નવો સૂર્યોદય
નવો સૂર્યોદય
એક દિવસ વૃધ્ધાશ્રમમાં વાતો કરતાં એક યુગલનાં શબ્દો મારા કાને પડે છે કે આશા અમર છે. જીવીએ ત્યાં સુધી દીકરાની રાહ જોઈશું. ચોક્કસ હૃદય પરિવર્તન થશે. આપણને જરૂર લેવા આવશે. પણ ત્યાં સુધી આપણે રોજ રોજ મરી - મરીને નહીં જીવીએ. આપણી ઉદાસી ખંખેરીને બીજાની હિંમત બનીશું.
મારા મગજમાં ઝબકારો થયો. મેં તરત ત્યાં જ સ્ટેજ બનાવી જીવન પ્રત્યેનો અભિગમ બતાવતો પ્રોગ્રામ રજૂ કર્યો.
બંનેએ નાનું એવું પ્રવચન આપ્યું. મેં વિડિયો બનાવી યુ- ટ્યુબ પર પ્રસારિત કરી દીધો.
‘નવો સૂર્યોદય‘ આ વિષય પર પ્રવચન મંદિરમાં પણ યોજવામાં આવ્યું. ત્યાં પણ સફળતા મળી. મંદિરમાં વહુના મમ્મીએ સાંભળ્યું. એ તો ગદગદ થઈ ગયા કે આવી વિચારસરણી ધરાવતા મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકાય ?
આ બાજુ પૌત્ર પણ આ જ વિડિયો જોતો હતો. પપ્પા ઓફિસથી આવ્યા એટલે બોલ્યો કે પપ્પા, પપ્પા આ ભાષણ શીખી લેજો. ભવિષ્યમાં તમારે આપવાનું છે. પપ્પાએ કહ્યું કે એ તો તારા મમ્મીએ કહ્યું એટલે...... દીકરાએ વાત વચ્ચેથી જ અટકાવી. બધી વાત મમ્મીની માની લેવાય ? તમે બંને મારી બધી વાત માનો છો ? નક્કી કોણ કરશે ? શું સાચુ, શું ખોટું ?
હું આજે જ મામાને કહું છું કે મામી આવે એ પહેલા જ નાનીને......
ત્યાં તો નાનીનો મંદિરથી સીધો દીકરીના ઘરે પ્રવેશ...
નાનીએ કહ્યું અત્યારે ભલે સાંજ પડી ગઈ. પણ આવતીકાલે નવો સૂરજ સુખનો જરૂર ઉદય થશે. પૌત્ર ખુશ ખુશ થઈ ગયો.
‘માં' ની વાત સાંભળી જમાઈ સાસુને પગે લાગ્યો. ને વહુને કહ્યું કે નવા સૂર્યોદયની તૈયારી કરો.
