CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance Classics

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance Classics

સૂર્યાસ્તની સાક્ષીએ

સૂર્યાસ્તની સાક્ષીએ

11 mins
251


માઉન્ટ આબુમાં રહેતી કાયરાનો રોજ સૂર્યાસ્ત જોવાનો નિયમ. ઓગણીસ વર્ષની કાયરા ગમે તેટલી થાકી હોય છત્તા કોચિંગ ક્લાસ પરથી સીધી સનસેટ પોઇન્ટ પર જાય અને એના રોજના બાંધેલ કાચી કેરી વાળા પાસેથી મસાલો નખાવેલ કાચી કેરી લઈને સનસેટ જોતા-જોતા ખાય.

આમ તો સનસેટ પોઇન્ટ પર લગભગ ટુરિસ્ટ આવે. પણ કાયરા લોકલ હોવા છત્તા, સૂર્યાસ્ત પાછળ એટલી જ ગાંડી. એને સૂર્યાસ્ત જોવામાં શું મઝા આવે એવું કોઈ પૂછે તો એ એક કવિયત્રી બની જાય અને કહે, " સૂર્ય એક પ્રેમી છે જેને દુનિયા એની પ્રેમિકા પૃથ્વીથી દૂર કરવા માંગે છે. આટલા બધાની સામે એનું કઈ ચાલતું નથી અને એટલેજ એ ડૂબી જાય છે પણ બીજા દિવસે પાછો બમણી તાકાતથી આવી જાય છે એ દુનિયાને તપાવવા જે એની પ્રેમિકા પૃથ્વીથી એને દૂર કરી રહયાં છે. પછી કહે કે મને એ પ્રેમીને થતી વિરહની વેદના દેખાય છે,હું એને અનુભવી શકું છું. "

પ્રશ્ન પૂછવાવાળો એકાદ સેકન્ડ માટે તો એને જોતો જ રહી જાય. પછી ક્યારેય એના આ ગાંડપણ વિશે ના પૂછે. એનો દિવસ જાણે સનસેટ વગર અધૂરો. વરસાદી ઋતુમાં અને ભર શિયાળે તો એની હાલત કફોડી થઈ જાય. ત્રણ દિવસ જો સનસેટ ના જોવા મળે તો એની હાલત વેન્ટિલેટર પર મૂકેલા દર્દી જેવી થઈ જાય.

રોજ જતી હોવાથી એને ખબર હતી કે બેસ્ટ વ્યૂ ક્યાંથી મળે. એને ત્યાં બધા ફેરિયા પણ ઓળખતા. એનું ઘર સનસેટપોઇન્ટથી ઘણું નજીક હતું. વળી એના પપ્પાનું માઉન્ટ અબુ જેવી નાની જગ્યામાં મોટું નામ હોવાથી એને એકલા જવામાં કોઈની બીક ન હતી. નાની હતી ત્યારે મમ્મી લગભગ આંતરા દિવસે અહીંયા લઈ આવતી ત્યારે સનસેટ પોઇન્ટ પર આજના જેવી ભીડ પણ નોહતી રહેતી. થોડી મોટી થતા પહેલા ઘરમાં કામ કરતા નોકર સાથે અને પછી ધીરે ધીરે એકલી આવતા થઈ ગઈ. 

એક દિવસ આજ નિયમ મુજબ કાયરા સનસેટ પોઇન્ટ પર ગઈ અને પોતાની માનીતી જગ્યાએ બેસીને, બેફિકરાઈથી કેરી ખાતી આથમતા સૂર્ય ને જોઈ રહેલી. તે વખતે એને લાગ્યું કે એક છોકરો એની તરફ જોઈ રહ્યો છે. કદાચ કોઈ પણ ઉંમરની સ્ત્રીને આંખોની પાછળથી એવું ખબર પડી જાય છેકે એને કોઈ પુરુષ જોઈ રહેલ છે. પણ આવું તો ઘણીવાર થતું એટલે કાયરા એ બહું ધ્યાન ના આપ્યું.

કાયરા હતી જ એવી કે કોઈ એક નજરે જોયા પછી ના જુવે તો નવાઈ ! તાંબાથી કંડારી હોય એવી ત્વચા, સૂરીલી ગરદન, ઘાટીલુ શરીર અને ખભા સુધીના કાયમ ખુલ્લા રહેતા વાળ, ૫"૫ ની ઉંચાઈ અને લાંબી કાજળ ભરેલી આંખો. હવે કોણ આવી કન્યા ને ના જુએ ! પોતાને લોકો જુએ છે એનાથી ટેવાયેલી કાયરા આ બધી વાતોને કોઈજ લક્ષ્ય ન આપતી.

એ છોકરો નવ્ય પોતાના ભાઈબંધ સાથે અહીંયા આવ્યો હતો. છોકરી એકલી હતી એટલે લગભગ લોકલ જ હશે એવું નવ્ય એ ધારી લીધું. એ લોકો બે દિવસ માટે આવ્યા હતા એટલે કાલે ફરી એ છોકરી જોવા મળશે એ લાલચે નવ્ય ફરી આવ્યો અને એજ જગ્યાએ બેઠો જ્યાં ગઈ કાલે બેઠો હતો. કાયરાની જગ્યા તો નક્કી જ રહેતી એટલે આજે પણ એણે નવ્ય ને પોતાની તરફ જોઈ રહેલ જોયો. કાયરાની સ્ત્રી સહજ અનુભવી આંખો એ નજર નોંધી. એમાં કોઈ વિકાર ન હતો. પણ છત્તા હવે હદ થઈ ગઈ, આને ઠેકાણે લાવવો જ પડશે એમ બોલતી કાયરા નવ્ય પાસે ગઈ અને બોલી કે પહેલા કોઈ છોકરી નથી જોઈ ! નવ્ય થોડો ઝંખવાઈ ગયો અને બોલ્યો કે જોઈ તો છે' ઘણી છોકરીઓ જોઈ છે. પછી પર્સમાંથી એક ફોટો કાઢતા બોલ્યો, જો આ બે સ્ત્રીને, એક મારી માં અને બીજી બહેન છે. કાયરા એ બે ખુબ સુંદર સ્ત્રીના ફોટા જોયા પછી તાડુકીને બોલી, તો શું ? જે છોકરીઓ ને તું જોઈ રહે છે એ બધાને આમ તારી મમ્મી અને બહેનનો ફોટો બતાડે છે ? નવ્ય બોલ્યો ના, "એવી તું પહેલી છે અને છેલ્લી પણ". હેં ! કાયરા ને એ થોડો છટકેલ લાગ્યો વળી એ પોતાનો વ્યૂ, બિલકુલ બગાડવા માંગતી ન હતી. એ બોલી સારું હવે મને જોવાનું બંધ કર અને ત્યાં જો, આટલું બોલીને એ ત્યાંજ ઊભાં રહીને સનસેટ જોવા લાગી અને નવ્ય પલક ઝપકાયા વગર કાયરાને જોતો રહ્યો. 

સનસેટ થઈ જતા કાયરા ચાલવા માંડી. નવ્ય એ એને ઊભી રખાવી અને નામ પૂછ્યું. કાયરા બોલી આટલી જલ્દી શું છે ? હું તો અહીંયા રોજ આવું છું ફરી ક્યારેય આવીશ તો નામ પણ કહી દઈશ અને એણે એક વાર ફરીથી નવ્ય તરફ જોયું અને ચાલવા માંડી. એ રાત નવ્ય એ કાયરાના વિચારોમાં ગાળી. બીજા દિવસે એ પોતાના શહેર જવા નીકળી ગયો. આ વાતને એક મહિનો થઈ ગયો. એ હજી પણ કાયરા ને ભૂલ્યો ન હતો. બીજી તરફ કાયરા પણ એ દિવસ પછી રોજ એ જ્ગ્યા પર નવ્યની કલ્પના કરતી. પછી વિચારતી કે થોડા દિવસમાં ભૂલાઈ જશે.

 પણ ના કાયરા નવ્ય ને ભૂલી ના નવ્ય કાયરા ને !

બાવીસ વર્ષનો નવ્ય જર્નાલીસમનું ભણીને એક પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપરમાં એક વર્ષ પહેલા જ જોડાયો હતો. મીડિયા ફિલ્ડમાં કામ કરતા નવ્ય માટે સુંદર છોકરીઓ કોઈ નવી વાત ન હતી. એટલે આ ફક્ત શારીરિક આકર્ષણ તો નથીજ એવું નવ્ય જાણી ગયો હતો. એણે એના મમ્મી અને બહેન ને પણ કાયરા વિશે કહી દીધું હતું. બહેન એની ઠેકડી પણ ઉડાવતી કે જેનું નામ પણ ખબર નથી ભાઈ એને મનડું દઈ બેઠા. ત્રણ મહીના પછી ફાગણ આવ્યો અને હોળી ધુળેટી ગુરુ, શુક્રવાર ના મેળમાં આવતી હતી. પછી આવતા શનિ રવિ ભેગા થઈને સરસ ચાર દિવસ રજા નો યોગ હતો એટલે નવ્ય એ આબુ જવાનો પ્રોગ્રામ કર્યો. હોળી ની પ્રદક્ષિણા કરીને એ ગુરુવારે રાતે બસમાં બેસી ગયો. એને સનસેટ પોઇન્ટની પાસે જ હોટેલ બુક કરી. બંદા શુક્રવારે સવારે જ આબુ પહોંચી ગયા અને હોટેલના ગાર્ડનમાં ચા પીતા બેઠા. નવ્ય ને આજે સૂર્યાસ્તની ઉતાવળ હતી. ક્યારે સૂર્યાસ્ત થાય અને ક્યારે હું એને મળું અને નામ પૂછું. પણ એના નસીબમાં પ્રતીક્ષા નહિ પરિણામ હતું. એને ગાર્ડનમાં બેઠા-બેઠા સામેની કોઠીમાંથી પીળાં ચણીયા, લીલી ચોળી અને લ્હેરિયાં પીળા દુપટ્ટામાં કાનમાં ઝુમખા પહેરેલી, હાથમાં ગુલાલની થાળી સાથે કાયરા દેખાઈ. ધૂળેટીને દિલથી નફરત કરતો નવ્ય ચાના કપ સાથે ખુરશી પરથી ઊભો થઈ ગયો અને એનાં આશ્ચર્ય વચ્ચે કાયરા આ તરફ જ આવી રહી હતી. કાયરા ને પોતાની તરફ આવતી જોઈને નવ્ય એને જોવામાં જાણે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હોય એમ ત્યાંજ ખોડાઈ ગયો. કાયરા એ હજી છોડના આવરણ ને કારણે એને જોયો ન હતો કે છેક પાસે આવી ગયેલી કાયરા ને કોઈને પાછળથી બોલાવી એટલે એણે પાછળ જોયું. કોઈ અજાણ્યા કારણવશ, રંગોથી જેને એલર્જી હતી એ નવ્ય કાયરની એકદમ આગળ જઈને ઊભો રહી ગયો. પાછળ જોઈને ચાલતી કાયરા એને અથડાઈ અને થાળીનો બધો રંગ નવ્ય પર પડી ગયો. કાયરા એકદમ ગુસ્સામાં આગળ તરફ વળી અને નવ્યને જોતાજ બોલી ઊઠી તું ? 

નવ્ય હસીને બોલ્યો હવે તો નામ કહી દે. વગર ગુલાલે કાયરાના ગાલ લાલ થઈ ગયા. એણે કહ્યું ઉતાવળ શું છે, સાંજે મળીએ ને સનસેટ પોઇન્ટ પર. કાયરા હોટેલની અંદર ગઈ અને અને પંદર વીસ મિનિટ સુધી પાછી ના આવતા, નવ્ય એ રિસેપ્શન્સ પર એના વિશે પૂછ્યું. જાણવા મળ્યું કે કાયરા આ હોટેલના માલિકની પુત્રી છે અને આજે એ લોકો બગીચામાં હોળી રમવાના છે હોટેલના મહેમાનો પણ એમાં જોડાઈ શકે છે. પછી તો શું ભાવતું તું અને વૈધે કીધું જેવો ઘાટ થયો, નવ્ય માટે ! એ પોતાની જિંદગીની પહેલી હોળી રમ્યો. કાયરા ને આમ ગુલાલમાં રંગાયેલી જોઈને એ ફરી એક વાર એના પ્રેમમાં પડી ગયો. બે એક વાર એને પણ કોશિશ કરી કાયરાની પાસે જવાની પણ કોઈ ને કોઈ વચ્ચે આવી જતા અને એ કાયરા ને રંગ ના લગાડી શકતો. બે એક કલાક હોળી રમ્યા પછી બધા છુટા પડી રહ્યા હતા ત્યારે કાયરા એના જેટલીજ કોઈ છોકરી સાથે ઊભી રહીને વાત કરી રહી હતી કે પાછળથી નવ્ય આવ્યો અને કાયરાના ખભા પર હાથ થપથપાવીને એને બોલાવી. જેવું કાયરાએ પાછળ જોયું નવ્ય એ એના બંને ગાલ પર ગુલાલ લગાડી દીધો અને જતો રહ્યો. કાયરા એને જતો જોઈ રહી. એણે નવ્યની હિંમત પર ગુસ્સો પણ આવ્યો અને જે રીતે એ પોતાને જોઈતું કરી ગયો એ ગમ્યું પણ ખરું. કદાચ આગ બંને તરફ બરાબર લાગી હતી. કાયરા નવ્યને જતો જોઈ રહી. પુરા ૬" ઇંચ ઊંચો, નવ્ય પોતાની સુંદર માંના કારણે ગોરો રંગ અને પોતાના ખડતલ પપ્પાને કારણે એવું જ ખડતલ શરીર પામ્યો હતો. નવ્ય એ રિસેપ્શન પર પહોંચીને રૂમ માટે વળતા પહેલા એક વાર પાછળ જોયું અને કાયરા એને જોઈ રહેલી પકડાઈ ગઈ. બંને એક બીજાં ને જોઈને ને હસીને બીજી તરફ જોઈ ગયા.

સાંજે બંને સનસેટ પોઈંટપર મળ્યા અને સાથે બેસીને કાચી કેરી ખાતા સૂર્યાસ્ત જોયો. બંને જણે એક બીજાનું નામ, પરિવાર, શિક્ષણ એ બધાથી એકબીજાને માહિતગાર કર્યા. બીજા દિવસે કાયરા નવ્ય ને આબુ દર્શન માટે લઈ ગઈ. બંને સાંજ સુધી નવ્ય એ ભાડે કરેલી ગાડીમાં ફર્યા. પછી સાંજે ફરીથી સનસેટ પોઇન્ટ પર ભેગા થયા. નવ્ય એ કાયરાને કહ્યું કે એના જીવનમાં હવે કોઈ બીજાનું સ્થાન નથી. એક વાર તું તારું ભણવાનું પૂરું કરીને તારી એક ઓળખાણ બનાવી લે હું તારી રાહ જોઈશ. કાયરા બોલી કે હું પણ તારી રાહ જોઈશ. મારા સૂર્યાસ્તની સાક્ષીએ કહું છું કે કાયરા ફક્ત નવ્યની જ. બંને એ હાથ પકડીને સૂર્યાસ્ત જોયો.

બંને એ એકબીજાને કાગળ લખવાનું નક્કી કર્યું. નવ્ય કાયરાને પોતાના ઘરનું સરનામું અને નંબર આપ્યા. 

નવ્ય એ રાતે જ નીકળી ગયો. કાયરા પોતાના છેલ્લા વર્ષની તૈયારીમાં લાગી ગઈ. મે મહિનામાં પરીક્ષા હતી એટલે નક્કી થયું હતું કે પરીક્ષા પછી પહેલો પત્ર કાયરા જ લખશે અને પછી નવ્ય પત્ર લખશે. બંને ને કિસ્મતે કરાવી આપેલ બે આકસ્મિક મુલાકાત પછી ખાતરી હતી કે તેઓ એકબીજા માટે જ બન્યા છે.

પણ કિસ્મત કેવા ખેલ ખેલે છે એ આ લોકો ને કયાં ખબર હતી.

કાયરાએ પોતાના છેલ્લા વર્ષ માટે ખુબ મહેનત કરી અને પરીક્ષાના છેલ્લા દિવસે એક સુંદર લાંબો પત્ર એણે નવ્યને લખી નાખ્યો. પછી એ જવાબની રાહ જોવા લાગી પણ જવાબ આવે એ પહેલા પરિણામ આવી ગયું. કાયરા એ ૯૦% માર્ક સ્કોર કર્યા હતા. એના પિતા સાથે એનું સપનું પણ હોટેલ મેનેજમેન્ટ ભણવાનું હતું જે એ વર્ષોમાં સ્ત્રી માટે થોડું ઓછું પ્રચલિત હતું પણ કાયરા પોતાના સપના માટે દ્રઢ હતી. વળી એને બધું સરસ રીતે કરીને પોતે નવ્ય ને આપેલું વચન પાળવું હતું. એને નવ્યના પત્ર ની ખુબ રાહ જોઈ પણ એનો એક પણ પત્ર આવ્યો ન હતો. નવ્ય વડોદરાનો હતો એટલે કાયરા ધારે તો ત્યાં જઈને તપાસ કરી શકે એમ હતી પણ એને પોતાના નવ્ય પર મુકેલા વિશ્વાસ પર ભરોસો હતો. એણે નવ્ય ને બીજો પત્ર લખી પોતાના પરિણામ વિશું જણાવ્યુ. પોતાનું એડમિશન મુંબઈની પ્રખ્યાત હોટેલ મેનેજમેન્ટ ભણાવતી કોલજમાં થયું છે એ બાબતની પણ જાણ કરી.એણે મુંબઇ જતા પહેલાં નવ્યના નંબર પર ફોન પણ કરી જોયો પણ રિંગ જ વાગી. કાયરાએ મુંબઈથી પણ નવ્યને પત્ર લખ્યા પણ કોઈ જવાબ ન હતો.

કૉલેજમાં કેટલાય છોકરા એની સાથે દોસ્તી કરવા આગળ આવ્યા પણ નવ્યને પોતાના મન મંદિર પર સ્થાપી ચૂકેલી કાયરા કોઈ બીજાંને ભાવ ન આપતી. એ પોતાની ઈચ્છાને મારી નોહતી રહી, પણ મનથી નવ્ય સાથે જોડાયેલી એને, કોઈ બીજા વિશે વિચારવાની પણ ઈચ્છા નોહતી. આમ કરતા બીજી હોળી આવી અને હવે કાયરા ને ચિંતા થવા લાગી. હવે તો એની પાસે પોતાનો મોબાઇલ પણ હતો એણે ફરી નવ્યના ઘરે ફોન કર્યો પણ એ ફોન કોઈને ના ઉપાડ્યો. એ હોળી ધૂળેટી માટે આબુ પાછી ગઈ પણ સૌના આશ્ચર્ય વચ્ચે એ આટલા વર્ષોમાં પહેલી વાર ધૂળેટી ના રમી. હા એ સનસેટ જોવા ચોક્કસ ગઈ. આંખો બંધ કરીન નવ્ય વિશે વિચારી રહી. શું એના અને નવ્ય ના પ્રેમ ને સૂર્યના પ્રેમ ની જેમ નજર લાગી ગઈ ? સૂર્ય અને પૃથ્વીની જેમ એ પણ એક નહિ થઈ શકે? પણ ફરી એકવાર પોતાના પ્રેમ પર ભરોસો કરી એણે નવ્યની રાહ જોવાનું નક્કી કર્યું.

 જોતજોતામાં ત્રીજી હોળી પણ આવી પણ આ વખતે કાયરા પોતાના ઘરે આબુ ના ગઈ. મે માં ફાઇનલ એક્ઝામ થઈ ગઈ અને ખુબ સારા માર્ક્સ થી પાસ થઈ, એને મુંબઈ માંજ તાજ હોટેલમાં કેમ્પસ સિલેકશનમાં જોબ મળી ગઈ પણ કાયરાએ એ જોબ ના લીધી અને આબુ જઈને પોતાની હોટેલ સંભાળવાનું નક્કી કર્યું.

આબુ જતાં પહેલા એણે વડોદરા જવાનું નક્કી કર્યું. વડોદરા ગયા પછી એને ખબર પડી કે નવ્ય હવે ત્યાં નથી રહેતો. એને બાજુના ઘરમાંથી જે માહિતી મળી એ કંઈક આમ હતી. બે વર્ષ પહેલા હોળી- ધૂળેટી માટે આબુ ગયેલો નવ્ય કયારેય ઘરે પાછો આવ્યો જ નહિ. એના એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાના સમાચાર સાંભળીને એના પપ્પા ને હાર્ટ ઍટેક આવ્યો જેને એ જીરવી ના શક્યા.  નવ્યની મા અને બહેન આ ઘર વેચીને બીજા સસ્તા એરિયામાં ભાડે મકાન રાખીને રહે છે. આ સાંભળીને કાયરાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એમ એને ચક્કર આવવા લાગ્યા. પડોશી બહેને એને પાણી આપ્યું અને પોતાના વાહન પર બેસાડી નવ્યના મા મમ્મી અને બહેન જ્યાં રહેત હતા ત્યાં લઈ ગયા. કાયરા એ પોતાની ઓળખાણ આપતા જ,નવ્યના મમ્મી જોરથી રડીને કહેવું લાગ્યા કે,ના મારો છોકરો તને મળવા આવતો ના આ અકસ્માત થતો. કાયરા પણ રડી પડી. અવાજ સાંભળીને નવ્યની બહેન પણ ત્યાં આવી અને કાયરાને જોતાજ આખી વાત સમજી ગઈ.

કાયરા મનમાં વિચારી રહી કે નવ્ય ના જીવનમાં રહેલી એની ત્રણ સુંદર સ્ત્રી ને આમ રડતી જોઈ એને કેવું થશે ? એને ત્યાં લટકાયેલા નવ્ય ના ફોટા સામે જોયું અને જાણે ફોટા સાથે વાત કરતી હોય એમ બે મિનિટ એમજ ઊભી રહી અને પછી જાણે બધી વાત નક્કી થઈ ગઈ હોય એમ એને દીવાલ પરથી નવ્ય અને એના પપ્પાનો ફોટો ઉતાર્યો અને બોલી તમે લોકો સમાન બાંધો આપણે આબુ જઈશું. 

નવ્યની મમ્મી બોલી કે અમારે એ મનહૂસ જગ્યાએ નથી જવું. અને તું કોણ અમારા માટે નિર્ણય લેવાવાળી. કાયરા બોલી હું એ છોકરી જેની સાથે નવ્ય પોતાની જિંદગી બનાવવા માંગતો હતો, હું એ છોકરી જેણે તમારા નવ્ય સાથે એનો છેલ્લો દિવસ ગાળ્યો હતો અને હું એ છોકરી જે નવ્યના પ્રેમના બળે લાયક બની છે. હવે હું મારા નવ્યની જવાબદારી પુરી કરીશ.   

હોટેલની બાજુમાં આવેલ નાના ઘરમાં કાયરા, નવ્યના મમ્મી અને નવ્યની બહેન રહે છે. નવ્યની બહેન પણ એની જેમ જર્નાલીઝમ ભણવા માંગે છે જેના માટે કાયરા એને પ્રોત્સાહન આપે છે. નવ્યની મમ્મી હજી પણ કાયરા ને માફ નથી કરી શકયા પણ કાયરા એમની સાથે પ્રેમથી રહે છે. કાયરાના માતા પિતા, કાયરાના, ન પરણવાના નિર્ણયથી  સખત નારાજ છે પણ કાયરા પોતાના નિર્ણયમાં અડીખમ છે. કોઈ એને પૂછે કે આ પહાડ જેવી જિંદગી કેમ જશે તો એ ફક્ત એટલું જ કહે કે "સનસેટ જોતા જોતા". હવે જયારે કોઈ એને પૂછે કે તું રોજ આમ સનસેટ જોવ કેમ જાય છે તો એ કહે " બીજા દિવસે જીવવા માટે ". એ લોકો ને કેવી રીતે સમજાવે કે રોજ સનસેટ વખતે એ નવ્યને મળે છે અને પોતાના પ્રેમને આટલી શક્તિ આપવા માટે એને " થેન્ક યુ કહે છે. 

આ હતી કાયરા અને નવ્યની પ્રેમગાથા. પ્રેમ કદાચ આવો જ હોય છે.

"મોસમની જેમ બદલાઈ ના જનારો, સૂર્યની કેમ એકજ દિશામાં,અવિરત પણે રોજ ઊગતો અને આથમતો."


Rate this content
Log in

Similar gujarati story from Romance