Niranjan Mehta

Inspirational

4.6  

Niranjan Mehta

Inspirational

પિતૃપ્રેમ

પિતૃપ્રેમ

5 mins
423


કાવ્યા અને કશ્યપના લગ્નની વિધિઓ સંપન્ન થઈ ગઈ હતી અને વિદાયવેળા આવી ગઈ હતી. એમના પ્રેમલગ્ન ન હતા પણ લગ્ન પહેલા બંનેએ એકબીજાને સમજવાનો પ્રયત્ન જરૂર કર્યો હતો. ભલે કાવ્યાનું કુટુંબ મધ્યમ વર્ગનું હતું તેમ છતાં કશ્યપના પિતાએ કાવ્યાની પૂરી તપાસ કરી ત્યારે લાગ્યું કે તે કશ્યપ અને તેના કુટુંબ માટે યોગ્ય કન્યા છે એટલે તેમણે લગ્ન પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. તેમના વિચારો પણ આધુનિક હતા એટલે તેમણે કોઈ દહેજ પણ ન લેવાની જાણ કરી હતી. તેમ છતાં અવિનાશભાઈએ બને તેટલી જહેમત ઉઠાવી આ લગ્ન રંગેચંગે પતે તેવા પ્રયત્નો કર્યા હતા. 

માતા પિતાની વિદાય લઈ કાવ્યા આવે તેની રાહ જોતો કશ્યપ કાર આગળ મિત્રો સાથે ઊભો હતો. કાવ્યા કાર તરફ આવી રહી હતી ત્યારે કશ્યપના મિત્રો સમીર અને મયંકની વાત તેનાં કાને પડી.

સમીરે કશ્યપને કહ્યું કે તારા ઘરે જઈને કોઈ સારી હોટેલમાં જમવા જઈએ. અહી તો બધું ફિક્કું ફિક્કું હતું. મયંક બોલ્યો કે શાકમાં મસાલા ઓછા હતા એટલે સ્વાદ જેવું હતું જ નહીં. વળી પૂરી પણ ચવડ હતી એટલે તેમાં પણ મજા ન આવી. હવે કશ્યપે પણ સાથ પૂરાવ્યો કે તમારી વાત સાચી છે રસમલાઈ ખાધી પણ રસ જેવું કશું ન જણાયું. ત્યાર બાદ ત્રણેય ખડખડાટ હસ્યા.

આ બધી વાતો સાંભળી કારનો દરવાજો ખોલવા જતી કાવ્યા પાછી ફરી અને તેના પિતા પાસે આવીને બધા સાંભળે એમ કહ્યું કે મારે આ લગ્ન નથી કરવા. જાણે બોમ્બ ફાટ્યો હોય તેમ બધા ચમક્યા અને વિચારવા લાગ્યા કે એવું તે શું થયું કે આ છોકરી છેક છેલ્લી ઘડીએ આવી વાત કરે છે ?

અવિનાશભાઈને સમજ ન પડી કે કાવ્યા આમ કેમ કહે છે. પણ તે કશું પૂછે તે પહેલા કાવ્યાના સસરા મનોજભાઈ કાવ્યા પાસે આવ્યા અને બોલ્યા કે કાવ્યા બેટા શું થયું ? કેમ અચાનક આમ જોરથી બોલી ?

‘પિતાજી, ખોટું ન લગાડતા પણ તમને ક્યાંથી ખબર હોય કે એક બાપની નજરમાં એક દીકરીનું સ્થાન શું છે કારણ તમારે તો કોઈ દીકરી નથી. અત્યાર સુધી મારા પપ્પાએ અને મમ્મીએ પોતાના સ્વપ્નોને દૂર રાખીને અમને બંને બહેનોને ભણાવી કાબેલ બનાવ્યા.’

રડતા રડતા તે આગળ બોલી, ‘તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ મારા લગ્નમાં કોઈ કમી ન રહી જાય એટલે કેટલાય દિવસોથી મારા મમ્મી પપ્પા મોડી રાત સુધી જાગીને લગ્નનું કેવું આયોજન કરવું જેથી આપના તરફથી આવનાર મહેમાનોને કોઈ તકલીફ ન પડે. ખાવાની વધુને વધુ વાનગીઓ અને સારી વાનગીઓ માટે તેમણે બહુ મહેનત કરી મેનુ બનાવ્યું હતું. તમને ખબર છે મારી માએ જે સાડી પહેરી છે તે કોઈ ખરીદીને નથી લાવી પણ તેની બહેન પાસેથી માંગીને લાવી છે જેથી લગ્નના ખર્ચમાં કસર રહી ન જાય. પપ્પાએ પણ બહુ મોંઘા કપડા ન લેતા સાદા પણ સુઘડ કપડાં લીધા હતા કારણ તેમની એક જ ઈચ્છા હતી કે હું ઉચ્ચ કુટુંબમાં જાઉં છું તો તેમના મનમાં કોઈ કડવાશ પેદા ન થાય. આ બધું કશ્યપ અને તેના મિત્રોના ખ્યાલમાં ક્યાંથી હોય ? કારણ કશ્યપને અને તેના મિત્રોને ફક્ત વાનગીઓમાં ખામી નજર આવી. અધૂરામાં પૂરૂ તેઓ ત્રણેય તે બાબત પર ખડખડાટ હસ્યા. મારા માટે આ હાસ્ય મારા પપ્પાના અભિમાનને ઠેસ પહોચાડે તેવું હતું.’

આટલું બોલતા કાવ્યા હાંફી ગઈ. અવિનાશભાઈ બોલ્યા, ‘બેટા આ તો બહુ ક્ષુલ્લક વાત છે.’

તેમને અટકાવીને કાવ્યા બોલી, ‘ના પપ્પા, આ ક્ષુલ્લક બાબત નથી જેને મારા પપ્પાનો આદર નથી તે મારો આદર કદાચ ન પણ કરે. શું આ ખાવાની ચીજો વધુ મહત્વની છે કે હું ? શું આ બધું તમે બનાવ્યું છે કે તેની કચાશનો દોષ તમારા માથે ઢોળે છે ? તમે તનતોડ મહેનત કરી તમારી હેસિયતથી વધીને સારા કેટરર્સને શોધ્યો હતો. તેમાં છતાં તેમાં વાનગીઓમાં ખામી હોય તો તે માટે તે દોષિત છે નહીં કે આપ. આ બધું આં લોકોને નહીં સમજાય કારણ જે લોકો એક પત્ની લેવા આવ્યા હતા તે અત્યારે ખાવાની ચીજોમાં ખામી કાઢી રહ્યા છે.’

અવિનાશભાઈએ તેના માથે હાથ ફેરવ્યો અને બોલ્યા કે કાવ્યા બેટા તું વાતનું વતેસર કરી રહી છે. મને ગર્વ છે કે હું તારા જેવી પુત્રીનો પિતા છું. પણ આમ આ લગ્ન ફોક કરવા તે યોગ્ય નથી. સૌ સારા વાના થશે અને આ લોકો પણ તારી વાત સમજશે એટલે તું આ લોકોને માફ કરી દે, તને મારા સમ.’

દૂરથી આ બધું સાંભળી રહેલ કશ્યપ અવિનાશભાઈ પાસે આવ્યો અને રડતા સ્વરે બોલ્યો કે પપ્પા મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ. કાવ્યાને હું ચાહું છું અને સમજુ છું. અમે લગ્ન પહેલા એકબીજાના વિચારોની આપલે કરી હતી અને એકબીજાને સમજવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમ છતાં મારા દોસ્તોની વાતમાં હું આવી ગયો અને બોલાઈ ગયું. અમારે આવું વર્તન નહોતું કરવું જોઈતું. તેમના વતી પણ હું માફી માંગુ છું. તે જ વખતે સમીર અને મયંક પણ કાવ્યા પાસે આવ્યા અને હાથ જોડીને કહ્યું કે ભાભી અમને માફ કરી દો. અમે તમારી લાગણી સાથે જે રમત કરી છે તે અક્ષમ્ય છે તેમ છતાં અમે માફી માંગીએ છીએ.

મનોજભાઈએ હવે કાવ્યાના માથે હાથ ફેરવ્યો અને બોલ્યા, ‘કાવ્યા બેટા, હું તો વહુ લેવા આવ્યો હતો પણ ભગવાન કેટલો કૃપાળુ છે કે તેણે મને કે જે એક દીકરી વગરનો બાપ છે તેને દીકરીની કિંમત સમજાવી દીધી અને મને તારા જેવી દીકરી આપી. લાગે છે કે અત્યાર સુધી ઈશ્વરે મને કોઈ દીકરી નહોતી આપી કારણ મારા નસીબમાં તારા જેવી સુશીલ અને ગુણીયલ દીકરી લખાઈ હશે. હવે આ નાલાયકોને માફ કરી દે. હું હાથ જોડું છું કે મારી દીકરી કાવ્યા મારી પાસે મારા ઘરે આવી જાય. આટલું કહી તેમણે હાથ જોડી માથું નમાવ્યું.

કાવ્યાએ તરત મનોજભાઈના હાથ પકડી લીધા અને તેમના પગે પડી બોલી કે ના પપ્પા તમારે માફી માંગવાની જરૂર નથી. જે ગુનેગાર છે તે બધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને ખરા દિલથી મારા પપ્પાની માફી માંગી છે પછી તમે આમ કરીને મને વધુ ન શરમાવો. હવે આજથી તમે મારા પપ્પા એટલે તમારી સાથે મને આવવાનો કોઈ વાંધો નથી. તમે મને એક વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે અપનાવી છે તે મારૂં અહોભાગ્ય. આમ કહી તે કાર તરફ ગઈ એટલે કશ્યપ પણ તેની સાથે જોડાયો અને તેનો હાથ પકડી હળવેથી દબાવ્યો, કાવ્યાએ તેની તરફ જોઈને એક આછું સ્મિત આપ્યું.

આવી સુશીલ કન્યાનું આવું રૂપ જોઈ કાવ્યાના માતા પિતાની આંખમાં આંસુ આવ્યા જે તેમણે સંતાડવા નાકામયાબ પ્રયાસ કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational