નવો દિવસ- નવી સમસ્યા
નવો દિવસ- નવી સમસ્યા
પંખીઓનો કલરવ સંભળાયો અને એ સાથે જ આકાશની આંખો ખુલી જવા પામી. નળમાં ભરાઈ રહેલી હવા બહાર નીકળી એટલે એક ટિપિકલ અવાજ ઉદભવ્યો. એ ફટાફટ ઊભો થઈ ગયો. ગોદડી અને શાલ તેણે વ્યવસ્થિત રીતે વાળીને તેના સ્થાને ગોઠવી દીધા. પોતાની વસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખવાની ટેવ એને જ્યારે તે હોસ્ટેલમાં રહેતો હતો ત્યારથી પડી હતી.
ભગવાને એને યાદદાસ્તનું એવું તો વરદાન આપેલું કે તે જ્યારે ઈચ્છે ત્યારે પોતાના અતીતમાં લટાર મારી આવતો. વિદેશમાં જવું હોય તો પૂરતા પૈસા જોઈએ. અને એવા પૈસા તેની પાસે ક્યાંથી હોય ! અને એ માટે એને વિઝા પણ કઢાવવા પડે. અને અતીતમાં જવા માટે તો કોઈ પણ પ્રકારના વિઝાની જરુર ન પડે. કોઈ એક ઘટના આકાર લે અને એની સાથે જોડાયેલ અન્ય કેટલીક ઘટનાઓ આપોઆપ મનમાં ઉપસી આવે.
પાછલી રાત્રે તેના પિતાજીને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ મુકાવ્યો હોઈ રાત્રે તાવ આવી ગયો હતો. તેણે ખાખાખોળા કરીને તાવની ગોળી શોધી કાઢી હતી. અને પોતાના પપ્પાને આપી દીધી હતી. આખી એક ગોળીના બે ટુકડા કરવામાં આવ્યા હતા. અને તેમાંથી બચેલા એક ટુકડાને તેણે પોતાના પપ્પાને આપી દીધેલો. સવારે તેના પપ્પાએ નોકરી પર જવાનું માંડી વાળ્યું. એ પછી તેને બાંધણી જવાનું યાદ આવ્યું. તેણે સ્નાન કરી લીધું. સ્વચ્છ કપડાં પહેરી લીધા અને પોતાની સ્કૂટી સંગ બાંધણી જવા રવાના થયો. તેણે ત્રણ આધારકાર્ડ અને જરૂરી રૂપિયા લઈ લીધા. પોતાની સ્કૂટી ધીમેધીમે હંકારતા તે મુખ્ય રોડ પર આવી ગયો. એની આદત મુજબ તે કુદરતના સૌદર્યને માણતો રહ્યો. ઠંડો ઠંડો પવન તેના શરીરને હળવે હળવે સ્પર્શી રહ્યો હતો. રોડ પરથી પસાર થતા વાહનો અને વાહનો પર સવાર લોકોને જોઈને તેને એક ગીત યાદ આવી ગયું: યહાં સબ અપની હી ધૂન મેં દિવાને હૈ …….સબ કે લબો પે અપને તરાને હૈ
આ ગીત યાદ આવતા તે એવો તો ગમગીન થઈ ગયો કે પોતે પણ એકલો એકલો ગાવા લાગ્યો. આગળ જતાં તેની નજર એક એવી વ્યક્તિ પર પડી કે જેને તે ઓળખતો હતો. તેણે એ વ્યક્તિને હાક મારી અને પોતાની ઓળખાણ આપી. થોડા સંદર્ભો પણ આપ્યા એટલે એટલે એમને લાઈટ થઈ ગઈ. એ પછી પેલી વ્યક્તિ કહેવા લાગી, " ઓહ, આકાશ ભાઈ. આ દાઢી વધારી છે ને એટલે ઓળખાયા નહીં સાવ બદલાઈ ગયેલા લાગો છો. "
એ પછી એક વળાંક આવતા તે વળી ગયો. બાંધણી આવવાને ગણતરીની મિનિટો બાકી હતી ત્યાં તેની નજર એક યુવા શખ્સ ઉપર પડી. તેણે જોયું કે પેલા યુવા શખ્સે વ્હાઈટ રંગનો ચડ્ડો અને એની ઉપર ગુલાબી રંગની સારી ક્વોલિટીની ટી શર્ટ પહેરી હતી. તે લીફ્ટ માંગી રહ્યો હતો. આકાશે પોતાની સ્કૂટી ધીમી પાડી. પેલો શખ્સ પાછલી સીટ પર બેસી ગયો. આકાશ મનોમન બોલવા લાગ્યો: હર સવારી પે લિખા હૈ બેઠનેવાલે કા નામ. તેને 'થ્રી ઈડીયટ'નું પેલું દ્રશ્ય યાદ આવી ગયું કે જે હેઠળ આમિર મોપેડ હંકારે છે અને પાછળની બેઠક પર કરીના સાથે એક અશક્ત અંકલ બેઠેલા જોવા મળે છે. તે મનોમન બોલી ઊઠ્યો, " વાહ ! હું કેટલો સદભાગી કે મારા વાહન ઉપર કોઈકને બેસવાનું મળે !"
