કોયડો
કોયડો


આજે જતીને ફરીથી ઘરમાં નાની અમથી વાતમાં બૂમાબૂમ ચાલુ કરી દીધી.
સંગીતાબેન અને હિરલ ગભરાઈને સૂનમૂન થઈ ગયાં.
સંગીતાબેનને રાતભર નિંદ્રા ન આવી. વિચારોમાં મન ઉદ્વેગ અનુભવી રહ્યું હતું. આખી જિંદગી કોયડો બની રહી ગઈ હતી.
ભણીગણીને આગળ આવી પણ માતાપિતાએ પોતાની પસંદનાં છોકરાં અનિલ સાથે લગ્ન કરાવી દીધાં.
નાં કહેવાનો કે જોવાનો સમય પણ ન આપ્યો ને જિંદગી બીજાનાં હાથમાં સોંપાઈ ગઈ.
કોયડો તો ત્યાં જ શરૂ થઈ ગયો.
અનિલનો સ્વભાવ સારો હતો પણ આવક ઓછી હતી.ઘરનું ગાડું જ્યાં ત્યાં ચાલતું હતું. સિલાઈ કામ ને ઘરે બેઠાં ભરત ગૂંથણ કરી ઘરમાં મદદરૂપ થાય એવું કરતાં.
રૂપિયા ઓછાં હતાં પણ મન મોટાં હતાં એટલે મહેમાનો આવે ને જાય એમને સાચવવામાં ઘણી વખત એવી કસોટી થાય કે પંદર દિવસમાં રૂપિયા ખાલી થઈ જાય પણ કોઈ બીજાને ખબર પડે નહીં એમ જીવન ચાલતું.
જિંદગી તો ડગલે ને પગલે કોયડા સમાન બની ગઈ હતી. ઈશ્વર પણ કોયડા ઉકેલવા હિંમતની ચકાસણી કરતાં હતાં.
જોડકા બે છોકરાં જન્મ્યા એક દીકરી ને એક દીકરો.
દીકરીનું નામ જયા પાડ્યું ને દીકરો જતીન.
જયા ને જતીન હજુ સ્કૂલમાં ભણતા હતા ને એક એક્સીડન્ટમાં અનિલનું મૃત્યુ થયું. માથે આભ તૂટી પડ્યું.
ફરીથી નવો કોયડો ઊભો થયો.
હાથ પગ જોડીને ઓળખાણ લગાવીને માધ્યમિક શાળામાં ઓછાં પગારે નોકરી મળી. નોકરી કરતાં ને ઘરની જવાબદારી નિભાવતા સંગીતાબેન બે છેડા ભેગા કરી રહ્યા.
દીકરી મોટી થઈ એટલે સારું પાત્ર જોઈને સાદગીથી લગ્ન કર્યા ને વિદાય કરી ત્યારે સંગીતાબેનને લાગ્યું કે એક કોયડો તો ઉકેલ્યો.
પણ ના.. હજુ તો ઘણા કોયડા ઉકેલવાના બાકી હતાં.
જતીન જેમ જ
ેમ મોટો થતો ગયો એમ એમ એનાં સ્વભાવમાં ઉગ્ર પણું વધતું ગયું. ભણતર પૂર્ણ થતાં સારી કંપનીમાં નોકરી મળી ને એ જ વર્ષે નાતની મધ્યમવર્ગીય પરિવારની દીકરી હિરલ સાથે લગ્ન કરાવી આપ્યા.
લગ્ન પછી પણ જતીન નાની નાની વાતોમાં બૂમાબૂમ કરી મુકતો. આ જોઈને હીરલ ગભરાઈ જતી.
સમય જતાં એક દીકરો જન્મ્યો પણ જન્મથી જ થોડો મંદબુદ્ધિ હતો. એટલે જતીન હીરલનો જ વાંક કાઢે.
સંગીતાબેન ઘણું સમજાવે પણ જતીન બોલવા બેસે પછી એ શું બોલે એનું ભાન ભૂલી જાય.
આ બધી ઘટનાઓથી હીરલનાં મગજ પર અસર થઈ. અતિશય સ્ટ્રેસનાં લીધે મગજમાં લોહી ગંઠાઈ ગયું. ડોક્ટર પાસે દવાઓ કરાવી ને દોરા ધાગા પણ કરાવ્યાં ને જતીનનાં સ્વભાવમાં સુધારો આવે એ માટે પણ જપ,તપ, પૂજા, કરવી ને જ્યોતિષ પાસે પણ ગયાં.
પણ જિંદગી કોયડો બની આગળ જ હતી.
જતીનનાં સ્વભાવમાં રતિભર સુધારો આવ્યો નહીં.
નાની વાતમાં ગુસ્સે થઈ જાય અને ગમે એમ બોલી પછી માફી માંગે પણ હવે સંગીતાબેન કંટાળી ગયા હતાં, આખી જિંદગી કોયડાઓ ઉકેલી ઉકેલીને.
એક દ્રઢ નિર્ધાર કર્યો અને સવારે જતીનને કહ્યું તું તારો સ્વભાવ સુધરતો નથી જ્યારે અને ત્યારે નાની અમથી વાતમાં મારું ને હિરલનું અપમાન કરે છે. પછી તું મારાં પગમાં પડી માફી માંગે છે.
દર વખતે અપમાન કરી માફી માંગે બસ હવે બહુ થયું આખી જિંદગી મારી જાત ઘસીને આ જ બધું જોવાનું હોય તો તું જુદો રહે હું મારી જાતે શાંતિથી એકલી જીવીશ.
મને પણ શાંતિ જોઈએ અને મારી જિંદગી મારી રીતે જીવવા દે.
આખી જિંદગી કોયડાઓ ઉકેલવા મેં ઘણું સહન કર્યું પણ તારી જેમ બૂમાબૂમ નથી કરી માટે જલ્દી વ્યવસ્થા કરી આ ઘર છોડી દે.
જતીન માનું આવું રૂપ જોઈને ડઘાઈ ગયો.