પાગલપ્રેમનો અસ્વીકાર
પાગલપ્રેમનો અસ્વીકાર


મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો એહસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું.
તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે યુવતી હોય એવું લાગતુ હતું…તેને પાસે પસાર થઇ રહેલ ટ્રેનનો અવાજ સંભળાયો. તે પોતાની જાતને સલામત કરવા એ દિશામાં દોડી. ત્યાં જઈને જોયું તો આસપાસ કોઈ નહોતું. પ્લેટફોર્મ પર 2-4 માણસો સિવાય કોઈજ નજરે નહોતું ચઢી રહ્યું. એવામાં તેને દૂરથી એક છોકરો દેખાયો.
આ તરફ નયનને મોતને ભેટવું હતું પણ મોતનો ડર તેના ચહેરાની રેખાઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. તેની આંખોમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. પોતાના આંખે આવેલ આંસુઓને તે વારેવારે શર્ટની બાંય વડે હડસેલી રહ્યો હતો.ત્યાંજ દૂરથી આવતી ટ્રેનનો અવાજ સંભળાયો.
નયન હાથની મુઠ્ઠીઓ વાળી, ચહેરા પરના આંસુને હાથનો લસરકો મારીને મક્કમ મને ઉભો થઇ ગયો મોતને ભેટવા. આવું તે પાંચમી વખત કરી રહ્યો હતો. પણ કદાચ આ વખતે તેનો ચહેરો જોઈને એવું કળી શકાતું હતું કે તે હવે મક્કમ બની ચૂક્યો છે. તે લગભગ ટ્રેનની અડોઅડ આવી ચૂક્યો હતો. તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાનો જમણો પગ પાટાથી આગળ કર્યો અને આગળ વધવા જતો હતો ત્યાંજ કોઈકનો નાજુક સ્પર્શ થતા તેણે આંખો ખોલી.
ઘડીક તો નયનને લાગ્યું કે તે સ્વપ્ન જુએ છે. પણ આંખોને વારેવારે ચોળ્યા બાદ તે હકીકતની દુનિયા સમજવાનો પ્રયાસ કરવા લાગ્યો. તેના નયનોએ ચકાસ્યું કે સામે લગભગ તેનીજ ઉંમરની છોકરી ઉભી હતી.
'શાંતિ નામ છે મારું. ' શાંતિએ પોતાનો હાથ નયનના ચહેરા આગળ લંબાવતા કહ્યું.
'મને શું કામ રોક્યો ? તું મારી કોઈ સગી નથી તો મને રોકવા આવી છું.'
'એક છોકરીના દિલ તોડી દેવાથી સુસાઇડ જેવું પગલું તો નજ ભરાય. ' શાંતિએ ચહેરા પર ખૂબજ શાંતિ પાથરીને જવાબ આપ્યો.
'તને કેવી રીતે ખબર કે મારું દિલ તૂટ્યું છે ? જાસૂસી કરે છે મારી ? ' નયને ચહેરા પર ગુસ્સો લાવતા પૂછ્યું.
'તારી ઉંમરના છોકરા પાસે બીજું કારણ હોય પણ શું શકે ! મેં તો અંધારામાં તીર માર્યું, નિશાનો પાક્કો લાગશે એની મને શી ખબર.' શાંતિ જોરજોરથી હસવા લાગી.
નયન ઉભો થયો અને ત્યાંથી ચાલવા લાગ્યો.
'એય ઉભો રે, ક્યાં હાલ્યો જાય છે? '
શાંતિ પણ તેની પાછળ પાછળ જવા લાગી.
'મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તું પ્લીઝ મને એકલો છોડી દે શાંતિ. મને અત્યારે એકાંતની જરૂર છે.' નયને શાંતિની સામું જોઈને કહ્યું.
'તારે એકાંતની જરૂર છે અને મને કોઈકના સાથની. વધુ નહીં બસ ઘડીક મારી સાથે રહી લે. કોઈક ટ્રેન આવશે એટલે એમાં બેસીને નાસી જઈશ અહીંથી. '
શાંતિની વાત સાંભળીને નયન ઉભો રહી ગયો.
'પાગલ છે તું ? આમ નાસીને કોઈ ભાગતું હશે ? ક્યાં જઈશ તું ? શું કામ નાસી જાય છે ? '
'જ્યાં છું ત્યાં નથી સારુ લાગતું.' શાંતિએ એક ઊંડો નિસાસો નાખતા જવાબ આપ્યો.
'મતલબ '
'મતલબ એ જ કે હું જ્યાં રહુ છું ત્યાં મને કોઈ સારુ નથી લાગી રહ્યું. કોઈજ પોતાનું નથી. તને જોઈને પોતાના જેવું લાગ્યું. તું રહીશ મારી સાથે ? ' શાંતિએ આશાભરી નજરે નયન સામું જોયું.
'સોરી... ગુસ્સામાં તને વધુ બોલી ગયો હોઉં તો. મારી કહાની તારી પીડા કરતા કદાચ ઘણી સારી કહી શકાય એમ છે. હું ખૂબજ અભિમાની વ્યક્તિત્વ ધરાવું છું. મને પ્રીતિ સાથે પ્રેમ થયો હતો. અમે બંને એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતા પણ એકવાર મારા ગુસ્સા અને મારા સ્વભાવથી કંટાળીને તેણે બીજે લગ્ન ગોઠવી નાખ્યા. મારાથી આ વાત સહન નથી થઇ રહી. મારું સ્વમાન અને મારું વર્ચસ્વનો અસ્વીકાર કરીને પ્રીતિએ ખૂબજ મોટી ભૂલ કરી.'
'ઓહ માય ગોડ ' શાંતિએ જોરથી ચીસ પાડી.
શાંતિએ જોયું તો બાજુમાં એક છોકરાની લાશ પડી હતી. છોકરાનો ચહેરો જોઈને શાંતિ પાછળ ફરી અને જોયું તો નયન તેની સામું જોઈને ડોળા કાઢતો કાતિલ મુસ્કાન વેરવા લાગ્યો. નયન ધીરે ધીરે શાંતિ તરફ આવી રહ્યો હતો. શાંતિએ જોયું તો સામેથી કોઈક "શાંતિ"... "શાંતિ" ની બૂમો મારી રહ્યું હતું. પાગલખાના બસની સાયરન શાંત વાતાવરણમાં પડઘો પાડી રહી હતી. શાંતિએ જોયું તો તે ચારેક લોકો તેની સામું જોઈને શાંતિ તરફ ધસી રહ્યા હતા.
'શાંતિ પછી શું થયું ? ' અસાયલામમાં રહેતી કામિનીએ શાંતિને સવાલ કર્યો.
દૂરથી ટ્રેનનો અવાજ સંભળાયો. શાંતિ સાબરમતી જેલનો સળીયો પકડીને ઉભી થઇ અને મંદ મંદ મુસ્કુરાઈ. પોતાની સફેદ સાડીને વ્યવસ્થિત કરતી નયનનો પોતાને કરવામાં આવેલ અસ્વીકારને દબાવીને નયનના પ્રાણ હરિ લેવાની સજા જો તે ભોગવી રહી હતી.