Niranjan Mehta

Crime

3.4  

Niranjan Mehta

Crime

પ્રિસ્ક્રીપ્શન

પ્રિસ્ક્રીપ્શન

9 mins
401


‘સુનંદાબેન, જાણવા મળ્યું છે કે તમારા પતિ લાપતા છે ?’ ગોરેગામ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાઠોડે સવાલ કર્યો.

‘હા, જી. બે દિવસ થયા તેમનો પત્તો નથી એટલે હું આજે જ પોલીસ સ્ટેશને આવીને તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવાની હતી. તમને તેની કોઈ જાણકારી મળી છે ?’

‘અમને એક લાશ મળી છે. તેને જોઈને જણાવશો કે તે લાશ તમારા પતિની છે કે કેમ.’

સુનંદા ઈન્સ્પે. સાથે હોસ્પિટલ પહોંચી જ્યાં એક લાશ પોસ્ટમોર્ટમ માટે લવાઈ હતી. લાશ જોઈને સુનંદાએ ના તો કહી પણ તેના હાવભાવ કશુંક જુદું જ જણાવતું હતું જે ઈ. રાઠોડની નજર બહાર ન હતું.

આગલે દિવસે સવારે ગોરેગામ પોલીસ સ્ટેશને ફોન દ્વારા કોઈએ જણાવ્યું કે આરે કોલોનીના અવાવરૂ સ્થળે એક લાશ પડી છે એટલે કોઈ આવીને તપાસ કરશે ?

થોડીવારે ઈ. રાઠોડ તેના સાથીદારો સાથે જે જગ્યાની માહિતી આપેલી ત્યાં પહોંચ્યા. તેમની નજર એક ૪૫-૪૭ વર્ષની ઉંમરના પુરુષની લાશ દેખાઈ. વધુ તપાસ કરતા જણાયું કે તેના શરીર પર ઘણા ઘાના નિશાન છે એટલે સમજાઈ ગયું કે આ કોઈ અદાવતને કારણે ખૂનનો મામલો છે. પણ કોઈ નિશાની વગર લાશની ઓળખાણ કેવી રીતે કરી શકાય ? જો કે મૃતકના દેહ પર લાલ અને સોનેરી રંગના ડાઘ જોવા મળ્યા. આવા ડાઘ સામન્ય રીતે મોતીકામ કરનાર ઉપર લાગેલા હોય છે તે પરથી ઈ. રાઠોડે અનુમાન કર્યું કે તે કોઈ મોતીકામની રિફાઈનરીમાં કામ કરતો હશે. ઈ. રાઠોડે આ વિષે વિચારતા પોતાની ટીમના બે જણને આ દ્રષ્ટિકોણથી તપાસ કરવા મોકલ્યા.

વધુ તપાસ કરતાં જ તેની નજર મૃતકના ખમીસના ખિસ્સામાં કોઈ એક કાગળ પર નજર પડી. કાગળ બહાર કાઢીને જોયું તો તે કોઈ ડોક્ટરનુ પ્રિસ્ક્રીપ્શન હતું. પણ તે અડધું ફાટેલું હતું જેના ઉપરના ભાગમાં કોણ ડોક્ટર છે તેનું નામ અને સરનામું દેખાતું હતું.

ઈ. રાઠોડ આપેલા સરનામે ડોક્ટરને મળ્યા.

‘બોલો સાહેબ, શું કામ પડ્યું ?’ દર્દીઓમાં વ્યસ્ત ડોકટરે પૂછ્યું.

ઈ. રાઠોડે તેમને તે ફાટેલું પ્રિસ્ક્રીપ્શન દેખાડ્યું અને પૂછ્યું કે આપને યાદ છે આ કોના માટે લખ્યું હતું ?

ડોકટરે કહ્યું કે હા, આ તેમનુ જ પ્રિસ્ક્રીપ્શન પેપર છે પણ કોને લખી આપ્યું હતું તે યાદ નથી. નિરાશ થઈ ઈ. રાઠોડ જવાના હતાં ત્યાં જ બહાર બેઠેલી એક મહિલાએ જેણે આ વાત સાંભળી હતી તેણે કહ્યું કે તેના મહોલ્લામાં એક મહિલા તેના ગુમ થયેલા પતિની શોધમાં છે.

