Nilang Rindani

Tragedy

4  

Nilang Rindani

Tragedy

મુસાફરી

મુસાફરી

10 mins
369


'આનંદવન' અનાથાશ્રમમાં આજે સવારથી ઉત્સાહ અને આનંદની ચહલપહલ હતી. બધા જ બાળકો કંઇક ને કંઇક પ્રવૃત્તિ કરી રહ્યા હતાં. કોઈક આંગણું સાફ કરી રહ્યું હતુંં, કોઈક તોરણો બાંધી રહ્યું હતુંં, કોઈક અનાથાશ્રમમાં આવેલ મા અંબિકાના મંદિરની સાફ સફાઈ કરી રહ્યું હતું......ચોમેર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હતુંં....અને કેમ નહીં, આજે 'આનંદવન'ની આનંદ સમી 'જુઈ' ની વિદાય હતી. તેના પાલક માતા પિતા આજે તેને લેવા આવી રહ્યા હતા. ત્યાંના બાળકો અને ત્યાંના કર્મચારીઓની એક આંખમાં આનંદ હતો તો બીજી આંખમાં જુઇની વિદાયનું દુઃખ પણ વર્તાતું હતુંં. 

જુઇ ૧ વર્ષ ની હતી ત્યારે અનાથાશ્રમમાં આવી હતી. ત્યારથી લઈ ને આજ સુધી, જ્યારે જુઇ ૪ વર્ષની થઈ, અનાથાશ્રમના દરેકે દરેકની આંખનું રતન બની ગઈ હતી. મુખ ઉપર સદાય રમતું સ્મિત, રમતિયાળ આંખો અને રૂપાળો વાન....એક ફૂલ જેવી તો હતી જુઈ. 

ઘડિયાળમાં ૧૧ ના ટકોરે, એક સફેદ રંગ ની હોન્ડા સિટી ગાડી આવી ને અનાથાશ્રમના આંગણામા ઊભી રહી. સહુ કોઈ તત્પર હતા સુશ્રુત અને સુજ્ઞા દેસાઈ ને આવકારવા. સુશ્રુત દેસાઈ શહેર નો એક નામાંકિત આર્કિટેક્ટ હતો. લોકોના સપના નું ઘર બનાવવામા તેનો ફાળો હંમેશા રહેતો. આજે સુશ્રુત પોતાનું સપનું સાકાર કરવા માટે આનંદવન અનાથાશ્રમ ને આંગણે ઊભો હતો તેની જાજરમાન અને આકર્ષક દેહ લાલિત્ય સભર તેની પત્ની સુજ્ઞા સાથે. અનાથાશ્રમના સહુ કોઈ તેમને એક મોટા પ્રાર્થના કક્ષમા દોરી ગયા.માંં અંબા ની એક નયનરમ્ય પ્રતિમા ને આજે તાજા ફૂલોનો શણગાર કર્યો હતો....આજે અનાથાશ્રમની 'લક્ષ્મી' બીજાના ઘરની 'લક્ષ્મી' બનવા જઈ રહી હતી.માતાજીની આરતી સંપન્ન થઈ ગયા બાદ દરેક બાળક વારા ફરતી જુઈ ને મળી રહ્યું હતુંં, કોઈ તેની સાથે હાથ મેળવી રહ્યું હતુંં તો કોઈ તેના ગાલ ને ચૂમી રહ્યું હતુંં....દરેક ની આંખમાં અશ્રુધારા વહી રહી હતી. ખૂબ જ લાગણીસભર વાતાવરણ થઈ ગયું હતુંં.....અત્યાર સુધી જુઈની સંભાળ લેનારી ત્યાં ની એક કર્મચારી તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી......સુશ્રુત અને સુજ્ઞા પણ આ લાગણી ના મોજાંઓમાં હિલોળા લઈ રહ્યા હતા.....જુઈ પણ તેની નજીકની બહેનપણી ને વળગી ને રોઈ પડી હતી....ખેર, સમય આવી ગયો વિદાયનો. સુશ્રુત, સુજ્ઞા અને હવે સાથે જુઈ, ત્રણે જણ હાથ નમસ્કારની મુદ્રામાં જોડી ને ગાડીમાં બેસી ગયા અને આમ આજે એક અનાથ બાળકને ને માતા પિતા અને તેનું ઘર નસીબ થયું હતુંં. માં અંબાના મુખ ઉપર નયનરમ્ય સ્મિત રમી રહ્યું હતુંં.

સુશ્રુત અને સુજ્ઞા એ જુઈનું નામકરણ કર્યું અને તેને નવું નામ મળ્યું 'કામાક્ષી'. દિવસો જવા લાગ્યા. કામાક્ષીને શહેરની નામાંકિત શાળામાં દાખલો અપાવી દીધો અને શરૂ થયું તેનું ભણતર. ખૂબ જ લાડ કોડમાં ઉછરી રહી હતી કામાક્ષી. પાણી માંગતાં દૂધ હાજર થતું હતુંં. કામાક્ષી ભણવામાં ખૂબ જ પ્રતિભાશાળી હતી અને શાળામાં પણ હમેશા પ્રથમ ક્રમાંક મેળવતી હતી. 

વર્ષો ના વહાણા વિતતા જતા હતા. કામાક્ષી ૧૨ ધોરણ પાસ કરી ને કૉલેજમાં આવી ગઈ હતી. કળા અને વિદ્યા ક્ષેત્રે સારી એવી નામના મેળવી હતી કામાક્ષી એ. આ તરફ સુશ્રુત પણ તેના વ્યવસાયમાં ખૂબ આગળ વધી ગયો હતો. સુજ્ઞા પણ તેના ઘરકામમાં વ્યસ્ત રહેતી હતી. આમ ત્રણેય જણા પોતપોતાની રીતે તેમના કાર્યોમાં વ્યસ્ત રહેતા હતા.

સમય ના કાંટા ને કોઈ રોક નથી હોતી. ઉંમરલાયક થઈ ગઈ હતી કામાક્ષી. સુશ્રુત અને સુજ્ઞા તેને માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા. કામાક્ષી એ લગ્ન નો નિર્ણય તેનામાંતા પિતા ઉપર છોડ્યો હતો. કામાક્ષી ખૂબ જ દેખાવડી હતી એટલે તેને યોગ્ય પાત્ર મળવામાં કોઈ તકલીફ નહોતી પડવાની. શહેરના જ એક નામાંકિત હૃદય રોગના નિષ્ણાંત ડૉ. સુકુમાર વૈષ્ણવનો એકનો એક દીકરો ડૉ. અદ્વૈત માટે તેનામાંંગા આવ્યા. પ્રાથમિક મુલાકાતમાં જ એકબીજા ને અનુરૂપ થઈ ગયા કામાક્ષી અને અદ્વૈત. પછી તો કોઈ રાહ જોવાનું રહ્યું નહોતું. એક નાના પણ સુંદર સમારંભમાં કામાક્ષી અને અદ્વૈતનું વેવિશાળ નક્કી થયું. અને તે જ દિવસે લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. વેવિશાળ ના બે મહિના પછી નું જ મૂહુર્ત નીકળ્યું. અને આમ ને આમ લગ્નનો દિવસ પણ આવી પૂગ્યો. 

શહેર ના દરેક ખ્યાતનામ વ્યક્તિઓ ને લગ્નમાં આમંત્રણ અપાયું હતુંં. સુશ્રુત પણ વર્ષો થી આર્કિટેક્ટ ના વ્યસાય સાથે સંકળાયેલો હતો તેથી તેની ઓળખાણ પણ બહુ મોટી હતી. ભવ્ય લગ્ન સમારંભ યોજ્યો હતો. દૂર દેશાવર થી પણ ઘણા લોકો આવ્યા હતા. કામાક્ષી એક અપ્સરા જેવી લાગતી હતી, પણ ડૉ. અદ્વૈત પણ કઈં જાય તેવો નહોતો. સ્વર્ગમાં થી ઉતરેલ દેવ અને દેવી ની જોડી લાગતા હતા કામાક્ષી અને ડૉ. અદ્વૈત. અને આમ આ અદભૂત જોડી ના સુખી દામ્પત્ય જીવનની શરૂઆત થઈ. 

સમય અને કિનારા ની રેતી, આ બન્ને તેમની સરવાની પ્રકૃતિ થી બાધ્ય હોય છે......તેમને રોકી નથી શકાતું. કામાક્ષી અને અદ્વૈતના નાના કુટુંબમાં એક ફૂલ સમા બાળક નું આગમન થઈ ચૂકયું હતુંં.....'કવિત'. કવિતની કિલકારીઓ થી અદ્વૈત અને કામાક્ષી નું ઘર ગુંજી ઉઠ્યું હતુંં. 

જીવન નો નિયમ છે દુઃખ અને સુખ ને સરભર કરવાનો. સુશ્રુત એ કામાક્ષી અને અદ્વૈતના સુખી સંસારના સાક્ષી બનીને અનંતની વાટ પકડી લીધી. થોડા વર્ષો પછી સુજ્ઞા પણ સુશ્રુત ના પગલે પગલે ચાલી નીકળ્યા. આમ કામાક્ષી ના માથેથી માતા પિતાનું છત્ર ઉઠી ગયું. 

સમય નો ઘોડો તબડક તબડક કરતો દોડ્યે જતો હતો. કવિત પણ હવે એક બાળક મટી ને યુવાન થઈ ગયો હતો. ભણતરમાં હંમેશા અગ્રસ્થાન મેળવી ને કવિત પણ તેના પિતા ડો. અદ્વૈત ના પગલે ડોક્ટર બની ગયો હતો. ડૉ. કવિત એક ઓર્થોપેડીક સર્જન થઈ ને શહેર ની જ એક નામાંકિત હોસ્પિટલમાં જોડાઈ ગયો હતો. અદ્વૈત અને કામાક્ષી માટે તો આ બધું સ્વર્ગ સમાન લાગી રહ્યું હતુંં. ખૂબ ખુશ હતા અદ્વૈત અને કામાક્ષી અને કેમ નહીં ? તેમના સંતાન ને ઉત્તમ અને ઉચ્ચ શિક્ષણ આપી ને તેને ડોક્ટર બનાવ્યો હતો. 

દિવસો ઘોડા ની ગતિ એ ભાગી રહ્યા હતા. ડૉ. કવિત તેની જ સાથે અભ્યાસ કરતી કિન્નરી ત્રિવેદી ની સાથે લાગણીના સંબંધથી બંધાયો હતો. ડૉ. કિન્નરી ત્રિવેદી સ્ત્રી રોગની નિષ્ણાંત હતી અને તે પણ કવિત સાથે તે જ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. બન્ને જણા એક જ વ્યવસાયમાં હોવા થી અદ્વૈત અને કામાક્ષી ને તેમના સંબંધ વધુ પ્રગાઢ બને તેમાં કોઈ વાંધો નહોતો. અને એ રીતે એક દિવસ ડૉ. કિન્નરી, વૈષ્ણવ કુટુંબ ની વહુ બની ને મિસિસ ડૉ. કવિત બની ગઈ. 

કુદરત નો વણલખ્યો નિયમ છે, જે પહેલાં પણ દર્શાવ્યું તેમ સુખ અને દુઃખ ને સમાન ત્રાજવે તોલતો હોય છે ઈશ્વર. પરંતુ આ વખતે દુઃખ ના ત્રાજવા નું વજન થોડું ભારે હતુંં. એક કારમો વજ્રઘાત થયો કામાક્ષી ઉપર. ડૉ. અદ્વૈત એ અણધારી વિદાય લઈ લીધી. કારમો આઘાત આવી પડ્યો વૈષ્ણવ કુટુંબ ઉપર. અદ્વૈત ની રાત ની નિંદ્રા કેવી રીતે ચિર નિંદ્રામાં પલટાઈ ગઈ તે કોઈ ને ખયાલ જ ના આવ્યો. કામાક્ષી નામાંથે તો જાણે આભ તુટી પડ્યું હતુંં. પરંતુ કુદરત નો નિર્ણય હતો, સ્વીકાર્યે જ છૂટકો. કવિત અને કિન્નરી એ કામાક્ષી ને સંભાળી લીધી હતી. કામાક્ષી પણ ધીરે ધીરે આ આઘાતમાં થી બહાર આવતી જતી હતી. 

