Niranjan Mehta

Inspirational

4.7  

Niranjan Mehta

Inspirational

અજબ પ્રેમની ગજબ કહાણી

અજબ પ્રેમની ગજબ કહાણી

6 mins
656


(સત્યઘટના પર આધારિત, યોગ્ય ફેરફાર સાથે)

કેનેડા રહેતા ગિરા અને મનોજ (નામ બદલ્યા છે) ૨૦૧૮મા એક મિત્રને ત્યાં સંપર્કમાં આવ્યા અને ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. આવા કિસ્સામાં થાય છે તેમ અંતે ૨૦૨૦મા તેમનો સંબંધ લગ્નમાં પરિણમ્યો.

નવયુગલ પોતાની નવી જિંદગી અને નવા સહવાસને માણી રહ્યા હતા ત્યાં જ ચાર મહિના બાદ મનોજના પિતા, જે વડોદરા રહેતા હતા, તેમને હૃદયની તકલીફ થઈ જેને કારણે મનોજ અને ગિરા વડોદરા આવી ગયા.

મનોજે પિતાની યોગ્ય સારવાર કરી અને સફળ ઓપરેશન બાદ તે કેનેડા પાછા જવાનું વિચારી રહ્યા હતા તે જ વખતે મનોજ કોરોનાની ઝપટમાં આવી ગયો. સારવારને કારણે તે સ્વસ્થ થાય તે પહેલા મેં ૨૦૨૧મા કોરોનાએ ફરી ઉથલો માર્યો અને તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કર્યો.

ધીરે ધીરે મનોજની તબિયત લથડવા લાગી. તેના બંને ફેફસામાં અસર થતા તેને એકમો (ECMO)નો સપોર્ટ આપવામાં આવ્યો. પણ ડોક્ટરોએ તેનાં વધુ જીવવાની આશા છોડી દીધી હતી અને તે મુજબ મનોજની પત્નીને પણ જણાવ્યું હતું. પણ આશા અમર છે માની તે હોસ્પિટલમાં બેસી રહેતી.

પણ એક દિવસ તેને વિચાર આવ્યો કે શું હું મનોજની સ્મૃતિ સાચવી ના શકું ? શું હું તેના વંશને ઉછેરીને તેની યાદ કાયમ ન કરી શકું ? તેને IVF પદ્ધતિની જાણ હતી અને ભારતમાં પણ તે સારી રીતે વિકસી છે તો શા માટે હું મનોજનું વિર્ય મેળવીને મારી આ મુરાદ પાર ન પાડું ? આ વિચાર બાદ તે મનોજની સારવાર કરતા ડોક્ટર પાસે ગઈ અને પોતાની ઈચ્છા દર્શાવી.

‘ગિરાબેન, તમારી લાગણી હું સમજુ છું પણ આ બાબતમાં અમે લાચાર છીએ કારણ આ પદ્ધતિ માટે પતિ પત્ની બંનેની મંજૂરીની જરૂર છે અને મનોજભાઈ સંમતી આપવાની સ્થિતિમાં નથી તે તમે જાણો છો એટલે અમે કાયદા વિરુદ્ધ ન જઈ શકીએ.’

બીજે દિવસે ગિરાએ ફરી એકવાર ડોક્ટરને વિનંતી કરી કે માનવતાને ખાતર અને એક સ્ત્રીની લાગણીને સમજીને જો તેઓ કોઈ મદદ કરે તો તે તેમની અત્યંત આભારી રહેશે. પણ ડોકટરે ફરી વાર પોતાની લાચારી દર્શાવી.

‘ડોક્ટરસાહેબ, આ માટે કોઈ રસ્તો હશેને ? તમે જાણતા હો તો જણાવો જેથી મને આગળ શું કરવું તે સમજાય.’

‘ગિરાબેન, તમારી સાથે કાલે વાત થયા પછી મેં આ બાબત મારી ટીમ સાથે ચર્ચા કરી ત્યારે બધા મારા મત સાથે સહમત હતા. તેમ છતાં મેં વ્યવસ્થા વિભાગમાં પણ તપાસ કરી. ત્યાંથી જાણવા મળ્યું કે જો ઉચ્ચ ન્યાયાલય આ માટે મંજૂરી આપે તો અમે આ બાબત પર આગળ પગલું લઈ શકીએ.’

‘થેંક યુ, ડોકટરસાહેબ. પણ મનોજની આવરદા કેટલા દિવસ ?’ કઠોર મને ગિરાએ પૂછ્યું.

