ન્યારા અને વિશ્વ -છેલ્લો ભાગ
ન્યારા અને વિશ્વ -છેલ્લો ભાગ


બીજા દિવસથી જ, એમની સહેલી કુંતલ, જે એક પીઢ કાઉન્સેલર છે એમની પાસે એમણે ન્યારાને લઈ જવા માંડી. દશ એક દિવસના સેશન્સ પછી ન્યારા અગિયારમી રાતે વચ્ચે ઉઠ્યા વગર નિરાંતથી સૂઈ શકી. જે ઘટના બની ગઈ એને તો હવે નહિ બદલી શકાય પણ એને વિશ્વ સાથે રહેવાનું છે, એ એનો વર્તમાન અને ભવિષ્ય છે. એને જેટલું દુઃખ પોતાના શીલ સાથે થયેલ અપમાનનું છે એટલું જ દુઃખ એની અને વિશ્વની બદલાઈ ગયેલી જિંદગીનું પણ છે. કેટલો પ્રેમ હતો બન્ને વચ્ચે અને હવે એક બીજા સાથે વાત કરવાનું પણ ટાળે છે. પણ શું તેમનો પ્રેમ હજી જીવીત છે ? શું હજી એ લોકો એક બીજાને સન્માન આપે છે, એક બીજાની સાથે જીવવા માંગે છે ? શું વિશ્વ એને હજી પોતાની પત્ની તરીકેનુ માન અને પ્રેમ આપી શકશે ?
આ સેશન્સ દરમિયાન થયેલ વાત, કાઉન્સિલર ડિકલેરના કરી શકે પણ ઉર્મિલા બહેનના પૂછવાથી એમ ને કહ્યું કે હું વિશ્વનું પણ કાઉન્સિલિંગ કરવા માંગુ છું. એટલે ઉર્મિલા બહેન સમજી ગયા કે ન્યારા ફક્ત પોતાના શીલભંગની વેદનાથી નહિ પણ પોતાના પતિના પ્રેમને ખોવાની વાતને લઈને પણ પરેશાન છે. વળી ન્યારા જયારે-જયારે ઊંઘમાંથી ઊઠીને બેઠી થઈ જતી ત્યારે ઉર્મિલા બેન એને આશ્વાસન આપતા, એનો ખભો પંપાળતા અને એને કાળજી પૂર્વક સુવડાવતા. જયારે-જયારે આમ થતું ત્યારે થોડી વાર પછી એમણે વિશ્વનો પડછાયો દેખાતો, એમને એમ લાગતું કે વિશ્વ પાણી લેવા ઉઠતો હશે પણ ૩/૪ દિવસ ધ્યાનથી જોતા સમજાયું કે કદાચ વિશ્વ પણ એ ઘટનાથી બહાર નથી આવ્યો. એ પણ હજી ત્યાં જ અટકી ગયો છે અને રાત્રે એ પણ ઊઠી જાય છે.
વિશ્વના કોઉન્સિલિંગ સેશન પછી, એટલું સમજાયું કે ન્યારા અને વિશ્વ એકબીજાને ખુબ પ્રેમ કરે છે અને બંને આ પરિસ્થિમાં પોતપોતાનો વાંક જોઈ રહ્યા છે. અથવા કહો કે પોતાની ખામી જોઈ રહ્યા છે. વિશ્વ દુઃખી છે કે, એ ન્યારા ને બચાવી ના શક્યો જયારે ન્યારા આટલી ભણેલી હોવા છતાં એમ વિચારે છે કે એ હવે વિશ્વ માટે લાયક નથી રહી,એના કોઈ વાંક ગુના વિના. વિશ્વ હવે એને સ્વીકારી નહિ શકે. પણ હકીકત એ હતી કે ના વિશ્વ ન્યારા માટે એવું વિચારતો હતો, ના ન્યારા વિશ્વને પોતાને ના બચાવી શકવા માટે જવાબદાર ગણતી હતી.
બંને એક બીજાની સખત ચિંતા કરતા હોવા છત્તા, એક અણસમજ ના લીધે એકબીજાથી દૂર થઈ રહ્યા હતાં. ન્યારા અને વિશ્વ આ ઘટનામાં સંજોગોને લીધે એક બીજા પરથી વિશ્વાસ ખોઈ બેઠા હતાં. એમને પોતાના પ્રેમ પરથી ભરોસો ઊઠી જાય એ હદ સુધી આ ઘટના એ એમને અલગ કરી દીધા હતાં. એક દિવસ પછી બંનેએ જોબ પણ શરૂ કરી. પંદર દિવસ એમને વર્ક ફોર્મ હોમ કામ કર્યા પછી હવે એમ ને ઓફિસ જવાનું પણ શરૂ કરી દીધું હતું. હવે સેશન્સ પણ પુરા થઈ ગયા હતાં. ઊંઘ તો આવી જતી હવે પણ હજી પણ ઉર્મિલા બહેન અને ન્યારા એક રૂમમાં સુતા અને વિશ્વ અલગ રૂમમાં સૂતો. બંને હજી પણ એક બીજા સાથે વાત કરવાનું ટાળતા. હા, એકબીજાની કેર કરતા એક બીજાની નજર ચોરાઈને જોઈ પણ લેતા પણ ક્યાંક કંઈક એમને ખટકતું, નજીક આવવા માટે રોકતું.
પહેલા જોબ પર પહોંચવા માટે થતો સમય એમનો "અમારો સમય" હતો. બંને રોમેન્ટિક નંબર્સ સાંભળતા ઓફિસ માટે આવન જાવન કરતા,પણ હવે ભાગ્યે જ કોઈ બોલતું. બંને ઓફિસમાં પણ એકલા એકલા રહેતા. કોઈની સાથે હળતા મળતા નહિ. વીકેન્ડ પર થતા મૂવી અને લોન્ગ ડ્રાઈવ તો હવે સપના જ થઈ ને રહી ગયા હતાં. અરે કોઈક વાર વિશ્વને મોડું થાય તો ન્યારા એકલા ટેક્સીમાં પણ ન જતી અને દસ- દસ મિનિટ ફોન કરીને ઘરે જવા માટે કહેતી. એને ૮ વાગ્યા સુધી ઘરેના પહોંચાય તો એટલી બધી બીક લાગતી કે ગાડીના હોર્ન થી પણ બી જતી. થોડા દિવસ બંનેની વર્તણુક અને એક બીજા માટેની ચિંતા છતાં એકબીજા સાથેના અબોલા જોઈને ઉર્મિલા બેનને સમજાઈ ગયું કે આ બંને ની વાતચીત કરવી જરૂરી છે. એમને ન્યારાની મમ્મીની મદદ લેવાનું નક્કી કર્યું. એમણે ન્યારાના મમ્મી વર્ષા બેનને ફોન કર્યો અને ન્યારા વિશ્વના ઘરે બોલાવ્યા.
ઉર્મિલા બેન અને વર્ષા બેન એ નક્કી કર્યા પ્રમાણે પોતપોતાના બાળકો પાસે ગયા. ન્યારાના રૂમ માં જઈ વર્ષા બેન બોલ્યા કે બેટા ન્યારા હું તને લઈ જવા આવી છું. જો ને તારી સાથે કેવું થઈ ગયું અને વિશ્વ કઈ ના કરી શક્યો.
આવા પુરુષ જોડે કેવી રીતે રહી શકાય. પાછો જો ને તારી સાથે બોલતા પણ નથી. ચાલ આપણે અહીંયા નથી રહેવું. તો ન્યારા તરત બોલી ઊઠી કે મમ્મી આ તમે શું બોલ્યા. મેં જોયું છે કે વિશ્વ એ કેટલો પ્રયત્ન કર્યો હતો મને બચાવવાનો. પોતાની જાનની પરવા કર્યા વગર એ મને બચાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો.પણ એ ગુંડાઓ સામે એનું ના ચાલ્યું. મેં એની આંખોમાં મારા માટે રહેલી ચિંતા અને મને થયેલ દર્દ બંને જોયા છે. હું વિશ્વને છોડીને ક્યાંય નહિ આવું. આ વખતે ઉર્મિલા બહેન વિશ્વ સાથે હોલમાં હતાં, જ્યાંથી ન્યારાના રૂમમાં થતો અવાજ સાંભળી શકાતો હતો.
લોઢું ગરમ છે એમ લાગતા ઉર્મિલા બહેન વિશ્વ પાસે ગયા અને બોલ્યા કે ન્યારા ને છૂટાછેડા આપી દે કારણ કે હવે એ તારે લાયક નથી રહી. વિશ્વ તરત બોલ્યો મમ્મી તમે આમ કેમ બોલ્યા, ઉર્મિલા બેન બોલ્યા કે જોને તારી સાથે વાત પણ નથી કરતી. તો વિશ્વ બોલ્યો આ શું બોલ્યા મમ્મી. મેં એની આંખોમાં મારા માટે ચિંતા જોઈ છે. મારી આંખોમાં રહેલું એને ના બચાવી શકવાનું દર્દ, ન્યારાની આંખોમાં ઝીલાયાં વગર નથી રહેતું. હું ન્યારાને છોડી ને ક્યાંય નહિ જવું.
આટલું સાંભળ્યા પછી ઉર્મિલા બહેન બોલ્યા તો રાહ કોની જુવે છે? જા અને તારી ન્યારાને કહી દે કે એ હજી પણ તારા માટે એજ ન્યારા છે અને તું એને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતો હતો. વિશ્વ અને ન્યારા જે હવે હકીકત પચાવી ચૂક્યાં છે, એનો સ્વીકાર કરી ચૂક્યાં છે એ હવે એક બીજા વગર રહેવા માટે બિલકુલ રાજી નથી. જેવો વિશ્વ ન્યારાના રૂમ માં જાય છે ન્યારા ભાગી ને એને વળગી પડે છે. ન્યારા ધ્રૂસકે ધ્રૂસકે રડે છે અને વિશ્વ પોતાના આલિંગનમાં એને રડવા દે છે. એ ગોઝારા બનાવ પછી આ રીતે એક બીજાનાને ભેટી ને બંને ને ખુબ સારું લાગ્યું, બે એક ક્ષણ માટે દુનિયા આખી એ બન્ને માં સીમિત થઈ ને રહી ગઈ અને હવે જાણે બધા દર્દ મટી જશે એવી આશા જાગી.
ઉર્મિલા બહેને કહ્યું, આપણે બળાત્કારને વખોડીએ છીએ, એની નિંદા કરીએ છીએ અને ગુનેગારને સજા આપવા માટે દોડધામ કરીયે છીએ. કરવી પણ જોઈએ. પણ કોઈ એમ વિચારે છે કે એ ઘટના પછી એ સ્ત્રીનું શું ? એ મરી નથી ગઈ એને જીવવાનું છે, એજ સમાજમાં એજ લોકોની વચ્ચે ! એ જ ઘરવાળાની વચ્ચે. અને એથી જ એના ઘરવાળાનો સહકાર એના માટે ખૂબ અગત્યનો છે. પણ કોઈ એવું નથી વિચારતું કે જેની સાથે આ કૃત્ય થઈ ગયું એ સ્ત્રીનું શું ? એને કેવી રીતે સ્વીકારવામાં આવશે ? જો એ પરિણીત છે તો એને પોતાના પતિ અને સાસરિયાઓ પાસેથી એજ માન અને સન્માન મળશે કે કેમ ?
હવે પરિસ્થિતિ સ્વીકાર્યા પછી બંને મક્કમ છે હા, પરિસ્થિતિ થાળે પડતા સમય લાગ્યો પણ ધીરે ધીરે બંને આગળ વધ્યા. એમણે એજ જગ્યાએ જોબ ચાલુ રાખી. હા હવે એ લોકો લોન્ગ ડ્રાઈવ પર નથી જતા. બાકી એમ નું જીવન એમ જ ચાલુ રહ્યું. આ વર્ષ એમના માટે ખાસ છે કારણકે તે માતા પિતા બની રહ્યા છે.
ન્યારા સાથે બળાત્કાર કરનાર નરાધમો ને હજુ મળ્યા નથી. જયારે સ્ત્રી સાથે બળાત્કાર જેવું ધૃણાસ્પદ કર્મ થાય એ પછી એની જિંદગી અટકી જતી હોય છે. એ માન સન્માન અને પ્રેમથી વંચિત થઈ જતી હોય છે. પણ આપણે સૌ એ સમજવાની જરૂર છે કે એમાં એ સ્ત્રીનો કોઈ વાંક નથી. આ ઘટના ને એક અકસ્માત સમજી ને આગળ વધવું જોઈએ જેથી એનો ભોગ બનેલી સ્ત્રીને એ ઘટનાથી થયેલ તકલીફ ઓછી કરી શકાય.
લેખક તરફથી :
હું આશા રાખું છું કે તમને મારી નોવેલ "વિશ્વની ન્યારા" ચોક્કસ ગમી હશે.
બળાત્કાર કે બહુ મોટી ઘટના છે. આપણે હંમેશા એની સજા શું કે એને લગતા કાયદા એ વાતથી આગળ વિચારી નથી શકતા. પણ એક સ્ત્રી જેની સાથે આ ઘટના બની છે એના માટે આ એટલી મોટી વાત છે કે એને ભૂલવી લગભગ અશક્ય છે પણ જિંદગી છે તો એને જીવી જ પડશે. જે ઘટનામાં સ્ત્રીનો કોઈ વાંક ગુનો નથી તે ઘટના પછી કેટલી સ્ત્રી આત્મહત્યા કરી લે છે એની પાછળ કદાચ એ ગુન્હેગારો જેટલોજ સમાજ પણ જવાબદાર છે અને જો એ સ્ત્રીનો પરિવાર સહકાર ન આપે તો એ સૌથી વધારે જવાબદાર છે. જે પુરુષ વિશ્વની જેમ એ ઘટનાનો સાક્ષી બન્યો હોય એને પણ સમાજના સ્વીકારની બહુ જરૂર પડે છે.