Dina Vachharajani

Tragedy Inspirational

4  

Dina Vachharajani

Tragedy Inspirational

મુક્તિ

મુક્તિ

3 mins
23.8K


નિશા શાંત થઈ જા, તું આમ રડ્યા કરીશ તો કેમ ચાલશે? નિરજના આત્મા ને કેટલું દુ:ખ થશે? નિશાની આસપાસ રહેલ એના આપ્તજનો એને સમજાવી રહ્યા હતાં. રહી રહીને હીબકાં ભરી રહેલી નિશા નું રુદન થંભવાનું નામ જ નહોતું લઇ રહ્યું.

નિશાના પતિ નિરજનું કેન્સર ને કારણે મૃત્યુ થયું હતું. નિરજ વગરની જિંદગી કેમ જીવાશે? રહી રહીને નિશાને એ જ વિચાર આવતો હતો. એમનું દાંપત્યજીવન હતું પણ સૌને ઇર્ષ્યા આવે એવું. નિરજ ને તો નિશા વગર જરાય ન ચાલે.

લગ્ન જીવનની શરુઆત નો સમય હતો.....અચાનક નિશાનો સખીઓ સાથે નાટક જોવાનો પ્લાન બની ગયો. એ તો નિરજ માટે સરસ મજાનો નાસ્તો બનાવી, એક નાની ચિઠ્ઠી સાથે ટેબલ પર મૂકી નીકળી ગઇ. એને પાછા આવતાં ખાસ્સું મોડું થઈ ગયું. નિરજ ઓફીસેથી આવી,નિશાને ઘરમાં ન જોતાં મોંઢુ ચઢાવી ટીવી જોતો બેઠો હતો. નાસ્તો પણ નહોતો ખાધો ! આ જોઇ નિશાને પણ થોડો ગુસ્સો આવ્યો. એ પણ ચૂપચાપ જ રહી. થોડીવારે નિરજ જ એની નજીક આવ્યો અને એને આલિંગન આપતા બોલ્યો "ઘરે આવું ત્યારે નિશારાણી હસતાં મુખે સ્વાગત ન કરે,તો મારો મૂડ બગડી જાય".બસ ત્યારથી નિશા સાંજ પહેલા ઘરે આવી જવાય એમ હોય તો જ બહાર જતી. એમ તો નિશાને નવાં નવાં સ્થળે ફરવા જવાનો, નાના નાના ટ્રેકીંગ પર જવાનો ખૂબ શોખ.નિરજને તો રજા હોય તો ઘરે રહી આરામ કરવામાં જ રસ. એકવાર તો નિશા એની બહેન -બનેવીના આગ્રહ થી,નિરજને મૂકી કાશ્મીર ટ્રેકીંગ માટે જવા પણ તૈયાર થઈ ગઇ હતી. જવાને આગલે દિવસે નિરજનું નિમાણું મોઢું જોઇ એ જઇ જ ન શકી! જો કે નિરજ આ બધાનું સાટું વાળી તો દેતો. એને પોતાને મુવીઝ જોવાનો,હોટલમાં જમવા જવાનો,મિત્રો ને મળવાનો ખૂબ શોખ. એટલે એમના વીકએન્ડ તો એમાં જ જતાં !

નિશા લગ્ન પહેલાં સંગીત ના નાના -નાના પ્રોગ્રામમાં ગાવા પણ જતી. હવે એ પોતાનો શોખ બપોરના એક મ્યૂઝિક ટીચરને ઘરે બોલાવી,રિયાઝ કરી પૂરો કરી લેતી. એની જિંદગી હવે સંપૂર્ણ પણે નિરજમય બની ગઇ હતી. એ પણ એટલી હદે કે ખાવાપીવામાં પણ એ નિરજની પસંદ ને જ પ્રાધાન્ય આપતી,પોતાની પસંદ તો એ વીસરી જ ચૂકી હતી. પોતાને ખૂબ ભાવતી પણ નિરજને અપ્રિય એવી વાનગી તો એના ઘરમાં બનતી જ નહીં. જેમ કે રીંગણા નું શાક !. એને પોતાને આવું કરવામાં સુખ અને શાંતિ મળતાં.! આ જ તો માતાની અને સમાજની આપેલી શીખ અને સંસ્કાર હતાં....

હસતાં -રમતા હજી તો માંડ ઉંમરના પાંચમા દાયકે પહોંચ્યા ત્યાં આમ સાવ અચાનક નિરજે એનો સાથ છોડી દીધો. નિશાનું આખું અસ્તિત્વ હચમચી ગયું. એનું રુદન શમવાનું નામ જ નહોતું લેતું, ત્યાં કોઇક બોલ્યું "નિશા,નિરજનાં આત્માની મુક્તિ માટે પણ તારે રડવાનું બંધ કરવું જોઇએ. " આ શબ્દો ની એના પર જાદુઇ અસર થઇ,એ થોડી શાંત પડી. નિશાને લાગ્યું એના શરીર -મનનો વિષાદ એના આત્મા સુધી પહોંચી ગયો છે. એણે સૌને કહ્યું "હું થોડીવાર મારા રુમમાં એકલી આરામ કરવા માંગુ છું. "

રુમમાં પ્રવેશી એની નજર બારી પાસે રહેલી રોકીંગ ચેર પર પડી. આ ચેર નિરજને પ્રિય હતી, પોતાના સિવાય કોઇ એના પર બેસે એ એને પસંદ પણ નહોતું. નિશા અવશ પણે એના પર બેસી પડી..એ શૂન્યચિત્તે બારી બહાર તાકી રહી. સામે મેદાનમાં નાનાં -નાનાં છોકરાં રમી રહ્યા હતાં...ક્યાંક દૂર -દૂર થી કોઈ ગીતનાં સૂર સંભળાઇ રહ્યાં હતાં..થોડી સ્ત્રીઓ ટોળે વળી વાત કરી રહી હતી.પણ આમાનું કશું જ એને સ્પર્શતું નહોતું. એણે પીડાથી પાછળ માથું ઢાળી દીધું.

થોડે દૂર ઉભેલા વૃક્ષ પર નવી- નવી કુંપળો ફૂટી રહી હતી. બારીમાં ઝૂકેલી ડાળી પર લાગેલ મંજરીમાંથી ચળાઇને આવતાં પવનની મીઠી સુગંધ આવી રહી હતી. આકાશમાં રૂના ઢગલા જેવા વાદળો દોડાદોડી કરી રહ્યાં હતાં. એને લાગ્યું, આ રંગ-સુગંધ અને ગતિમાંથી કોઇ અકળ-અજાણ્યું તત્વ એની અંદર પ્રવેશી એના આત્માને ઝંઝોડી રહ્યું છે!!..એણે ડરથી આંખ બંધ કરી લીધી. એણે અનુભવી પોતાના શરીર -મન અને આત્મામાં વાદળની હળવાશ......એ હળવાશમાં તરતાં તરતાં એણે જોયાં આવનારા અનેક વર્ષો જે એણે જીવવાનાં હતાં. આ વર્ષો એના અને ફક્ત એનાં પોતાના હતાં. આ અનાગત વર્ષો વીનવી વીનવી ને જાણે એને કહેતાં હતાં...

મુક્તિ -મુક્તિ વીતી ગયેલ ક્ષણોથી મુક્તિ,

વીતી ગયેલ જિંદગીથી મુક્તિ...

એને રુમમાં ગયે ખાસ્સીવાર થઇ હતી એટલે બહાર રહેલાં ચિંતાતુર સ્વજનો દરવાજો ખખડાવતા હતાં. એણે ધીમે રહી દરવાજો ખોલ્યો. એને શાંત -સંયત જોઇ થોડીવારે એની બહેને પૂછ્યું "નિશા, બે દિવસથી તેં કંઇ નથી ખાધું..કંઈક ખાઇ લે તો સારું. શું બનાવું તારે માટે ?"

નિશાનો જવાબ હતો........

" રોટલી અને રીંગણાનું શાક..."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy