CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

4.2  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

અધૂરો પ્રેમ - ૧૨

અધૂરો પ્રેમ - ૧૨

11 mins
572


સોમવારની સવારે સિદ્ધાર્થ ફરી એજ પોતાનું ફેવરિટ બ્લુ ચેકસનું શર્ટ પહેરે છે, તારા એ જયારે સિદ્ધાર્થ ને "આઈ લવ યુ" કહ્યું ત્યારે પહેરેલું આ શર્ટ એ પોતાના માટે લકી માને છે. કોઈ પણ સંજોગમાં તારા ને ખોવા ન માંગતા સિદ્ધાર્થ નું, આજે લકી હોવું જરૂરી હતું. 

સ્ટાફ બસ આવતા એ પોતાની જગ્યા પર બેઠો. તારા નું સ્ટોપ આવતા તારા પણ બસમાં ચઢી અને હંમેશની જેમ એણે સિદ્ધાર્થ સામે જોયું.એજ બેબી પિન્ક કલરની કુર્તી માં તારા ને જોઈ સિદ્ધાર્થ ના મોઢા પર આવેલું સ્મિત તારાની આંખો પર જઈને અટકી ગયું. આજે થોડું વધારે કાજલ લગાડેલી તારાની આંખોની ફિક્કાશ સિદ્ધાર્થથી છૂપી ના રહી શકી. એને અંદાજ આવી ગયો કે તારા કેટલું રડી હશે. તારા બસ માં ચઢી અને સિદ્ધાર્થ ની બાજુમાં બેઠી. એણે બેસતા જ સિદ્ધાર્થ ના ખભા પર માથું મૂકી દીધું. તારાની નારાજગી પછી સિદ્ધાર્થ, તારા પોતાની જોડે બેસશે કે કેમ એ વિશે પણ ચોક્કસ ન હતો એટલે તારા ના આવા વર્તનથી એને સુખદ આંચકો મળ્યો. કદાચ અત્યારે એમ ને બિલકુલ પડી ન હતી કે કોણ શું વિચારે છે. બંનેમાંથી કોઈ કંઈજ ન બોલ્યું. તારા એ ભલે સિદ્ધાર્થ ના ખભે માથું મૂક્યું હતું પણ એના સ્પર્શમાં રહેલી નારાજગી સિદ્ધાર્થ અનુભવી રહ્યો હતો. તારા ગુસ્સે હોત તો સિદ્ધાર્થ ને પોતાની લાગત પણ આ ચૂપ થઈ ગયેલી તારા એને એકદમ અજાણી, તદ્દન પારકી લાગી.

સિદ્ધાર્થ એ પણ તારા નો હાથ પકડી લીધો. જેમ તારા એની આંગળીઓમાં આંગળી પરોવી દેતી,એમ આજે સિદ્ધાર્થે કર્યું, તારા એ સિદ્ધાર્થ સામે જોયું અને સ્માઈલ આપ્યું. પણ એ સ્માઈલ પછી તરત આંખોમાં આવેલ ઝળઝળિયું સિદ્ધાર્થની નજરમાં આવ્યા વગર ના રહ્યું.

ઓફિસ આવતા બંને ઉતર્યા. આજે કાર્ડ સ્વાઇપ કર્યા પછી હંમેશા પોતાની જગ્યા તરફ જતા પહેલા સિદ્ધાર્થ સામે જોતી તારા એ પાછળ વળીને ના જોયું. સિદ્ધાર્થ ખૂબ બેચેની અનુભવી રહ્યો હતો. એને અંદર થી કંઈક અજુગતું, કંઈક ખરાબ થવાનું હોય એવો અંદેશો આવી રહ્યો હતો.. એને મન કરતું હતું કે તારા ને લઈને ક્યાંક જાય એની સાથે વાત કરે પણ ,કદાચ એ સમય નીકળી ચૂક્યો હતો. 

લંચ ટાઈમ સુધી તારા નો કોઈ મૅસેજ ન હતો. જે તારા કલાક માં એકાદ વાર તો " આઈ લવ યુ " કહેતો મૅસેજ અચૂક મોકલે, એ તારા એકદમ ચૂપ હતી. ગુસ્સા વખતે ઈમોજી દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કરતી તારા ના મૌન સામે સિદ્ધાર્થ વામણો પુરવાર થઈ રહ્યો હતો. વળી પોતે સવાર થી મિટિંગ માં હોવાને કારણે ફોન પણ નોહ્તો કરી શકતો. લંચ વખતે આજે તારા કેન્ટીનમાં આવશે કે કેમ, એમ વિચારતા સિદ્ધાર્થ ને તારા નો કોલ આવે છે. સિદ્ધાર્થ એક જ રિંગમાં કોલ ઉપાડે છે, તારા કહે છે કે એ આજે ૪ વાગે નીકળી જવા માંગે છે અને ઈચ્છે છે કે સિદ્ધાર્થ પણ તેની સાથે જોડાય જેથી એ લોકો વાત કરી શકે. એણે કેબ બુક કરી લીધી હોવાનું પણ કહે છે. પછી ઉમેરે છે કે, એણે લંચ કરી લીધો છે. સિદ્ધાર્થ તારા ને કહે છે કે એ પણ એની જોડે નીકળશે.

ફાઈનલી તારા સાથે વાત થઈ શકશે એમ માનીને સિદ્ધાર્થ ખુશ થાય છે અને પોતે ૪ વાગ્યે નીકળશે એવો બોસ ને મૅસેજ કરી દે છે. પોતે ક્વિક લંચ કરીને બાકી નું કામ આટોપી લે છે જેથી એ તારા સાથે નીકળી શકે.

૩.૫૦ એ બંને ઓફિસમાંથી અલગ અલગ નીકળી ને પીકઅપ પોઇન્ટ પર મળે છે. કેબ આવતા જ બંને પાછલી સીટ પર ગોઠવાય છે. બેસતા જ સિદ્ધાર્થ તારા નો હાથ પકડીને પોતાના હાથ ની આંગળીઓ એના હાથમાં પરોવી, એ પરોવેલ હાથ ને પોતાના હૃદય પાસે લઈ જાય છે. શુક્રવાર ના ઉચાટ પછી છેક આજે એને શાંતિ મળે છે. તારાના આ સ્પર્શમાં સવારની નારાજગી ન હતી.

તારા, સિદ્ધાર્થ ને કહે છે કે એ તારા ને સંબોધે. સિદ્ધાર્થની આંખમાં ઝળઝળિયું આવી જાય છે. એ તારા, તારા એમ ત્રણ વાર બોલે છે. તારા આંખો બંધ કરીને સિદ્ધાર્થ ના અવાજમાં પોતાનું નામ સાંભળે છે. મોઢેથી પોતાનું નામ સાંભળે છે. કદાચ છેલ્લી વાર ! તારા પોતાનું માથું સિદ્ધાર્થના ખભા પર મૂકી દે છે. સિદ્ધાર્થ એના કપાળ ને એક વહાલ ભર્યું ચુંબન કરે છે. સિદ્ધાર્થ પણ પોતાનું માથું તારા ના માથા પર ઢાળી દે છે. બંને તારા એ ઇંગલિશમાં ક્યારેક લખેલી નાની કવિતા વાગોળે છે.

What I love the most is,

Resting on your shoulder,

Leaving all my worries behind,

Singing a song of love,

The one which you sang for me then,

The one which you keep singing for me

Now, then and forever. 

એકદમ, તારા સિદ્ધાર્થ ને કહે છે કે " જો હું ખોવાઈ જાઉં તો તું મને શોધવા આવે ? તારા જયારે હતાશ હોય ત્યારે આવા પ્રશ્નો પૂછતી અને પછી સિદ્ધાર્થ ના જવાબ થી એને બીજા ઊલટ પ્રશ્ન કરતી અને મોટે ભાગે આ સવાલ જવાબ પછી તારા સિદ્ધાર્થથી નારાજ જ થતી અને પછી સિદ્ધાર્થે એ તારા ને મનાવવી પડતી. ક્યારેક આમાં તારા ને જીતની ખુશી પણ થતી. પણ આજે કદાચ એ જીતી ને પણ હારવાની હતી અને સિદ્ધાર્થ તો કદાચ હારી જ ગયો હતો. 

