નાની વહુની હવેલી
નાની વહુની હવેલી
એ મકાન તૂટ્યા ફૂટ્યા ખંડેર જેવું જ હતું. લોકવાયકા પ્રમાણે ત્યાં વર્ષો પહેલાં એક સુંદર હવેલી હતી, નાની વહુની હવેલી. એક વાત એવી પણ સાંભળી છે કે એ ખૂબ જ સુંદર રૂપ રૂપના અંબાર જેવી નાની વહુ એટલી રૂપાળી હતી, કે એ પાણી પીએ તો એ પાણી ગળાની આરપાર દેખાય. અને એના કોમળ હાથ પર ફૂલની ડાળી અડે ને તો હાથ પર એ ડાળીની છાપ ઉપસી આવે. નાની વહુ વિશે આવી અનેક લોકોક્તિ હતી.
એ ખંડેર માં જવાની કે ત્યાં રમવાની, આસપાસ રહેતાં બધા બાળકોના માં બાપની સખત મનાઈ હતી. અને મહોલ્લામાં કોઈ પોતાના યુવાન દીકરાઓ, કે પુરુષોને તો ખાસ એ તરફ જવા દેતા નહીં. કહેવાય છે કે, ત્યાં આજે પણ નાની વહુ ઝરૂખામાં ઉભેલી દેખાય છે. અને ત્યાં એની સામે જોતાવેંત એ પોતાના બે હાથ ફેલાવીને લોકોને પોતાની પાસે બોલાવે છે. અને એના રૂપ, સૌંદર્યની ચુંબકીય માયાજાળમાં ફસાયેલાઓ, એ તરફ ભાન ભૂલીને ચાલ્યા જાય છે. જ્યારે એ ઝરૂખા સુધી પહોંચી જાય, એટલે નાની વહુ આકાશમાં ઊંચે ચડવા લાગે. અને એની પાછળ એને ભેટવા જનારો ઝરૂખામાંથી નીચે પડી જાય, અને મોતને ભેટે છે. આજ સુધી એ કોઈ સ્ત્રીને દેખાઈ નથી, માત્ર પુરુષો ને અને ખાસ કરીને યુવાનોને જ દેખાય છે. કહેવાય છે કે એનો પતિ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં હતો, અને રોજ એ પતિ પત્નીના ઝઘડા થતા, એક દિવસ નાની વહુને એના પતિએ કહેવડાવ્યું, કે સાંજે સુંદર નવવધુની જેમ શણગાર સજીને તૈયાર થઈ જજે. હું આવીશ અને મારે આજ દિન સુધી તને કરેલા અન્યાયની તારી પાસે માફી માંગવી છે. વગેરે વગેરે... આવી વાતોથી ખુશ થયેલી નાની વહુ સુંદર નવવધુની જેમ સજીધજીને ઝરૂખામાં ઊભી હતી, એના પતિની રાહ જોઈને. અને દૂરથી પતિને આવતો જોઈ પોતાની બાહોં ફેલાવી પતિને આવકારે છે. અને એનો પતિ એની પાસે જતાંવેંત, નાની વહુને ઝરૂખામાંથી ધક્કો મારીને નીચે પછાડે છે, અને ત્યાંજ અધૂરા અરમાનો સાથે નાની વહુ મૃત્યુ પામે છે, ત્યારથી એ પુરુષ જાત સાથે બદલાની ભાવનાથી પોતાના ચુંબકીય આકર્ષક રૂપ સૌંદર્યથી લોકોને આકર્ષે છે અને મોતને ઘાટ ઉતારે છે.