કાળચક્ર ફરતું જતું હતુંં. આ એક ચક્ર એવું છે જેમા કોઈ જ રોક નથી. કવિત અને કિન્નરી, બન્ને જણ પોતપોતાના વ્યવસાયમાં ગુંથાયેલા હતા. આ બાજુ કામાક્ષી પણ હવે સહેજે ૬૫-૭૦ વર્ષ ની વયે પહોંચી ગઈ હતી. કહેવત છે ને કે વાસણ સાથે મૂક્યા હોય તો ખખડે પણ ખરા.......એક દિવસ સવારે ઉઠતાં વેંત કિન્નરી રસોડામાં આવી ને.....'મમ્મી, તમને એક હજાર વખત ના પાડી છે કે આ સમયે તમારે રસોડામાં પગ નહીં મૂકવાનો...મારો અને કવિત નો સમય બહુ જ અગત્યનો છે, તમારી ચા તમે પછી પીજો, પહેલાં મને અમારી બનાવી લેવા દો.'...આમ કહી, છણકો કરી ને કિન્નરી રસોડામાં આવી ને ગેસ ઉપર થી કામાક્ષીની ચા ઉતારી લીધી અને પછી પોતાની અને કવિતની કોફી બનાવવા લાગી. કામાક્ષીનું મોઢું ઉતરી ગયું. તે ધીરે પગલે પોતાના ઓરડામાં આવીને બેસી ગઈ. આંખમાં ઝળઝળીયાં આવી ગયા. તેને એક ક્ષણ માટે થયું કે કવિતને કિન્નરીના વર્તન વિશે વાત કરે પણ તે સમસમીને બેસી ગઈ. સહેજે અડધો પોણો કલાક થયો હશે.....કામાક્ષી પાછી ઊભી થઈ ને રસોડામાં ગઈ અને જોયું તો કોઈ નહોતું. કામાક્ષી એ પોતાની ચા ફરી પાછી ગેસ ઉપર ચડાવી. કવિત અને કિન્નરી કયાર ના ઘરેથી નીકળી ગયા હતા, કામાક્ષી ને જાણ કર્યા વગર....ખેર, કામાક્ષી માટે આ કઈં નવું નહોતું. બપોરે રસોયો આવ્યો અને કવિત અને કિન્નરી ની રસોઇ બનાવી, તેમનું ટિફિન લઈને નીકળી ગયો. કામાક્ષી માટે આ રસોયો નહોતો. કામાક્ષી એ બેથી ત્રણ વખત કિન્નરી અને કવિત ને પણ કહ્યું હતુંં કે તેમની રસોઈ સાથે રઘુ પોતાની પણ રસોઈ બનાવી દે, પરંતુ કવિત ના કહેવા પ્રમાણે, રસોયો તેમને માટે તીખું ભોજન બનાવતો હતો જે કામાક્ષી ને નહીં ફાવે તેથી કામાક્ષી એ પોતાની રસોઈ જાતે બનાવી લેવી. કામાક્ષી નું શરીર આજે તૂટી રહ્યું હતુંં....રસોઈ બનાવવાનો સખત કંટાળો આવતો હતો....દવા ખાધી હતી એટલે કંઇ ખાવું તો પડે જ એમમાંની ને કામાક્ષી એ પ્લેટમાં એક ખાખરો અને થોડા મમરા લીધા. અને પછી એક પ્યાલામાં દૂધ લઈ ને પીધું. 

