મૂંઝવણ
મૂંઝવણ


સલોની ખૂબ ઊંડા વિચારમાં ગરકાવ થઇને બેઠી હતી. એના ચહેરા પરના ભાવ એની મનોસ્થિતિ દર્શાવી રહ્યા હતા. એના ચહેરા પર ખૂબ જ ગહેરા વિષાદના ભાવો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા!
સલોનીના લગ્ન માતાપિતાની ઈચ્છા મુજબ થયા હતા. સલિલ ખૂબ સારો છોકરો હતો. દેખાવડો અને સારું કમાઈ રહ્યો હતો. એક માતાપિતાને બીજું શું જોઈએ!? બસ વાતચીત થઈ એને કરો કંકુના.
સલોની કઈ કેટલા સપનાઓ લઈને સાસરે આવી હતી. સુહાગરાતે મનમાં ગભરાટ,પ્રેમ અને રોમાંચ એવા મિશ્ર ભાવોથી ભાવિ પતિના આગમનની રાહ જોઈ રહી હતી. સમય વિતી રહ્યો હતો પણ સલિલના આગમનના કોઈ ચિન્હો દેખાઈ નહોતા રહ્યા. સલોની જાગતી જ બેઠી હતી. હશે! કદાચ મહેમાનો સાથે વાતો કરતા હશે.
વહેલી સવાર થતાં સલિલ આવ્યો. કંઈ બોલ્યો નહિ અને પલંગ પર સૂઈ ગયો. સલોની આખી રાત જાગીને એની રાહ જોઈ રહી હતી. જરાય મટકું ય માર્યું ન હતું. હશે કઈ નહિ. એમ વિચારી એ તૈયાર થવા ગઈ.
એના સાસુ સસરા ખૂબ સારા હતા. પણ ખબર નહિ સલિલ કેમ અતડો અતડો રહેતો હતો! સરખી વાત પણ ન્હોતો કરતો. એકવાર સલોની એ એની નજીક જવા પ્રયત્ન કર્યો તો એણે હડસેલો મારી સલોનીને પોતાનાથી દૂર કરી દીધી.
સલોની ખૂબ રડી. એના સાસુ આવ્યા તો એને માથું દુઃખવાનુ બહાનું બતાવ્યું અને પોતાના રૂમમાં બેઠી બેઠી રડી રહી હતી. સાંજે સલિલ આવ્યો. એણે સલોનીને જોઈ.
ખૂબ જ કર્કશ અને ભાવવિહિન અવાજ સાથે સલિલ બોલ્યો,"જો સલોની, મેં તારી સાથે ઈચ્છાથી નહિ પણ મજબૂરીથી લગ્ન કર્યા છે. હું બીજી યુવતીને પ્રેમ કરતો હતો. એ પંજાબી હતી. પણ મારા માતપિતા ન માન્યા. મને મરવાની ધમકી આપીને પરાણે લગ્ન કરાવ્યા. હું તને પ્રેમ કરતો નથી અને કરીશ પણ નહિ. કેમકે હું આજીવન એજ યુવતીને પ્રેમ કરીશ. ભલે પછી એ મને મળે કે ન મળે.
મારા તરફથી પતિ તરીકેના એક પણ અધિકારની અપેક્ષા ન રાખીશ. હું એ પૂરા નહિ કરી શકું. તારે અહી રહેવું હોયતો રહે નહિતર તું અમને છોડીને પણ જઈ શકે છે. કોઈ તને રોકશે નહિ!
આટલું કહી સલિલ જતો રહ્યો. સલોની ચૂપચાપ બધું સાંભળી રહી હતી. જાણે કે કોઈ પત્થરની મૂર્તિ જ જોઈલો. એનું મગજ એને સખત સવાલો કરી રહ્યું હતું. પણ એનો એક પણ જવાબ તેની પાસે ન હતો.
આમને આમ એ સવાર સુધી જડવત બેઠી રહી. સવાર પડ્યું એને એ વર્તમાનમાં પછી ફરી. દરરોજની જેમ તૈયાર થઇને અને નાસ્તો બનાવવા ગઈ.
મનમાં વિચારોનું ભારે યુદ્ધ ચાલી રહ્યું હતું. હજુ લગ્નને ચાર દિવસ જ થયા છે. અને હું મારા પિયર પાછી જાઉં તો મારા માતાપિતાની બદનામી થશે. એટલે જ સલિલ મને પ્રેમ કરે કે ન કરે મારે અહીંયા જ રહેવું પડશે.
બસ સલોની મશીન બની ગઈ હતી. એક મશીન ની જેમ દરેક કામ પતાવતી. આજે એ સાંજના બહાર બાલ્કનીમાં બેઠી હતી. અને એની નજર નીચે પડી. એની સોસાયટીની કૂતરી અને કૂતરો એકબીજાને ચાટીને વહાલ કરી રહ્યા હતા. બંને એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા. કેવા એકબીજા સાથે પ્રેમભર્યું વર્તન કરી રહ્યા હતા! ભગવાને દરેક પ્રાણીઓને પ્રેમાળ બનાવ્યા છે .ખાસ કરીને કૂતરાઓને. બસ એકવાર પ્રેમથી બોલાવો એટલે એ તમારા થઈ જાય અને તમારી દરેક વાત માને. અને માણસ.......!
સલોની ને ટીશ ઉપડી. મનમાં ખરેખર લાગી આવ્યું. આ તો અબોલ જાનવર કહેવાય. એને પણ પ્રેમની જરૂર છે. તો હું તો માણસ છું. મને પણ પ્રેમ જોઈએ. કોઈકની હુંફ જોઈએ. પરસ્પર લાગણીનો અહેસાસ જોઈએ. વિચારમાં ને વિચારમાં ચા બળી ગઈ . બળેલી વાસ આવે છે. શું આં ધુમાડો ખરેખર ચા નો છે કે સલોનીનું મન બળી રહ્યું છે !