મોર્ડન આર્ટ
મોર્ડન આર્ટ
આથમતા સૂરજની લાલિમામાં પ્રણય સ્ટેન્ડ પર ગોઠવેલા કેનવાસ પર પીંછીથી ચિત્ર બનાવવામાં મસ્ત હતો. પંક્તિએ બાજુમાં ગોઠવાતાં પૂછ્યું, “કઈ મહાન કલાકૃતિ આકાર લઈ રહી છે મારા મહાન ચિત્રકારના હસ્તે ?”
પ્રણયે ખડખડાટ હસતાં કહ્યું, “કંઈ નહીં.”
“શું દોરે છે પ્રણય ? ક્યારની દૂરથી જોતી હતી.”
“અરે પંક્તિ મેડમ, હું તમારા જેવો કુશળ ચિત્રકાર નથી. પણ સાચું કહુ તો કેનવાસ પર એક ચહેરો ઉપસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હદયસ્થ તને પીંછી દ્વારા મહેસુસ કરી રહ્યો હતો.”
પંક્તિએ કેનવાસ પર નજર દોડાવી. તેની આંખમાં વિસ્મયના ભાવ જાગ્યા. પ્રણય સમજી ગયો.
“અરે ખાનગીમાં કહું તો તારા જેવું ડ્રોઇંગ મને ક્યાં આવડે છે ! દોરવું તો શું પણ લીટા પાડી રહ્યો હતો. હદયને તારા નામે બહેલાવી રહ્યો હતો.”
પંક્તિએ સહેજ સ્મિત સહ્ કહ્યું, “શું તું પણ..”
“હા સાચે જ, આપણા રામને એટલું સમજાય કે મોર્ડન આર્ટના નામે કંઈ પણ ચિતરડા કરી શકાય. બસ, એકદમ હાઇક્લાસ લેબલ અને એ કોઈ ચિત્રવિચિત્ર કૃતિ વિશે પૂછે તો સ્માર્ટ જવાબ આપી દેવો કે મોર્ડન આર્ટ છે. મોર્ડન આર્ટના નામે કાંઈ પણ....હોં!”
પંક્તિ પોતાના પ્રણયને હદયમાં સમાવીને ખુશ હતી. એક દિવસ પંક્તિ એક કેનવાસ લઇને આવી.
“જો મેં પણ કંઇક દોર્યું છે.”
પ્રણય પોતાનીજ પ્રતિકૃતિ કેનવાસ પર સજીવ થ
યેલી નિહાળીને ભાવવિભોર થઈ ગયો.
“પંક્તિ ! વાહ વાહ.“
પણ પ્રણય પંક્તિના સહેજ ઉદાસ ચહેરાને માપી ગયો હતો.
“પંક્તિ શું થયું?”
“પ્રણય પપ્પાની નારાજગી હું નહીં વહોરી શકું. એ તને મારી નજરથી સ્વિકારશે ત્યારે આપણે એક થઇશું. આપણે લૈલા-મજનુની જેમ કંઈ કુરબાન પણ નથી થઈ જવું. વટભેર નસીબને આપણી તરફેણમાં નિર્ણય લેવડાવવાની જિદ પર અડી રહેશું.”
અને વીસ વર્ષ બાદ..
છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મિડિયા પર એક અજબ મેસેજ ફરતો દેખાયો. એક વિચિત્ર ચિત્ર અને એક સર્વાંગ સુંદર કૃતિ અને નીચે એક અધૂરા ન સમજાય એવા ચાર શબ્દો..
“મોર્ડન આર્ટના નામે કાંઈ પણ... હોં!
રોજ સાંજે કોફીશોપમાં પ્રતિક્ષા..”
અંતે પ્રણયે ચશ્મા ચડાવીને ધ્યાનપૂર્વક વાંચ્યું. અને એના હદયમાં પંક્તિનું નામ ધબકી ગયું. કોફીશોપમાં પંક્તિની સામે એકીટશે નિહાળી રહેલા પ્રણયે પૂછી લીધું,
“પંક્તિ વીસ વર્ષ થયાં. તેં લગ્ન..?”
“પ્રણય નસીબમાં તું હતો તે મોર્ડન આર્ટ ચિતરનાર કોઈ મળ્યો જ નહીં ને !”
“પંક્તિ હું પિસ્તાલીસનો અને તું ચાલીસની. તો ?”
“અરે આપણી મોર્ડન આર્ટ પચ્ચીસની જ છે ને !”
બંનેના શ્વાસ લોબાનની જેમ ભીતર મહેક પ્રસરાવી રહ્યા હતા. લગ્ન બાદ ડ્રોઇંગરુમની દિવાલ પર લેમિનેટ કરાવેલી મોર્ડન આર્ટ શોભી રહી હતી.