Mrugtrushna Tarang

Action Fantasy Thriller

4  

Mrugtrushna Tarang

Action Fantasy Thriller

નેનોબોટ્સ ચિરંજીવી ભવ:

નેનોબોટ્સ ચિરંજીવી ભવ:

11 mins
244


       "બાયોકેમ વિષયમાં પીએચડી કરવા પાછળનું કારણ શું ? પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયો છે એ પણ 90%માં, તો સારામાં સારી નોકરી તો મળી જ જશે નૈં ! તો નોકરી ન કરતાં બીએચયુ માં જ ભણવા પાછળનો આગ્રહ જરા સમજાવ તો મને દિવ્યમ !" સુહિરભાઈએ હંસરાજ યુનિવર્સિટીની લાઈબ્રેરીથી ઘરે આવતા પુત્ર દિવ્યમને પ્રશ્ન કર્યો.

             "પપ્પા, બાયોકેમ એન્જીનીયરીંગમાં હેલ્થકેર શીખવા મળે, અને એ બહાને બીટ્ટુની જરૂરિયાતના એપ્લાયન્સ બનાવતા શીખીશ, અને સ્કોલરશિપથી જ બીએચયુમાં એડમિશન લઈશ." પિતાને શાંતિથી જવાબ આપતાં સુધીમાં દિવ્યમે ઘરમાંનો રમકડાનો પસારો ય આવરી લીધો.

     {સ્વગત- રસાયણો વિશે ઘણું બધું જાણી શકીશ તો વ્હાલા બીટ્ટુનો ઈલાજ કરવા અને અમરત્વ આપવામાં સફળ થઈશ તો તમારા મારા પરના ઋણનો એક અંશ ચૂકવી શકીશ.}

       "આમ એકલો એકલો શું બબડતો હોય છે, કંઈ અમને ય સમજાય એવું બોલ ભૈ !" સુહિરને દિવ્યમનું વર્તન કૈંક અંશે વિચિત્ર લાગી રહ્યું હતું.

     "બાપ-દિકરાની વાતોને તમે બંને પૂર્ણવિરામ મૂકો હવે અને હાથ ધોઈ આવો એટલે ભાણું જમી લઈએ." માઁએ તુતુ-મેમેની હંમેશની રસ્સીખેંચની રમતનો અંત લાવવા ટાપસી પૂરાવતા કહ્યું.

     માઁ - બાપુ અને હું આમ ઘણીયે વાર ચર્ચાઓ કરતાં અને એનો અંત હમેશા માઁ જમવા પર જ લાવતી, કોઈનુંય મન દુઃભાય નૈં એમ.

     બાયોકેમ વિષય દિલ્હીમાં ન હોવાથી અમરાવતી, નવી મુંબઇ, બનારસ કે બેંગ્લોરમાં ભણવા જવાનો વારો નિકટ આવી રહ્યો છે એ જાણી સહુથી વધારે બીટ્ટુ દુઃખી હતો. દિવ્યમ બનારસની બીએચયુ માં ભણવા માટે ઉત્સુક હતો. તેમ એણે પોસ્ટ ગ્રેજ્યુએશન 90%માં પાસ કર્યું હતું. પીએચડી કરવા માટેની મહેનત ચાલી રહી હતી.

     બીટ્ટુ, અમારા પરિવારની આત્મા ! મારો નાનો ભાઈ, બે બહેન પછીનો નાનો અને લાડકવાયો ભઈલો, પણ જન્મથી જ કસોટીરૂપ જીવન લઈને આ ધરતી પર આગમન થયું એમાં આર્થિક રીતે સુહિરભાઈ અને જિજ્ઞાસાબેનનો સંસાર તુટુ તુટુ થતાં થતાં રહી ગયો. ફરી એકવાર જિજ્ઞાસાબેનને નોકરી કરવાની જરૂર પડી. નસીબ જોગે પ્રિન્સિપલ તરીકેની એમની જૂની નોકરી ફરી મળી ગઈ એટલે બીટ્ટુનાં 8 વર્ષ 5 મહિનામાં 8 ઓપરેશન્સ કરવા સરળ બન્યાં.

     "દિવ્યમ બેટા, જમીને જરા મદદ કરજે ને ! પછી સૂવા જજે હોં !" માઁએ વિનંતીના સૂરમાં કહ્યું.

     "શું માઁ તમે પણ ! દિકરાને વિનંતી નૈ હુકમ કરવાનો હોય, પણ જાણું છુ કે એ તમારાથી ક્યારેય શક્ય નહીં બને. પ્રિન્સિપલ તરીકેની ફરજ 20 વર્ષ બજાવી ચુક્યા છો છતાંય આજ લગી તમને આદેશ આપતાં નથી આવડ્યું."

     "તમારી મમ્મી આજ લગણ મને હુકમ નથી આપી શક્યા તો બીજી તો ક્યાં વાત જ રહી !" - હસતાં હસતાં સુહિરભાઈ જમ્યા પછી ગેલેરીમાં 1000ની ગણતરીની ચહલકદમી કરી પોતાની પ્રિય જગ્યા લાઇબ્રેરીમાં ઘુસી ગયા, અને બે કલાક તો પાક્કા એ સિવાય ભૂકંપ પણ ઓછો પડે એમને બહાર લાવવા માટે.

     હાથ ધોઈ માઁ સામે હાજર થતાં દિવ્યમે વિનંતીનો મદ્ધમ સૂર પકડ્યો: 

 "માવડી રે, ઓ માવડી રે !

 કોઈ કામ હોય તો આપો..., 

ન હોય તોયે ખોળી ખોળીને આપો, 

પણ આપો એક કામ નક્કી આપો... ! !"

 દિવ્યમે સૂરીલા અવાજમાં ગીત આલાપ્યું.

     "નાટકીયો જ છે મારો દિવું ! (માઁ દિવ્યમની બલૈયા લે છે) તારી ગેરહાજરીમાં આ ઘરનાં ખૂણે ખૂણા હર્ષોલ્લાસથી ભરવાનો પ્રયત્ન આજથી જ શરૂ કરી દે ભૈ તું !" માઁએ પોતાના અશ્રુ છુપાવ્યા જ, આમેય ઝાંસીની રાણી જ છે, પોતાનાં સૈન્યને કમજોર થોડી પડવા દેશે.. ! !

     "ગેરહાજરી શું કામ ! કેવળ 5 કલાક લેકચરના... એ પછીનો બધો જ સમય આ ઘર માટે !" દિવ્યમે વાતાવરણ ઠંડુ પાડવાની કોશિશ કરી. 

     "દેબુ, દેબુ !" - બીટ્ટુની બૂમ સાંભળી અમે બન્નેવ એના રૂમમાં લગભગ દોડીને જ પહોંચ્યાં. પપ્પા એની બાજુનાં જ ગોખલામાં હતાં છતાંય ન આવ્યા એટલે ફિકર થવા લાગી. મમ્મી પપ્પાને જોવા ગઇ અને હું બીટ્ટુ પાસે ગયો. બીટ્ટુ મને દેબુ બોલાવતો.

     "બીટ્ટુ, શું થયું તમને ભઈલા !"

     દેબુ, મારે ભગવાન ઘેર નથી જાવું, મારે તમારાં બધાંની સાથે અહીં આ ઘરમાં જ રે'વુ છે, દાદાનાં ફોટાની બાજુમાં મારો ફોટો મૂકો અને એમાંથી ડોકિયું કાઢી તને જોવું એવું નૈં, તારી સાથે રમું જમુ હરુફરું ન્હાઉ..."

     "હા ભાઈ, એવું જ થશે. તમે મારી સાથે છેવટ સુધી રહશો ! આ "સ્વપ્નકુંજ"માં બાકી બધાં સાથે તમે પણ હશો જ ને ! - તમે કોઈ સ્વપ્ન જોયું કે ભાઈ ! - સ્વપ્નમાં પેલી રૂપલી આવી'તી કે નૈં ! - શું કહેતી'તી, કહો ને... શરમાવ નૈં હવે ! !" 

     "શું થયું બીટ્ટુ તમને ?" - બીટ્ટુ ને દિવ્યમ સામે સફાળો બેઠો જોઈ માઁની ફિકર વધતી ગઈ.

     "કાંઈ જ નથી માઁ, આતો હું કોલેજથી આવ્યા બાદ એમને મળ્યો નહીં ને એટલે મને સાદ દીધો. વિશેષ કંઈજ નથી. હાં ને ભાઈ, તમે કહો માઈને નૈં તો હજુય એમના મનમાં શંકાના ઘોડા દોડ્યા કરશે." દિવ્યમે બીટ્ટુ ભાઈને આંખેથી ઈશારો કર્યો.

           "ઓ મારી માવડી ! બોલિવુડની માઓ જેવું મેલોડ્રામા ન કરે તો તું મારી માવડી ક્યાંથી, કાં ! !" કહી દિવ્યમે જ માઁને પાછા વાળ્યા અને બીટ્ટુને પોઢાડવામાં મથ્યો. બીટ્ટુ ઉંઘ્યો એટલે દિવ્યમે એકવાર લાઇબ્રેરીમાં ડોકિયું કરી જોઈ લીધું, તો હમેશ મુજબ સુહિરભાઈ વાંચતા વાંચતા જ ઊંઘી ગયા હતા.

     પોતાની થિયરીઓની પોથી કાઢી દિવ્યમ વાંચવા બેઠો. કૈં કેટલાય નોટ્સ બનાવ્યા, ફાડયા, સમીકરણો બનાવ્યા, એના આધાર પર જોડકણાં ય જોડ્યા, પણ કૈંક ખૂટતું હોય એવું સતત લાગ્યાં કરતું હતું એને... વિચારોમાં ને વિચારોમાં ક્યારે આંખો ઢળવા લાગી અને ઢળી ય પડી..ખબરેય ન પડી... 

    બે'ક કલાક બાદ ઝબકીને ઉઠ્યો ત્યારે ફોર્મ્યુલા 37b નેનો ટેકનોલોજી કહી બરાડી ઉઠયો... (નેનો ટેકનોલોજી કેન્સર, HIV, હાર્ટ અટેક કે સ્ટ્રોક જેવી જીવલેણ બિમારીઓના ખતરનાક કોષો સામે લડી શકે છે. તથા સ્વ-નકલ કરતી નેનોબોટ્સ - એટલે કે એવા કોષો જે પોતાના સમારકામ વાળા કાર્યોની નકલ કરી ખરાબ કોષોને રીપેર તેમજ રી-રીપેર કરી સારા કોષોથી આખું શરીર ભરી દે છે.. આજ અને આવતીકાલે કરવા યોગ્ય કામોને પુનઃ પુનઃ કરી સારા કોષોને વિસ્તૃત કરવા માટે સેલ્યુલર સ્તરે કામ કરી જાણે છે અને સ્વસ્થ જીવન આપી શકે છે. તેઓનો ઉપયોગ કેન્સરના કોષો પર હુમલો કરવાથી લઈને સેલ્યુલર સ્તરે આપણા શરીરમાં સમારકામ કરવા માટેના પૂરક રીતે વિવિધરૂપે થઈ શકે છે.)   

     દિવ્યમ ઈલાજ પામી ગયો હોય એમ ખુશીથી ઉછળી પડ્યો. "હવે બીટ્ટુને ફરી ફરી પેસમેકર મુકવાની જરૂરત નહીં ઊભી થાય, હવે એના રિપેરિંગ સેલ્સને ઝડપથી વધારવાની યુક્તિ મળી ગઈ છે.. એના આધારે બીટ્ટુ હવે લાંબું જીવી શકશે..." - સ્વગત બબડતો દિવ્યમ બીટ્ટુને મળવા ઉતાવળો થઈ ગયો. ઘડિયાળમાં જોયું તો પરોઢ થઈ ગઈ હતી, હમણાં જ બીટ્ટુની બૂમ સંભળાશે જ. બીટ્ટુ બૂમ પાડે એ પહેલા જ એને સરપ્રાઈઝ આપું, બસ એ ઈરાદાથી દિવ્યમ બીટ્ટુના રૂમમાં દાખલ થાય છે. બીટ્ટુને નિરાંતે ઊંઘતો જોઈ એકવાર તો મનમાં થઈ જ આવ્યું કે બીટ્ટુને ઉઠાડીને શુભ સમાચાર આપે, અને બીજી જ પળે વિચાર બદલાયો તેમ યોગ્ય પણ લાગ્યો કે સંજીવની બુટી જ લઈને જો હનુમાનજીની જેમ હાજર રહું તો આનંદ બમણો થઈ જશે સહુનો. બસ, વિચાર મનમાં પાક્કો કર્યો અને બીટ્ટુના કપાળે મીઠું ચુંબન કરી સીધો પહોંચ્યો બાથરૂમમાં, સ્નાનાદિ પતાવી, લાઇબ્રેરીમાં સુહિરભાઈના ચરણ સ્પર્શ કર્યા... યુદ્ધ પર જતો હોય એવી ભાવના મનમાં ભરી જિજ્ઞાસાબેનના ય ચરણારવિંદ શીશે ચઢાવી દિવ્યમ ચાલ્યો અમર કરતું રસાયણ શોધવાની વાટે.. ! ! 

     બાયોકેમના રિટાયર્ડ પ્રોફેસર સુબ્રોતો મુખર્જી ગાઝિયાબાદમાં જ રહે છે, એ મને આ સમીકરણ ઉકેલવામાં મદદ કરી શકે. એમ વિચારી દિવ્યમ 6.35ની બસ પકડે છે અને લગભગ 7.40 મિનિટે એ પ્રો. મુખર્જીના ઘરની ઘંટડી વગાડે છે. પ્રો. દરવાજો ખોલી કોઈપણ જાતના પ્રશ્નો પૂછ્યા વગર સહર્ષ એમના પ્રિય વિદ્યાર્થીનું સ્વાગત કરે છે. દિવ્યમને ખુરસી પર બેસવાનું કહી વાંચવા માટે ન્યૂ દિલ્હી ટાઈમ્સ ન્યૂઝપેપર આપ્યું અને 10 મિ. માં આવું છું કહી ગાયબ જ થઈ ગયા...

     ન્યૂઝપેપરના પહેલા પાના પર NICNet will launched National Informatics Centre and publicly available internet service by VSNL on 15 Aug 1995 નાં ન્યૂઝ વાંચી દિવ્યમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થયો, જાણે ઈશ્વરીય સંકેત મળી રહ્યો હોય કે, "દિવ્યમ, જે મેળવવા પ્રયત્નશીલ છું, એ તને નક્કી જ મળશે, અને એ પણ બહુ જલ્દી, હવે તો કમ્પ્યુટર પણ ઈન્ટરનેટ સેવા સાથે કાર્યરત થશે, જેથી તું તને જોઈતી માહિતી માટે કલાકો બગાડી પોથીઓ ખોલી વાંચવાને બદલે સંગણકમાંથી જ મેળવી શકીશ...

     ચ્હા અને નાસ્તાની બે પ્લેટ લઈ પ્રો. મુખર્જી હાજર થયાં. ભૂખ તો જોરદાર લાગી હતી એટલે પ્રો. ના આગ્રહથી દિવ્યમ ચ્હા સાથે લુચી-ચોરાઈ દાળને બદલે બંગાળી ટ્રેડિશનલ ડીઆઈએસ કોરઈશુતીર કચોરી અને મુઘલાઈ પરાઠાને માન આપી રહ્યો હતો. દિવ્યમને નાસ્તો કરતો જોઈ પ્રો. સંતુષ્ટિ અનુભવી રહ્યા હતા એ દ્રશ્ય વીડિયોમાં ઉતારવા જેવું આહલાદક હતું... આગ્રહ કરી કરીને ભરપેટ નાસ્તો કરાવ્યા બાદ પ્રો. એને પોતાનાં ઘરના ટેરેસ પર લઈ ગયા. શત પાવલી એટલે કે 100x10 એમ 1000 કદમ કૈં પણ ભરપેટ ખાધા પછી ચાલવાની પ્રક્રિયા...

     દિવ્યમ પ્રો. ને પોતાની થિયરી સમજાવી રહ્યો હોય છે ત્યારે પ્રો. નેનોબોટ્સ વિશેની વિસ્તૃત માહિતી આપવા માટે દિવ્યમ પાસે કાગળ અને પેન માંગે છે, એમના અંદાજે દિવ્યમ કાગળ કલમ લેવા નીચેના ડ્રોઈંગ રૂમમાં જશે અને એમાં નાહકનો સમય બરબાદ થશે... 

     પણ, એવું કશું જ ન થતા કૈંક વિપરીત થયું અને કાગળ કલમ સાથે લેટરહેડ પણ પ્રો.ને આપ્યું ત્યારે પ્રો. શાબાશી આપવા સાથે ગદગદ થઈ ગયા. કાગળ પર કૅમેસ્ટ્રીના ઇકવેશનસ સાથે એનાં કમ્પાઉન્ડ અને કોમ્પોનન્ટ્સ પણ કહ્યાં જેના થકી શરીરમાંના સેલ્સ ઝડપથી વધારવા માટે આગળ શું કરવું જોઈએ એ એમણે દિવ્યમ માટે શેષ રાખ્યું. પોતાના વિદ્યાર્થીને પરખવાની પ્રત્યેક શિક્ષકની રીત અલગ અલગ જ રહેવાની ! 

     ગુરુ સમાન પ્રો. ને નમન કરી દિવ્યમ ઘરે પાછા ફરવા માટે બસને બદલે મેટ્રો પકડે છે અને 10 વાગ્યે પોતાના પાલક પિતા સુહિરભાઈના ઓફિસે જવા પહેલા પહોંચી જાય છે. હમેશ મુજબ સુહિરભાઈ રેડિયો પર કિશોર કુમાર હિંટ્સ સાંભળી રહ્યા હતાં જેમાં એમનું ફેવરિટ સોંગ *થોડા હૈ થોડે કી જરૂરત હૈ* ગાતાં ગાતાં પોતાનું અને દિવ્યમનું ટિફિન ભરી રહ્યા હતા અને ત્યારેજ દિવ્યમે ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી મારી અને રેડીયોનું વોલ્યુમ થોડું વધારી દીધું...અને ત્યાંથી ભાગી છૂટ્યો બીટ્ટુના રૂમમાં...

     જિજ્ઞાસાબેન હમેશ મુજબ બીટ્ટુને નવડાવવા માટે આજીજી કરી રહ્યા હતા, "બીટ્ટુ બેટા, દિવ્યમ કોઈ કામસર બહાર ગયો છે, આવતા વાર લાગશે, તમે ન્હાવા આવો, હું તમને નવડાવી દઉં..."

     "માઁ તમ તમારે જાવ કામે, દેબુ આવશે ને મને નવડાવશે. તમે નાહકની ફિકર કરી રહ્યા છો મારી."

     "ફિકર તો થાય જ ને ભઈલા, તમે રહ્યા ચુસ્ત વૈષ્ણવ ન્હાયા વગર કશું ખાશો નૈં અને 10 વાગવા આવ્યા, દવા લેવાની બાકી છે, ફિઝિયોથેર્પીસ્ટ પણ આવી જશે કસરત કરાવવા અને નાસ્તો નહીં કર્યો હોય તો પાછું તમને જ ખીજવશે... પ્લીઝ ચાલોને ન્હાઈ લ્યોને ! !" - માઁ ફિકરમંદ થઈ કહેવા લાગ્યા.

     "દેબુ, દેબુ..."

     "બીટ્ટુ ભઈલા, હાજર છે ગુલામ તમારી સામે ! બોલો શો હુકમ છે મેરે આકા ! !"

     "બહુ મજાક મસ્તી થઈ ગઈ, ઝપાટો કરો હવે ને આવો નીચે એટલે સાથે નાસ્તો કરીયે, બરાબર ને માઁ !" - માઁની એક્ટિંગ કરી માઁને જ ફરી હસાવી દીધી દિવ્યમે..

     બીટ્ટુને ટબમાં બેસી દેબુ સાથે મસ્તી કરતા કરતાં નહાવું બહુ ગમતું અને એટલે જ બીજા કોઈ સાથે ન્હાવા તૈયાર ન થતો. બીટ્ટુને એમનો મનગમતો સૂટ પહેરાવી તૈયાર કર્યા અને દિવ્યમે એમને વ્હીલચેર પર નીચે ડાઈનિંગ ટેબલ પાસે લાવ્યાં... સુહિરભાઈ ઓફિસે જવા નીકળી ચૂક્યા હતાં. માઁ બીટ્ટુનો મનપસંદ નાસ્તો બાજરીના ગરમાગરમ વડા અને કેસરવાળી ફિરણી લઈ આવ્યાં, પ્લેટમાં નાસ્તો પીરસી પોતેય ચ્હા લઈ સામે જ બેઠાં. ભાવતો નાસ્તો જોઈ બીટ્ટુનો ઝપાટો શરૂ થઈ ગયો, પણ પેટ ભરેલું હોવાથી દિવ્યમ સાથ ન પુરાવી શક્યો એટલે માઁને ખરાબ ન લાગે એટલા માટે પોતાની થિસીસની વાતો કરવા લાગ્યો.

     બીટ્ટુ અનુભવી વૈજ્ઞાનિકની જેમ બધું ધ્યાનથી સાંભળે છે અને વચ્ચે વચ્ચે રાસાયણિક સમીકરણો વિશેની ચર્ચા પણ કરે છે... માઁ બન્નેવ ને આમ ચર્ચા કરતાં જોઈ ખૂબ ખુશ થાય છે અને ખુશીનાં અશ્રુ જાહેર ન થઈ જાય એનું ધ્યાન રાખતાં કિચન તરફ ફરી જાય છે..

     બે ત્રણ જગ્યાએ બીટ્ટુ દ્વારા સૂચિત કરેલ નોટ્સ દિવ્યમ પોતાની બુકલેટમાં નોંધ કરી લે છે અને આમ જ ગપ્પા મારતા ત્યાંજ ટેબલ પર જ અધૂરી ચર્ચા ફરી માંડે છે. ત્યારે અચાનક દિવ્યમને બીટ્ટુની દૃષ્ટિમાં ચમકારો દેખાયો અને બીટ્ટુના ડોળા ઊંચા ચઢી ગ્યાં... ફિટ્સ આવવા લાગી... હાથ-પગ ખેંચાયા અને માથું મોટું થવા લાગ્યું જાણે રાવણના દસ માથાઓ એક પછી એક વધતાં જતાં હોય એમ ! ! અને ઘડીનાં ચોથા ભાગમાં તો બીટ્ટુ બેશુદ્ધ થઈ ખુરસી પરથી નીચે પડી ગયો... ધબાક દઈને અવાજ આવ્યો એટલે જિજ્ઞાસાબેન કિચનમાંથી દોડતાં ટેબલ પાસે આવ્યાં. બીટ્ટુને છાતીએ, હાથે ને પગે ઘસવા લાગ્યાં... દિવ્યમે લેન્ડલાઈનથી બીટ્ટુના સ્પેશ્યલ ડૉ.ને ફોન કરી તેડાવ્યાં. સુહિરભાઈને ઓફિસે ફોન કરી જલ્દીથી ઘરે આવવા કહ્યું...

     કલાક બાદ બીટ્ટુ હોશમાં આવ્યો, બધાંનો તાળવે ચોંટેલો જીવ હેઠો બેઠો...બે-ધૂંધ જિંદગીને બહુ મોટો ધક્કો લાગ્યો'તો જે બીટ્ટુના શુદ્ધિમાં આવવાથી ધીમે ધીમે બધું ટાઢે પડવા લાગ્યું... જિજ્ઞાસાબેનના હૃદયના ધબકારા ટાઢા પડ્યાં. આજ લગી બીટ્ટુ સાથે નજર ન મિલાવી શકનાર સુહિરભાઈ આજે બીટ્ટુ આંખો ખોલે અને વાતો કરે એવી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યાં'તા તેય થોડાં શાંત થયાં.

     બીટ્ટુને નોર્મલ જોઈ દિવ્યમ થોડીવારમાં આવું છું કહી ઝડપભેર હંસરાજ યુનિવર્સિટીના બીજે માળે કેમેસ્ટ્રી લેબમાં પહોંચી પ્રો. શર્માને શોર્ટમાં પોતાની થિયરી સમજાવવા સાથે બીટ્ટુની હાલત બયાન કરી લેબ અસીટન્ટની મદદથી અમરત્વનું રસાયણ બનાવવા લાગી જાય છે... કલાકો વીત્યાં બાદ પણ જોઈએ એવું રિઝલ્ટ ન મળતાં દિવ્યમ દોડીને લાઈબ્રેરી જઈ રિસર્ચ પેપર્સની આખી થપ્પી જ ઉઠાવી લાવે છે લેબમાં... ઈમરજન્સી સમજીને સહુ દિવ્યમને મદદરૂપ થવા તત્પર રહે છે... ટેસ્ટ ટ્યુબમાંથી બીકરમાં કાઢી ફરી એજ રાસાયણિક મિશ્રણ બનાવવા માટે સોલ્યુબલ કમ્પાઉન્ડસની માત્રામાં ફેરફાર કરીને ચકાસે છે, 1994ના ડિસેમ્બરમાં જ એટલે કે છ મહિના પહેલા જ ઉંદર પર કરેલ વિફળ પ્રયોગની ડિટેલ્સ ફરી ફરી, ફરી વાંચે છે, કૈંક ખૂટતો કમ્પાઉન્ડ કયો એનું સમીકરણ સમજવાનો પ્રયાસ કરે છે. અને ફરી એકવાર એમ પચાસથી પણ વધારે વાર પ્રયત્નો કરે છે. પ્રો. મુખર્જીએ સૂચવેલ કમ્પાઉન્ડસ અને સવારે બીટ્ટુ સાથેની વાતચીતમાં પોઇન્ટ આઉટ કરેલ કોમ્પોનન્ટ્સ બધાનો તાળો મેળવી અંતે છેક સાંજે 7 વાગ્યે સફળતાનું કિરણ દૃશ્યમાન થાય છે.

      કાચની સહુથી નાની શીશીમાં એ રસીકરણના કેવળ બે ટીપાં લઈ દિવ્યમ વહેલામાં વહેલી તકે ઘરે પહોંચવા માંગે છે, ત્યારે એની પોતાની કોલેજના લેબ ઇન્ચાર્જ પોતાના સ્કૂટર પર બેસાડી લઈ જાય છે અને દિવ્યમ કલાકમાં ઘરે પહોંચવાને બદલે 30મિ. માં ઘરે પહોંચી જાય છે...

      ઘરમાં સ્મશાન જેવી શાંતતા જોઈ પહેલી નજરે દિવ્યમ ગભરાય છે, પણ બીટ્ટુએ જીવનદાનનું વચન લીધું છે અને વળતું મેળવ્યું ય છે તો આ નીરવ શાંતિ વિશ્રાન્તિની જ હોઈ શકે, એવાં દ્રઢ વિશ્વાસ સાથે બીટ્ટુના રૂમમાં હળવા કદમ મૂક્યાં કે બીટ્ટુને આરામ કરતો જોઈ મન ટાઢું પડ્યું.

      નીચે આવી લેબ ઇન્ચાર્જ પ્રો. મેકવાનનો આભાર વ્યક્ત કરી એમને વિદાય આપી. કિચનમાં માઁ કૈંક કામ અર્થે સ્ટોરરૂમમાં ઊભાં હતાં એમને ખભે હળવા હાથનો સ્પર્શ માઁની કોરી ભઠ્ઠ આંખોને ભીની કરવામાં સફળ ન થયો... છતાં આંખોની પાંપણે રાહ જોતું ખારા જળનું એક નાનું ટીપું ટપકી પડવાનો અણસાર શોધી રહ્યું હતું, પણ પડી નહોતું રહ્યું... 

      બીજી બાજુ સુહિરભાઈ કલાકોથી લાઇબ્રેરીમાં ખુદને કેદ કરી આત્મ ગ્લાનિ અનુભવી રહ્યા હતાં કે એમણે પોતાનાં અપંગ પુત્રને ક્યારેય અપનાવ્યો કેમ નહીં ! ! - એથી વિશેષ જિજ્ઞાસા એ જાણતાં હોવા છતાંયે ક્યારેય કશું બોલ્યા નહીં કે ન ચહેરા પર તિરસ્કાર કદીયે આણ્યો... એકલપંડે બધાંય ઓપરેશન્સમાં હિંમતભેર ઊભાં રહ્યા કોઈની પણ પાસેથી મદદની અપેક્ષા રાખ્યા વગર ! ! - અને આ દિવ્યમ પેટનો જણ્યો નથી છતાં કદીયે જાહેર નથી થવા દેતો કે એને એ સત્ય ખબર છે અને એ બાબતે એ દુઃખી પણ છે ! !

      દિવ્યમ બીટ્ટુના સિરહાને બેસી એના વાંકડિયા વાળમાં પોતાની આંગળીઓ ફેરવી સ્પર્શ થકી તેમજ મનનાં સકારાત્મક તરંગો દ્વારા એક આશ્વાસન પહોંચતું કરી રહ્યો છે કે, ભઈલા ! ઉઠો અને આ બે ટીપાં જિંદગીની સુખદ પળોને હજુ એકવાર માણવા માટે પી લ્યો... સદા સદા માટે સ્વસ્થ થઈને અમર થાવ... 

      બીટ્ટુ દેબુના નામની બૂમ પાડે છે, દિવ્યમ પ્રત્યુત્તરમાં અમરત્વના બે ટીપાં મુખમાં નાંખી પીવડાવે તે પહેલાં જ બીટ્ટુ હાથ હલાવી અલવિદા કહી નેત્રો ઢાળી દે છે... જિંદગી હાથવેંત હોવા છતાંય તકદીરમાં ન્હોતી કે પછી અમરત્વ મેળવી મૃત્યુ સાથે સંતાકૂકડીની રમત ન્હોતી રમવી !


Rate this content
Log in

Similar gujarati story from Action