નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષાભિનંદન
આજે નવું વર્ષ. હેપી ન્યૂ યર. નૂતન વર્ષાભિનંદન. સાલ મુબારક .. આજે વહેલા ઉઠીને નવા કપડાં પહેરીને મંદિર અને વડીલોને પગે લાગીને આશીર્વાદ લેવામાં આવે છે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે.. આસોપાલવ ના તોરણ દરવાજે લગાવામાં આવે છે. હજુ ઘણી જગ્યાએ પરોઠિયે નાના છોકરા સબરસ વહેંચવા નિકળે છે. વેપારીઓ ગોળ,ધાણાના શકન કરાવે છે.
'અંતર એનું આસોપાલવ
આંખો એની જયોતનો વૈભવ
જેના હૈયે અઢળક કરુણા
એને બારેમાસ નવું વર્ષ છે'
પણ આપણે તો દિ' ઉગે હોળી હોય. ક્યાંય કોઈ ને નમવું નથી. તારાથી વધું હું હોશિયાર એની જ ખેંચતાણ ચાલે છે. એકબીજાની કાપવામાં જ પડ્યા છીએ તું મારાથી આગળ કેમ આવે? માટે જ નવાં વર્ષમાં એવું કંઈક કરી લેવા માટે આજે વરસના ઉઘડતા પ્રભાતે સંકલ્પ કરવાનો છે કે થશે તો કોઈનું સારું કરીશ પણ કોઈના જીવનમાં અડચણ રૂપ નહીં બનું.
"આવ્યું નવું નકોર વર્ષ
સવાર છે સલૂણી ને સરસ
બુઝાવવા કોકની ભૂખ તરસ
વરસો મન મૂકીને વરસો "
વરસ્યા કરવા માટેનો સંદેશ લઈને આવે છે દરેક નવું વર્ષ. આપણે દિલ ખોલીને ભાવનાઓ વ્યક્ત નથી કરતા આપણે તો તરસ્યા રહેવુનુ જ શીખ્યા છીએ. કારણ કે તરસના તીરે ટળવળીએ છીએ. વહાલની વર્ષા ને સ્પર્શયા જ નથી ને?
તો હવે વરસવાનું શીખીએ.. દુનિયા આખીમાં કોઈ ને કોઈ દુઃખ છે, સંતપ્ત છે, અંદરથી સળગે છે, દરેક ના જીવન ધખે છે પીડાના અંગારાથી. આપણે નિર્વ્યાજ નેહના મેહ બનીને વરસી રહીએ.. કોકની આંખ ના આંસુ લૂછીએ. કોકની ભૂખમાં ભાગ પડાવીએ. કંઈક કરીએ કોકની ખાતર. કોકની ખુશી નું કારણ બનીએ.
" આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલી શુભેચ્છા મુબારક
તમને બધું ખુશહાલ મુબારક
મારા તમને સાલ મુબારક "