Niranjan Mehta

Tragedy Inspirational

4.5  

Niranjan Mehta

Tragedy Inspirational

યાત્રા

યાત્રા

5 mins
285


‘પપ્પાને શું ભૂત વળગ્યું છે ?’ બેડરૂમમાં લેપટોપ પર કામ કરતા રાઘવને સંજનાએ પૂછ્યું.

‘કેમ શું ભૂત વળગ્યું છે ?’ ઊંચું જોયા વગર રાઘવે સવાલ કર્યો.

‘આ ઉંમરે પપ્પા મમ્મીને યાત્રા કરવાનો અભરખો જાગ્યો છે. એક તો બંનેની તબિયત સાજી-નરવી રહે છે અને યાત્રા દરમિયાન કશું અજુગતું થયું તો આપણને જ દોડાદોડી. વળી ખર્ચો માથે પડે.’

‘તને મમ્મીએ કહ્યું ?’

‘ના, મેં પપ્પાને કોઈ સાથે ફોન ઉપર વાત કરતાં સાંભળ્યું હતું.’

‘એકલા જાય છે કે કોઈનો સંગાથ છે ?’

‘કોઈ સંસ્થા તરફથી વયસ્કોને માટે સસ્તા દરે આ યાત્રા યોજાઈ છે.’

‘તો તો સારૂં છે.’

‘હા પણ બધું મળીને રૂ. ૩૫૦૦૦-૪૦૦૦૦નો ખર્ચો છે અને અત્યારે આપણા હાથમાં એવી મૂડી પણ નથી તો આપણે કેમ હા પાડી શકીએ ?’

‘હા, તે વિચારવું રહ્યું. હું સવારે પપ્પાને વાત કરૂં છું.’

 બીજે દિવસે નાસ્તો કરતી વખતે રાઘવે સતીશભાઈને પૂછ્યું, ‘પપ્પા, તમે કોઈ યાત્રાએ જવા વિચારો છો ?’

‘હા, તને કોણે કહ્યું ?’

‘સંજનાએ તમને કોઈ સાથે વાત કરતાં સાંભળ્યું.’

‘હા, સાચી વાત છે. ‘પારાવારિક સંસ્થા’ જેનો હું સભ્ય છું તેણે આ યાત્રાનું ઓછા દરે આયોજન કર્યું છે. તારી મમ્મીની કેટલા વખતથી ઈચ્છા હતી અને હવે તે ઓછા દરે થઈ શકે તેમ છે એટલે હું તે સંસ્થાના સેક્રેટરી સાથે વિગતો જાણવા કાલે વાત કરતો હતો.’

‘પપ્પા, મને વિચારવાનો સમય આપો. કાલે હું જણાવીશ કે પૈસાની વ્યવસ્થા થશે કે કેમ કારણ હાલમાં એટલા પૈસાની મારી પાસે સગવડ નથી.’

હવે સંજનાથી ન રહેવાયું. તે બોલી, ‘રાઘવ, પપ્પા-મમ્મીને એવી તે શું આવશ્યકતા છે આ ઉંમરે આવી યાત્રા કરવાની ? આ ઉંમરે તબિયતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે ને ? વળી આટલી મોટી રકમની સગવડ પણ ક્યાંથી થશે ?’

‘મને વિચારવા દે. કાલે આ બાબત પર આગળ વાત કરશું.’

બીજે દિવસે ફરી એકવાર નાસ્તાના ટેબલ પર યાત્રાની વાત નીકળી.

‘પપ્પા, મેં તમારી યાત્રા માટે બહુ વિચાર્યું અને લાગ્યું કે આ યાત્રા તમારે ન કરવી જોઈએ.’

‘જો રાઘવ, મેં લગ્ન કર્યા ત્યાર બાદ તારી મમ્મીને ક્યાંય લઈ નથી ગયો કારણ કામમાં વ્યસ્ત અને પૈસાની તંગી. વળી તારી મમ્મીને આ યાત્રા માટે છેલ્લા કેટલાક વર્ષથી ઈચ્છા હતી. આ વખતે ન કરાય તો ભવિષ્યમાં તે શક્ય ન પણ હોય. એટલે બહુ વિચારી મેં પણ તે યાત્રા પર જવાનું વિચાર્યું છે. જો તારાથી સગવડ ન થાય તો હું જ કોઈ રસ્તો શોધી લઈશ.’

‘પણ રૂ. ૩૫૦૦૦-૪૦૦૦૦ તો બહુ છે.’ સંજનાએ કહ્યું. ‘વળી આ ઉંમરે આવી કષ્ટભરી યાત્રા પણ તમારે માટે યોગ્ય નથી.’

હવે મમતાબેન બોલ્યા વગર ન રહી શક્યા.

‘ના સંજના, સાત દિવસની યાત્રા માટે આ રકમ વધુ નથી, કારણ આવવા-જવાનો ખર્ચ, રહેવા-ખાવાનો ખર્ચ અને બધે બસમાં ફેરવે તેનો ખર્ચ. આ બધું તેની અંદર આવી જાય છે. વળી બધા જ વયસ્કો હોવાના એટલે સંસ્થાએ પણ તેને નજરમાં રાખી રહેવાની સગવડ પણ સારી હોટેલમાં કરી છે. યાત્રાનું આયોજન પણ એવી રીતે કર્યું છે કે બહુ તકલીફ કે થકાવી દે તેવી મુસાફરીને અવગણી છે.’

‘તો પણ મમ્મી રાઘવે કહ્યું તેમ હાલમાં જવાનું માંડી વાળો.’ આમ કહી સંજના રૂમમાં જતી રહી.

હવે સતીશભાઈ અને મમતાબેન એકલા પડ્યા એટલે પોતાના રૂમમાં ગયા. 

મમતાબેને કહ્યું કે આ લોકો બરાબર કહે છે. આપણી આ ઉંમર થોડી હરવા-ફરવાની છે ? જો માંડી વાળીએ તો મને કોઈ વાંધો નથી. ન જઈએ તો મને કોઈ અફસોસ નથી.

જવાબમાં સતીશભાઈએ કહ્યું કે શા માટે ? હરવા-ફરવા કોઈ ઉમ્મરનો બાધ નથી. મને યાદ છે લગ્ન પછી જ્યારે જ્યારે તું મને ક્યાંક ફરવા લઈ જવાની વાત કરતી ત્યારે કોઈને કોઈ અગવડ આવતી. છોકરાઓને ભણાવવાની, ઉછેરવાની જવાબદારીમાંથી આપણે ઊંચા જ નથી આવ્યા અને આપણી ઈચ્છા એમની એમ રહી છે. હમણાં નહી પછીના ચક્કરમાં જિંદગીને આરે આવી ગયા. અત્યાર સુધી બાળકોની સંભાળ આપણે રાખી હવે આપણને તેમની જરૂર છે ત્યારે મો ફેરવી લીધું. બોલતા બોલતા સતીશભાઈની આંખમાં આંસુ આવી ગયા.

‘તમે આમ હિંમત ન હારો. તમારી આંખમાં આંસુ શોભતા નથી.’

કશું કહ્યા વગર સતીશભાઈ ઊભા થયા અને કબાટ ખોલ્યું.

‘શું શોધો છો ?’ મમતાબેને પૂછ્યું.

કોઈ જવાબ ન આપતા સતીશભાઈએ એક બ્રિફકેસમાંથી એક કવર કાઢ્યું અને રૂમ બહાર જતાં જતાં બોલ્યા કે હું થોડી વારમાં આવું છું. ક્યાં જાઓ છો ? નો જવાબ નિરુત્તર રહ્યો.

