Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

mariyam dhupli

Drama Inspirational


3.2  

mariyam dhupli

Drama Inspirational


નાયિકા

નાયિકા

6 mins 355 6 mins 355

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ વખતનો સ્પર્ધાનો વિષય હતો નારી શક્તિ. આ વિષય ઉપર અગાઉ પણ મેં અસંખ્ય વાર્તાઓ લખી હતી. હવે આ વખતે કઈ વાર્તા લખું ? કયા મુદ્દા ઉપર ? કયા પાત્ર વિશે ? એક તો સવારથી મને કૉન્સ્ટિપેશન પજવી રહ્યું હતું. ઉપરથી જાણે વિચારોનું પણ કૉન્સ્ટિપેશન થઇ ગયું હતું. ઓફિસના કાર્યો વચ્ચે આખું અઠવાડિયું ક્યાં નીકળી ગયું ખબર પણ ન પડી. આજે વાર્તા સબમિટ કરવાનો અંતિમ દિવસ હતો. મારી નજર ફરીથી લેપટોપની સ્ક્રીન ઉપર ખુલેલી વેબસાઈટના પેજ ઉપર સ્પર્ધાની અંતિમ તારીખ ઉપર ફરી વળી. હા, આજનીજ તારીખ હતી. ગમે તેમ કરીને આજે જ વાર્તા ટાઈપ કરવી પડશે. મારા મનને હું પડકાર ફેંકી રહ્યો. 

આમ તો રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પોતાનું અને પોતાના દેશનું નામ ચળકાવી ચુકેલી અસંખ્ય સ્ત્રી શક્તિ મારા મનમાં ઝળહળી રહી હતી. જુદા જુદા ક્ષેત્રોમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં, જુદા જુદા વ્યવસાયોમાં દુનિયા જોડે કદમથી કદમ મેળવી આગળ વધી રહેલી એ તમામ સ્ત્રીઓનું હું હૃદયથી સન્માન કરતો હતો. પરંતુ આ વખતે મને એક એવી સ્ત્રીની વાર્તા લખવી હતી જેની શક્તિ જોડે વાંચનાર 

દરેક સ્ત્રી સંવેદનાના તાંતણે બઁધાઈ શકે. જેનો સંઘર્ષ વાંચી 'આ તો મારોજ સંઘર્ષ છે.' એવો ભાવ મનમાં અનુભવી શકે. 'એ વુમન નેક્શ્ટ ડોર' ની વાર્તા. જેને કદાચ દરેક સ્ત્રી -પુરુષે પોતાની આસપાસ, અડોશપડોશમાં કશેને કશે નીહાળીજ હોય. 

બાલ્કનીના હિંચકા ઉપર બેઠો હું ફરીથી એકવાર આપેલા વિષય ઉપરના શબ્દો મનમાં વાગોળવા લાગ્યો. 

એજ સમયે મહોલ્લામાં આવી પહોંચેલી ટેક્ષીના દરવાજા ખોલવા અને બંધ થવાના અવાજે મારું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. રવિવારની શાંત બપોરે એ ટેક્ષી મહોલ્લામાં શું કરી રહી હતી ? હું લેપટોપ હિંચકા ઉપર સંભાળીને ગોઠવી મારો કોફીનો કપ ઊંચકી બાલ્કનીના એક ખૂણે ઉભો રહી ઉપર તરફથી નીચે મહોલ્લામાં ઝાંખી રહ્યો. મારા ઘરના સામેના મકાન તરફ આવી ઉભેલી ટેક્ષીની ડિકીમાં પેસેન્જર લગેજની ગોઠવણ ચાલુ હતી. ઘરના કેટલાક સભ્યો બેગની યોગ્ય ગોઠવણ કરવામાં પરોવાયા હતા ને કેટલાક સભ્યો પૂર્ણિમાને વારાફરતી ગળે લગાવી વિદાય આપતા ભાવુક બની રહ્યા હતા. પૂર્ણિમાની આજે ફ્લાઇટ હતી. મને યાદ આવ્યું. ગઈ કાલે સાંજેજ એની જોડે વાત થઇ હતી. પાંચ વર્ષ પછી એ ભારત આવી હતી. બે અઠવાડિયા માટે. બે અઠવાડિયા આમ આંખ ના પલકારા જોડેજ વીતી ગયા ? ટાઈમ રિયલી ફલાઇસ. 

'ટાઈમ'

એ શબ્દ જોડેજ મને વાર્તા સ્પર્ધા માટેની ટાઈમ લિમિટ યાદ આવી. વાર્તા હજી ટાઈપ કરવાની બાકી હતી. હજી તો પાત્રજ નક્કી થઇ રહ્યું ન હતું. કોફીની ચુસ્કી જોડે હું ફરી મનોમન અકળાઈ ઉઠ્યો. મારું માનસિક કૉન્સ્ટિપેશન ફરી મને પજવવા લાગ્યું. હું અંદર તરફની દિશામાં ફરવા ગયો જ કે મારા મગજમાં ચમકારો થયો. હાથમાંના કોફીના મગમાંથી નીકળી રહેલી વરાળ મારા ચહેરાને ઉનો ઉનો શેકી રહી. તરતજ મારી દ્રષ્ટિ ફરી નીચે તરફ મહોલ્લામાં પરત થઇ. 

પૂર્ણિમા. હા, પૂર્ણિમા. મારી નાયિકા મારી સામે તો હતી.  એ વુમન નેક્શ્ટ ડોર ! યસ.....

એજ ક્ષણે પૂર્ણિમાનો જીવન વૃતાંત મારી આંખો આગળ અતિ ઝડપે પસાર થવા લાગ્યો. આજથી દસ વર્ષ પહેલા એના લગ્ન થયા હતા. યુવક પરદેશનો હતો. પૂર્ણિમાએ બીએ બી એડ કર્યું હતું અને પ્રાથમિક શાળામાં એની નોકરીના બેજ વર્ષ થયા હતા. ધામધૂમથી લગ્ન કરી એ પરદેશ જતી રહી. પરંતુ લગ્નના એક વર્ષ પછી જયારે એ પોતાની પિતરાઈ બહેનના લગ્ન માટે ભારત આવી ત્યારે એણે સ્વપ્નેય વિચાર્યું ન હતું કે એની જોડે ભવિષ્યમાં કેટલો મોટો દગો થવાનો હતો. એના પતિએ પરદેશથીજ તલાક માટેના કાગળિયા મોકલી દીધા. પહેલા તો પૂર્ણિમા કશું સમજી જ શકી નહીં. પરંતુ ધીમે ધીમે આખું ષડ્યંત્ર આંખો આગળ છતું થતું ગયું. શા માટે એના પતિએ એની જોડે લગ્નમાં હાજરી આપવામાં રસ દાખવ્યો ન હતો. માતાપિતાના દબાવમાં કરેલા લગ્ન એને આગળ વધારવા ન હતા. તેથીજ પૂર્ણિમાને એકલાજ ભારત મોકલાવી દીધી હતી. પૂર્ણિમાના ભારત આવ્યા પછી એણે માતાપિતાને સ્પષ્ટ ધમકી આપી દીધી હતી કે જો પૂર્ણિમા ઘરમાં પરત થઇ તો એ હંમેશ માટે ઘર છોડી જતો રહેશે. પોતાના દીકરાને ગુમાવવો ન પડે એ ડરે માતાપિતાએ પણ પોતાની સહમતી આપી દીધી. 

પૂર્ણિમા માટે આ દગો અસહ્ય હતો. આમ કોઈની દીકરીને રમવાનું સાધન બનાવી લેવાય ? મન ફાવે ત્યારે સંબંધ રચવો અને મન ફાવે ત્યારે કચરાની જેમ ઊંચકીને જીવનમાંથી બહાર ધકેલી દેવું ? એણે ડિવોર્સ પેપર ઉપર સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. 

લગ્ન ભારતમાં થયા હતા. એના પતિએ લગ્ન વિદેશની અદાલતમાં રજીસ્ટર કરાવ્યા ન હતા. પૂર્ણિમાના પિતા બેંકમાં નોકરી કરતા હતા અને માતા એક ગૃહિણી. એક મધ્યમ વર્ગીય પરિવાર માટે આંતરરાષ્ટ્રીય કોર્ટ કચેરી લોખંડના ચણા ચાવવા બરાબર હોય. પરંતુ પૂર્ણિમાએ પોતાના સ્વમાન ઉપર ખાધેલી ચોટનો સામનો કરવા બાંય ઉપર ચઢાવી લીધી. દીકરીની હિંમત નિહાળતા પિતાએ ગમે તેમ કરી ટિકિટની વ્યવસ્થા કરી નાખી. પૂર્ણિમા ફરી વિદેશ ગઈ. પોતાના હક માટે એ અડગ ઉભી રહી.

શરૂઆતના દિવસો ખુબજ કપરા હતા. પરંતુ એણે તલાક આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. પતિએ એના ઘરે આવતાજ ઘર છોડી દીધું. એ અન્ય શહેરમાં નોકરી લઇ સ્થાયી થઇ ગયો. પૂર્ણિમાએ એક નર્સરી સ્કૂલમાં નોકરી લઇ લીધી. થોડા સમય પછી એના પતિએ પોતાના માતાપિતાને પોતાના શહેરના નવા મોટા મકાનમાં બોલાવી લીધા. આખરે એ ફ્લેટ પૂર્ણિમાના નામ ઉપર કરી બધાએ એનાથી છુટકારો મેળવી લીધો. એના પતિએ ધર્મ બદલી બીજા લગ્ન કરી લીધા. આજે પૂર્ણિમા પાસે વિદેશમાં પોતાનું ફ્લેટ અને પોતાની નોકરી છે. એને કોઈના આશરાની જરૂર નથી. ગઈ કાલે મારી જોડે થયેલા વાર્તાલાપમાં એણે જણાવ્યું હતું કે થોડા વર્ષોમાં એ પોતાના ભાઈને પણ ત્યાં કામ કરવા બોલાવી લેશે અને પછી ધીમે રહી બન્ને પોતાના માતાપિતાને પણ ત્યાંજ ખેંચી લેશે. 

જો જીવન લીંબુ આપે તો એનું શરબત બનાવી લજ્જત માણવી જોઈએ. પૂર્ણિમા પોતાના હક માટે લડી અને પોતાના જીવનને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. જોકે એનો પતિ અને એનું કુટુંબ આજે પણ એના જીવનમાં અડચણો ઉભી કરતા રહે છે. પોતાનું ફ્લેટ ગમે તેમ કરી પરત મેળવવા તેઓ કોઈને કોઈ બહાને એની પજવણી કરતા રહે છે. એના પતિની નવી પત્ની પૂર્ણિમાનું જીવન નર્ક બનાવવા કોઈ પણ તક જતી કરતી નથી. આ બધા સંઘર્ષો વચ્ચે ઘણીવાર પૂર્ણિમા મેન્ટલ ડિપ્રેશનનો શિકાર પણ બને છે. છતાં વિદેશી ધરતી ઉપર હજારો માનસિક તણાવો વચ્ચે એ એકલી અટુલી જજુમતી રહે છે. પોતાનો અધિકાર મેળવવા. એક અડગ વીરાંગના બની.

પૂર્ણિમાની ટેક્ષી એને એરપોર્ટ પહોંચાડવા આગળ વધી અને મારી વાર્તા માટેના મુદ્દાઓ મનમાં એક પછી એક ગોઠવાઈ રહ્યા. હવે ફક્ત એને એક વ્યવસ્થિત માંડણીમાં ગોઠવવાના જ બાકી હતા. હું શીઘ્ર લેપટોપની દિશામાં આગળ વધ્યો.

એજ સમયે મહોલ્લામાં 'પૂર્ણિમા' નામની ગુંજ ઉઠી. હું ફરી બાલ્કનીમાંથી નીચેની દિશામાં ઝાંખી રહ્યો. ટેક્ષી થોડી ક્ષણો માટે થંભી ગઈ. ટેક્ષીનું બારણું ખુલ્યું અને પૂર્ણિમા બહાર નીકળી. બહાર તરફ ઉભેલી સ્ત્રીને એણે ગળે લગાવી લીધી. બન્ને સખીઓની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. પ્રેમથી નીતરતું આલિંગન આખરે છૂટ્યું અને પૂર્ણિમા ફરીથી ટેક્ષીમાં જઈ ગોઠવાઈ. ટેક્ષી એરપોર્ટની દિશામાં ફરી આગળ વધી. 

મારી નજર પૂર્ણિમાની સખી ઉપર આવી મંડાઈ. એની નજર આગળ વધી રહેલી ટેક્ષીને એકીટશે નિહાળી રહી હતી. 

જાનકી. અરે, જાનકી. મારું મન હેરતથી મને ઢંઢોળી રહ્યું. જાનકીને તો હું ભૂલીજ ગયો. એ પણ તો 'એ વુમન નેક્શ્ટ ડોર ' જ હતી. 

પૂર્ણિમાના મકાનથી ત્રીજું મકાન. એના લગ્ન પણ વિદેશમાંજ લેવાયા હતા. એ પણ લગ્નના થોડાજ મહિનાઓમાં દેશ પરત થઇ ગઈ હતી. સાસરિયા વાળાનો ખરાબ સ્વભાવ, એન આર આઈ પતિનો માનસિક ત્રાસ અને દહેજ માટેની ભૂખ. પરંતુ જાનકી તો કદી પરત પરદેશ ન ગઈ. એણે સહેલાઈથી ડિવોર્સ પેપર ઉપર સહી આપી દીધી. એ પોતાના હક કે અધિકાર માટે ઉભી ન થઇ. એણે હક જવા દીધો. પોતાના છૂટી ગયેલા અભ્યાસ ઉપર પુનઃ ધ્યાન કેન્દ્રિત કર્યું. ઘણું ભણી. ડિગ્રી મેળવી અને એક મોટા ફર્મમાં પોતાની કારકિર્દી આરંભી દીધી. થોડાજ સમયમાં એનો પગાર સારો એવો થઇ ગયો. આજે એ પોતાના માતાપિતા પાસે શાંતિથી રહે છે. ઘરના ખર્ચમાં પિતા અને ભાઈના ખભેથી ખભો મેળવી પોતાનું યોગદાન આપે છે. સાથે સાથે પોતાની પેઈન્ટિંગના શોખને વ્યવસાયિક રૂપ આપવા માટે પ્રોફેશનલ કોર્સ પણ કરી રહી છે. એનું મન હંમેશા વ્યસ્ત અને પ્રફુલ્લિત રહે છે. કોઈ પણ પ્રકારનો માનસિક તાણ એને સ્પર્શી શકતો નથી. 

જાનકીનો જીવનસાર મારી આંખો આગળ ઘટનાઓની સાંકળ સ્વરૂપે ઉભો થયો. એજ સમયે ટેક્ષી મહોલ્લો વટાવી જતી રહી. જાનકી ધીમે રહી પોતાના ઘરમાં પ્રવેશી ગઈ. હું ધીમે રહી હિંચકા ઉપર પરત થયો. મારો કોફીનો મગ એની જગ્યા ઉપર પહોંચી ગયો . મારું લેપટોપ ફરી મારી ગોદમાં આવી ગોઠવાયું. 

કીપેડ આંખોની આગળ ઉપસી આવ્યું.  એક તરફ પૂર્ણિમા અને બીજી તરફ જાનકી.  એક તરફ હક અને બીજી તરફ મનની શાંતિ. પણ બન્ને તરફ એકસમાન બહાદુરી. જેટલું કાળજું પોતાના અધિકારો અંગે લડવા માટે જોઈએ એટલુંજ કાળજું હક જતો કરી શાંતિની પસંદગી કરવા માટે પણ જોઈએ. 

મારી નાયિકા કોણ ?  હું કોની વાર્તા લખું ?

મારું માનસિક કૉન્સ્ટિપેશન ફરી હાવી થયું અને હું લેપટોપ ઉપર રાહ જોઈ રહેલ કિપેડને શૂન્ય મનસ્ક નિહાળી રહ્યો. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Drama