‘મને તે મહિલાની માહિતી આપશો ?’

નામ અને ઠેકાણું મેળવી ઈ. રાઠોડ આપેલા ઠેકાણે ગયા જ્યાં તેમનો ભેટો સુનંદા સાથે થયો.

xxxx.

ઈ. રાઠોડને સુનંદાએ લાશને ઓળખવાની ના પાડી હતી તો પણ ઈ. રાઠોડને લાગ્યું કે તે સાચું નથી કહી રહી કારણ તેના હાવભાવ પરથી લાગ્યું હતું કે તે કશુંક છુપાવી રહી છે. એટલે તેની જાણ બહાર તેના પુત્રને પોલીસ સ્ટેશને બોલાવ્યો.

‘શું નામ તારૂં ?’

‘જી, રાઘવ. મને કેમ બોલાવ્યો છે ?’

‘તારી માનું નામ સુનંદા છે ?’

‘હા, કેમ ?’

‘મને જાણવા મળ્યું છે કે તારા પિતાના ગુમ થયા બાબત તે ચિંતામાં છે. તારૂં આ વિષે શું માનવું છે ? તમારામાંથી કોઈએ હજી સુધી તેના ગુમ થયાની ફરિયાદ પણ નથી કરી તો બાબત શું છે ?’

‘મારી માએ મને કહ્યું હતું કે તે ફરિયાદ કરવાની છે એટલે હું તેની રાહ જોતો હતો.’

‘અમને એક લાશ મળી છે જેની કોઈ ઓળખાણ થઈ શકી નથી. તે તારા પિતાની છે કે કેમ તે ઓળખ માટે તારી જરૂર છે.’

સુનંદાએ લાશ જોઈને તે તેના પતિની નથી એમ કહ્યું હતું તે વાત રાઘવને ન જણાવતા ઈ. રાઠોડ તેને શબઘરમાં લઈ ગયા.

શબઘરમાં લાશને જોઈને રાઘવ ભાંગી પડયો અને કહ્યું કે હા, આ મારા પિતા મહાદેવ જ છે. તેણે કહ્યું કે લાશના મોં પર જે જુના ઘાના નિશાન છે અને તેમણે જે માદળિયું પહેર્યું છે તે પરથી હું તેમને ઓળખી શકયો છું.

મારી ધારણા સાચી હતી કે સુનંદાએ જાણીજોઈને લાશની ઓળખાણ છુપાવી છે એમ વિચારી ઈ. રાઠોડે રાઘવ પાસે તેના પિતાની બધી વિગતો મેળવી જેવી કે તેની ઉંમર, તે ક્યાં કામ કરતા હતાં, કુટુંબની અન્ય વ્યક્તિઓ વગેરે.

રાઘવે જણાવ્યું કે તેના પિતા એક ઝવેરીને ત્યાં મોતીકામ કરતાં હતાં. ત્યારબાદ તે ઝવેરીનું નામ અને સરનામું આપ્યું.

ઈ. રાઠોડે આપેલા સરનામે પોતાના બે હવાલદારને જવા કહ્યું અને ત્યાં જઈ મહાદેવને લગતી બને તેટલી માહિતી મેળવવા કહ્યું. ત્યાર પછી તે અન્ય કામમાં વ્યસ્ત હતાં ત્યાં જ પોલીસ સ્ટેશનના એક હવાલદારે આવીને કહ્યું કે કોઈ કેશવ નામની વ્યક્તિ તેમને એક ખૂન કેસ બાબત વાત કરવા માંગે છે. કયો કેસ એમ પૂછતા હવાલદારે કહ્યું કે તેની તેણે કોઈ વિગત નથી આપી.

‘ઠીક છે, બોલાવ તેને.’

આવેલા ઈસમને બેસવાનું કહી ઈ. રાઠોડે એક બે ફાઈલ ઉથલાવી સમય પસાર કર્યો સાથે સાથે આવેલાનો આડી નજરે ક્યાસ કાઢવા પ્રયત્ન કર્યો કે તે ક્યા પ્રકારનો ઈસમ લાગે છે. પહેલી નજરે તેને તે સીધા પ્રકારનો ન લાગ્યો પણ જે હશે તે જણાશે માની પૂછ્યું, ‘બોલો, કઈ બાબતમાં વાત કરવી છે ?;

‘જી, મારૂં નામ કેશવ શિંદે છે. તમે કાલે આરે કોલોનીમાંથી મળેલી એક લાશની તપાસ કરી રહ્યા છો તેમ જાણ્યું એટલે તે બાબત થોડીક જાણકારી આપવી છે.’

