Mrugtrushna Tarang

Romance Tragedy

4  

Mrugtrushna Tarang

Romance Tragedy

કોરોન્ટાઇન

કોરોન્ટાઇન

4 mins
255


લૉક ડાઉનમાં સેવિંગ્સ તળિયે આવી ચૂકી હતી. કામકાજ ઠપ્પ થઈ બેઠું હતું. રંગીલો ઘરમાં કુટાઈ મરવાનાં બહાને જીવતો હોય એમ ઘરની બહાર જવા ટળવળી રહ્યો હતો. અને સમસ્યા પણ માથે જ તાંડવ કરવા થનગની રહી હોય એમ એક પછી એક એમ રોજ દરવાજે દસ્તક દઈ જ રહી હતી ને !

76 વર્ષની ઉંમરે ય અડે ખડે રહેતા શામજીભાઈ દલાલ સ્ટ્રીટનાં એક સમયનાં હર્ષદ મહેતા તરીકે પંકાતા. આજે, દેવાળું ફૂંકાયું હોય એમ ઘરમાં ગોંધાઈ બેઠાં હતાં. બહાર જવાની તાલાવેલી એટલી બધી બળવત્તર થઈ જતી કે કયારેક તો કુંડી ઠેલી બહાર ભાગી જવાનું મન થઇ આવતું એમને. પણ, ઘરનાઓની જોરજબરદસ્તી એમને કનડતી અને એના જ અંતિમ ઉપાય નિમિત્તે આજે તો વિચારી જ લીધું હતું કે બહુ થયું, બહુ સહ્યું ઘરનાંઓનું. હવે નહીં.

બસ, એજ ક્ષણે મનછા બા ખાટલે પડ્યાં. ન્હાવા જતાં પ્રપૌત્રી કૃષ્ણા સ્કેટિંગ બોર્ડ પર આડી ઉતરી અને મનછા ડોશીનો પગ લપસ્યો. ભોંય ભેગા થવાને બદલે બાજુમાં જ રહેલી ખાટ પર પટકાયા.

નજીવા કારણસર મોટી ઘાત નાનામાં આવીને પતી ગઈ. એનો પાડ માનતા શામજીભાઈએ હજુ એક નિયમ લીધો. મનમાં જ સ્તો.

હવેથી મનછા ડોશીને મેલીને એકલા ક્યાંય જવું નહીં. એનો પડછાયો બનીને જીવવું... એ જીવે ત્યાં સુધી કે પછી પોતે જીવે ત્યાં સુધી !

પેન્ટહાઉસની બીજી પોળમાં શામજીભાઈ પોતાનાં પૌત્ર રંગીલા અને એની પત્ની સુંદરી સાથે રહેતાં હતાં. રસોડું બંને ઘર વચ્ચે એક જ હતું અને ઓટલો પણ એક જ. બસ, સૂવાનો ઓરડો બે સામસામા ખૂણે હતો.

"કંટાળી ગયો છું એક ઓરડેથી બીજે ઓરડે આંટા મારી મારીને. હવે બહુ થયું. હું હવે વધારે સમય સુધી આમ નજરકેદ નહીં રહી શકું. હું આ ચાલ્યો."

રંગીલાએ રૌદ્રરૂપ આખીરકાર દેખાડી જ દીધું.

કેટલાંક મહિનાઓથી જ ઘરમાં કેદ થયાં છો ને એમાં આટલો બધો મસાલો ભભરાવી બોલવાની શી જરૂરત છે તમને ! અને, કેદ છો તોય પોતાનાં જ ઘરમાં ને ! 

શિવાજી મા'રાજની જેમ બાદશાહ ઔરંગઝેબનાં મહેલમાં તો નહીં જ ને!"

સુંદરી પોતાનાં પતિ રંગીલાનાં કથનો પર છણકો કર્યા વગર ન રહી શકી.

"ધણી સામું બોલવાની હિંમત ક્યાંથી કરી તમે વહુરાણી!? અને એ પણ વડ સસરાની સામે!! થોડીક તો લાજ શરમ રાખવી જોઈતી હતી તમારે...

આજકાલની છોડીયુંની જેમ મ્હોં ફાટી નીકળ્યું છે તમારું. થોડો મલાજો રાખવો જરૂરી છે."

વડ દાદીની ચઢવણીથી રંગીલાનો પિત્તો ફરી રાતો પીળો થઈ ગયો. સુંદરીનું બાવડું પકડી રંગીલો એને ઘસડીને બેડરૂમનાં માળિયે સુધી લઈ ગયો. 

  "તારી બોબડી બંધ રાખતી હોય તો મારી ઝમકુડી!" એમ કહી,

સુંદરીની બોચી પકડી પ્રેમાલાપ કરતો રંગીલો સુંદરીની માખણ જેવી મુલાયમ ગરદનને મરોડવા મથતો હોય એવો દેખાવ કરી ચૂમવા લાગ્યો.

"એવું તે શું કહી દીધુ મેં? તમતમારે આખાય પેન્ટહાઉસમાં હરીફરી શકો અને મારે આ બેડરૂમનાં માળિયેથી નીચે કિચન સુધી જ ભૂતની જેમ ભટકવાનું કેમ!? 

હું ય માણસ જ છું. ઢોર નથી તે એક ખૂંટે બંધાઈ રહે આજીવન!!"

"છેઃ, રોમાન્સની પત્તર ખાંડી નાંખી તેં. આખો મૂડ ધૂળધાણી કરી નાંખ્યો. કેટલાં હોંશેહોંશે મૂડ જમાવ્યો'તો કે આપણે પ્રેમલાપ્રેમલી બીજા બાળકની તૈયારી અંગે સ્વપ્નબીજ રોપશું અને આપણી કૃષ્ણા માટે એક નવા સાથીનાં આગમનનાં એંધાણ માંડશું... પણ, તેં તારી જબાનને મીઠી ન બનાવવાનું નેમ જ લઈ લીધું હિય એમ લાગે છે હવે તો...

(મનમાં બબડતાં - માડી કે'તી'તી એ સાચું જ હશે... બહુ ભણેલી વહુ લાવો એટલે જીભાજોડી કરવામાંથી ક્યારેય ઊંચી ન આવે... મારી જ મતિ મારી ગઈ કે ડબલ ગ્રેજ્યુએટ સાથે લવ શવ થઈ ગ્યો ને જીદે ચઢી પરણી ય લાવ્યો છડેચોક... હવે ભોગવ રંગલા.. તારાં પરાક્રમો તું જ...)

એક તો આટલા મહિનાઓથી નજરબંદી સહેવી મુશ્કેલ છે અને એમાં તારી જીભડી ય એક વેંતથી ય લાંબી ચાલ્યે રાખતી હોય છે. વડ દાદીને નથી ગમતું તો તારાથી ચૂપ નથી મરાતું..!!"

રંગીલો એનો પારો અને અવાજ બંને ય ઊંચો કરતો ગયો. અને એક લપડાક પણ ધસમસતી સુંદરીનાં ગુલાબી ગાલને રાતીચોળ કરતી ગઈ.

'પળમાં પ્રેમી ને પળમાં રાક્ષસ' જેવું ધણીનું સ્વરૂપ જોઈ સુંદરી ડઘાઈ જ ગઈ. પછી હિંમત કરી શબ્દબાણ ચલાવવા શરૂ કર્યા જ...

"કોરોન્ટાઇનનો કાળ તમને બે ચાર મહિનામાં જ નડવા લાગ્યો, હેં ! અને હું, દસ વર્ષથી આ ઘરમાં વહુરાણી થઈ કોરોન્ટાઇન છું ને ઘૂંટાઈ મરી રહી છું એનું કાંઈ નહીં...!?

તમે તો તમારું વચન પણ ન નિભાવી જાણ્યું... એમ્ફાર્મ થયેલી મને ઘરમાં ગોંધી રાખી આટઆટલા વર્ષોથી, કેમ! તો, ઘર સાચવવું એ સ્ત્રીનું કામકાજ છે, એમ ને!"

"તો એમાં શું મોટી ધાડ પાડી, ધણીયાણીનું જ કામ છે ઘરમાં રહેવું ને ઘર દાર સાચવવું. ધણીને કદી જોયો છે ઘર સંભાળતા તે મને કહે છે, હેં!!"

રંગીલાએ ય સ્વર ઊંચો જ રાખ્યો..અને એ સાથે સુંદરીને ફરી પોતાની તરફ સાડીનાં પાલવેથી ખેંચી. બ્લાઉઝમાં પાછળ લાગેલી ફૂદરડીઓ ખેંચવાનો ને રોમાન્સ કરવાનો મૂડ ફરી કેળવી એને પોતાનામાં ભીંસવા લાગ્યો.

"જરા શરમાવ ધણી. રાતનો કાળ નથી. તમારાં વડ દાદી ને વડ દાદા ઓટલે જ હુક્કો ફૂંકતા બેઠાં છે. ને કૃષ્ણા ય આસપાસ જ રમતી હશે..."

સુંદરીએ મનનો આક્રોશ ફરી એકવાર મનમાં દબાવી ધણીને હળવેકથી હડસેલી એમનાથી છૂટા પડતાં કહ્યું.

"ધણી છું હું તારો એ એમને ય ખબર જ છે ને! તને ભગાવીને ન્થ લપાવી અહીં. છડેચોક ઘોડીએ ચઢી પરણીને લાવ્યો છું, સમજી મારી ઝમકુડી.."

કહી ફરી એકવાર રંગીલાએ કાંચીંડાની જેમ પોતાનાં રંગ બદલવાનું શરૂ કરી દીધું. અને સુંદરીને પોતાનાં મોહપાશમાં જકડી જ લીધી.

"ઉંહ... આઉચ... બસ, હું ય માણસ છું, એ સહુ કોઈ ભૂલી ગયા છે અહીં !!" સુંદરીનો સાદ ધીમો પડતો ગયો ને અંતે એક ચુંબકીય ચુંબનમાં એ સાદ ગૂંગળામણ અનુભવતો રહ્યો હોવા બાદ પણ ધણીની જોરજબરદસ્તી સામે કુંઠિત થઈ પડ્યો માળિયાને એક ખૂણે.


Rate this content
Log in

Similar gujarati story from Romance