‘જુઓ, આ બાબત માટે કોઈ નિશ્ચિત કહેવાય નહીં એટલે તમે જેટલા જલદી આગળ વધશો તો સારૂં.’

તરત જ ગિરા પોતાના ઓળખાણવાળા એડવોકેટ રાજેશભાઈને મળી અને પોતાની મનોવ્યથા જણાવી.

‘ગિરા, આ એક બહુ મુશ્કેલ વાત લાગે છે કારણ હોસ્પિટલનાં ડોકટરે કહ્યું તે કાયદા મુજબ યોગ્ય છે.’

‘પણ એક વાર પ્રયત્ન કરવામાં શું વાંધો છે ? જો આપણે સફળ થયા તો મારી જિંદગીમાં નવો વળાંક આવશે. બાકી તો મારે જે રીતે જીવવાનું છે તે તો મારા કપાળે લખાઈ ગયું છે.’

‘ગિરા, મારા જાણમાં આવા પ્રકારની વાત આવી નથી એટલે કોર્ટનું કેવું વલણ હશે તે મને ખબર નથી. પણ તને હું ઓળખું છું એટલે ના નથી કહી શકતો. તારી ઈચ્છાને સમજીને હું પ્રયત્ન જરૂર કરીશ પણ આજે રવિવાર છે એટલે કાલે હું જાતે અમદાવાદ જઈ ઉચ્ચ ન્યાયાલયમાં તારી વિનવણી રજૂ કરીશ. ભગવાનને પ્રાર્થના કરતી રહે કે તે તારી વિનંતી સાંભળે.’ 

----------------

૨૦મી જુલાઈની સવારે ઉઘડતી કોર્ટે એડ. રાજેશભાઈ મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં હાજર થયા અને તેમની અને અન્ય ન્યાયાધીશની બનેલી ખંડપીઠ આગળ પોતાની રજૂઆત કરી.

‘જજ સાહેબ, મારા અસીલ શ્રીમતી ગિરા પટેલની આ તાકીદની અરજી સાંભળવા આપને નમ્ર વિનંતી છે.’

‘જુઓ રાજેશભાઈ, આ કોરોના કાળમાં તમે જાણો છો કે કોર્ટનું સામાન્ય કામકાજ બહુ ધીમી ગતિએ ચાલે છે એટલે બધા એમ જ કહે છે કે કેસ બહુ અગત્યનો છે અને તાકીદે તે સાંભળી નિકાલ કરો. એટલે તમે કહો તો છો કે તાકીદની વાત છે પણ તે તાકીદની છે કે કેમ તે અમે નક્કી કરશું.’ સાથે બેઠેલા અન્ય ન્યાયાધીશ વતી મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું.

‘જી સાહેબ. આપ તે સાંભળશો તો આપ પણ કહેશો કે આવી વાત કે ઘટના કે વિનંતી આ પહેલા જાણી નથી કે સાંભળી નથી.’

‘વિગતો આપશો ?’

‘મારા અસીલ આમ તો કેનેડા રહે છે. ત્યાં રહેતા શ્રી મનોજ પટેલ સાથે ઓળખાણ થઈ અને મોટા ભાગના કિસ્સામાં બને છે તેમ તે બંનેનાં મન એકબીજા સાથે મળી ગયા અને ગયા વર્ષે કેનેડામાં જ લગ્ન કરી લીધા.’

‘તો હવે મનમેળ ન રહ્યો અને છૂટા થવા માંગે છે ? તે માટે તેમણે કેનેડાના નિયમોને અનુસરવું જોઈએ.’

‘નાં એ વાત નથી. વાત એમ છે કે શ્રી મનોજ પટેલના પિતા વડોદરા રહે છે અને તેમના પરિવારમાં તે એકલા છે. તેમને આ વર્ષે ફેબ્રુઆરીમાં હૃદયરોગનો હુમલો આવ્યો. આની જાણ થતા શ્રી મનોજ પટેલ તેમના પત્ની શ્રીમતી ગિરા પટેલ સાથે તાબડતોબ વડોદરા આવી ગયા અને પિતાની તનતોડ સેવા કરી અને જરૂરી ઓપરેશન બાદ તે સાજા પણ થયા. પરંતુ હોસ્પિટલની દોડાદોડમાં કોઈપણ કારણસર શ્રી મનોજ પટેલ કોરોનાગ્રસ્ત થયા. શરૂઆતમાં તો ઠીક રહ્યું પણ ધીરે ધીરે પરિસ્થિતિ વણસવા લાગી. બંને ફેફસામાં કોરોના ફેલાઈ ગયો અને તેમને એકમો (ecmo) સપોર્ટ પર મૂકવા પડ્યા. અત્યારે તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે.’

‘શું હોસ્પિટલ તેમની યોગ્ય સારવાર નથી કરતી કે ઓક્સિજનની સમસ્યા છે તે માટે તમે આવ્યા છો ?’

‘ના જી, એવી કોઈ સમસ્યા નથી. સમસ્યા જુદી જ છે. તેમના સ્વાસ્થ્ય માટે બનતા પ્રયત્નો થઈ રહ્યા છે અને તેમની પત્ની પણ રાતદિવસ તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. પણ ડોક્ટરોએ આશા છોડી દીધી છે ત્યારે શ્રીમતિ ગિરાને પોતાના પ્રેમની નિશાની માટે તીવ્ર ઈચ્છા છે. તે તેના પતિના અંશને જન્મ આપવા ઈચ્છે છે અને તે માટે તેમણે છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલના ડોકટરોને શ્રી મનોજ પટેલનું વિર્ય મેળવી આપવા વિનંતી કરી છે. પરંતુ ડોક્ટરોએ પણ કાયદાના નિયમો પ્રમાણે પોતાની લાચારી દર્શાવી કારણ આ માટે પતિ પત્ની બંનેની સંમતિની જરૂર છે જે હાલની પરિસ્થિતિમાં શક્ય નથી. ડોકટરે જણાવ્યું હા જો ઉચ્ચ ન્યાયાલય આ માટે મંજૂરી આપે તો તેઓ તે બાબત આગળ પગલાં લઈ શકે. જો વિર્ય પ્રાપ્ત થાય તો IVF પદ્ધતિ દ્વારા શ્રીમતી ગિરા પટેલ માતૃત્વ પ્રાપ્ત કરી શકે. શ્રી મનોજ પટેલ કેટલા કલાકના મહેમાન છે તે કહી શકાય તેમ નથી એટલે આપની પાસે આ તાકીદની અરજી મૂકી છે.’

આ સાંભળી મુખ્ય ન્યાયાધીશ આશ્ચર્યચકિત થઈ ગયા. શું અમે જે સાંભળ્યું છે તે સાચું છે કે અમારી સાંભળવામાં ભૂલ થઈ છે તેમ વિચારી થોડીવાર માટે એડવોકેટ સામે જોઈ રહ્યા. કોર્ટમાં હાજર અન્યો પણ સ્તબ્ધ થઈ ગયા કે આ ક્યા પ્રકારની સુનાવણી માટે અરજી કરાઈ છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘આ કેવી માગણી લઈને તમે આવ્યા છો ? અમે શું કરીએ ? એક કામ કરો. તમે રોસ્ટર પ્રમાણે ચાલતી અન્ય કોર્ટમાં જઈ આ તાકીદની સુનવણી રજૂ કરો.’

બપોરે રીસેસ પછી એડ. રાજેશ પોતાની અરજી લઈને રોસ્ટર પ્રમાણે અન્ય કોર્ટમાં ગયા અને ત્યાના ન્યાયાધીશને ઉપર પ્રમાણેની બધી વિગતો કહ્યા પછી કહ્યું કે શ્રી મનોજની તબિયત એટલી કથળી ગઈ છે કે જો બાર કલાકમાં આ પ્રક્રિયા કરવામાં નહીં આવે તો તેનો કોઈ અર્થ નહીં રહે.’

ન્યાયાસન પર બેઠેલા ન્યાયાધીશે પણ વાત સાંભળ્યા બાદ આશ્ચર્ય વ્યક્ત કર્યું. આવો કોઈ કિસ્સો તેમણે પણ નહોતો સાંભળ્યો કે અનુભવ્યો એટલે તે પણ વિચારમાં પડી ગયા. પણ પ્રસંગની ગંભીરતા જોઈ અંતે તેમણે નિર્ણય લીધો અને વિર્ય મેળવવાની પ્રક્રિયા કરવા આદેશ આપ્યો. સમયની ઓછપને લઈને તેમણે પોતાનો આ નિર્ણય હોસ્પિટલને ફોનથી જણાવવા કહ્યું. સાથે શરત મૂકી કે જ્યાં સુધી આ કેસની સુનાવણી પૂરી ન થાય અને કોઈ ચુકાદો ન અપાય ત્યાં સુધી પ્રાપ્ત વિર્યને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખવું. 

રાજેશભાઈએ જ્યારે ગિરાને ફોન ઉપર આ નિર્ણય જણાવ્યો ત્યારે તે નિ:શબ્દ બની ગઈ અને ફક્ત એટલું જ કહી શકી – થેંક્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational