નિર્મલાનો બગીચો
નિર્મલાનો બગીચો
નિર્મલા,આજે પંચ્યાશી વર્ષના થયા. ઘરમાં એમના જન્મ દિવસની ઉજવણી રાખેલ છે. શોર્ટ ગ્રે સ્ટેપ કટ વાળ, જેના પર એમને ક્યારેય કલર શું મહેંદી સુધ્ધાં કરી નથી, ગોરી તકતકતી ચામડી જ્યાં હવે આંખો આસપાસ કરચલી દેખાય છે. હંમેશા પોણિયા બાય નું ઘુંટણ સુધીની લંબાઈ વાળું પંજાબી ટોપ અને પાયજામો પહેરતા નિર્મલા ૮૫ વર્ષે પણ માંડ ૭૦ ના લાગતા.
પોતે ડાબા હાથમાં સોલિટર વીંટી અને પ્રસંગો પાત મોટા ડાયલ વાળી ઘડિયાળ પહેરતા. જમણા હાથમાં હીરાની પછેલીની બંગડી અને ગુરુ તથા પન્નાની વીંટી. સરસ રીતે રહેવાનો શોખ એમ ને પહેલેથી હતો. ચાંદીની ચમચી મોઢામાં લઈને જન્મ્યા હતા એટલે ક્યારેય જીવનમાં પૈસાની તંગી અનુભવી ન હતી. રોજની ૫ કિલોમીટર ચાલવાની આદતે નિર્મલાને નિરોગી અને સપ્રમાણ શરીર બક્ષ્યું છે. જીવન મોંજ થી જીવવાના એમના સ્વભાવ ને કારણે એ પોતાના બે દીકરા તેમની પત્ની ઓ અને પૌત્ર પૌત્રી સૌના પ્રિય છે.
એ જમાના માં જાણીતી કોલેજમાંથી એમકોમ ફર્સ્ટ ક્લાસ થયેલા હતા અને સરકારી નોકરી કરતા એટલે એમનું જ્ઞાન ગણું બહોળું હતું. બેન્કિંગથી લઈ ને ઈકોનોમિકસથી માંડી ને પોલિટિક્સ એમ દરેક વિષય પર એમની ફાવટ હતી. બીપિન ભાઈ કલરના ડિસ્ટ્રીબ્યુટર હતા. એમના પછી હવે બંને છોકરા જ આ ધંધો ચલાવતા, શહેર ના અગ્રગણ્ય ડિસ્ટ્રીબ્યુટર માં એમની ગણના થતી. એમની મોટી વહુ એડવોકેટ છે અને નાની ઈન્ટિરીરયર ડિઝાઈનર. એને ઘર માં બધું પોતાની રીતે ડેકોરેટ કરવાની છૂટ હતી. હા બગીચામાં કંઈક કરતા પહેલા નિર્મલા ને પૂછવું જરૂરી હતું. પોતાની પૌત્રી પ્રિયાના કહેવાથી નિર્મલા પોતાની એક યુટ્યુબ પણ ચલાવતા જેમાં પોતાની ગાર્ડનિંગ ને લગતા વિષય પર ચર્ચા કરતા. પ્રિયાના કહેવાથી જ પોતે ચાલવા જતા ત્યારે જિન્સ અને ટીશર્ટ પહેરી ને જતા. સરકારી નોકરીનું પેન્શન આવતું અને એટલે એમ ને મન થાય ત્યાં પૈસા વાપરતા. વળી પેહેલેથી પિયર અને સાસરીમાં લક્ષ્મીની કૃપા રહી જ હતી એટલે એ બાબતે એ નિશ્ચિંત હતા.
નિર્મલા આઈ ફોન વાપરતા અને પોતે એફબી અને ઈંસ્ટાગ્રામ સુદ્ધા જાતે ઓપરેટ કરતા. હા ક્યારેક અટકે તો એમની સંકટ સમયની સાંકળ એટલી એમની સૌથી નાની પૌત્રી પ્રિયા. એમના બે પૌત્રો ને બે પૌત્રીઓ પોતાના બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડથી માંડી ને કરર્ન્ટ ફેશન એમની જોડે ડિસકસ કરતા. એમના પતિ બિપિન દાદાના ગુજરી ગયા પછી ૬ એક મહિના ગુમસુમ રહ્યા હતા પણ પાછા પોતાના સ્વભાવ મુજબ મોજથી રહેવા માંડ્યા હતા. હા એ પછી એ રાત્રે પોતાના રૂમમાં લાઈટ ઓન રાખી ને જ સૂતા.
પોતે પાર્ટી માટે બ્લેક ડિઝાઈનર ડ્રેસ પહેરવાના છે. એની ઉપર એમ નું હીરાનું મોટું પેન્ડન્ટ જે બાળકો એ મળીને ભેટ આપેલું છે.
આજે બર્થ ડે પાર્ટી માટે આખું ઘર સરસ રીતે શણગારવામાં આવ્યું છે. ઝાંપા પર નિર્મલા ને ગમતા ગુલાબી ફુગ્ગાનો આર્ક બનાવામાં આવ્યો છે. નિર્મલાને ચકરડીનો બહુજ શોખ એટલે ગાર્ડન પર અલગ અલગ ઝાડ પર પચાસ એક કાગળની ચકરડી લગાવવામાં આવી છે. ઘર ના ડેકોરેશનની જવાબદારી બંને વહુઓએ લીધી અને દીકરાઓને મહેમાન ને બોલવાની. એમની ભાવતી સ્ટ્રોબેરી કેકનો ઓર્ડર અપાયો છે. કેક પર પિન્ક અને લાઈટ પિન્ક રંગ ના રૉસેટ વાળી ડિઝાઈન દાદીની પસંદ ને અનુરૂપ પ્રિયા એ ફાઈનલ કરી છે.અને એ કેક ઉપર આજ કલ ના લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ઘાટા બોગનવેલના ફૂલો મૂકાયા છે.
આવા નિર્મલાના પ્રાણ વસ્યા છે એમના ઘર ના બગીચામાં. આ બગીચો એવો શણગારાયો છે કે વર્ષગાંઠ બગીચાની જ હોય.
ઘર ની આગળના ના ભાગ નો બગીચો લાઈટ થી શણગારાયો છે. બગીચા માં રહેલા ઝાડ પર કાચ ની બરણી માં લાઈટ નું ગુંચળું રાખી ને કરવામાં આવેલું ડેકોરેશન બહુજ સરસ લાગે છે. નીચે લોન માં સૂર્યપ્રકાશ થી ચાલતી પાથ વે લાઈટ્સ થી આખો રસ્તો ઝગમગી રહ્યો છે. પંદરેક દિવસ પહેલાથી નિર્મલા માળી પાસે કટીંગ અને ટ્રિમિંગ કરાવી રહ્યા હતા.
આ બંગલામાં નિર્મલા લગભગ ૧૦ વર્ષ ના હતા ત્યારથી રહેતા. પોતે જયારે અહીંયા રહેવા આવ્યા ત્યારે ઘર ની આગળ ની ખુલ્લી જગ્યા માં બગીચો કરવા માટે એમ ના પપ્પા એ એમ ને પ્રેરણા આપી. બંને બાપ દીકરી કલાકો ના કલાકો સુધી નર્સરીમાંથી લાવેલા નાના નાના છોડવા વાવતા અને એની ઉપર નવું પાન આવે, નવી કૂંપળ ફૂટે એની આતુરતાથી રાહ જોતા. કળી આવવા થી માંડી ને ફૂલ અને ફળ આવે ત્યાં સુધી દરેક ક્ષણ ને માણતા. આ બાગ એટલા નિર્મલા નું કાયમી ઠેકાણું. અહીંયા એમનો પ્રાણ વસતો.
હવે તો એમ ને વાવેલા આંબો, શેતુર, સીતાફળ, ચીકુ, દાડમ, અને અંજીર મોટા ઝાડ બની ગયા હતા. એમ ને આંબળા નું ઝાડ પણ વાવેલું છે. ફૂલોમાં એમની માનીતી વેલ એટલે બોગનવેલ. એમ ની પાસે પીળી,સફેદ, લાલ અને, ગુલાબી એમ બધા રંગ ની બોગનવેલ હતી. પણ એમની જાન વસતી હતી એમની માનીતી બોગનવેલ માં. સફેદ અને ગુલાબી બંને રંગ ના ફૂલ એની પર સાથે થતા હતા. એ સીતાફળ ના ઝાડ પાસે રહેલી બોગનવેલ. એનો આકાર એ હંમેશા સાચવતા. પોતાના બગીચા માટે એ એમેઝોનમાંથી લેટેસ્ટ ડેકોરેશનની વસ્તુઓ ખરીદતા. માળી પણ રોજ બોલવતા. પાછળ ના ભાગ માં કિચન ગાર્ડન કરેલો જ્યાં મૂળા, મેથી, કોથમીર, મરચાં અને પાલક થતા. ભીંડા, કરેલા, કાકડી વગેરે પણ વારા ફરતી વાવવામાં આવતા.
નિર્મલા જે આવું ખુશમિજાજ વ્યક્તિત્વ ધરાવતા હતા, ના પૈસા ની કમી હતી,ના પરિવાર નું દુઃખ. નસીબ જોગે એમને દરેક ઉંમરે એવા માણસો મળ્યા જેમણે એમ ને સપોર્ટ કર્યો. આટલું બધું હોવા છતાં નિર્મલા અંદર થી ખાલી હતા. ખુશ રહેતા પણ ક્યારેક ખાલીપાની એવી ટીશ ઉઠતી કે જેનું દર્દ એમનાથી સહન ન થતું, જયારે કોઈ વ્યક્તિ એને ગમતી વસ્તુમાં ગાંડપણની સીમા સુધી ઓતપ્રોત થઈ જાય પણ એની સૌથી નજીકની વ્યક્તિ પાસેથી એવો પ્રતિભાવ ન મળે તો ત્યાં અભાવ સર્જાય. એવા ખાલીપા નું નિર્માણ થાય જે ભરી ન શકાય કદાચ દિવસે ને દિવસે વધતો જાય.
વાત કંઈક આવી હોય છે.નિર્મલા ના પતિ, બીપીન આ સોસાયટી માં જ બંગલા નંબર ૮ માં રહેતા હતા. નિર્મલા ૧૨ નંબર માં. બંને એક જ જ્ઞાતિ હોવાથી અને પરિવાર એક બીજા ને જાણતા હોવાથી એમના લગ્ન લેવાયા. બંને સાથે રમી ને મોટા થયા હતા. બિપિન અને નિર્મલા ના લગ્ન અરરેન્જ હતા. નિર્મલા પોતાના માં બાપ નું એક માત્ર સંતાન હતા એટલે એમના લગ્ન થયા પછી નિર્મલા, બિપિન અને બિપિન માં- બાપ અને બિપિન ની બહેન એમ બધા સાથે રહેતા. વર્ષો થી સાથે રહેવા ના કારણે બંને ઘર ના લોકો એક બીજા ને બહુ સારી રીતે ઓળખતા હતા. નિર્મલા પોતાના માં બાપ નું એક માત્ર સંતાન હોવાથી, લગ્ન પછી એમનાં જ ઘર માં રહેવામાં કોઈ ને વાંધો ન હતો. બીપીન ની બહેન મધુ પણ નિર્મલા ની ખાસ સહેલી હતી અને બધા સાથે ખૂબ ખુશ રહેતા. મધુ ની વિદાઈ ૮ નંબર માંથી જ થઈ હતી. કોઈ હોલ ને બદલે ત્યાંજ જ ખુબ ઘામ ઘૂમ થી લગ્ન લેવાયા હતા અને રિસેપ્શન થયું હતું નિર્મલા બિપિન ના ઘર માં, નિર્મલા ના સુંદર ગાર્ડન માં. પછી ૮ નંબર નો બંગલો વેચી દેવાંમાં આવ્યો હતો અને બિપિન અને મધુ બેય વચ્ચે પૈસા વહેંચી દેવામાં આવ્યા હતા.
બિપિન બધી રીતે સારા હતા, નિર્મલા ને નાનું અમથું છોલાય તો પણ પોતે ગેગેફેંફે થઈ જતા. નિર્મલા સાથે ઝાડ છોડ ખરીદવા પણ જતા. પણ જયારે નિર્મલા પૂછે કે બિપિન કયા રંગનું ગુલાબ લઈએ કે ? આ છોડ ક્યાં લગાડું ? કે પછી જો ને આ બોગનવેલ પર નવી કળી બેઠી ત્યારે બિપિન એટલો ઉત્સાહ ના બતાવી શકતા. એવું નોહ્તું કે એમ ને નિર્મલાનું ગાર્ડનિંગ કરવું ગમતું ન હતું પણ એમ ને એમાં રસ ના પડતો એમ ને કંઈક અંશે એ નિર્મલા નું ગાંડપણ લાગતું. પહેલા તો નિર્મલા એને બહુ ગણકારતા નહિ અને પોતાના લગ્ન સાથે નોકરી પછી બાળકો ની જવાબદારી આ બધા માં સમય ક્યાં સરી ગયો એ ખબર જ ના પડી. નિર્મલા હંમેશા થી પોતાની નિવૃત્તિને લઈને ખૂબ ઉત્સાહી હતા. એમ ને સપના જોયા હતા કે હમણાં જે વહેંચાયેલો સમય આપે છે એને બદલે પૂરો સમય આપી શકશે.
બિપિન સાથે લગ્ન ની વાત ચાલી રહી હતી ત્યારે નિર્મલા એ પોતાના પિતા સાથે આ સમસ્યાની ચર્ચા કરી હતી. પોતાનો દાખલો આપતા બોલ્યા કે જો તારી મમ્મી ને પણ ગાર્ડનીંગ ગમતું ન હતું પણ હવે એ મને સાથ આપે છે. હકીકત નિર્મલા ને જ ખબર હતી. એને કેટલીય વાર મમ્મી ને પપ્પા ની ગેરહાજરી માં એવું કહેતા સાંભળ્યા છે કે આ શોખ હવે એમને છૂટે તો સારું. મમ્મી ફક્ત પપ્પા નું મન રાખવા ગાર્ડનિંગ માં ઈન્ટરેસ્ટ દેખાડતા. પણ નિર્મલા આ પપ્પા ને જણાવી એમ ને દુઃખી કરવા માંગતી ન હતી. પ પ્પા એ નિર્મલા ને કહ્યું કે બિપિન તો તારો મિત્ર છે તમે જોડે ઉછર્યા છો એટલે એ તને જરૂર સમજશે. નિર્મલાને પહેલેથી જ બિપિનની ગાર્ડનીંગ રુચિ વિશે ખબર હતી. એને ખબર હતી કે બિપિનને ગાર્ડનિંગ નથી ગમતું. એ કદાચ પોતાનું મન રાખવા સાથે રહેશે પણ એથી વિશેષ એની પાસેથી કઈ પણ અપેક્ષા રખાય એમ નથી. બાકી બીજી બધી રીતે બિપિન ખૂબ સારો પતિ, પિતા અને જીવન સાથી પણ રહ્યો અને નિર્મલા એ વાત નું અભિમાન પણ કરતા. પણ ઢળતી ઉંમરે ની સાથે એમ નો ગાર્ડનિંગ નો શોખ ક્યારે એમનું જીવન બની ગયો એ એમ ને પણ ના સમજાયું. જ્યાં સુધી નિર્મલા ના પિતાજી હયાત હતા ત્યાં સુધી નિર્મલા એમના પિતાજી સાથે બધું શેર કરતા. જયારે નિર્મલા એ ગુલાબી અને સફેદ બંને રંગ ના બંને ફૂલો એક જ વેલ માં થયેલા જોયા હતા ત્યારે તો એમણે પપ્પા સાથે મળીને ગાર્ડન માં ટી કેક ની પાર્ટી કરી હતી.પણ પપ્પા ના ગયા પછી એમ નું મન સતત કોઈ એવી વ્યક્તિ ને ઝંખતું જેમ ના માં ગાર્ડનિંગ માટે એવો જ જુસ્સો હોય. ગુલાબ પર કળી નું ખૂલવું એના માટે પણ ઉત્સવ હોય અને સીતાફળી પર ફૂલમાંથી ફળ નું થવું દિવાળી જેવું લાગે. કોઈ છોડ નું મુરઝાઈ જવું કોઈ મરી ગયું હોય એવો શોક કરાવી જાય.
હમણાં હમણાંથી ન જાણે કેમ એ લાલ ચડ્ડી વાળો છોકરો બહુ યાદ આવી જતો હતો. મન વિચારતું કે જો એ બિપિન ની જગ્યા એ હોત તો..............
વાત બહુ જૂની છે. હજી તો નિર્મલા પોતાના માં બાપ સાથે સોસાયટી માં રહેવા આવ્યા ને એક વર્ષ પણ થયું ન હતું. ઉનાળાનું વેકેશન બસ પૂરું થવા માં હતું પણ કમોસમી વરસાદ અઠવાડિયા થી પડી રહ્યો હતો એટલે નિર્મલા એમના પિતાજી સાથે ઝાડ વાવવામાં વ્યસ્ત હતા. ચોમાસુ બેસવાને માંડ એકાદ મહીના ની વાર હતી અને પછી પિતા ને સિવિલ સપ્લાયમાં જોબ હોવાથી ૨ મહિના માટે ટુર પર જવાનું હતું એટલે બાપ અને બેટી બંને આ સમય નો ઉપયોગ કરી લેવા માંગતા હતા. વેકેશન હોવાથી સોસાયટી માં બધા ના ઘરે માસી ના, ફોઈ ના કે કાકા મામા ના છોકરા આવેલા હતા. બધા છોકરા નિર્મલા ને રમવા બોલાવા આવ્યા પણ એને ગાર્ડનીંગ કરતા જોઈ સમજી ગયા કે નિર્મલા રમવા નહિ આવે. એ વખતે નિર્મલા આ બોગનવેલ માટે પપ્પા સાથે લડી રહ્યા હતા. એ પપ્પા ને કહી રહ્યા હતા કે મને બોગનવેલ અહીંયા આગળ જ વાવવી છે જયારે પપ્પા કહી રહ્યા'તા કે એને બાજુ માં વાવીએ જેથી કરીને કાંટા ના વાગે. આવી બધી દલીલોમાં એક નિર્મલા જેટલી જ ઉંમર નો લાગતો લાલ ચડ્ડી અને સફેદ જર્સી પહેરેલો છોકરો આગળ આવ્યો અને બોલ્યો કે સીતાફળની આજુ બાજુ બોગનવેલ વાવી દેવાય જેથી વાંદરા પણ સીતાફળ સુધી પહોંચતા વિચારે. નિર્મલા ને સીતાફળ ખૂબ ભાવતા, વળી બોગનવેલ પણ એની પ્રિય એટલે એને આ વિચાર ખૂબ ગમ્યો. અને બસ પછી તો સીતાફળની આસપાસ બોગનવેલ વાવી દીધી. એ છોકરા એ ઝાંપા ની આસપાસ પીળો અને લાલ ચંપો વાવવાનું પણ સૂચન કરેલું જે પપ્પા ને બહુ પસંદ આવ્યું હતું. ઝાંપા પાસે સૌથી વધારે તાપ આવતો એટલે બંને ચમ્પા માં ખૂબ ફૂલ આવશે એવું છોકરા નું સૂચન એમણે વધાવી લીધું હતું. એટલા માં ધોધમાર વરસાદ પડ્યો અને પેલો છોકરો ભાગ્યો. એનું નામ પૂછવાનું રહી ગયું. કોના ઘેર આવ્યો હતો એ પણ પૂછવાનું રહી ગયું. એના પછી દરેક વેકેશનમાં એ રાહ જોતી કે ક્યારે એ આવે અને પોતે બોગનવેલ, ચંપો અને સીતાફળી બતાવે. આટલા છોકરામાં કોઈ ને એનું નામ ખબર ન હતી આમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને બિપિન અને નિર્મલા ના લગ્નની તારીખ પણ આવી ગઈ. આજે તો એ વાત ને ૫૦ ઉપર વર્ષ થઈ ગયા.
છેલ્લા કેટલા દિવસથી નિર્મલા ખૂબ એકલવાયું મહેસૂસ કરતા હતા. વારે વારે એમને એ લાલ ચડ્ડી વાળો છોકરો યાદ આવતો. વારે વારે પોતે પિતાજી સાથે ગાર્ડન કામ કરતા એ યાદ આવતું. એમ ને મન થતું કે એ પિતાજી ને અને પેલા છોકરા ને બતાવે કે જો મારા બોગનવેલ ના ફૂલો. જો મારા પીળા ચંપા ના ફૂલો. અને આ સફેદ અને લાલ ચમ્પા ની કલમ કરી એના ફૂલ જોયા કે નહિ ? લાલ બોગનવેલ કેટલી સુંદર લાગે છે! હમણાં થી એમ ને ખૂબ ઉચાટ રહેતો પણ પછી પોતે જ મન મનાવતા કે ઢળતી ઉંમરે આવું થયા કરે.
હમણાં હમણાં થી પપ્પા ની બહુ યાદ આવતી. બિપિન સાથે ગાળેલા વર્ષો યાદ આવતા. હવે યાદો નો પણ થાક લાગતો. સાંજ ના સમયે ગાર્ડન માં ફરતા ફૂલની કળી જોઈ ને એને ફૂલ બનતું જોવાની ઈચ્છા સાથે સૂઈ જતા અને સવારે ઊઠતા જ એ ફૂલ જોતા. પછી જે મળે એને બતાવતા. ઘર માં કોઈ ને બહુ ખાસ રસ ન હતો ગાર્ડન માં. પણ બધા નિર્મલા નું મન રાખવા ખુશ થવાની એકટિંગ કરતા અને નિર્મલા સમજી જતા કે કોઈ ને રસ નથી. એ જાણતા કે બધા એમને પ્રેમ કરે છે પણ કોઈ ને ગાર્ડનિંગનો શોખ નથી. હા નાની પ્રિયા ને ગમતું પણ એની કૉલેજ દૂર હોવાથી એનો વધારે સમય આવવા જવામાં જ જતો અને એટલે એ કઈ ખાસ ના કરી શકતી.
આજે જન્મદિવસે પણ ૫ થી ૬ બગીચામાં જ બેઠા હતા. મન ઘણું ઉચાટ અનુભવી રહ્યું હતું. કંઈક એક ખૂણામાં ખુશી હતી કે પરિવાર આટલા પ્રેમથી પોતાને સાચવે છે. ઘણા ખરા ઘરમાં વડીલ જવાબદારી તરીકે વધારે સમજવામાં આવે છે. જયારે અહીંયા નિર્મલા એ વડ હતા જેની આસપાસ આખું ઘર ગૂંથાયેલું હતું. પણ એક ડર પણ હતો કે શું જીવન આમજ પૂરું થઈ જશે. શું ફરી ક્યારેય નહિ મળી શકે એ લાલ ચડ્ડી વાળા છોકરા ને. હમણાં થી અંદેશો આવતો કે જીવન બસ પૂરું જ થવામાં છે. ત્યાંજ મોટા એ બૂમ પાડી ને કહ્યું કે માં હવે તૈયાર થઈ જાવો, બધા મહેમાન આવતા હશે.
બ્લૅક ડ્રેસ અને એની ઉપર હીરા ના પેન્ડન્ટ માં નિર્મળ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એમ ના વાળ લગભગ ખુલ્લા જ રાખતા. આજે સિલ્કી ગ્રે વાળ લાઈટ માં કંઈક વધારે જ નિખરી રહ્યા હતા. પ્રિયા તો ઘણી વાર કહેતી કે મારે તમારા જેવો શેડ કરવો છે વાળ માં. અને પોતે કહેતા કે બેટા એના માટે જિંદગીનાં તડકા છાયા જોવા પડે.
પોતે રેડી થઈ ને ૭ વાગ્યા ના નીચે આવી ગયા હતા. ધીરે ધીરે બધા મહેમાનો આવવા લાગ્યા. જન્મ દિવસ ની પાર્ટી માં બધા મહેમાનો ની સાથે નિર્મલા ની જૂની સહેલી કમલા પણ આવી હતી. એની સાથે કોઈ વડીલ હતા લગભગ એમની જ ઉંમરના. કમલા એ એમની ઓળખાણ આપતા કહ્યું કે એનું નામ જીગ્નેશ છે અને એ એનો માસીયાઈ ભાઈ છે. એના પપ્પા ના અવસાન પછી કમલા મુંબઈ જતી રહી હતી. અને પછી વારે તહેવારે કે પ્રસંગો પાત નિર્મલાની મુલાકાતે આવતી. કમલા એ કહ્યું કે હવે જીગ્નેશનું કોઈ નથી અને પોતાનું પણ એટલે બંને જોડે રહે છે. બંને ભાઈ બહેન એક બીજા ની ઓથ છે. નિર્મલા ને જીગ્નેશ માં પેલો લાલ ચડ્ડી વાળો છોકરો દેખાયો. પણ ક્યાં ૫ વર્ષ અને ક્યાં ૮૫વર્ષ? ફક્ત ચૂપ રહીને સ્મિત કર્યું. જીગ્નેશ પણ એક આદરપૂર્વક નું સ્મિત આપ્યું અને હાથ માં રહેલો બોગનવેલનો ગુલદસ્તો આપતા જન્મ દિવસની બધાઈ આપી. ઘેરા લાલ રંગનો એ ગુલદસ્તો નિર્મલા ને એટલે ગમ્યો કે આખી પાર્ટીમાં એમણે હાથમાં જ પકડી રાખ્યો .
૮.૧૫ વાગ્યે કેક કટ કરવાનો સમય થયો. રોસેટ વાળી કેક પર લાઈવ બોગનવેલ જોઈ એ હરખાઈ પડ્યા. એમના માટે મેનુ પણ સરપ્રાઈઝ હતું. જયારે એમને જાણ્યું કે એમના ગમતા ઢોકળા, ખમણ, પાણી પુરી અને ઢોસા ના લાઈવ કાઉન્ટર છે તો એમને બહુ સારું લાગ્યું. એમાં નું લગભગ બધું જ બીપીન અને પપ્પા ને ભાવતું એ યાદ આવતા એમની આંખો ભરાઈ આવી. જમવાનું શરુ થતા નિર્મલા બધાથી છૂટા પડ્યા અને કમલા અને જીગ્નેશ સાથે એક જગ્યાએ બેઠા.
બધી જૂની વાતો નીકળી. એવા માં જીગ્નેશ એકદમ બોલ્યો કે સીતાફળીમાં ફળ બેસે છે ? ચંપો તો જોયો મેં. પીળો ચંપો તો હવે બહુ ઓછો દેખાય છે. જીગ્નેશ જયારે આ બોલતો હતો ત્યારે નિર્મલા સુખદ આંચકો પામી ને એને જોવા લાગ્યા.
નિર્મલા : તું એ લાલ ચડ્ડીવાળો છોકરો ?
જીગ્નેશ : હા અને તું પેલી પીળા ફ્રોકવાલી છોકરી, ખરું ને મને યાદ છે.
નિર્મલા, કઈ સમજાયું ના હોય એમ કમલા ને જોવા લાગી. જાણે પોતાનો વારો આવ્યો હોય બોલવાનો એમ કમલા એ બેય ની સામે જોયું અને પછી કહ્યું કે હા, નિર્મલા આ એજ છોકરો છે. જયારે મને જીગ્નેશે કહ્યું કે એ તને પરણવા માંગે છે એજ દિવસે તારો ફોન આવ્યો હતો કે તારા અને બિપિનના લગ્નની તારીખ આવી ગઈ છે.
પછી તો જીગ્નેશે મને, તને આ વાત કરવાની ના પાડી હતી. મારી પાસેથી વચન લીધું હતું. એણે લગ્ન પણ ના કર્યા. કોઈ જીગ્નેશ ને પૂછે તો કહેતો કે જેની જોડે લગ્ન કરવા હતા એણે તો પોતાનો બાગ બીજે બનાવી લીધો છે. મારે તો હવે જંગલ જ રહેવું પડશે. જીગ્નેશનો પણ મુંબઈ માં બંગલો છે અને ખુબ સુંદર ગાર્ડન છે. એ હમેશાથી એ ગાર્ડન તને બતાવવા માંગતો.
હમણાં હમણાં થી એ તને બહુ યાદ કરે છે અને જયારે તે મને આ પાર્ટી માટે આમંત્રણ આપ્યું ત્યારે તબિયત નાદુરસ્ત હોવા છતાં જીગ્નેશે જીદ કરી કે એ તને જોવા માંગે છે અને એટલે હું તને પૂછ્યા વગર એને લઈને આવી ગઈ.
આટલું સાંભળતા નિર્મલાએ વ્હાલથી જીગ્નેશની સામે જોયું અને પૂછ્યું કે અત્યારે તો અંધારું છે પણ કાલે સવારે હું આપણું ગાર્ડન બતાડીશ. તમે લોકો અહીંયા જ રહી જજો. જીગ્નેશ અને કમલા માની ગયા. પછી બધા જમવા બેઠા અને જમ્યા પછી બધા મહેમાન નીકળવા લાગ્યા એટલે નિર્મલાએ કમલા અને જીગ્નેશથી છુટ્ટા પડવું પડ્યું.
રાત્રે કમલા અને નિર્મલા એક જ રૂમ માં સુઈ ગયા અને જીગ્નેશ ગેસ્ટ રૂમમાં. સવારે ૭ વાગ્યે જયારે નિર્મલા ઉઠયા અને ગાર્ડન માં આવ્યા ત્યારે કમલા અને ઘર ના સભ્યો તો હજી સુતા હતા પણ જીગ્નેશ ગાર્ડનમાં જ હતા. નિર્મલા ને જોતા જ બંને એક બીજા ને જય શ્રી કૃષ્ણ કહ્યું ને પછી એક કલાક નિર્મલા જીગ્નેશ ને ગાર્ડન બતાવવા લાગ્યા બંને જણ જાણે કોઈ બીજી જ દુનિયા માં પહોંચી ગયા હતા. ૮.૨૦ એ મોટા ની વહુ એ બા નો આવાજ કર્યો અને કહ્યું કે નાસ્તો ગાર્ડનમાં લગાડું ? તો નિર્મલાએ હા પડી. વહુ બોલી આજે માં ને કોઈ ટક્કરનું મળી ગયું છે. કમલા આ સાંભળી ને હસી અને પોતે પણ નિર્મલા અને જીગ્નેશની જોડે જોડાઈ.
નાસ્તો કરતા નિર્મલા બોલ્યા કે કમલા, હું પણ આજે રાત્રે મુંબઈ આવું છું. મારે જીગ્નેશ નો ગાર્ડન જોવો છે. જીગ્નેશ આ સાંભળી ને બોલ્યા નિર્મલા તો હવે મારુ જંગલ પણ બગીચો બની જશે. તો તો મારો ગાર્ડન ખીલી ઉઠશે.
સાંજે નિર્મલા કમલા અને જીગ્નેશ મુંબઈ માં ખાર માં આવેલા જીગ્નેશ ના બંગલૉ માં હતા. જયારે એ લોકો એરપોર્ટ થી બંગલે પહોંચ્યા ત્યારે રાત ના ૧૦ વાગ્યા હતા.નિર્મલા ને ફ્લાઈટ માં એકલા ન આવવું પડે એટલે નાની વહુ પણ સાથે આવી હતી. એની માસી મુંબઈ માં જ રહેતા એટલે એ એમના ઘરે ઉતરી.
સવારે ઉઠતા ૮ વાગી ગયા હતા. નિર્મલા જયારે નીચે ગાર્ડન મા પહોંચ્યા તો જીગ્નેશ એમની રાહ જોતા ઉભા હતા. બંને જણ ખાસ્સું એકાદ કલાક ગાર્ડન માં ટહેલ્યાં. નિર્મલા ને જીગ્નેશ નું ગાર્ડન ખૂબ ગમ્યું. ત્યાં નારિયેળ ના ઝાડ હતા. નાગરવેલ ની લાંબી વેલ અને અળવીના જંગલ હતા. જીગ્નેશ એક કુંડ માં કમળ પણ વાવ્યા હતા. ગુલાબ ની બધી જાત અને મની પ્લાન્ટ ની બધી પ્રજાતિ જીગ્નેશ પાસે હતી. જીગ્નેશ નિર્મલા ને કહે છે કે ચાલ હવે તને કંઈક સ્પેશ્યલ બતાવું અને એમ બોલતા એ નિર્મલા ને ગાર્ડન ની વચ્ચો વચ્ચ લઈ જાય છે ત્યાં ગોળાકાર માં બોગનવેલ વાવેલી છે અને એની વચ્ચે પીળા ફ્રોકમાં એક છોકરી ઊભી છે એક પુરુષ અને લાડ ચડ્ડી પહેરેલા એક બાળક સાથે. જાણે બંને કે કઈ સમજાવતી ના હોય. નિર્મલા આ જોઈ ને ગળગળી થઈ જાય છે એમની આંખોમાં આંસુ આવી જાય છે. બંને કાંઈજ બોલતા નથી. એટલામાં કમલા બંને ને નાસ્તા માટે બોલાવે છે. પછી બીજી જૂની વાતોમાં સમય ક્યાંય પસાર થઈ જાય છે. સાંજે ૮ વાગ્યાની ફ્લાઈટ હોય છે. મુંબઈ માં ટ્રાફિકના કારણે સમય વધારે લાગે એટલે વહુ ડ્રાઈવર સહીત માસીની ગાડી લઈ ને નિર્મલા ને એરપોર્ટ મારે પીક કરવા ચાર વાગ્યે જ આવી જાય છે.
જતા પહેલા નિર્મલા ફરી એ જગ્યા એ જાય છે, બોગનવેલની વચ્ચે પોતાનું એ બાળપણ ફરી એકવાર જીવી લેવા. પાછા જતી વખતે એ જાણે છેલ્લી વાર જોતા હોય એમ ગાર્ડન ને જુવે છે અને પછી જીગ્નેશ ને જુવે છે. કમલા ને ભેટી ને આવજો કહે છે. અને પછી પાછળ જોયા વગર જ ગાડીમાં બેસી જાય છે. કાર માં કે ફ્લાઈટમાં નિર્મલા કઈ બોલતા નથી. વહુ ને ખબર છે કે માં જયારે ઇમો શનલ હોય ત્યારે ચુપ રહેવાનું પસંદ કરે છે અને એ પણ માં ને બોલાવતી નથી.
ઘેર પહોચતા ૧૧.૩૦ જેવું થાય છે. નાનો દીકરો ગાડી લઈને લેવા માટે આવ્યો હોય છે. નિર્મલા ઘેર પહોંચ્યા પછી દૂધ પીને સુઈ જાય છે. સવારે ૭ વાગ્યે ઊઠીને ગાર્ડનમાં જાય છે અને નેતર ની આરામ ખુરશીમાં બેસે છે. વળી કંઈક યાદ આવતા ઊભાં થાય છે અને આખા ગાર્ડનનો આંટો મારે છે. જાણે છેલ્લી વાર જોતા હોય એમ એક એક ઝાડ અને છોડ ને પ્રેમ થી જુવે છે. કળીઓને હાથથી વ્હાલ કરે છે. પછી નેતર ની ખુરશી પર જઈને પાછા બેસી જાય છે. ૮.૩૦ સુધી એ અંદર ના આવતા મોટી વહુ, પ્રિયા ને માં ને બોલાવવા મોકલે છે. આજે તો માં સાથે બેસી ને પાર્ટી વિશે વાતો કરવાનો બધા નો પ્લાન છે. આમે ય આજે રવિવાર એટલે બધા ઘરે જ છે.
પ્રિયા માં પાસે જાય છે અને એકદમ ચીસ પડે છે. એના નિર્મલા મોમ હવે નથી રહ્યા. એમની પ્રિય જગ્યા એમના ગાર્ડન માં જ એમ ને છેલ્લો શ્વાસ લીધો. નિર્મલાના મોઢા પર અપાર સંતુષ્ટિ હોય છે.જીવન જીવી લીધાનો સંતોષ દર્શાવતું એક સ્મિત. બધા ગાર્ડનમાં ભેગા થઈ જાય છે ત્યાંજ નિર્મલા ના મોબાઈલમાં રિંગ વાગે છે. ડિસ્પ્લે માં કમલા લખેલું આવતા નાની વહુ ફોને ઉપાડે છે અને રડતા અવાજે કઈ બોલે એ પહેલા, ત્યાંથી કમલા કહે છે કે નિર્મલા, જીગ્નેશ ગયો અને હજી કમલા આગળ કઈ બોલે એ પહેલા નાની વહુ બોલે છે કે કમલા માસી, મમ્મી પણ ગયા.
કદાચ એક બીજા નો બગીચો જોવાની ઈચ્છાએ જ બંનેને ટકાવી રાખ્યા હતાં.
બગીચો....!

