Ashok Luhar

Romance

5.0  

Ashok Luhar

Romance

મનમેળ

મનમેળ

2 mins
628


"ભેળ ખવડાઉં તમને, ખૂબ સરસ બનાવે છે!"­

બીચ પાસે બાઈક ઊભી રાખી આકાશે કહ્યું. જવાબમાં સ્નેહા કશું જ ન બોલી.

આકાશ ભેળ લેવામાં વ્યસ્ત થયો, ને સ્નેહાએ તેના પર એક અછડતી નજર નાંખીને દરિયા તરફ જોવા લાગી. દરિયાની જેમ તેના મનમાં પણ ઘૂંઘવાટ ચાલી રહ્યો હતો. અડધાં કલાક પહેલાં પપ્પા સાથે થયેલો ઉગ્ર સંવાદ હજી પણ તેનાં મનમાં ઘોળાતો હતો.

* * *

"સ્નેહા, તું હજુ તૈયાર નથી થઈ...? આકાશ આવતો જ હશે....!"

"પપ્પા પ્લીઝ! મારી કોઈ ઈચ્છા નથી આ છોકરાને મળવા જવાની."

"લે, હવે શું થયું... ?!?"

"એનો ડ્રેસીંગ સેન્સ જોયો તમે...? અરે યાર છોકરી જોવા માટે કોણ ફોર્મલમાં આવે છે...?!? એની હેર-સ્ટાઈલ એના ફેસ-કટને જરાય સૂટ નથી કરતી, ને ફ્રેમલેસ ચશ્મા.. સાવ ઓલ્ડ ફેશન્ડ...!?! ઓ માય ગોડ!"

"અરે બેટા, પણ એકવાર..."

પપ્પાની વાત પૂરી સાંભળ્યા વગર જ સ્નેહા પગ પછાડતી પોતાનાં રૂમમાં જતી રહી. આખરે મમ્મીની જીદ પર ક-મને પણ આકાશને મળવા જવું પડ્યું.

* * *

હજી મનમાં આ જ વિચારો ચાલી રહ્યાં હતાં ત્યાં અચાનક સ્નેહાએ કારના બ્રેકનો કર્કશ અવાજ સાંભળ્યો ને તેણે પાછળ વળીને જોયું.

રોડની વચ્ચે આકાશ ઊભો હતો ને તેની પાસે એક કાર ઊભી હતી. આકાશનાં એક હાથમાં નાનકડું ગલૂડીયું હતું ને બીજા હાથ વડે એ કારચાલકને કંઈક ઈશારો કરી રહ્યો. જવાબમાં કારચાલકે પણ કંઈક ઈશારો કરી કાર મારી મૂકી. હવે આકાશ ગલૂડીયાને લઈ રોડની સામેની તરફ ગયો જ્યાં બીજા ત્રણેક ગલૂડીયાઓ રમી રહ્યાં હતાં. આકાશના હાથમાં ગલૂડીયું જોઈ ખૂણામાં બેસેલી એક કૂતરી ઘૂર્રાવા માંડી, પણ આકાશે તેને પણ હાથ વડે કંઈક ઈશારો કર્યો ને આશ્ચર્ય વચ્ચે એ કૂતરી પાછી શાંત બેસી ગઈ. આકાશે આગળ જઈ હળવેકથી ગલૂડીયાંને એ કૂતરી પાસે મુક્યું અને ઝડપથી રોડ ક્રોસ કરી પાછો આવ્યો.

"સોરી સ્નેહા, એ ગલૂડીયું નાહકનું કાર નીચે આવી ચગદાઈ જાત....." આકાશ આગળ બોલી ન શક્યો. સ્નેહા એને એકીટસે જોઈ રહી હતી ને આકાશ સ્હેજ શરમાઈને નીચું જોઈ ગયો.

"અરે, આપણી ભેળ તૈયાર છે, હું...."

"મને નથી ભાવતી. કોફી પીવડાવીશ મને...?" આકાશને અઘવચ્ચે અટકાવી સ્નેહાએ એક અદાથી પૂછ્યું.

આકાશે ફટાફટ ભેળવાળાને પૈસા ચૂકવી બાઈક સ્ટાર્ટ કર્યું ને સ્નેહા હળવેકથી એની પાછળ ગોઠવાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance