નીલકંઠ સર
નીલકંઠ સર
'મયુરી,હેપી વેલન્ટાઈન ડે' મિતેશે સવાર સવારમાં મયુરીને વેલન્ટાઈન ડે વિશ કર્યો.એક સરસ તાજુ ગુલાબ,એક ડેરી મિલ્ક ચૉકલેટ, એક સાડી અને એક સોનાની વીંટી, લગ્નના સાતેક વર્ષ થયાં. ત્યારથી મિતેશ વેલન્ટાઈન ડેના દિવસે મયુરીને અચૂક આપે છે. મયુરી એના બદલામાં મિતેશને હગ કરી એક તસતસતું ચુંબન આપે અને કહે 'બસ જનમો જનમ તું મને મળે, તારી બાહોમાં જ જીવું અને તારી બાહોમાંજ મારા પ્રાણ છૂટે' પછી એ પણ આપે છે મિતેશને તાજુ ગુલાબ અને સરપ્રાઈઝ ગીફટ.એની ગીફટ મિતેશના જેમ નકકી નથી હોતી પણ હોય છે જરુર. પછી તો ફોટોઝ,સેલ્ફી,હરવું-ફરવું, હોટલ વગેરે વગેરે.
એમના પ્રસન્ન દામ્પત્યનું પ્રતીક પાંચ વર્ષનું ફૂલ એમની દીકરી નિધિ તો ખરીજ એમની સાથે. ટૂંકમાં એક સ્ત્રીને જે જોઈએ એ બધું જ છે મયુરી પાસે. એના જીવનમાં એ ખુશ છે. ખુશીઓથી ભરેલું એનું દામન છે. પણ વેલન્ટાઈન ડે ના દિવસે મોકો મળતાંજ એના કપડાંના કબાટમાં લાલ રંગની એક સાડીની વચ્ચે મૂકેલી વાદળી રંગની ડાયરીને જોવાનું ચૂકતી નથી. એ ડાયરીના પ્રથમ પાને સોનેરી અક્ષરોમાં લખેલી એની વિગતો નામ, જન્મ તારીખ, બ્લડ ગૃપ, સરનામું,મૉબાઈલ નંબર વગેરે બધું ધ્યાનપૂર્વક જૂએ છે. એ સોનેરી અક્ષરો પર હાથ ફેરવે છે ત્યારે થોડા સમય માટે એના દિલને અનેરો રોમાંચ થઈ આવે છે. એમાં એને એક દેવતાઈ પુરુષના નિર્મળ પ્રેમના દર્શન થાય છે. એ ડાયરીમાં રહેલા શુષ્ક થઈ ગયેલાં ગુલાબના ફૂલને જ્યારે જૂએ છે ત્યારે એની આંખમાં અનેક દ્રશ્યો ગુલાબની ફોરમ માફક એના હ્દયના તારને આંદોલિત કરી દે છે.
થોડી ક્ષણો પછી આ બધુજ શાંત થઈ જાય છે. એ ડાયરીને બંધ કરી લાલ સાડીની વચ્ચે મૂકી દે છે. લાલ સાડી કવરમાં પેક થઈ ફરી મૂકાઈ જાય છે. ડાયરી દર વેલેન્ટાઈન ડેના દિવસે મયુરીનો સ્પર્શ પ્રાપ્ત કરે છે એટલું જ નહી. કેટલીક ક્ષણો માટે તો એ ડાયરી મયુરીના ભૂતકાળને જીવી લે છે.
મયુરી એ વખતે કૉલેજમાં હતી. એના ભાઈનું અંગ્રેજી બહુ કાચું રહી ગયેલું, એટલે મયુરીના પપ્પાએ નીલકંઠ સર જોડે પર્સનલ ટયુશન બંધાવેલું. નીલકંઠ સર એને ઘરે ભણાવવા આવતાં. પ્રભાવશાળી ચહેરો, હસમુખો સ્વભાવ અને વાક્ છટાના ધની નીલકંઠ સર મયુરીને ગમવા લાગેલાં. અઢારેક વર્ષની મયુરી માટે પચીસેક વર્ષના પરણિત નીલકંઠ સર સ્વપ્નનો રાજકુમાર બની ગયેલાં. મયુરી એક તરફી એમને ચાહવા લાગેલી. નીલકંઠ સર કૉલેજીયન્સ માટે પણ અંગ્રેજીના વર્ગો ચલાવતાં. મયુરીએ નીલકંઠ સરના સાંન્નિધ્યમાં રહેવા માટે એ વર્ગો બંધાવી દીધા. એ ધીરે-ધીરે એમની નજીક જવાનો પ્રયત્ન કરવા લાગી. એવામાં એના પપ્પાએ એની સગાઈ પણ કરી નાંખી અને કૉલેજના બીજા વર્ષમાં તો લગ્ન પણ નકકી કરી નાંખ્યાં. મયુરીને તો નીલકંઠ સરજ ગમતાં હતાં. એને થયું કે એ એનું આકર્ષણ છે, જે આ ઉંમરે બધાને થતું હોય છે. નીલકંઠ સર પરણિત હતાં એટલે બીજો કોઈ પ્રશ્ન ન હતો,પણ પ્રમાણમાં ઊંચી મયુરીને એનાથી નીચો કેશવ ગમતો ન હતો. કેશવ સ્મૉક કરતો એ એને ખબર પડી ગયેલી એ પણ એને ન હોતું ગમતું. કેશવ ન ગમવાના હજાર કારણો હતાં, કારણ કે એને નીલકંઠ સર ગમતાં હતાં, પણ પરિસ્થિતિ એવી હતી કે એ બીજું કશું કરી શકે એમ ન હોતી.એણે ચૂપચાપ કેશવ સાથે લગ્ન કરવાનું સ્વીકારી લીધું.
જાન આવી ગઈ. વરરાજા તોરણે થઈ ગયાં. મયુરીને થઈ ગયું કે હાલ નીલકંઠ સર પાસે જતી રહું. એ શક્ય ન હતું. નીલકંઠ સર એની લાગણીથી અજાણ હતાં, વળી પરણિત હતાં. નીલકંઠ સર લગ્નમાં પણ આવ્યાં હતાં અને ચાંદલો કરીને પણ ગયેલાં. એ હાથ પર હાથ મૂકીને બેસી રહેલી. ચૉરીમાં એ બેઠી. પાણિગ્રહણ વખતે એના હાથને કેશવના હાથનો સ્પર્શ થયો. એને એ સ્પર્શ અગ્નદાહ જેવો લાગ્યો. પુરુષનો સ્પર્શ અને એ પણ આટલો દાહક ! એ અર્ધબેભાન જેવી થઈ ગઈ. વિધિ પૂરી થઈ. રીવાજો પણ પત્યાં. જાન વિદાય થઈ.
સુહાગ રાતના દિવસે એણે કેશવને સ્પર્શ કરવાની ચોખ્ખી ના
પાડી. કેશવને પણ એનામાં ઝાઝો રસ ન હોતો. સુહાગરાત આવી હતી એવી જ કોરીકટ જતી રહી. બીજા દિવસે એ પિયર આવી ગઈ. હાશ!શાંતિ, વર્ષ સુધી કેશવને નહી જોવો પડે !એણે રાહતનો શ્વાસ લીધો.સીધી ગઈ એ નીલકંઠ સરને મળવા. નીલકંઠ સર, એને મળ્યા જેમ બીજી વિદ્યાર્થીઓને મળતાં. લગ્નની મુબારકબાદ આપી.
સમય વિતતો ચાલ્યો. ત્રણેક માસ પછી કેશવને સરકારી નોકરી મળી ગઈ. કોણ જાણે કેમ એ મયુરી સાથે છૂટાછેડાની માંગણી કરવા લાગ્યો. એ માટે એકવાર એણે ઝેરી દવા પણ પી લીધી. માંડ-માંડ બચ્યો. બંને પક્ષે સમજૂતીથી લગ્ન ફોક કર્યા. છ માસમાં તો લગ્ન થયાં અને ફોક પણ થઈ ગયાં. મયુરીના મનમાં તો નીલકંઠ સરજ હતાં. એક દિવસ એ પહોંચી ગઈ સર પાસે. નીલકંઠ સર પોતાના કલાસીસ પર એકલા બેઠેલા હતાં.
મયુરીએ જઈને કહહ્યું 'સર,આઈ લવ યુ'
નીલકંઠ સર તો તેને જોઈ રહ્યાં. 'મયુરી તું આ શું બોલે છે તને ભાન છે ?હું તારો શિક્ષક રહી ચૂકયો છું. તું મારી વિદ્યાર્થીની છે. હું પરણિત છું એ પણ તને ખબર છે તો પણ ?'
એણે કહ્યું, 'હા,સર. મે મારી જાતને રોકવા ઘણી કોશિશ કરી પણ આજે ન રહેવાયું. તમને પહેલી વાર જોયાં ત્યારથી હું તમને પ્રેમ કરું છું, સર.પ્લીઝ સર મારા પ્રેમનો સ્વીકાર કરો'
નીલકંઠ સરે કહ્યું, 'તું કેવી ગાંડી વાત કરે છે ?એ શકય નથી.'
'સર, હું તમારી બીજી પત્ની બનીને રહેવા તૈયાર છું. તમને મારું સર્વસ્વ અર્પણ કરવાની પણ તૈયારી છે.પ્લીઝ સર'
નીલકંઠ સર ગુસ્સે થઈ ગયાં, 'શું બકવાસ કરે છે છોકરી. તને શરમ જેવું કંઈ છે ?ગમે તે બોલે જાય છે.'
નીલકંઠ સરે એને સમજાવી પણ એ એકની બે ન થઈ.
'સર,વેલન્ટાઈન ડે નજીક છે. એ દિવસે તમે મારા પ્રેમનો સ્વીકાર કરજો. નહી તો હું આ દુનિયા છોડી દઈશ.' મયુરીએ સરને ધમકી આપી ચેમ્બર છોડી દીધી.
નીલકંઠ સર માટે એ પ્રશ્ન પેચીદો બન્યો.વેલન્ટાઈન ડેને પાંચ દિવસ બાકી હતાં. આખરે વેલન્ટાઈન ડેના દિવસે નીલકંઠ સરે મયુરીના પ્રેમનો સ્વીકાર કર્યો.
નીલકંઠ સરે કહ્યું, 'જો મયુરી હું તારા પ્રેમનો સ્વીકાર કરું છું, પણ એ વિશુદ્ધ પ્રેમ હોવો જોઈએ.જેમાં શારીરિક સંબંધોને કોઈ સ્થાન નહી હોય. તું મને મળી શકીશ. મને આઈ લવ યુ કહી શકીશ. સ્પર્શી પણ શકીશ, પણ તમામ બાબતમાં મર્યાદા હોવી જોઈએ.' મયુરીએ શરતો સાથેનો નીલકંઠ સરનો પ્રેમ સ્વીકારી લીધો.એને જાણે સ્વર્ગ મળી ગયું.
વેલન્ટાઈન ડેના દિવસે સરે તેને સોનેરી અક્ષરે પ્રથમ પાનાની વિગતો ભરી એક ડાયરી આપી. ડાયરી સાથે એક ગુલાબ આપી નીલકંઠ સરે મયુરીને 'આઈ લવ યુ'કહ્યું. નાદાન મયુરીને જાણે દુનિયા મળી ગઈ. પ્રથમ દ્રષ્ટિએ થયેલાં પ્રેમમાં એણે વિચારવાની દ્રષ્ટિ ખોઈ દીધી હતી, પણ નીલકંઠ સર જાગૃત હતાં. નીલકંઠ સરે એમની દોસ્ત સુરેખાને બધી વિગતો જણાવી. એ એક મનોચિકિત્સક હતી. એણે મયુરીને ખ્યાલ ન આવે એ રીતે ઈરાદાપૂર્વક મયુરીની દોસ્તી કરી લીધી. ધીરજપૂર્વક એણે મયુરીનું કાઉન્સિલિંગ શરુ કર્યું. એ સમય દરમિયાન નીલકંઠ સરે સુરેખાના કહેવા મૂજબ મયુરી સાથે વર્તનમાં આવશ્યક વર્તન પરિવર્તન કરતાં ગયાં. દોઢેક વર્ષમાં મયુરીને એની નાદાની સમજાઈ ગઇ. એને સમજાયું કે નીલકંઠ સર તરફનો એનો આદર પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો હતો. અને આ પ્રેમ એની, નીલકંઠ સરની અને એમના પરિવારના જીવનને તબાહ કરી શકે એમ હતો. એણે મનોમન નીલકંઠ સરથી દૂર જવાનો નિર્ણય કર્યો. સુરેખાનું કાઉન્સિલિંગ સખત કામ કરી રહ્યું હતું.
એક દિવસ મયુરીએ મિતેશ સાથે સાદાઈથી બંને પરિવારની સંમતિથી કોર્ટમેરેજ કરી લીધાં. સુરેખા અને નીલકંઠ સર બંને એ દિવસે હાજર હતાં. હા,મયુરી હજુ નીલકંઠ સરે આપેલા ડાયરીમાંના ગુલાબને ભૂલી નથી. દર વેલેન્ટાઈન ડે પર સરની એ ડાયરીના ગુલાબને જોઈ સરના એના પ્રત્યેના નિર્મળ પ્રેમને વંદન કરે છે. મયુરી તો ઘણી હોય છે, પણ નીલકંઠ સર એકાદ જ હોય છે.