ના પાડવા જાઉં છું
ના પાડવા જાઉં છું
ગામનાં ચોકમાં એકઠાં થયેલાં લોકો વચ્ચે સરપંચ લખા પટેલે, કંકુ ડોશીને આવતાં જોઈ કહ્યું,
"કંકુ ડોશી નીચે ના બેસાય તો,ઓટલે જ બેસો. "
ત્યાં જ ટોળામાંથી અવાજ આવ્યો,
"એ ગાંડી છે એને હુ પૂછો ? એનું કઈ અહીં કામ નથી. અમને બધાને કહો,કેમ ચોકમાં અત્યારે બોલાવ્યા સરપંચ ? "
લખા પટેલે ઊભા થઈ વાતની શરૂઆત કરી,
"સાંભળો,ગામમાં સરપંચ થયે પૂરા ત્રીસ વર્ષ થયાં. આ ગામ પ્રત્યે મારી લાગણી માત્ર જન્મભૂમિ છે એ પૂરતી મર્યાદિત નથી પરંતુ,અહીંની ધૂળ મારે માથે એ પેહલા એને પછી હું. !આજ સુધીના દરેક નિર્ણય મારા ગામના ફાયદા માટેના લીધેલા છે. સરકારે જનતાકરફ્યુ બાદ લોકડાઉનનો નિર્ણય લીધો છે. એનો અર્થ એ થાય છે કે દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે મર્યાદિત સમય સુધી મળી શકશે નહી. આપણું ગામ પણ અન્ય ગામ સાથે સંપર્ક તોડે છે. તમારો સાથ જોઈએ. જીવન- જરૂરીયાતની દરેક વસ્તુ,દવાની વ્યવસ્થા કરવાની જવાબદારી મારી. પણ કોઈ બહારની વ્યક્તિ અંદર નહી આવે અને અંદરની વ્યક્તિ બહાર નહી જાય. આપણાં ગામમાંથી ઘણાંના દીકરા સુરત કામ કરવા ગયા છે. ફોન કરી કહી દો અહી ના આવે. જો કોરોના વાયરસ સાથે આવશે તો આપણા ગામમાં પણ ફેલાશે. મારો કઠોર નિર્ણય તમને જણાવું છું. ગામના ગોંદરે કાચી દીવાલ બનાવવામાં આવશે. ગામને સલામત રાખવું મારી પહેલી ફરજ છે. "
મને -કમને દરેક નિર્ણય ગામના લોકો વધાવતા, કારણ વિઠલપુર ગામ આજે ગોકુળિયું બન્યું હોય તો એક માત્ર સરપંચ લખા પટેલના નિર્ણયોને લીધે. ગામમાં મોટા ભાગના વૃદ્ધ લોકો જ રહેતા ,કોઈના દીકરા સુરત , તો કોઈના મુંબઈ ,તો કોઈ વિદેશ. . . ! લખા પટેલનું માન રાખવાનું એક કારણ એ પણ છે કે કોઈ ક્યારેય ગામમાં ભૂખ્યું સુતું નહી હોય. પોતાના ઘરેથી રાંધી બીજાને જમાડતા. એટલે જ આવા કઠોર નિર્ણયનો દરેક સ્વીકાર કરતા.
ગણગણાટ થતાં ટોળાંમાંથી સંવાદ થયો,
"એય,કંકુ ડોશી સાંભળ્યું સરપંચે શું કહ્યું ,તારા ભૂરાને કહી દે અહીં ના આવે"
"એ હુ આવતો હતો. બાપના બારમામાં પાણી રેડવા ના આવ્યો એ અત્યારે શું આવે ?
"ભૂરો ભૂરીને લઈ વિદેશ સેટ થઈ ગયો અને ગાંડી ડોશીને લખા પટેલને ભરોસે મુકતો ગયો. "
હાસ્ય સાથેના વેણ -કવેણ બાણની જેમ વાગતા થીંગડાવાળી સાડલાના છેડાને માથે સરખું ઓઢી, કથળી ગયેલા ચામડીના હાથે બાવળની કંટાળી સોટી પકડી, ડગુ ડગલું પગ માંડતી હિમંત કરી ધ્રુજી રહેલા પગે ચાલવા લાગી.
"એય ક્યાં ઉપડ્યા કંકુ ડોશી ? "
"અલ્યા ક્યાં હોય સાંભળતો નથી. જો ને દૂર ટ્રેનનો અવાજ આવે. જાતી હશે ફાટકે,જોને હાથમાં પીળું થઈ ગયું ફરફરિયું. ભૂરાંનો છેલ્લો પત્ર કાલ ટ્રેનમાં આવીશ. કોઈ આવવાનું નથી તોય ઊભી રહેશે"
પાછું વળી ધ્રુજતા હાથે આંખનો એક ખૂણો લૂંછી ગળે ડૂમો દીધો હોય એ અવાજે,આંતરડામાંથી હોઠ સુધી પહોંચેલા શબ્દો જાણે કહેતા હોય મારે બહાર નથી આવવું છતાં રોટલાના ઋણે હિમંત કરી બહાર નીકળી ગયા,
"ના પાડવા જાઉં છું. . "
અને આંખના આંસુ લૂછતી ચાલતી થઈ.
સરપંચની ખુરશી પર બેઠેલો લખા પટેલે પણ આંખના ખૂણા લૂછી અહોભાવે કંકુડોશીને જતાં જોઈ રહ્યા,
"ધન્ય છે કંકુડોશી ૧૦- ૧૦ વરસ સુધી ફાટકે મીટ માંડી રાહ જોતી એક મા,કાલે ભૂરાનો ફોન આવતા આજે હરખથી તેડવા નહી પણ પોતાના દીકરાનો અસ્વીકાર કરવા જાય છે !