‘જે જાણતા હો તે બધું વિગતવાર જણાવો. જો અમને તે માહિતી કામમાં આવશે તો તમે પોલીસને મદદ કરી તે બદલ આભાર માની લઉં છું.’

‘હું બે દિવસ પર આરે કોલોનીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં ત્રણ જણને કોઈ વ્યક્તિને મારતા જોયું હતું.’

‘તો તમે તેની મદદે ન ગયા ?’

‘સાહેબ, પેલા ત્રણ આગળ હું એકલો શું કરવાનો ? આજુબાજુ અન્ય કોઈ પણ દેખાયું નહીં કારણ તે એક અવાવરૂ જગ્યા હતી એટલે હું ગુપચુપ ત્યાંથી જતો રહ્યો.’

‘તમને શા પરથી લાગ્યું કે તમે જોયેલી મારપીટને અને આ ખૂનને સંબંધ છે ?’

‘સાહેબ, અખબારમાં વાંચ્યું કે આરે કોલોનીમાં એક અજાણી વ્યક્તિની લાશ મળી છે અને પોલીસ તેની ઓળખ કરી નથી શકતી. મને બહુ વિગતોની જાણ નથી તેમ છતાં લાગ્યું કે કદાચ મેં જે જોયું છે તેને અને આ લાશને કોઈ સંબંધ તો નથી ? એટલે હું તમને મળવા આવ્યો.’

‘તમેં જે જોયું તેની વિગતો આપશો ? જેના પર હુમલો થયો હતો તેને તમે ઓળખો છો ?’

‘ના સાહેબ, મને તે કોણ છે તેની જાણ નથી.’

‘સારૂં, આગળ જણાવો.’

‘હું ત્યાં બહુ વાર નહોતો રોકાયો પણ બે એક મિનિટમાં મેં જોયું તે પ્રમાણે પેલી ત્રણ વ્યક્તિઓ કોઈ ઈસમને લાકડીથી મારતા હતાં. સાથે સાથે ગડદાપાટુ પણ કરતા હતાં. બસ, ત્યાર પછી હું ત્યાંથી નીકળી ગયો.’

‘તમને તે ત્રણનાં ચહેરા યાદ છે ?

‘થોડું ઘણું.’

‘સરસ.’ કહી હવાલદારને બોલાવી કેશવને સ્કેચ બનાવવા આર્ટીસ્ટ પાસે લઈ જવાં કહ્યું.

આ બાજુ ઈ. રાઠોડની એક ટીમ આગળ તપાસ કરી રહી હતી ત્યારે તેમને મહાદેવનો મોબાઈલ હાથમાં આવ્યો. તેમાંના છેલ્લા કેટલાક દિવસના કોલની વિગતો જોતા તેમને ત્રણ નંબર જોવા મળ્યા જેના પર ઘટના પહેલાના છેલ્લા ચાર પાંચ દિવસમાં તે નંબર પર અવારનવાર વાત થઈ હતી. ફોન કંપનીમાં તે ત્રણ નંબરની તપાસ કરતા જાણવા મળ્યું કે તે ત્રણ વ્યક્તિઓના નામ હતા રાજેશ પાટીલ, મુકુન્દ સોનાવણે અને કેશવ શિંદે. આ વિગતો ઈ. રાઠોડને આપતા તે ચમક્યા. શું મળવા આવેલ કેશવ શિંદે અને ફોનમાં મળેલી વિગતોવાળી વ્યક્તિ એક જ છે ? આ માટે તેને બોલાવવો જરૂરી છે માની તેણે કેશવને ફોન કર્યો.

‘કેશવ, મને ફરી એકવાર તે જોયેલ ઘટનાની વિગતો કહેશે ?’

થોડુક અચકાઈને કેશવે કઈ રીતે પેલા લોકોએ ઈસમને માર્યો હતો તે જણાવ્યું. આ વખતે તેના બયાનમાં આગલા બયાનથી વિપરીત વાત હતી. વળી તેણે કહેલી વિગતો પોસ્ટમોર્ટમનાં રિપોર્ટથી જુદી જ હતી. તે રિપોર્ટ મુજબ મહાદેવને પહેલા ગડદાપાટુ કર્યા બાદ કોઈ અણીદાર વસ્તુથી ફટકાર્યો હતો અને છેલ્લે કેબલ વાયર વડે ગળે ફાંસો દીધો હતો જેને કારણે મહાદેવનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કેશવે આવા કોઈ હથિયારનો કે વાયરનો ઉલ્લેખ કર્યો ન હતો. 

ઈ. રાઠોડે ફરી એકવાર બધી વિગતો ઊંડાણથી તપાસી અને પછી ટીમને કેશવ સિવાયના અન્ય બે નંબરવાળી વ્યક્તિઓ, રાજેશ પાટિલ અને મુકુન્દ સોનાવણેની તપાસ કરવા કહ્યું.

ફોન કંપની પાસેથી મળેળા સરનામે તપાસ કરતાં જાણ્યું કે તે બંને ત્રણેક દિવસથી દેખાયા નથી. તેઓ ક્યા કામ કરે છે તેનું નામ અને સરનામું આજુબાજુના લોકો પાસેથી મેળવી તે માહિતી ઈન્સ્પે.ને આપી.

કેશવને વધુ પૂછતાછ કરવી જરૂરી છે માની ફરીવાર તેને પોલીસ સ્ટેશને બોલાવ્યો.

‘તું ક્યાં કામ કરે છે ?’

જે જવાબ અપાયો તે નામ અને ઠેકાણું રાજેશ પાટીલ અને મુકુંદ સોનાવણે કામ કરતાં હતાં તે જ હતું.

‘તો તો તું રાજેશ પાટીલ અને મુકુંદ સોનાવણેને ઓળખાતો હશે ?’

આ બે નામ સાંભળી કેશવ ચમક્યો.

‘કોણ રાજેશ પાટીલ અને મુકુંદ સોનાવણે ?’

‘તે બંને પણ તું જ્યાં કામ કરે છે ત્યાં જ કામ કરે છે. અમને બધી માહિતી મળી છે અને એ પણ જાણવા મળ્યું છે કે મરનારનું નામ મહાદેવ પાતી છે અને એ પણ તમારી સાથે કામ કરતો હતો. એક કામ કરીએ. આપણે ત્યાં જઈએ અને રાજેશ પાટીલ અને મુકુંદ સોનાવણેને મળીએ. તેમની પાસેથી મહાદેવ વિષે જરૂર કોઈ વિગત મળશે.’

જ્યારે કેશવના કાર્યસ્થળે ગયા ત્યારે તેના માલિક પાસેથી જાણવા મળ્યું કે ન કેવળ મહાદેવ પણ રાજેશ પાટીલ અને મુકુંદ સોનાવણે પણ છેલ્લા ત્રણેક દિવસથી કામ પર નથી આવ્યા. જ્યારે માલિકને મહાદેવની હત્યા થઈ છે એમ જણાવ્યું ત્યારે તેને નવાઈ લાગી કારણ મહાદેવ બહુ સીધો હતો અને કોઈ સાથે અદાવત ન હતી. હકીકતમાં તે કેશવ શિંદે, રાજેશ પાટીલ અને મુકુંદ સોનાવણે સાથે સારા સંબંધ ધરાવતો હતો.

‘સાહેબ, કોણ કેવો છે તેની જાણ જ્યારે હકીકત બહાર આવે ત્યારે જ ખબર પડે કે તેનું વ્યક્તિત્વ કેવું છે.’ આટલું કહી ઈન્સ્પે. રાઠોડ કેશવને લઈ પોલીસ સ્ટેશને લઈ પાછા ગયા.

