મુક્તિમાર્ગના પ્રવાસી
મુક્તિમાર્ગના પ્રવાસી
વિકાસભાઈની પાસે બંગલા, ગાડી, નોકર અને વિશ્વના અનેક દેશોમાં પ્રવાસ કરેલ હતો. પત્ની,બે બાળકોને ભરપૂર સુવિધા આપી. ઘણીવાર તેમનો ભિતરાત્મા તો કાંઈક અલગ ચાહતું.
એક દિવસ જૂનાગઢમાં ગિરનારની પ્રદક્ષિણામાં જંગલની ઝાડીઓમાં એક સંત ધૂણી ધખાવીને બેઠેલાં જોયેલ. અદ્ભૂત તેજોમય આભા, આનંદસભર પુલકિત નયન, મંદ મંદ મલકતું મુખડું જોઈને મનમાં વિચાર્યું
"આટલી બધી કઠિન પરિસ્થિતિઓમાં પણ સંત કેવી રીતે ખુશ રહી શકે ? બધી સુખ સાહ્યબી હોવા છતાં હું ભીતરથી શાંત રહી નથી શકતો." મનમાં ઉદભવતા પ્રશ્નો સાથે તે સંતની થોડાં નજીક જઈને નિરખવા લાગ્યાં.
સંતની અમી નજ઼ર પડતાં જ બોલ્યાં,
"વિકાસ કરે સહુ બહારનો, સાચો વિકાસ ભીતરે કરે ન કોઈ,
જો ભીતરનો વિકાસ કરે, છૂટે બંધન, રહે સુખથી છલકાતાં સહુ કોઈ. "
પોતાનું નામ અને પોતાનાં ભીતર ઉદભવેલા પ્રશ્નોનાં એક જ પંક્તિમાં જવાબ આપનાર આ મહાન પ્રતિભાશાળી સંતના શબ્દોની ચોટ એવી વાગી જાણે કોઈએ કાળજામાં કટારી મારી હોય.
પૈસાને જ મહત્વનો માનનારા વિકાસભાઈએ સહુથી મોટી બે હજારની નોટ ખિસ્સામાંથી કાઢીને પગે લાગીને સંતની સામે ધરી. મહાત્માજી ધીરેથી બોલ્યાં,
"આ સળગતાં ધુણામાં નાંખી દે." વિકાસભાઈ મુંઝાયા. આવડી મોટી નોટ વગર કારણે બાળી નાખવી તેમણે યોગ્ય ન લાગી. તે વિનયપૂર્વક બોલ્યાં,
"મહાત્માજી મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માગુ છું. આપ આ નોટ સ્વીકારી મારા પર કૃપા કરો."
"નીચે બેસીને ધ્યાનથી સાંભળ બેટા." સંતનાં આદેશને માન આપી વિકાસભાઈ તેમનાં ચરણોમાં બેસી ગયાં. સંત તેમની તરફ સ્નેહભરી મીઠી નજ઼ર નાખતાં બોલ્યાં,
"આ નોટ તું ભલે ધુણામાં નથી નાંખી શક્યો પણ તારી આ નોટ સાથે જ તારા પરિવારનાં લોકો તને જ સળગતી આગમાં નાંખી દેશે અને તું આ સંસારમાં અનેક યોનિઓમાં નિત નવા જન્મો ધરીને વારંવાર સળગતો રહીશ. તારો અંતરાત્મા તો અતૃપ્ત જ રહેશે."
"મહાત્માજી મારાથી શક્ય તેટલી મહેનત હું કરું છું. તોય ભીતર ઈચ્છાઓ વધતી જ રહે છે અને મન શાંત થતું જ નથી. કોઈ સારો માર્ગ બતાવો મને." વિકાસભાઈ બોલ્યાં.
"સંત બોલ્યાં, "સહુ પહેલાં તો મૌન ધારણ કરીને આ મારુ તારુનો ભાવ છોડી દે કેમ કે આ બધું જ નાશવંત છે આ તારો દેહ પણ. તું ગમે તેટલો બહારથી વિકાસ કરીશ તોય નાશ પામવાનો છે. "
"તો અહી નાશ ન પામે એવું છે શું. ? જો આપ બતાવો તો એની પાસે જઈને તપાસ કરીને હું પણ અવિનાશી બની જાવ." વિકાસભાઈને તો મરવું એ ખુબ કઠિન લાગતું હતું એટલે સંત પાસેથી જાદુ શીખીને અવિનાશી બની જવાની ઈચ્છા પ્રગટ થતાં આવો પ્રશ્ન પૂછી લીધો.
"અરે પહેલાં તો તારે આ 'હું ' પદનો ત્યાગ કરવો પડશે અને પછી જ તને એ અવિનાશી તત્વ દેખાશે." સંત તેમનાં પ્રશ્નનો મર્મ પારખીને બોલ્યાં.
વિકાસભાઈ બરોબરનાં ફસાયા તે મનમાં બોલ્યાં, "અરે હું અમર બનવાં માટે ક્યુ તત્વની પાસે જાઉ તે જાણવાં માગતો હતો અને આ સંત તો 'હું ' પદ એટલે કે મારો જ ત્યાગ કરવાનું કહે છે." વિકાસભાઈ સમજણ ન પડતાં હવે પોતાની બુદ્ધિ દોડાવતાં બોલ્યાં,
"મહાત્માજી મને એ ન સમજાયું કે જો હું પોતે મારા 'હું ' પદ એટલે કે મારી જાતનો જ ત્યાગ કરી દઈશ તો પછી બાકી રહેશે જ શું અહી. ? અને હું જ નહીં હોવ તો એ અવિનાશી તત્વ કેવી રીતે દેખાશે.?"
"અરે પાગલ એ અવિનાશી તત્વ તારી ભીતરમાં જ છે. માન કે તું પોતે જ છે પણ તું તો આ ' હું ' પદ ધારણ કરીને બેઠો છે એટલે તને એ કેમ કરીને દેખાય ? અને હા તું એટલે કે આ અવિનાશી તત્વ મરવાનું જ નથી પણ તારુ 'હું' પદ મરવાનું છે એટલે જો તું આ ' હું ' પદનો જ્યાં સુધી ત્યાગ કરીને આ અવિનાશી તત્વની સંગત કરીને તેનામાં ઓતપ્રોત થઈને ભળી નહીં જાય ત્યાં સુધી તું જન્મતો રહીશ અને સળગતો રહીશ." મહાત્માજીએ બરાબરનો ડર બતાવ્યો એટલે દર વખતે સળગવું ન પડે એવો ઉપાય હવે વિકાસભાઈએ નછુટકાનો પૂછ્યો,
"મહાત્માજી માનો કે હું આપની બધી જ વાત સાચી માની લઉ તો આ અવિનાશી તત્વમાં ભળવું કેવી રીતે તેની પાસે જાવું તે મને શું આપ શીખવશો.?"
"ના બેટા પછી મારે તને કાંઈ શીખવવાની જરૂર જ નહીં રહે જયારે તું મક્કમ નિર્ણય કરીશ કે મારે આ અવિનાશી તત્વ એટલે કે ભીતરનાં આત્માને ઓળખવો છે. એટલે એ અવિનાશી આત્મા પોતે જ તને પ્રેરણા આપશે. તેમ છતાંય જો તને કોઈ મનમાં ભ્રમ ઉદભવે તો અહી આવીને શંકાનું સમાધાન કરી લેજે."
આમ બોલીને સંત ચલમ પીવા લાગ્યાં.
થોડીવાર શાંત બેસીને વિકાસભાઈ અચાનક બોલ્યાં,
"તો મહાત્માજી હવે આ ઘર, પરિવાર બધું હું છોડી દઉં.? "
"જો ફરી પાછૉ બીજું બધું છોડવાની વાત કરી..!" સંત હસીને બોલ્યાં,
"પાગલ તારે કાંઈ જ નથી છોડવાનું આ 'હું ' જ છોડવાનું છે. 'હું ' પદ છૂટી જાશે એટલે બધું જ આપમેળે છૂટી જાશે."
ફરી માથું ખંજવાળતાં વિકાસભાઈ થાકીને બોલ્યાં, "હવે તો આ અવિનાશી તત્વને જાણવું જ છે. મહાત્માજી આપ મારા ગુરુ બનીને માર્ગદર્શન આપો. આપ કહો ત્યાંથી હું શરૂઆત કરું."
" વાહ સરસ હવે તું જરૂર બની શકશે મુક્તિ માર્ગનો પ્રવાસી." કહેતાંક ચલમ નીચે મૂકીને સંત બોલ્યાં,
"હવે તું શક્ય તેટલું મૌન ધરીને જયારે સમય મળે ત્યારે આંખ બન્ધ કરીને ભીતરમાં રહેલ અવિનાશી તત્વનું ધ્યાન ધરજે અને સહુથી વઘુ મહત્વ એને જ આપીને એ અપાર આનંદ સ્વરૂપ આત્માને જાણવાની કોશિશ કરતો રહેજે. જેમ તે મહેનત કરીને બહાર બધું વસાવ્યું તેમ હવે ભીતર ધ્યાન ધરીને મહેનત કરી સાચો આનંદ ભીતર શોધીને શાંતિનો અનુભવ કરજે. સફળતા જરૂર કોશિશ કરનારને મળે જ છે."
સંતને ભાવપૂર્વક નમન કરીને ફરી કાંઈક ભીતરનો વિકાસ કરીને સંતને મળવાં આવવાનો નીર્ધાર કરીને વિકાસભાઈ ઘેર પાછાં ફર્યા હતાં.
સંતના વચનો પર વિશ્વાસ રાખીને તેમણે શક્ય તેટલું મૌન ધરીને સમય મળે ત્યારે ભીતર વસેલાં અવિનાશી આત્માનું ધ્યાન ધરવાનું શરૂ કર્યુ. થોડી ઘણી કઠિનાઈઓ બાદ હવે તો તેમને ખુબ જ આનંદનો અનુભવ થવાં લાગ્યો અને તેમનું મુખડું શાંત અને મલકાતું બની ગયું. ચિંતાઓ બધી દૂર થવાં લાગી. હવે તો વિકાસભાઈને સમજાઈ ગયું કે જેમ બહારનો વિકાસ મહેનત કરીને કરીએ તેમ ભીતરનો વિકાસ પણ કરવો ખુબ જ મહત્વનો છે. સાચો આનંદ તો ભીતર જ છે.
સમય વીતતો ગયો તેમ બહારનું બધું નશવંત ગણાય તે આપોઆપ છૂટી રહ્યુ હોય તેમ વિકાસભાઈને લાગ્યું અને તેવો હવે જાણે મુક્તિ માર્ગનાં પ્રવાસી બની ગયાં.
