડો લઈ લઉં કે આ કેવા પ્રકારનું મોડેલિંગ છે પણ પછી વિચાર્યું કે ફોન ઉપર આવી વાત કરવાથી કોઈ અર્થ નહિ સરે. આમેય સાંજે તે ઘરે પહોંચે છે ત્યારે જ રૂબરૂ વાતનું નિરાકરણ કરવું ઉચિત રહેશે.

ઘરે ગયા બાદ રોહિત કશું બોલ્યા વગર બેડરૂમમાં જતો રહ્યો. મંજરી પણ તેની પાછળ પાછળ ગઈ. મંજરીને નવાઈ લાગી કે જ્યારે પણ બહારગામથી રોહિત આવે ત્યારે ઘરમાં દાખલ થતા જ દરવાજે મને આલિંગન આપે અને આજે તેમ ન કરતાં સીધા બેડરૂમમાં જતા રહ્યા.

મંજરીએ બેડરૂમમાં જઈ તેને પાછળથી બાથમાં લીધો. પણ રોહિતે તેના હાથ છોડાવી દીધા. આથી મંજરીને નવાઈ લાગી અને પૂછ્યા વગર ન રહેવાયું.

‘કેમ આજે નારાજ છો ? શું પ્રવાસ અસફળ રહ્યો ?’

‘ના, કોઈ નારાજગી નથી.’

‘તમને હું સારી રીતે જાણું છું. આજનું તમારૂ વર્તન જ ચાડી ખાય છે કે કોઈ કારણસર તમે નારાજ છો. જો ધંધાકીય કારણ ન હોય તો શું કારણ છે તે જણાવશો ?’

‘હું તને કહીશ કે તેનું કારણ તું છે તો તને જરૂર ખોટું લાગશે.’

‘મેં જો કોઈ ખોટું કામ ન કર્યું હોય તો મને ખોટું લાગવાનો સવાલ જ નથી. તમે જે કહેવા માંગતા હો તે બિન્ધાસ્ત કહી શકો છો.’

‘મેં તને મોડેલિંગ માટે હા પાડી હતી પણ આવા પ્રકારના મોડેલિંગ માટે નહિ.’

‘કેવા પ્રકારના મોડેલિંગની વાત કરો છો ? મેં જે રીતે ભાગ લીધો છે તે મુજબ મને તો તેમાં કશું અજુગતું નથી લાગતું.’

‘હા, તને તો ન જ લાગે પણ મને તે નથી ગમ્યું.’

‘શું ન ગમ્યું ? તેમાં કોઈ બેહુદુ અંગ પ્રદર્શન જણાયું ? બલકે એક સન્નારીને શોભે તેવા પરિધાન મેં ધારણ કર્યા છે.’ 

‘તારા પરિધાન માટે મેં વાંધો નથી લીધો.’

‘તો ?’

‘મેં એન્ગેજમેંટ વખતે જે મોંઘી વીંટી તને આપી હતી તે તારા હાથમાં કેમ નહોતી દેખાતી ? તને ખબર છે કે મેં કેટલા પ્રેમથી તે તને ભેટ આપી હતી અને આપતી વખતે મેં કહ્યું હતું કે આને ક્યારેય દૂર ન કરતી. તે પણ મને તે મુજબનું વચન આપ્યું હતું. તો પણ તે મોડેલિંગ કરતી વખતે કાઢી નાખી ?’

‘બસ આ જ કારણ છે તમારૂં નાખુશીનું ? મને પણ ખબર છે કે તમે તે ભેટ માટે અતિ આગ્રહ રાખો છો છતાં ફેશન શોમાં કાઢી હતી તેનું કારણ જાણશો તો તમે પણ તે જાણીને ખુશ થશો.’

‘મને નથી લાગતું કે તારી પાસે કોઈ યોગ્ય કારણ હશે. તેમ છતાં કહે કે એવું શું કારણ હતું ?’

‘ફેશન શો લગ્ન પરિધાનના પ્રચાર માટે હતો જેમાં મારે એક અપરણિત કન્યાના વસ્ત્રો ધારણ કરી મોડેલિંગ કરવાનું હતું. ફોટો જોશો તો જણાશે કે જે પરિધાન મેં ધારણ કર્યા છે તે એક કોડીલી કન્યાના છે. હવે જેના લગ્ન ન થયા હોય તેવી કોડીલી કન્યાના હાથમાં આવી વીંટી શોભે ખરી ? આ વિચાર મને આવ્યો એટલે મારો વારો આવ્યો ત્યારે તે વીંટી કાઢીને મારા પર્સમાં મૂકી દીધી હતી. કાર્યક્રમ બાદ તે પાછી પહેરી લીધી હતી. જુઓ, આ શોભે મારી આંગળી પર.‘

હવે રોહિતે ધ્યાનથી ફોટો જોયો અને ત્યારે તેને સમજાઈ ગયું કે પહેલી વાર ફોટો જોઈને આવેલા વિચારો મુજબ ઉતાવળ કરી હોત અને કોઈ ન લેવા જેવો નિર્ણય લીધો હોત તો ? ઉતાવળ ન કરી તે સારૂં થયું.

‘મંજુ, સોરી. તે પહેલેથી કહ્યું હોત કે તું ક્યા પ્રકારનું મોડેલિંગ કરવાની છે તો હું માનસિક પરિતાપ અવગણી શક્યો હોત.’

‘માફ કરો, મને શું ખબર તમે આટલા સંવેદનશીલ હશો આ વીંટી માટે ?’

‘જો કે તારો પણ વાંક નથી, હું જ જરા વધુ લાગણીશીલ થઈ ગયો હતો. ખેર, સૌ સારૂ જેનો અંત સારો. પણ કદાચ ભવિષ્યમાં આવું કરવા મારી સંમતિ માંગે ત્યારે પહેલેથી જ જણાવી દેજે કે શાનું મોડેલિંગ કરવાની છે તો આવી પરિસ્થિતિમાંથી હું બચી જાઉં.’ પછી મંજરીને આલિંગન આપતા કહ્યું, ‘ચાલ, હવે એક કપ સરસ મજાની ચા અને કોઈ સારા નાસ્તાનો પ્રબંધ કર જેથી મૂડ બની જાય.’


Rate this content
Log in

Similar gujarati story from Romance