નવજીવન
નવજીવન
માધુરી શરમાળ સ્વભાવની હતી. ખાસ બોલતી નહીં કોઈની સાથે પરંતુ એની ડાયરીના પાના એના વિશે બધું જ જાણતા. શાશ્વત આમ તો માધુરીના ગાલે પડતાં ખંજન અને કાળી અણિયાળી આંખોને અવારનવાર તાક્યા કરતો. માધુરી અને શાશ્વત એક જ મીલમાં કામ કરતા હતા. માધુરી અને શાશ્વતના ઘરનો રસ્તો એક જ હોવાથી બંને ઘણીવાર સાથે થઈ જતાં. થોડા શાંત અને ટૂંકા રસ્તે ચાલતા ચાલતા બંને ઘર સુધી વાતો કરતા કરતા પહોંચી જતાં. ધીરે ધીરે બંને વચ્ચે થોડી થોડી મૈત્રી પણ થવા લાગી હતી.
એક સાંજે માધુરી એકલી ટૂંકા રસ્તે ઘરે આવતી હતી. અચાનક પાછળથી કોઈકે એના નાક પર રૂમાલ દાબી દીધો. એને સમજ પડે પહેલા તો એ બેભાન થઈ ગઈ. માધુરી બળાત્કારનો ભોગ બની. માધુરીની મા આ ઘટનાથી ભાંગી પડી. એ અને માધુરી જ એકમેકનું વિશ્વ! માધુરી ઘરની નાનકડી બારીમાંથી મીલના ધુમાડાને એકીટશે જોયા કરતી. એ ધુમાડા જાણે એના અસ્તિત્વને ઘેરી લેતા. એ ખૂબ પ્રયત્ન કરતી એ પીડાદાયી ઘટના ભૂલવવાની. મશીનના અવાજની જેમ એના વિચારો સતત એને અશાંત કરી મૂકતાં. શાશ્વત એને રોજ મળવા આવતો. અલગ અલગ ઘણી વાતો કરતો. માધુરીને ઘટેલી ઘટના વિશે પ્રશ્ન ન પૂછીને ઘાવ પર એક રીતે મલમ લગાડવાનું કામ કરતો. જરૂરિયાત મુજબ તેના ઘરમાં શાકભાજી, અનાજ પણ મૂકી જતો. આસપડોશના લોકોની ટીકા ટિપ્પણી તરફ દુર્લક્ષ કરીને હોસ્પિટલમાં ડોક્ટર પાસે પણ સાથે જતો. શાશ્વત ખૂબ આત્મીયતાથી તેની કાળજી લઈ રહ્યો હતો.
દિવસો પસાર થતા ગયા. આજે આવીને શાશ્વતે માધુરીને તૈયાર થવાનું કહ્યું પણ માધુરી તો ડાયરી ખોલી લખવા બેઠી...
"જીદ છે તારી આમ જીવવાની?
ઝંઝોડવાની...દફનાયેલી ઋતુઓને?
નથી જાણ તને? ફક્ત રણ છે અહીં...
ઉખડી ગયેલા પોપડામાંથી રેત ખરે છે માત્ર!
ક્ષણભંગુર જીવને ઘેરવાની તારી જીદ...
કે
પ્રીત છે તારી આમ જીવવાની...
બાગ ખિલવવાની... લૂંટાયેલી ધરા પર...
તથાસ્તુ મિત્ર!" આટલું લખી ડાયરી બંધ કરીને માધુરીએ શાશ્વતને કહ્યું કે તે તૈયાર હતી.
શાશ્વત તો પહેલેથી જ તૈયાર હતો. શાશ્વતને માધુરીના ગાલના ખંજન અને કાળી અણિયાળી આંખો આજેય પ્રિય હતા... એ જાણતો હતો કે માધુરી હવે મનમાં ઉઠતા ધુમાડાને દૂર કરવા સક્ષમ છે. શાશ્વતે ડ્રાઇવરને બોલાવી રીક્ષા પહેલા મંદિર અને પછી હોસ્પિટલ લેવાનું કહ્યું.
ટન.. ટન... ટન... ઘંટનો અવાજ સંભળાયો. રીક્ષા મંદિર પાસે પહોંચી ગઇ હતી. મંદિરના ઈશ્વર બે આત્માને પોતાના આશિષ કિરણોમાં નવરાવવા સજ્જ હતા !