જમવાનો સમય થયા છતાં સતીશભાઈ ઘરે પાછા આવ્યા નહી એટલે મમતાબેનને ચિંતા થઈ. સંજના પણ અકળાઈ ગઈ હતી એટલે બોલ્યા વગર ન રહી શકી કે એક તો ક્યાં ગયા છે તેની જાણ નથી, શું કામ ગયા છે તે પણ ખબર નથી અને અહીં બધા તેમની ચિંતામાં અડધા થઈ ગયા છીએ. યાત્રા માટે ના કહી એટલે આમ ઘર બહાર જતાં રહેવાનું ? ન તે શાંતિથી રહેશે અને ન અમને રહેવા દેશે. પૈસા કોઈ ઝાડ પર નથી ઉગતા કે માંગ્યા એટલે મળી ગયા.

ત્યાં જ સતીશભાઈ ઘરમાં દાખલ થયા.

‘ક્યાં ગયા હતા અને આટલી વાર કેમ થઈ ? અમે સૌ તો અડધા થઈ ગયા.’ મમતાબેને ચિંતિત સ્વરે કહ્યું.

‘કહું છું, જરા શ્વાસ તો લેવા દે.’ આમ કહી સતીશભાઈએ ગજવામાંથી એક કવર કાઢ્યું અને મમતાબેનના હાથમાં આપ્યું. કવર ખોલીને જોયું તો અંદર રૂપિયાની થોકડી હતી.

‘આ ક્યાંથી લઈ આવ્યા ? કોઈ પાસેથી ઉધાર લઈ આવ્યા ? એમ હોય તો તે પાછા આપી આવો. મારે ઉધાર લીધેલા પૈસાથી યાત્રા નથી કરવી કારણ તેવી યાત્રા ન ફળે.’

સંજના પણ બોલી ઊઠી કે ઉધારના પૈસા ? છી ?

સતીશભાઈ બોલ્યા, ‘બેટા તેમાં છી શું ? જો કે આ ઉધારના પૈસા નથી પણ હું જ્યારે રિટાયર થયો ત્યારે જે પ્રોવિડન્ટ અને ગ્રેચ્યુઈટીનાં પૈસા મળ્યા હતાં તેમાંથી કેટલીક રકમ મેં બેન્કમાં એફ ડીમાં મૂકી હતી જે આજે કામ આવી. અને હા સતીશ, મેં જે ભૂલ કરી છે તે તું ન કરતો. બાળકોના ચક્કરમાં તમે તમારી ઈચ્છાઓને દબાવી ન રાખતા નહીં તો બુઢાપામાં મારી જે હાલત થઈ છે તે તારી થઈ શકે છે.’

‘હા, એક બીજી વાત.’ સતીશભાઈએ આગળ કહ્યું. ‘આજથી અમે તમારાથી જુદા રહેવાનો અને અમારી જિંદગી અમારી રીતે જીવવાનો નિર્ણય કર્યો છે. મમતા, તું સાથે આપશેને ?’

‘ચોક્કસ. જ્યાં તમે ત્યાં હું. આટલા વર્ષો સાથે જીવ્યા તો હવે પાછલી જિંદગીમાં તો આપણને એક બીજાના સહારાની વધુ જરૂર છે.’

રાઘવ બોલ્યો કે પપ્પા જુદા રહેવાની શું જરૂર છે ?

‘ના બેટા, કાલે ઊઠીને અમે તમારા ઉપર બોજ બની જઈએ અને તમે અમને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય લો તો ? મને આવતા પેન્શનમાંથી અમે અમારો ગુજારો કરી શકીએ છીએ એટલે આ નિર્ણય તો હવે નહિ બદલાય કારણ કે મને તારી મમ્મીનો પણ સાથ મળ્યો છે. મને વાર એટલા માટે થઈ કે મારે નજીકમાં જ એક ભાડા ઉપર ઘરની વ્યવસ્થા કરવાની હતી. બસ, કાલે અમે ત્યાં રહેવા જશું.’

શરમના માર્યા રાઘવ અને સંજનાના મો ઉતરી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy