નાનીની યાદ
નાનીની યાદ


હું ઘણી નાની હતી ત્યારે જ નાની તો ગુજરી ગયા છે પણ ત્યાર પછી સૌથી વધારે એમની યાદ મને અત્યારે આવે છે. આ કોરોનાના કાળમાં.
અમારા નાની પ્રેમાળ પણ એ જમાના મુજબ ઓછું ભણેલા ને ચુસ્ત નાગર. આભડછેટ, અજીઠું, સૂતક આ બધામાં ચુસ્ત પણે માનનારા. મુંબઈ થી અમે ભાવનગર ને પછી પોરબંદર જતા હોઇએ ત્યારથી અમારી મા જેને અમે બેન કહેતાં તેની સૂચનાઓ ચાલુ થઈ જાય. જો સવારના વહેલાં નાહી લેવું, એ સિવાય પૂજાના સામાનને, પૂજાની જગ્યા ને હાથ નહીં લગાડવાનો- જમતાં જમતાં જમણે હાથે પાણીના કળશ્યાને કે અથાણાની રકાબીને હાથ નહીં લગાડવાનો. મોટીબેન જે ત્યારે રજસ્વલા થતી હતી તેના તો બાર જ વાગી જતા' છેટે બેસે' ત્યારે ભૂલથી પણ કયાં ય નહીં અડવાનું, ખૂણામાં જ જુદા થાળી- વાટકો- ગ્લાસ રાખી બેસવાનું. અમે બાળકો જરાક એના તરફ જઈએ એટલે 'અરે ,અડતાં નહીં, અડતાં નહીં 'ની નાનીની બૂમ....બહાર ભંગી સંડાસના ડબ્બા લેવા આવે ત્યારે ભૂલથી પણ એમને ન અડીએ એનું વડીલો ધ્યાન રાખતા. અને જો ભૂલથી પણ એ તરફ ફરક્યા અને અડવાનો વહેમ આવ્યો કે' નાહી લો' ની સૂચના પાળવી પડતી. પાછા પવિત્ર થવા.
આ જે પણ અડવાના વહેમે મોટુ ટેન્શન ઉભું કરી દીધું છે કોરોનાના વાઇરસ હાથથી મોઢા, આંખ કે નાક વાટે શરીરમાં ન પ્રવેશે એટલે હાથથી ત્યાં ન અડવાનું ટેન્શન ! બહાર ના છૂટકે નીકળો તો ઘરનાં દરવાજા, લિફ્ટ, બીલ્ડીંગ નો ગેટ, દુકાનના કાઉન્ટર, સામાન કે પછી બાજુમાં ઊભેલ વ્યક્તિ ને પણ ન અડી જવાય એનું ટેન્શન. ઘરમાં સામાન પહોંચાડવા જો કોઇ આવે તો તો એના આવવાથી અને આવનાર સામાનથી ઊભાં થતાં ટેન્શનની તો વાત જ જવા દો...
આજે સામાન ભરી લો..ભરી લોની સૂચનાઓ વચ્ચે બે ત્રણ મહીના ચાલે એટલા કરિયાણું, શાકભાજી, દૂધ દહીંનો ઓર્ડર આપ્યો. નસીબદાર કે ઘરે આ બધાની ડીલીવરી મળી પણ પછીજ શરૂ થયું આભડછેટનું રામાયણ!
કરિયાણાની દુકાનનો છોકરો આવ્યો કે પતિદેવની ઇચ્છા કે બધો સામાન આંગણામાં મોટા બોકસમાં ઠાલવીએ ને ત્રણ દિવસ છેટે રાખી અડવાનું ( પ્લાસ્ટીક પર કોરોના વાયરસ ત્રણ દિવસ રહે) એટલે ચેપ ન લાગે પણ પછી ત્યા કીડી મંકોડા લાગે એનું શું? એટલે મેં ઘરમાં દરવાજા પાસે બોક્સમાં સામાન ઠાલવવાનું કહ્યું. એટલું કરતાં તો એ ટાબરિયો સોફાને અડ્યો, સેન્ટર ટેબલને પણ અડ્યો. બધા નહીં અડ, નહીં અડ બરાડતા રહ્યાં પણ એ તો અડ્યો જ ! ને પછી સોફો, ટેબલ સેનેટાઇઝ કરતાં પતિદેવ બરાડ્યાં મારી પર.
ત્યાર પછી દૂધ દહીં, શાકભાજી ને પવિત્ર કરવાની કવાયત. સાબુના પાણીમાં કોથળીઓ ને શાકભાજી ધોતાં.....જો કોથળી ને અડેલો હાથ બીજે ન અડે..ઉપરની વધારાની થેલી નો સ્પર્શ બીજે ન કરતાં કચરાના ડબ્બામાં નાંખ..જયાં આ બધું સાફ કર્યુ એ જગા પણ સેનેટાઇઝ કર ને છેલ્લે 'નાહી લે' વાઇરસથી મુકત થઈ પવિત્ર થવા ! સાચે જ નાની યાદ આવ્યાં. સ્પર્શની યાદ આટલી અજીબ હોય ! આજે ખબર પડી.
કામવાળી બાઇની ગેરહાજરીમાં ઘરકામ ઉપરાંત ક્યાંય કોઈ વસ્તુના સ્પર્શની વાયરસ રુપે છાપ ન રહી જાય એ કવાયતે સાચ્ચે જ 'નાની યાદ આ ગઈ' !