સૂતા સૂતા ક્યારે સાંજ પડી તે કામાક્ષી ને ખયાલ પણ ના આવ્યો....કિન્નરી અને કવિત પાછા આવ્યા અને કિન્નરી રસોડામાં ચા બનાવવા ગઈ.....અચાનક જ..'મમ્મી, આ દૂધ તમે પીધું છે ?'...'હા, બેટા...આજે તબિયત સારી નહોતી એટલે રસોઈ ના કરી શકી, તો ખાખરા, મમરા અને દૂધ પી લીધું'....કામાક્ષી એ ઝીર્ણ સ્વરે જવાબ આપ્યો....'કવિત, અહીં આવ તું....' લગભગ તાડુકી ઊઠી કિન્નરી...કવિત બીજા ઓરડામાંથી દોડતો આવી ગયો....'બોલ કિન્નું, શું થયું ?' ખાંડની ચાસણી ભર્યા સ્વરે તે બોલ્યો. કિન્નરી એ કવિત ને દૂધની રામાયણ કહી સંભળાવી.....કવિત કામાક્ષી તરફ ફર્યો....'જુઓ મમ્મી, કિન્નું સાચું કહે છે....તમને તો ખબર છે આંખો દિવસ અમારે આમથી તેમ દર્દીઓની પાછળ દોડવું પડે છે, તમારે તો ઠીક છે, ઘરે જ બેસી રહેવું છે.....તો એટલી તો ખબર પડવી જોઈએ તમને'.....કવિત કિન્નરી ની કવિતા ગાવા લાગ્યો......કામાક્ષી ને આઘાત લાગી ગયો. તેણે નહોતું ધાર્યું કે કવિત આ રીતે કિન્નરી નો પક્ષ લઈ ને તેને કડવા વેણ કહેશે......પોતાના ઓરડામાં ભીંત ઉપર લટકાવેલ અદ્વૈત ના સુખડ ના હાર સાથેની છબી ને જોઈ રહી..... મનમાં ને મનમાં તે ગણગણી....'અદ્વૈત, કેમ એકલા જતા રહ્યા ? આવીને લઈ જાઓને મને ?'

દિવસે ને દિવસે ઘરમાં કંકાસ વધવા લાગ્યો. કિન્નરી ને જાણે હવે તેના સાસુ, એટલે કે કામાક્ષી એક ભાર રૂપ થઈ ગઈ હતી.....અને કામાક્ષી પણ હવે એક પિંજરામાં પારેવડું તરફડે એમ તરફડી રહી હતી.....અને એક દિવસ સાંજે.....'મમ્મી,માંરું અને કિન્નું નો વ્યવસાય એવો છે કે અમે તમારું ધ્યાન નહીં રાખી શકીએ....તમને કદાચ ઓછું વત્તું થાય તો અમને અને તમને, બન્ને ને તકલીફ'....કવિત સાવચેતી થી તેના પત્તા ઉતરી રહ્યો હતો.....કામાક્ષી પણ જમાનાની ખાધેલ સ્ત્રી હતી, કવિતની વાતનો મર્મ પામી ગઈ હતી, પરંતુ તે કવિતના સ્વમુખે સાંભળવામાંગતી હતી....'હા દીકરા, તું આગળ બોલ, હું સમજી રહી છું'....કામાક્ષી એ શબ્દો ને સાચવી ને કવિત સમક્ષ મૂક્યા.....કામાક્ષીની ઘરડી પણ અનુભવી આંખો આવનારા દિવસો અત્યાર થી જોઈ રહી હતી.......કવિત નું કહેવાનું હજી પૂરું નહોતું થયું.....'એટલે વાત એમ છે મમ્મી, કે મેં અને કિન્નું એ નક્કી કર્યું છે કે તમને એક બહુ જ સારા આશ્રમમાં ત્યાંના લોકોની દેખરેખ હેઠળ રાખવા જેથી તમારુ પણ સચવાય જાય અને અમને પણ ચિંતા નહીં. અમે દર રવિવારે તમને મળવા આવશું જ, પણ તે સિવાય જો કોઈ કામ પડે તો આશ્રમના ફોન ઉપર થી અમને જાણ કરશો તો અમે આવી જઈશું'.....કવિત હવે મુદ્દા ઉપર આવી ચુક્યો હતો....કામાક્ષી એ પહેલાં કવિત સામે અને પછી અદ્વૈત ની તસ્વીર સમક્ષ જોયું....શું પ્રતિભાવ આપવો તે કઈં સૂઝ્યું નહીં...હોઠ ધ્રુજવા લાગ્યા હતા, બન્ને હથેળીઓ ને ભેગી કરી ને કંઇક સરી જતું પકડવાની કોશિશ જાણે કે કરી રહ્યા હતા....'દીકરા, આ ઉંમરે મને આ દિવસો દેખાડીશ તું ?' એક આર્તનાદ નીકળી ગયો કામાક્ષીના હૃદયમાંથી....'મમ્મી, તમે સમજો છો એવું કઈં જ નથી, આ તો તમારી દેખભાળ વધુ સારી રીતે થાય તેટલા માટે અમે બન્ને એ આ નિર્ણય લીધો છે'...પાંગળો અને નફ્ફટ બચાવ કર્યો કવિત એ.......'ઠીક છે દીકરા, તમે જેમ કહો તેમ....ક્યારે જવાનું છે ?...કામાક્ષી એ શરણાગતિ સ્વીકારી લીધી હતી.....પોતાનું લોહી જ જ્યારે સંબંધની હાટડી માંંડી ને બેઠો હોય ત્યાં જમાનાને શું દોષ દેવો ?......'મમ્મી, આપણે કાલે સવારે જ જવાનું છે.....તમે તમારા કપડાં અને બીજી કોઈ જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ લઈ લો'.....કવિતના બોલવા ઉપરથી એવું લાગતું હતુંં કે તેના પિતાએ તેની ઉપર મુકેલા ભારમાંંથી મુક્ત થઈ ગયો હોય....'ભલે દીકરા, તમે મારું સારું જ ઈચ્છશો, મારી ક્યારે પણ જરૂર પડે તો જણાવશો, હું દોડતી આવી જઈશ'.....એક માના મોઢેથી આવા જ શબ્દો સરે એમાં બેમત નથી.....સઘળી હિંમત એક્ઠી કરી ને બેગમાં તેમના કપડાં, દવા નું બોક્સ અને બીજી રોજિંદી જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ મૂકી અને પછી ભીંત ઉપર લટકાવેલી અદ્વૈતની છબી ઉતારી.....'ચાલો અદ્વૈત, તમે તો મને એકલી મૂકીને ઉપડી ગયા પણ મારાથી એમ થોડું થશે ? હું જ્યાં જઈશ ત્યાં તમને સાથે જ લઈ જઈશ'....કામાક્ષીના મનમાં વિચારોએ શબ્દોનું આવરણ ઓઢી લીધું હતુંં...... બેગ ભરાઈ ગઈ.......બીજા દિવસના સવારની રાહ જોતાં જોતાં ક્યારે સવાર પડી ગઈ તે ખબર જ ના પડી..

