મોંઘવારી
મોંઘવારી
ગુણવંત રાયનાં સ્વર્ગે સિધાવ્યા બાદ ગુણવંતી બેને દીકરાને માં અને બાપ બંને બની ઉછેર્યો હતો. દીકરાની પરવરિશમાં જરા પણ ખોટ ના વરતાય તે માટે પોતે મહેનત કરવામાં બાકી રાખ્યું ન હતું.
દીકરો વખત જતા મોટો થઈ પરણ્યો અને નોકરિયાત થયો.
શરૂઆતની સમજણી વહું હવે વાતે વાતે ગુણવંતી બેનનું અપમાન કરતી અને કકળાટ વધારતી.
બીમાર રહેતા ગુણવંતી બેન માટે દવા ઉપરાંત સિઝનલ ફળો ખોરાકમાં વધુ પ્રમાણમાં લેવાની સૂચના ડોક્ટર તરફથી હતી જ...અને આ અંગે વહું ને ખાસ પ્રકારનો અસંતોષ રહ્યા કરતો.
" આ મોંઘવારી માં આપણા જેવાને રોજ ફળ ફળાદી ખાવા ના પોસાય !"
ફળ લાવવાની વાતે વહુનો આ ડાયલોગ સાસુની દિશામાં હંમેશા તકાયેલો રહેતો...!
અગાઉ કોઈ કોઈ વાર દીકરો ઘરમાં ફળ ફળાદી લાવતો તે પણ હવે વહુના ખાસ પ્રકારના દબાણ તળે બંધ થયા હતા.
પણ..., સાચે જ બંધ થયા હતા...?
અશક્ત શરીરે પણ ગુણવંતી બેનનો નિત્ય નો એક ક્રમ જળવાઈ રહેલો..અને તે એ કે સવારે વહેલા ઊઠી તૈયાર થઈ નજીકના રામજી મંદિરે ધીમે ધીમે દર્શને જઈ આવવું...આ દરમ્યાન દીકરો વહુ પણ ઊઠી ગયા હોય અને તૈયાર થઈ નોકરી જવાની ઉતાવળમાં હંમેશની જેમ હોય...!
આજે..ગ્રહણ હોઈ પૂજારીએ આરતી કરી મંદિર વહેલું બંધ કર્યું અને ગુણવંતી બેન રોજ કરતા વહેલા ઘરે પાછા આવ્યા.
વહુ પોતાના બેડરૂમમાં રાત્રે સફરજન અને કેળા આરોગ્યા બાદ બાકી રહેલ તેના ફોતરા અને છાલ બેડરૂમની બહાર સાવરણી વડે વાળી લાવી સુપડીમાં ભરી રહી હતી...!
વહુની અને સાસુની નજર એક થઈ ...!
વહુ આડું જોઈ ગઈ અને ગુણવંતી બેન પોતાના ખાટલા તરફ ધીમા પગલે ચાલ્યા...મનમાં પેલો ડાયલોગ ગુંજતો હતો...
" આ મોંઘવારીમાં આપણા જેવાને.."