ગામમાં પ્રવેશતા જ પેલા યુવા શખ્સે આકાશના ખભાના ભાગને સ્પર્શ કર્યો. અને કહ્યું, " બસ અહીંયા જ" પેલો યુવા શખ્સ સ્કૂટી પરથી નીચે ઊતરી ગયો. અને કશું બોલ્યા વિના ચાલતી પકડી. આ જોઈ આકાશ મનોમન બોલ્યો, " ટેકન ફોર ગ્રાન્ટેડ….." એ પછી તે કટાક્ષ ભર્યુ હસ્યો.
ખેર, એ પછી આકાશ જ્યારે વાજબી ભાવની દુકાને પહોંચ્યો ત્યારે તેને જાણવા મળ્યું કે જે ગ્રાહકની અંગુઠાની છાપ કોમ્પ્યુટરમાં આવતી ન હોય એવા ગ્રાહકોને અનાજ આપવામાં આવતું નહોતું. તેણે જોયું કે વહિવટ કરનારા ચહેરા પણ બદલાઈ ગયેલા હતા. તેણે થોડી પૃચ્છા કરી એ પરથી એને આખો મામલો શેનો હતો તેનો ખ્યાલ આવી ગયો. એ પછી તે ત્યાંથી રવાના થવા જતો હતો ત્યાં તેને ગામના બજારમાં ખરીદી કરવા આવેલ રસિલામામીનો ભેટો થયો. એમણે આકાશ સામે જોઈને એને બોલાવ્યો. એમણે આકાશને ફળીયાના એક જૂના ઘરની વાત યાદ દેવડાવી. આકાશે કહ્યું કે પોતે એ મામલે આગળ કોઈ પગલું ભરેલ નથી. એ પછી એમણે આકાશને એવી તો સરસ વાત કરી તેને ગમી ગઈ. તેમણે કહ્યું, " જો આકાશ, આજનું કામ આવતીકાલ પર છોડવાનું નહીં. આપણે એક કામ હાથ પર લઈએ ને એને પૂરું કર્યા વગર છોડવાનું જ નહીં "
મામીની વાત સાંભળી તેનામાં થોડી વાર માટે તો જુસ્સો આવી ગયો. તે કહેવા લાગ્યો, " મામી, તમે આ મામલે આટલો રસ લો છો એ જ મારા માટે બહુ મોટી વાત કહેવાય. જુઓ અત્યારે જ એક એવો પ્રોબ્લેમ ઊભો થયો છે કે મારે વહેલી તકે પેટલાદમાં આવેલ સેવા સદનમા જવાનું થશે. એ પતે પછી આ કામ હાથ પર લઉ. "
એ પછી તે ત્યાંથી રવાના થયો. મુખ્ય રોડ પર આવતા તેને શાકભાજીની પેલી લારી અને પેલા ભાઈ નજરે ચઢ્યા. તેણે ગલકા ખરીધ્યા. પપૈયા પણ લીધા. દર વખતની જેમ આ વખતે પણ તેણે એક મરચું માંગ્યું તો પેલા ભાઈએ તેને રીતસરના ત્રણ-ચાર મરચાં આપી દીધા. તેણે આંખો બંધ કરી ને ભગવાનને કહેવા લાગ્યો, " વાહ ! ભગવાન… તમે આ માણસને કેટલું મોટું દિલ આપ્યું છે. "
એ જ્યારે ઘેર આવ્યો ત્યારે મમ્મી રોટલી બનાવી રહ્યા હતા. અને મગની દાળ વઘારવાની તૈયારી જ કરતા હતા ત્યાં મહોલ્લામાં રહેતા એક યુવાનના પત્ની આકાશના મમ્મીની ખબર કાઢવા આવી પહોચ્યા. તેઓ હિન્દી ભાષી હતા. ચહેરો હંમેશા હસતો રાખનારા હતા એ બાબત આકાશે નોંધી હતી. એમણે પોતાના પિયરની વાત કરી. તેઓ મહારાષ્ટ્રના હતા. તેમણે પોતાના પિયરના લોકો વિશે એવા મતલબની વાત કરી કે તેઓ માલદાર હોવા છતા ભોયતલીયે બેસવાનું થાય તો બેસી જાય તેવા હતા. એમણે પોતાના પતિની એસેડીટીની સમસ્યા વિશે વાત કરી. એ પછી પોતાના ઘેર ચાલ્યા ગયા.
એ પછી આકાશે મનોમન વિચાર કર્યો, " કોઈક ઘેર આવે એ વેળા કેવી સરસ લાગણી અનુભવાય છે"
એ પછી તેણે પોતાની જાતને જ પૂછ્યું, " આજે શું શીખવા મળ્યું ? "
તેની જાતે જ તેને જવાબ આપ્યો, " પ્રત્યેક દિવસ કોઈ ને કોઈ સમસ્યા લઈને આવે છે અને એટલા માટે હંમેશા એ માટે બધી રીતે તૈયાર રહેવું "