સિદ્ધાર્થ કહે છે કે ના હું તને શોધવા ન આવું. આ સાંભળીને તારાની આંખમાંથી એક આંસુ પડી જાય છે. પણ એ ચૂપ રહે છે. સિદ્ધાર્થ ને બોલવા દે છે. સિદ્ધાર્થ કહે છે કે તારા, મારો તારા પર શું હક છે ? તારી સાથે વિતાવેલ એક એક ક્ષણ મારા માટે અનમોલ છે. તું મને મળી, એ મારા માટે એક ઉપહારથી ઓછું નથી. પણ તારી સાથે આમ રહેવું, એજ મારુ નસીબ છે.

તારા નું મન ચિત્કાર કરી ઊઠે છે. એનું મન બૂમો પાડી ને કહી રહ્યું હોય છે કે સિદ્ધાર્થ, ફક્ત તારો, ફક્ત તારો હક છે મારા પર ! તું એક વાર મારા પર હક કર તો ખરો. એ સિદ્ધાર્થ ને પૂછવા માંગતી હતી કે જો હાથ છોડી જ દેવો હતો તો પકડ્યો જ શું કામ ? હવે જયારે તારો પ્રેમ, મારી એક માત્ર જરૂરિયાત, એક માત્ર ઈચ્છા, એકમાત્ર આધાર બની ગયો ત્યારે તું મને આમ તરછોડી ગયો. જો આમ જ કરવું હતું તો, મારી સાથે આગળ શું કામ વધ્યો. તે મને તારી લાગણી જણાવી દીધી હતી. મેં તને મારી લાગણી જણાવી પછી વાત ત્યાંજ કેમ ના અટકી ગઈ ? શું સિદ્ધાર્થ નથી જોઈ શકતો કે એ બંને એક બીજા માટે બન્યા છે. જો એવું નથી તો શું કામ એ લોકો મળ્યા ? એનું મન એ સ્વીકાર કરવા તૈયાર જ ન હતું કે એના પ્રેમને એનું સરનામું ક્યારેય નહિ મળે. તારા સાથે સિદ્ધાર્થનું નામ ક્યારેય નહિ જોડાય. એણે જોયેલું સિદ્ધાર્થ સાથેના જીવન નું સપનું, કાયમ માટે અધૂરું જ રહી જશે.

એને સિદ્ધાર્થનું આમ એકદમ પોતાના પરનો હક જતો કરી દેવું આંખમાં પડેલી કરચ જેવું, રીતસર ખૂંચી રહ્યું હતું. સિદ્ધાર્થ એને આટલી સહજતાથી જવા દેશે, પોતાનાથી અલગ કરી દેશે, એના પર કોઈ પણ હક નહિ કરે એ વાત નો તારા સ્વીકાર નોહતી કરી શકતી. સિદ્ધાર્થે એને નહિ પણ પોતાના ફેમિલી ને ચૂઝ કર્યું અને તારા ને રોકવાની કોઈ કોશિશ ન કરી આ બંને વાતોએ તારા ને તોડી નાખી. એ અંદર થી વલોવાઈ રહી હતી. એકાદ ક્ષણ માટે તો એને એમ લાગ્યું કે એના હૃદય પર કોઈએ મોટા પથ્થર મૂકી દીધા હોય અને એ વજનથી એ ગૂંગળાઈ રહી હોય.

તારા કંઈજ ન બોલતા, સિદ્ધાર્થ તારા ને કહે છે કે "હું તને ચાહું છું તારા, ખુબ ચાહું છું પણ મારી એ ચાહતથી વધારે તને કંઈજ નહિ આપી શકું. અને એટલે જ મેં તો તને પહેલા પણ કહ્યું હતું કે મને તારી પાસે થી કોઈ અપેક્ષાઓ નથી. જો શક્ય હોય તો મને માફ કરી દેજે. 

આ સાંભળતા હવે તારા પોતાનો કાબુ ખોઈ બેઠી. એ બોલી, હા,તે કહ્યું હતું કે, તારી કોઈ અપેક્ષાઓ નથી, તો મને આટલો પ્રેમ કેમ કર્યો ? અપેક્ષાઓ મારી પણ ન હતી પણ હવે જાગી છે. મારે તને પામવો છે. જે સંબંધ એક સપનું માત્ર છે, એને જીવવું છે. તારા સાથે સિદ્ધાર્થ નું નામ જોડવું છે. અને જેમ સંબંધ જોડતી વખતે કોઈ શર્ત ન કરી હતી તો હવે આગળ વધવામાં સીમા શું કામ બાંધવી છે ? 

તારા ના આ સવાલો નો સિદ્ધાર્થ પાસ કોઈ જવાબ ન હતો. એ તારા ની આંખોમાં ન જોઈ શક્યો અને એને આંખો ઝૂકાવી દીધી. તારા ને સિદ્ધાર્થ માટે અનુકંપા થઈ. પોતાના પ્રેમ ને આ હાલત માં જોવો એના માટે શક્ય ન હતો. પણ હવે સિદ્ધાર્થ ના જીવનમાં રહેવું પણ એના માટે શક્ય ન હતું. કદાચ એનું આત્મ સન્માન એને એવું કરવાની ના પાડતું હતું. સિદ્ધાર્થ એનો પ્રેમ છે, પણ પ્રેમ તારા ની મજબૂરી તો ક્યારેય નથી. એનો પ્રેમ એની તાકાત છે અને એટલે જ એને લાગ્યું કે એ જે કરવા જઈ રહી છે એ જ એક માત્ર રસ્તો છે.

એ સિદ્ધાર્થ ને ભેટી પડે છે અને ખુબ જ કન્ટ્રોલ કરવા છતાં પોતાના આંસુઓને રોકી નથી શકતી. એ એમજ થોડી વાર સિદ્ધાર્થના આલિંગનમાં રડ્યા કરે છે. જાણે સિદ્ધાર્થ આ દુનિયામાં રહેલી છેલ્લી વસ્તુ હોય એમ એ એને વળગી પડે છે. ના, સિદ્ધાર્થ તો એની દુનિયા જ હતો. અને આ દુનિયા હવે એની નથી રહેવાની. એ સિદ્ધાર્થથી અલગ થઈ રહી છે.

સિદ્ધાર્થ પણ અંદરથી રડી રહ્યો હોય છે. પોતાની લાચારી પર એને ગુસ્સો નહિ દયા આવતા હોય છે. તારા, જેનામાં એના પ્રાણ વસતા હોય છે, જેને એ દુનિયાભરની ખુશી આપવા માંગતો હોય છે એને આખી જિંદગીનું દુઃખ આપી દીધું. 

તારા ધીરે થી સિદ્ધાર્થ ના આલિંગનમાંથી નીકળે છે અને એના બંને હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે સિદ્ધાર્થ, હું તો ચાહતી હતી કે તું 'મારા પ્રેમનાં રથ ને હાંકે' પણ એ તો તું ના કરી શક્યો અને હવે હું તારી થઈ ને પણ અજાણી બની ને ના રહી શકું એટલે હવે આપણે આ સંબંધનો અંત લાવીએ. તું મારા અંત વખતે તો મારી સાથે નહિ હોય પણ તારી સાથે ગાળેલી હર એક ક્ષણ મારા માટે યાદગાર છે. મને આખા જીવનનો પ્રેમ આપવા બદલ, મારી સાથે આટલા વર્ષો પ્રેમ પૂર્વક ગાળવા બદલ તારો આભાર. મને તને પ્રેમ કરતા કોઈ જ નહિ રોકી શકે પણ મારા પ્રેમને હવે તારી હાજરીની જરૂર નથી. તું મારો નહિ, તો હું, આ રીતે, તારી નહિ. અને હા, તારા સિદ્ધાર્થની નહીં તો બીજા કોઈની પણ નહિ. 

સિદ્ધાર્થ પૂછે છે એટલે,શું તું ? તારા કહે છે હા, હું નિહાર થી છૂટી થઈ રહી છું. એનો કોઈ વાંક ગુનો નથી. એને મ્યુચ્યુઅલ કોન્સેન્ટ થી આ નામ ના સંબંધથી મુક્ત કરું છું. એ રીતે કદાચ હું મારી જાતને ગિલ્ટ માંથી મુક્ત કરી શકીશ. અને તું ? તારા તારું શું ? સિદ્ધાર્થના આ પ્રશ્ન ના જવાબમાં તારા કહે છે કે મારે કોઈનાં સહારાની જરૂર નથી મારા માટે મારો પ્રેમ પૂરતો છે. પણ હું હવે તારા જીવનમાં પણ નહિ રહી શકું અને એટલે આજ પછી હું તને નહીં મળું. તું મારી જરૂરત છે સિદ્ધાર્થ અને તારા વગર જીવવું મારા માટે મુશ્કેલ છે પણ તું મારી કમજોરી નથી અને જો હું હવે તારા જીવનમાં રહી તો હું મારી જાતને માફ નહિ કરી શકું.

સિદ્ધાર્થ એકદમ હેરાન થઈ જાય છે. એને કલ્પના પણ નોહતી કરી કે તારા એ બે રાતમાં આટલું બધું વિચારી લીધું. એને એટલું તો ખબર હતી કે તારા ફક્ત બોલનાર વ્યક્તિઓ પૈકીની ન હતી. જો એ કહે છે તો એને ચોક્કસ બધું વિચાર્યું હશે અને બધી તૈયારીઓ કર્યા પછી જ પોતાનો નિર્ણય સંભળાવી રહી હશે.

તારા ફરી એક વાર સિદ્ધાર્થ ને ટાઈટ હગ કરે છે. એને હોઠ પર, આંખો પર, ગાલ પર અને છેલ્લે કપાળ પર એક ચુંબન કરે છે. એના બંને હાથ પકડીને એની આંખોમાં જોઈને ને કહે છે કે "મારા સિદ્ધાર્થ નું, મારા પ્રેમનું ધ્યાન રાખજે". અલવિદા સિદ્ધાર્થ.

આ હતી એમની છેલ્લી મુલાકાત. 

એ પછી સિદ્ધાર્થ અને તારા ક્યારેય નથી મળતા. એ વાત ને આજે ૫ વર્ષ થઈ ચૂક્યા છે. સિદ્ધાર્થ હજી ત્યાં જ કામ કરે છે, અને એજ બસ માં, એજ સીટ પર બેસી ને ઓફિસ જાય છે. પણ હવે એની બાજુ માં બેસનાર તારા ત્યાં નથી. એ ક્યાં છે એના વિશે કોઈને ખબર નથી. 

હા કંપની માં એની જગ્યાએ એનો જ રીફર કરેલો એનો મિત્ર, મિહિર જોબ કરે છે જે કહે છે કે તારા સાથે એનો પણ સંપર્ક નથી. સિદ્ધાર્થ કેટલીય વાર તારા ના ઘર પાસેથી પસાર થતો, કલાકો ત્યાં ઊભો રહેતો પણ એ ઘર માં ક્યારેય કોઈ ચહેલ પહેલ ન દેખાઈ. કદાચ હવે ત્યાં કોઈ રહેતું ન હતું. 

એ દિવસે જયારે તારા એ સિદ્ધાર્થ ને 'પોતાનું ધ્યાન રાખવાનું કીધું' ત્યારે સિદ્ધાર્થ એ તારા ને એકદમ મજબૂતાઈ થી પકડી ને કહ્યું હતું કે 'તારા તું ના જા'. તારા એ ફક્ત એટલું પૂછ્યું હતું કે સિદ્ધાર્થ તારા જીવનમાં મારુ સ્થાન છે ? એની સામે સિદ્ધાર્થ ફક્ત માથું નીચું કરી ગયો હતો. એ માથાને ચૂમી ને તારા બોલી હતી, આઈ લવ યુ, સિદ્ધાર્થ એન્ડ વિલ ફોરેવર લવ ઓન્લી યુ પણ મારા પ્રેમ ને પાંગળો બનાવી ને નહીં.

એ દિવસે તારા એ સિદ્ધાર્થ ને ડ્રોપ કર્યો હતો. પછી એ એની મિત્ર મીરા શર્માની ઓફિસ ગઈ હતી. જે ફેમિલી એડવોકેટે હતા અને એમની મદદ થી તારા એ નિહાર ને મ્યુચ્યુઅલ કોન્સેન્ટ થી ડિવોર્સ આપતા પેપર્સ પર સાઈન કરી હતી. એ ઘેર પહોંચી અને પોતાને જોઈતો સામાન જે એણે રવિવારે જ પેક કરી લીધો હતો એ લઈને નિહાર ના આવતા પહેલા નીકળી ગઈ. હા એનામાં નિહાર ને ફેસ કરવાની હિંમત ન હતી. એટલા માટે નહીં કે એ ખોટી હતી પણ એટલા માટે કે એના પ્રેમ ને લીધે કદાચ નિહાર સુખી ન થઈ શક્યો. એણે નિહાર માટે એક પત્ર પણ મુક્યો હતો જેમાં એણે લખ્યું હતું કે એ નિહાર ને પ્રેમ નથી કરતી અને એટલે પોતે નિહાર ને છોડીને હંમેશ માટે જઈ રહી છે. એણે નિહાર ને પોતાને ભૂલી ને આગળ વધવા માટે પણ ભલામણ કરી હતી. તારા એ સન્ડે સવારે જે મેલ કર્યા હતા એમાં એક મેલ એક નાના ટાઉન માં પોતાની જોબ માટે પણ કર્યો હતો.અને એ જોબ એને મળી ગઈ હતી, એણે પોતાનું શહેર છોડ્યું એના પંદર દિવસમાં. એને વિશ્વાસ હતો કે જોબ એને મળશે જ અને એટલે જ એ ૧૫ દિવસથી એ નાના શહેરમાં આવી ને રહેતી હતી. 

તારા હવે એ નાના ટાઉનમાં જોબ કરે છે. અને કંપનીની કોલોનીમાં જ રહે છે. એની સાથે એક નાની ૫ એક વર્ષની ભૂલકી રહે છે જેનું નામ છે સિતારા. હા સિદ્ધાર્થ અને તારા ને કંઈક તો જોડી શક્યું. આ બાળકી ને તારા એ અનાથ આશ્રમમાંથી લીધી છે. સિંગલ પેરેન્ટ પણ બાળકને દત્તક લઈ શકે એ સુધારા પછી એના એડયુકેશન અને સેવિંગના કારણે એને આ બાળકી મળી હતી. તારા ના માતા પિતા પણ એની જોડે જ રહે છે અને હવે નિહારે પણ બીજા લગ્ન કરી લીધા છે. એ ખુશ છે. એને એક દીકરો પણ છે.

હજી આજે પણ તારા સિદ્ધાર્થ ને એટલો જ પ્રેમ કરે છે. કદાચ પહેલાથી વધારે કારણકે હવે એની અને સિતારાની દુનિયામાં સિદ્ધાર્થ ફક્ત એમનો છે. વહેંચાયા વગરનો. ફક્ત તારાનો સિદ્ધાર્થ. એ કોઈથી પણ છૂપાયા વગર જયારે ઈચ્છે ત્યારે સિદ્ધાર્થની સાથે વાત કરી શકે છે એને યાદ કરી શકે છે.અને એના મોબાઈલમાં સિદ્ધાર્થનાં ડીપી ને જોઈને એની સલામતીની પ્રાર્થના કર્યા કરે છે.

સિદ્ધાર્થ પાસે તારા નો જે નંબર હતો એ કેટલાય ટાઈમ પછી ફરી એકટીવેટ થયો અને એ પણ કોઈ બીજા નામ સાથે. કોઈ બીજી વ્યક્તિ માટે.

જ્યારથી તારા, સિદ્ધાર્થના જીવનમાંથી જેમ અચાનક આવી હતી એમ અચાનક જતી રહી ત્યારથી એણે વોટ્સએપમાં ડીપી અને સ્ટેટ્સ એલાઉ ટુ એવરિવન ઓપ્શન રાખેલ છે. પોતાની તારા માટે જ જીવતો હોય એમ સિદ્ધાર્થ રોજ રાત્રે ગુડ નાઈટનું અને સવારે ગુડ મોર્નીગનું સ્ટેટ્સ મૂકે છે, જાણે પોતાની હયાતીનો, સલામતીનો પુરાવો આપતો હોય. એને ઊંડે ઊંડે ખબર છે કે એની તારા જ્યાં છે ત્યાંથી એને જરૂર જોતી હશે. 

સિદ્ધાર્થ અને તારા પોતાના પ્રેમને ના પામી શક્યા ના જોડે જીવી શક્યા અને................

અધૂરો પ્રેમ, અગાઢ પ્રેમની ન પૂરી થઈ શકેલી વાર્તા.

સમાપ્ત 


Rate this content
Log in

Similar gujarati story from Romance