રવિવાર હતો આજે....આમ તો આજ ના દિવસે કોઈ પણ પરિવાર ના સહુ કોઈ સાથે રહી ને મોજમસ્તી કરે, સાથે ભોજન કરે અને એમ આખો દિવસ પસાર કરે.....પરંતુ આજે કામાક્ષીનો 'પરિવાર' એક સાથે નહીં પરંતુ એક બીજાથી અલગ થઈ રહ્યો હતો...લોહીના સંબંધ ઉપર જાણે કે આજે પાણી ફરી વળ્યું હતુંં.

કવિત અને કિન્નરી, કામાક્ષી ને આશ્રમમાં મૂકી ગયા હતા....એક ઓરડો ફાળવવામાં આવ્યો હતો તેમને.....બહાર મોટું આંગણું હતુંં અને આંગણામાં વૃક્ષો હતા.....દરેક વૃક્ષ ફરતે ગોળ ઓટલા જેવું બનાવ્યું હતુંં જેના ઉપર બેસી ને વડીલો ટોળટપ્પા કરતા બેઠા હતા.....કામાક્ષી પણ એક વૃક્ષ હેઠળ બનાવેલ ઓટલા ઉપર બેઠી હતી.....'આનંદવન વૃદ્ધાશ્રમ' ના મુખ્ય દરવાજાની બહાર સામેના રસ્તે 'આનંદવન અનાથાશ્રમ' નું મોટું પાટિયું વંચાતું હતુંં......કામાક્ષીથી અનાયાસ જ હસી પડાયું......'મારી મુસાફરી તો ફક્ત સામેના છેડેથી અહીં જ હતી, પણ તેને માટે આખી જિંદગી વ્યતીત કરવી પડી.....શું કુદરત, તારી લીલા ન્યારી છે'..ધીરેથી લાકડીના ટેકે ઊઠી કામાક્ષી અને પોતાના ઓરડા તરફ પ્રયાણ કરી ગઈ.......વિધિની વિચિત્રતા તો એ હતી કે આજે 'મધર્સ ડે' હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy