મૂંઝારો
મૂંઝારો


એ ચીસ પાડી ઊઠી. ભયભીત થતી ચારેકોર આંખો ફાડી જોવા લાગી. શરીર પરના કપડાના લીરા ઊડી ગયાં.
એને રડવું હતું...ચોધાર આંસુએ. પણ આસુંના નીર સૂકાઈ ગયા. ડૂસકું અધવચ્ચે ભરાઇ ગયું,શરીર થાકીને લોથપોથ થઈ ગયું...એ અધમૂય હાલતમાં પીખાયેલાં શરીર સાથે પડી રહી. એનું અસ્તિત્વ હણાઈ ગયું હોય એવું લાગ્યું.
"હવે કોને મોઢું બતાવું...મુંય મારે છેય કોણ?"
પરોઢના પહેલા કિરણો ધરતી પર પડ્યા. "આ શું?
ફરી એક અબળાનો ...!!
સૂર્યના કિરણો શરમના માર્યા ત્યાંથી ખસી ગયા.
પોતાનો દેહ છુપાવતી... જીવન પૂરું કરવાના ઇરાદે ઊભી થઇ બાજુમાં વહેતા ઝરણામાં પોતાનું પીખાયેલું પ્રતિબીબ જોયું એ ત્વરાએ નજર ફેરવી ગઈ....
"અરે આ શું? મારા જેવી બીજી સ્ત્રી?" હાથમાં ત્રિશુલ ને ગૌરવવંતી આભા...આંખમાં કરુણા છલકતી છતાં...આટલી બધી ત્રસ્ત લાગતી હતી.
એ લથડી...ઓ મા..ને માએ એને ગોદમાં લઈ લીધી. પ્રેમથી હાથ ફેરવીને એનો બધોજ થાક જાણે ઉતરી ગયો.
"મને મરવા દો.." આટલું સાંભળતાં એ જાજરમાન સ્ત્રી બોલ્યા.. "દીકરી ... આમ જો હું પણ ક્યાં મુક્ત શ્વાસ લઈ શકું છું? જો માનવે વિકાસના નામે મારુ શરીર છેદી નાખ્યું છે.પાતાળ લોક સુધી અને મારાં બાળકો જેવા વનરાઈ મારા નદી, તળાવ, જમીન, મારી સૃષ્ટિના હાલ હવાલ જો...હું ક્યાં જાઉં?
મારી છાતી પર માણસ માણસને મારવાના ષડ્યંત્ર રચવામાં પોતે તો ફસાયો ને મને આપ્યું આ કપડાંનું મહોરું...હું પણ મુક્ત શ્વાસ નથી લઈ શકતી, તો હું હિંમત હારી?
એનાં માથે હાથ ફરતો હતો...એ હાથ પકડી એ બોલી હે મમતાળી મા..તું કોણ છે?
"હુ બધાનો ભાર ઝીલતી ધરા..પૃથ્વી છું."
હવે ....એનાં રુદનના બંધ ખુલી ગયા. પૃથ્વી પર એક નદીમાં પૂર આવ્યું.