‘બોલ કેશવ, તું તો કહેતો હતો કે તને રાજેશ પાટીલ અને મુકુંદ સોનાવણે કે મરનારની ઓળખ નથી અને તે બધા તો તારી સાથે કામે કરતાં હતાં. તેનો અર્થ એ થયો કે તું કોઈ વાત છુપાવે છે અને અત્યાર સુધી મને જે વાત કરી તે ગેરમાર્ગે દોરનાર છે. હવે તું બધું સાચેસાચું કહે છે કે મારી રીતે વાત કઢાવું ? એ ભૂલતો નહીં કે લાશ પરથી મેળવેલ આંગળીના નિશાન જો તારી આંગળીના નિશાન સાથે મળશે તો તારી પાસે કોઈ રસ્તો નથી. તેમ કરવા કરતાં તું જ કહી નાખ એટલે વાતનો નિવેડો આવે.

કેશવને સમજાઈ ગયું કે આમને વાતની ગંધ આવી ગઈ છે. કબૂલ કરાવવા કોઈ પણ પ્રકારના તે પગલાં લઈ શકે છે અને હવે ખુલાસો કરવો રહ્યો માની તેણે વાત શરૂ કરી.

‘હા, અમે ત્રણેય મળીને આ હત્યા કરી છે અને આ હત્યામાં હું પણ ન છુટકે સંડોવાયેલો છું. અમે બધા સાથે કામ કરતાં હતાં. અમારી વચ્ચે દોસ્તી થઈ હતી અને તેને કારણે અમે મહાદેવને ઘરે પણ જતાં. ખબર નહીં ક્યારે પણ રાજેશ મહાદેવની પત્નીની નજીક આવી ગયો. આ વાતની મહાદેવને જાણ થઈ અને એક દિવસ બોલાચાલીમાં મહાદેવે રાજેશને એક લાફો મારી દીધો.

‘આ વાતે રાજેશને કેટલાક વખતથી ખુન્નસ હતું એટલે તે તેનો બદલો લેવાનો વિચાર કરતો હતો. તેમાં મુકુંદે પણ તેને ચઢાવ્યો. અમને ઘણીવાર સાથે બેસી દારૂ પીવાની ટેવ એટલે તે દિવસે મહાદેવને આરે કોલોનીમાં દારૂ પીવાના બહાને બોલાવ્યો. જેમ જેમ પેગ ચઢાવ્યા તેમ તેમ રાજેશ અને મહાદેવ વચ્ચે બોલાચાલી વધતી ગઈ અને તેઓ બંને હાથાપાઈ પર આવી ગયા. રાજેશને છોડાવવા હું અને મુકુંદ વચ્ચે પડ્યા પણ મહાદેવની પકડ મજબૂત હોવાથી રાજેશે બાજુમાં પડેલ પાઈપથી તેને મારતો ગયો. તેને કોઈ ભાન ન હતું કે તે શું કરી રહ્યો છે.’

‘પણ અમને તો કોઈ પાઈપ તે જગ્યાએ મળી ન હતી.’

‘જ્યારે અમને સમજાયું કે મહાદેવનો જીવ જતો રહ્યો છે ત્યારે અમે ગભરાઈ ગયા અને તેને ત્યાં જ મૂકી પાઈપ સાથે ભાગી ગયા. પછી કેટલેક દૂર જઈ તે ફેંકી દીધી.’

‘ક્યા ફેંકી છે તે તું બતાવી શકીશ ?’

‘હા, જરૂર, કારણ મને તે જગ્યા બરાબર યાદ છે.’

‘તો તું અત્યાર સુધી પોલીસને ખોટી માહિતી આપી ગુમરાહ કરી રહ્યો હતો, કેમ ?’

‘કારણ તેથી મારા મિત્રોને તેમના ગામ ભાગી જવાનો સમય મળે.’

‘હવે તેઓ કયા ગામે છે તે જણાવશે કે અમે અમારી રીતે તેમને શોધી લઈએ.’

‘હવે તો મારે સાથ આપવો રહ્યો. તેઓ જલગાંવ ભાગી ગયા છે.’

‘તેમનું સરનામું છે ? તેમના ફોન નંબર પણ આપ.’

જોઈતી વિગતો મેળવી ઈ. રાઠોડે તેમના ગામ જઈ તે બંનેની ધરપકડ કરી. સાથે સાથે સુનંદાને પણ ગિરફ્તાર કરી પોલીસને ગેરમાર્ગે દોરવા.


Rate this content
Log in

Similar gujarati story from Crime