kiranben sharma

Tragedy Fantasy Inspirational

4.0  

kiranben sharma

Tragedy Fantasy Inspirational

મસ્તીની લહેર

મસ્તીની લહેર

2 mins
263


અમદાવાદમાં માલદાર ગણાતાં એવા કિશન મહેતા મોટી ફેક્ટરીના માલિક, તેમનો એકનો એક દીકરો રાજન અને તે એમ.બી.બી.એસના ચોથા વર્ષમાં ભણતો હતો. કોલેજમાં ખૂબ હોશિયાર, દરેક પ્રવૃત્તિમાં આગળ પડીને કામ કરતો. ખૂબ ઉત્સાહી અને તોફાની પણ ખરો જ.

રાજન અને તેની કોલેજના મયંક, સમીર, પ્રતિક બધાએ કોલેજમાં બંક મારીને સોમનાથના દરિયા કિનારે ફરવા જવા વિચાર્યું. કોરોનમાં ફસાયેલાં થોડી છૂટ મળતાં જુવાનીની બેકાબૂ લહેર એમનાં વિચારોમાં ફરી વળી અને બધાએ પોતાના માતાપિતા પાસેથી બીજા બહાને પૈસા મંગાવ્યા અને શનિ રવિમાં ફરવા જવાનો વિચાર કર્યો. બધા અલગ અલગ બહાનું બનાવી ઘરે ન ગયાં અને શનિ-રવિ રાજનની ગાડી લઈ ફરવા જવા નીકળ્યા.

રાજન, મયંક, સમીર અને પ્રતિક બધા જ ખૂબ તોફાની, અને ઉપરથી અત્યારે કોઈની રોકટોક ન હતી. બધા મસ્ત બનીને ખૂબ તોફાને ચઢ્યાં, બધા જ અમીર મા બાપના દીકરા હતા. તેમની પાસે પૈસા હતા અને પાછા થોડા રવાડે પણ ચડેલા હતાં, તેથી ગુજરાતમાં દારૂબંધી છતાં છાનો માનો તેમણે નશો પણ કર્યો હતો. ફરતા ફરતા તેઓ સોમનાથના દરિયા કિનારે પહોંચ્યા અને ગાડી બાજુમાં મૂકી ખુલ્લા પાણીમાં નાહવા પડ્યા. આમ તો દરેક કિનારા પર પોલીસની નજર હોય પણ આ લોકો બધાથી દૂર સૂના દરિયા કિનારા પાસે જઈને ખૂબ મસ્તી તોફાન, ગીતો ગાતા અને એકબીજાને પકડીને ઊચકીને દરિયામાં ફેંકતા હતા.

 રાજન ધીમે ધીમે પાણીમાં વધારેને વધારે આગળ જવા લાગ્યો. મયંક અને સમીરે બૂમો પાડી." હવે વધારે આગળ ન જા, દરિયામાં ભરતી શરૂ થઈ ગઈ છે અને લહેરો પણ વિશાળ રૂપ લઈને ઉપરાછાપરી આવી રહી છે !"  

 રાજનને આ દરિયાની લહેરો સાથે રમવાનું ખૂબ મન થયું, એ આગળ જતો અને લહેરો તેને ઊંચકીને પાછી કિનારા પર નાંખતી. આમ રાજનને મજા આવી, જોકે સાથે મયંક અને સમીરને પણ મજા આવતી હતી. ખાલી પ્રતિક દૂર બેસી રહ્યો હતો. થોડી વાર સુધી તો આ બધા મજા કરતા રહ્યા, પણ આતો દરિયાલાલ, ક્યારે બગડે તે કહેવાય નહીં. અંધારું થવા આવ્યું. લહેરોએ વિકરાળ રૂપ ધારણ કરવા માંડ્યું અને ઉપરાછાપરી લહેરો આવીને રાજન, સમીર અને મયંક ને ત્રણને સાથે લેતી ગઈ. અચાનક રાજન, સમીર, મયંક બૂમો પાડે છે," બચાવો બચાવો" પણ ત્યાં દરિયાની લહેરોનાં અથડાવવાનો અવાજ એટલો મોટો હતો કે કોઈને તેમની બૂમ સંભળાય નહીં. દૂર નાવડીવાળાએ જોયું પણ આવા તોફાની વાતાવરણમાં કોઈ દરિયામાં જાય નહીં, એટલે તેઓ પણ આવ્યા નહીં. અને આ બાજુ વમળમાં ફસાયેલા ત્રણે કાંઈ બોલે ચાલે તે પહેલાં જ કાળનો કોળિયો બની ગયા. પ્રતિક તો કિનારે બેસી આ બધું જોતો રહી ગયો. એ આ દરિયા સામે વિવશતા અનુભવતો હતો. 

સવારના ન્યૂઝપેપરમાં જ્યારે આ ત્રણે રાજન મયંક અને સમીરના ફોટા સાથે સમાચાર છપાયા ત્યારે તેમનાં પરિવાર અને કોલેજમાં દુઃખની લહેર ફરી વળી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy