CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Drama Romance Others

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Drama Romance Others

અધૂરો પ્રેમ - ૧૧

અધૂરો પ્રેમ - ૧૧

9 mins
237


(પહેલી નજરનો પ્રેમ કેટલો સાચો હોય છે એ વાત પર વિશ્વાસ કરાવતા બે પ્રેમીઓની વાત એટલે અધૂરો પ્રેમ. આ પ્રેમભર્યા સફરમાં આગળ વધી ચૂકેલા સિદ્ધાર્થ અને તારા ના જીવન માં હવે શું વળાંક આવ્યા એ જાણવા ચાલો વાંચીએ અધૂરે પ્રેમ -૧૧.  

મારે આ વાર્તા ભાગ-૧૧ માં સંપૂર્ણ કરવી હતી પણ એમ કરવાથી હું આ વાર્તા ને ન્યાય નહિ આપી શકું એવું સતત લાગવાથી આ ભાગને છેલ્લો ભાગ નહિ કહી શકું.)


તારા જે હમેશાં સિદ્ધાર્થનો હાથ પકડવા માટે તત્પર રહેતી. પોતાના હાથ ની આંગળીઓને સિદ્ધાર્થની આંગળીઓમાં પરોવી કલાકો બેસી રહેતી, એ તારા આજે અદબવાળી પોતાનું માથું સીટ પર ટેકવી આંખો બંધ કરીને બેસી ગઈ. એનું હાસ્ય વિલાઈ ગયું. મુશ્કેલ પરિસ્થિતિમાં સિદ્ધાર્થ ના વિશાળ ખભા પર માથું ટેકવી બધા પ્રશ્ન ના સમાધાન મેળવતી તારા આજે પોતાની લગોલગ બેઠેલ સિદ્ધાર્થથી જોજન દૂર થઈ ગઈ. એને ગુસ્સો ઓછો અને દુઃખ વધારે હતું અને એટલે જ એણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. એની આંખો તો બંધ હતી પણ એમાં વિચાર ના વાવાઝોડા હતા.

એ જાણતી હતી કે સિદ્ધાર્થ એને ખુબ ચાહે છે. આટલા વર્ષ એણે જે રીતે તારા ને પ્રેમ કર્યો છે, જે રીતે એની કાળજી લીધી છે એ પરથી તારા ને સિદ્ધાર્થ ના પ્રેમમાં કોઈ શંકા ન હતી. પણ આજે જે રીતે સિદ્ધાર્થ આ વિષય પર વાત કરી અથવા કહો કે વાત જ ના કરી એનાથી તારા ને રીતસર ધક્કો લાગ્યો. એને લાગ્યું કે એમની વચ્ચે કદાચ આ બધું થયું જ ના હોત, જો એણે સિદ્ધાર્થ ને હા ન પડી હોત. એણે અનુભવ્યું કે સિદ્ધાર્થ તો એ પરિસ્થિતિથી આગળ વધ્યો જ નથી. એ હજી પણ એટલો જ પારકો છે અને એથી જ તો એને તારા સાથે રહેવાનું મન નથી. એને વારેવારે સિદ્ધાર્થ નું " હું આ સંબંધથી કઈ જ નથી ઈચ્છતો એ વાક્ય સંભળાવા લાગ્યું " . 

પતિ, મિત્ર, બોયફ્રેન્ડ કે ગાર્ડિયન જે પણ કહો, બધા સંબંધનો પ્રેમ, લાગણી અને સંભાળ સિદ્ધાર્થ એ કોઈ પણ નામ વગર ના સંબંધમાં આપ્યા હતો. એને હમેશાં તારા ને સમય આપ્યો હતો. કદાચ એટલે જ તારા એ સ્વપ્ને પણ સિદ્ધાર્થ પાસે આવા વર્તનની આશા રાખી ન હતી.

એને પોતાની સ્થિતિ પર દયા ઉપજી. સિદ્ધાર્થ તારા માટે સર્વસ્વ હતો. એનું જીવન સિદ્ધાર્થ થી શરૂ થઈને એના પર આવીને અટકી જતું હતું. એ હજી સ્વીકારી શકતી ન હતી કે સિદ્ધાર્થ એ એને રિજેક્ટ કરી. અને આ બધું એ અત્યારે એકલી સહન કરી રહી હતી. એ હવે સિદ્ધાર્થ ને પણ આ વાતનો ભાગીદાર બનાવવા નોહતી માંગતી. 

સિદ્ધાર્થ આ બધું સમજતો હતો. એ તારાનો ગુસ્સો, એની નારાજગી અરે એની હતાશા સુધ્ધા અનુભવી શકતો હતો. એ પણ એટલો જ દુઃખી હતો. એ અનુભવી રહ્યો હતો કે પોતે તારા થી દૂર થઈ રહ્યો છે. જે તારા સિદ્ધાર્થ પાસે રહેવાની કોઈ પણ તક ન છોડે એ આજે લગોલગ બેસવા છતાં કદાચ હંમેશ માટે દૂર થઈ ગઈ હતી. સિદ્ધાર્થ તારા ની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. સિદ્ધાર્થ ના મોઢે પોતાનું નામ વધારે વાર સાંભળવા મળે એટલે જાણી ને પહેલી વાર માં સાંભળ્યા છતાં ન સાંભળ્યું કરનાર તારા આજે એક જ વારમાં સિદ્ધાર્થ ને સાંભળી લે છે અને એની તરફ જોઈ ને કહે છે કે એ થોડો સમય એકલી રહેવા માંગે છે. 

ગુસ્સામાં હોય ત્યારે ખૂબ બોલતી, અરે રીતસર ખખડાવી નાંખતી તારા આજે ચૂપ છે અને એટલે જ સિદ્ધાર્થ સમજી જાય છે કે આ તારા ને મનાવવું અઘરું પડશે. એને પોતાની પરિસ્થિતિ પર ગુસ્સો આવે છે. એ તારા ને પ્રેમ કરતો હોવા છતાં એને તારા વગર જ રહેવાનું છે, મીરા સાથે બાળકો સાથે અને એ હકીકત સિદ્ધાર્થ બહુ પહેલા સ્વીકારી ચૂક્યો છે. તારા સાથે વ્યતીત કરેલા સમય ને એ ભગવાનની પોતાના પરની મહેર માને છે. એ હમેશા તારા ને કહેતો કે” મારી જિંદગી માં તને લાવવા માટે હું ભગવાનનો જેટલો આભાર માનુ એટલો ઓછો છે. પણ એનાથી આગળ એણે ક્યારેય વિચાર્યું ન હતું. 

આજે એને લાગ્યું કે શું આ બધા માટે પોતે જવાબદાર છે ? એણે જે રીતે તારા ને પ્રેમ કર્યો હતો,જે રીતે એની કાળજી લીધી હતી, એના દૈનિક રૂટિનની, એની પસંદ ની, એની જરૂરત ની અરે એના મૂડ સ્વિંગ સુધ્ધાંની એને ખબર પડતી એ બધા પછી તારા સિદ્ધાર્થ સાથે રહેવા માટે કહે તો, એમાં કંઈજ અજુગતું ન લાગે એવો, એમનો એકબીજાના જીવનમાં પ્રભાવ હતો. અને એટલે જ આજે એ તારા ના દુઃખ માટે પોતાને જવાબદાર ઠરાવી રહ્યો હતો. સિદ્ધાર્થ પોતે પણ જાણતો હતો કે આ બધું એ કોઈ પણ જાતના ભારણ વગર કરતો હતો. એના જીવનમાં તારા, મીરા અને બાળકો આ બધાની જગ્યા હતી. એ રોજ સવારે જયારે પ્રાર્થના કરતો ત્યારે તારાની સલામતી માટે પણ હાથ જોડતો. કહેવાય છે ને કે " તમે કોઈ ની પ્રાર્થનામાં હિસ્સો બનો એનાથી પવિત્ર, પ્રેમનું કોઈ સ્વરૂપ નથી." સિદ્ધાર્થ નો તારા માટેનો પ્રેમ એટલો જ પવિત્ર હતો.

બે કલાકની ફ્લાઇટમાં બંને ચૂપ જ રહે છે. એક આઘાતથી અને બીજો વધારે આઘાત ન પહોંચાડી જવાય એ ડરથી. વચ્ચે ઍરહોસ્ટેસ નાસ્તા માટે પૂછવા આવે છે ત્યારે તારા આંખો ખોલી ને એને ના પાડે છે. એ વખતે સિદ્ધાર્થ એની,એ નજરનો સામનો નથી કરી શકતો. જે ચહેરા પર એ હંમેશા હોઠોથી આંખો સુધી પહોંચતું સ્માઈલ જોવા માંગતો હતો એ આંખોમાં એને આજે આંસુંઓનો સમુદ્ર દેખાયો. આજે પહેલી વાર સિદ્ધાર્થ ને તારાની આંખોમાં પોતાના માટે ફરિયાદ દેખાઈ, એવી ફરિયાદ જેમાં ગુસ્સો નહિ પણ દુઃખ હતું.

એ તારાનો હાથ પકડી લે છે. તારા પોતાનો હાથ છોડાવા માટે બિલકુલ પ્રયત્ન નથી કરતી પણ એના સ્પર્શમાં એવી ઠંડક આવી જાય છે કે સિદ્ધાર્થ એ સ્પર્શથી તારા ને થઈ રહેલી વેદના અનુભવી શકતો હોય કે કેમ એ તારાનો હાથ છોડી દે છે. 

તારા વધારે દુઃખી થઈ જાય છે. એ ઇચ્છતી હોય છે કે સિદ્ધાર્થ એને ઢંઢોળે, એને મનાવે કે એ તારા ને સૌથી વધારે પ્રેમ કરે છે અને એના માટે બધું કરી છૂટવા તૈયાર છે. પોતાની મજબૂરી, પોતાની ફરજ, પોતાના વ્યવહારુપણા ને એક વાર બાજુ પર મૂકીને ફક્ત અને ફક્ત તારા માટે વિચારે. જેમ પોતાના પ્રેમનો સ્વીકાર કરવામાં વિચાર્યું ન હતું એમ, આજે તારા નો હાથ પકડવામાં પણ ન વિચારે. એને આટલી સરળતાથી અજાણી ન કરી દે.

પણ સિદ્ધાર્થ એ એવું ન કર્યું આજે પહેલી વાર એમના સંબંધમાં તારા ને આટલું એકલું લાગ્યું. એને સિદ્ધાર્થ ને પહેલી વાર જોયાનું, સિદ્ધાર્થ નું પોતાના માટે ના પ્રેમનું સ્વીકાર કરવું, પોતે સિદ્ધાર્થ ના પ્રેમનો સ્વીકાર કરવું, કમલેશથી બચવા સિદ્ધાર્થ સાથે અથડાવું, સિદ્ધાર્થ ના મોઢેથી લાખો વાર પોતાનું નામ સાંભળવું, સિદ્ધાર્થના હાથમાં પોતાની આંગળીઓ પરોવી ને આખી દુનિયાની વાતો કરવી, સિદ્ધાર્થનું આંખોથી જ એને ઘણું બધું કહી દેવું,અને આવું તો કંઇક ઘણું અને વધારે એના મન મગજમાં ફરવા લાગ્યું. સિદ્ધાર્થ ના આલિંગનમાં તારા ને આખા વિશ્વનો પ્રેમ અને પોતીકાપણું અને ઠહેરાવની અનુભૂતિ થતી. એનું ચાલે તો એ આખો જિંદગી બસ આમ જ સિદ્ધાર્થ ના આલિંગનમાં પસાર કરી દે.

યાદોની ગણતરી થોડી હોય ?

એતો અખૂટ અને અનહદ હોય. 

જેમ સિદ્ધાર્થ ને પહેલી વાર જોઈ ને એમ લાગ્યું હતું કે આ નજર કંઇક વિશેષ છે એમ આજે પહેલી વાર એવું લાગ્યુંકે સિદ્ધાર્થ એના જીવનમાંથી જઈ રહ્યો છે. નાનું બાળક જેમ ઊંઘ માં, પલંગ પરથી પડી જવાની બીકમાં ડરી જાય એમ તારાની આંખો ખુલી ગઈ. એણે સિદ્ધાર્થની તરફ જોયું. એની આંખો બંધ હતી. તારા એના ચહેરા તરફ જોઈ રહી. આજે પહેલી વાર એને પોતાના સિદ્ધાર્થની જગ્યા મીરાનો પતિ દેખાયો. પોતાના પ્રેમીની જગ્યા એ એને સિદ્ધાર્થમાં એક એવો પુરુષ દેખાયો જેને, એને ચાહી તો હતી પણ એ એના માટે ખુશી હતી, જરૂરત નહિ કારણ કે માણસ ખુશી વગર તો રહી શકે પણ જરૂરત વગર નહિ પણ કદાચ હવે તારા એની ખુશી નહિ એક માત્ર જરૂરત બનવા ઇચ્છતી હતી. 

સિદ્ધાર્થ બંધ આંખે પણ તારા ને પોતાને જોઈ રહેલી, અનુભવી શકતો હતો પણ એ તારા ને કોઈ ખોટી આશા બંધાવા માંગતો ન હતો. એ પોતાનું જીવન જેવું હતું તેવું સ્વીકારી ચૂક્યો હતો. પણ તારા પણ એવું જ વિચારે છે એ એની ભૂલ હતી અને એ હજી તારા આ વાત ને લઈને કેટલી વધારે ગંભીર છે એ નહોતો સમજી શક્યો નહિતર એ સાવ આમ ચૂપ ના રહેત. પણ કદાચ આ વાત માટે એને જીવનભર પસ્તાવાનું હતું.

ફ્લાઇટ લેન્ડ થતા તારા અને સિદ્ધાર્થ સામાન લઈને એરપોર્ટની બહાર નીકળે છે. સિદ્ધાર્થ ટેક્સી બુક કરે છે. બંને પાછળ ની સીટ પર બેસે છે. તારા પોતાનું પર્સ વચ્ચે મૂકે છે. એ સિદ્ધાર્થ તરફ જોતી પણ નથી. એનું ઘર આવતા, તારા ટૅક્સીમાંથી ઉતરતા પહેલા સિદ્ધાર્થની સામે જુવે છે એ આશામાં કે સિદ્ધાર્થ એને રોકી લે પણ એવું નથી થતું. એ નીચે જોઈને ટેક્સીનો દરવાજો ખોલી ને બહાર નીકળી જાય છે. 

તારા ને ખબર છે કે પોતે મેઈન ગેટ પર પહોંચી ને પાછળ જોશે પછી જ સિદ્ધાર્થ ટેક્સીવાળા ને આગળ વધવાનું કહેશે પણ આજે એ મેઈન ગેટ પર પહોંચી ને પાછળ નથી જોતી. સિદ્ધાર્થ ૫ એક મિનિટ એમજ ત્યાં રોકાઈ રહે છે કદાચ એને હવે તારા ને ખોઈ દીધાનો અહેસાસ થાય છે. ટેક્સીવાળો બે વાર પૂછે છે કે આગળ વધુ, ત્યારે સિદ્ધાર્થ એને આગળ ચલાવા માટે કહે છે. એ આંખો બંધ કરી ને ભગવાન ને તારાની સલામતી અને ખુશીઓ માટે પ્રાર્થના કરે છે. જે ચહેરા પર પોતે હંમેશા સ્માઈલ જોવા માંગતો હતો એ ચહેરાને પોતે જ જીવનભરની વ્યથા આપી બેઠો એ વાતથી સિદ્ધાર્થ દુઃખી થઈ જાય છે.

રાત ના ૧૦ વાગ્યા હોય છે. તારા ઘર ખોલે છે. નિહાર ને આજે પ્રોજેક્ટ પૂરો થયાની પાર્ટી હતી એવું તારા ને પોતાના વર્કશોપ ગયા પહેલાથી ખબર હતી. એને કદાચ એકાંત જોઈતું પણ હતું ! અંદર જતા જ એ બાથરૂમમાં જાય છે. જાણે સિદ્ધાર્થની યાદો પોતાના મન પરથી કાઢી નાખવાં માંગતી હોય એમ એ શાવર ચાલુ કરી એ મન ભરી ને રડે છે. બૂમો પડે છે. અડધો કલાક જેવું હૃદય નિચોવી ને રડ્યા પછી જાણે અંદરથી ખાલી થઈ ગઈ હોય એમ હલકી થઈ જાય છે.

એ પોતાની જગ્યાએ આવી ને સૂઈ જાય છે. થાક અને હતાશામાં, પોતે ક્યારે સૂઈ ગઈ એની પણ, એને ખબર નથી.

સવારે ઉઠતા જ એને બાજુ માં સુતેલા નિહાર ને જુવે છે. એ નિહારમાં સિદ્ધાર્થનો ચહેરો શોધવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. પણ એ જાણે છે કે એ નિહાર ને પ્રેમ નથી કરતી. આંખમાં આવતા ઝળઝળિયાં ને મહામહેનતે રોકીને એ વરંડામાં જાય છે.'રવિવાર હોવાથી ઓફીસ તો જવાનું નથી.

"યાદો નો થાક લાગતો જ હશે,

નહિતર મન થોડું ભારે થઈ જાય "

આમ જ કેટલીય વાર સુધી આમ જ બેસી રહ્યા પછી જાણે કઈ નિશ્ચય કરી લીધો હોય એમ એ લેપટોપ લઈ ને બે-એક મેલ કરે છે. એક ફોન કરે છે. અને પછી સોશ્યિલ મીડિયામાં સિદ્ધાર્થના ફોટો જુવે છે. એને પોતાની ઉપર હસવું આવે છે. પોતાના મોબાઈલમાં ફોટો રાખી શકાય એટલો પણ હક જેના પર નથી, એની સાથે પોતે જીવન ગાળવાના સપના જોઈ બેઠી ! નિહારના ઊઠતાં જ એ બીજા કામમાં લાગે છે. આખો દિવસ એમ જ પસાર થઈ જાય છે. 

આ તરફ સિદ્ધાર્થ ઘરે પહોંચતા જ બાળકો એને વળગી પડે છે. મીરા હગ કરે છે. સિદ્ધાર્થ ફ્રેશ થઈને સૂવા આવે છે. મીરા એને વર્કશોપ વિશે પૂછે છે પણ સિદ્ધાર્થ કદાચ કોઈ વાત કરવા માંગતો નથી એના મન -મગજ પર તારા છે. જે રીતે તારાએ ટેક્સીમાંથી ઉતરતાં પહેલાં એની તરફ જોયું હતું એમાં એને તારા પોતાનાથી છૂટી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. એક અજાણ્યો ડર, એક ખરાબ વાઈબ્ઝ એને બેચેન કરી મૂકે છે. એ પડખું ફરી ને સૂવાનું નાટક કરે છે પણ ક્યાંય સુધી સૂઈ નથી શકતો. એને તારા સાથે વાત કરવાનું મન થાય છે પણ નિહાર ને કેવું લાગશે, મીરાને શું કહેશે આવું વિચારીને એ રોકાઈ જાય છે. 

ક્યારે સોમવાર આવે ને ઓફિસ જઈને તારા ને જુવે, એની સાથે વાત કરે એમ વિચારતો સિદ્ધાર્થ ઊંઘવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. આજે એને પોતાના પ્રેક્ટિકલ હોવા પર ગુસ્સો આવે છે. એ થોડી અલગ રીતે પણ આ પરિસ્થિતિનો સામનો કરી શક્યો હોત ? પણ એનાથી પોતાનો નિર્ણય તો બદલાઈ ન જાત ને ? કદાચ, એનાથી તારા ને એવું તો કન્વે નથી થઈ ગયું ને કે એ હંમેશા થી આ વાત ને લઈને સ્પષ્ટ હતો કે એ તારાને પ્રેમ તો કરે છે પણ એણે પોતાના જીવનમાં ક્યારેય નહિ લાવી શકે. આવું વિચારતા જ એનો ડર વધી ગયો. તારાનું એરપોર્ટથી લઈને ઘર પહોંચ્યા પછીનું વર્તન કદાચ આ વાત ને સાબિત કરતું હતું. હવે કદાચ ઘણું મોડું થઈ ગયું હતું કારણ કે એ નબળી ક્ષણોમાં જયારે તારા ની સાથે રહેવાની જરૂર હતી ત્યારે પોતે સૌથી પાસે હોવા છતાં કઈ જ કરી શક્યો નહિ. સિદ્ધાર્થ ને પોતાના ઉપર સખ્ત ગુસ્સો આવ્યો અને એ તારાની સાથે વાત કરવા માટે ઉતાવળો થઈ ગયો. રવિવારે મન હોવા છતાં એ તારાને ફોન કરવાની હિંમત ના કરી શક્યો. 

તારા અને સિદ્ધાર્થના પ્રેમની પરાકાષ્ઠા જાણવા, વાંચો છેલ્લો ભાગ.


Rate this content
Log in

Similar gujarati story from Drama