'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

મન મજબૂત, તો દૂર ભાગે દુ:ખ

મન મજબૂત, તો દૂર ભાગે દુ:ખ

2 mins
608


આપણામાં કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય', તેમ જો મન મજબૂત હોય તો દુ:ખ પણ દૂર ભાગે. આપણે તો દુ:ખ આવે તો રડવામાંથી ઊંચા આવતા નથી.

ત્યારે તેમની કિશોરાવસ્થા હતી. તેમને બગલગાંઠ થઈ. ત્યારની માન્યતા એવી કે ગાંઠ મટાડવા માટે ત્યાં ડામ દેવો પડે. એ સમયે વાળંદ પણ ડાકટરપણું કરતા. ગામમાં વાળંદ આવી ગાંઠ પર ડામ દેતો. આ કિશોરને પણ તે વાળંદ પાસે જવાનું કહેવાયું. કિશોર તો ગયો વાળંદ પાસે. વાળંદે સળિયો ધગાવ્યો. કિશોરે હાથ ઊંચો કર્યો. પણ વાળંદ આ કિશોરનું કોમળ શરીર જોઈને ડામ દઈ શકતો નથી. તેનો હાથ ધ્રૂજવા લાગ્યો. કિશોરે આ જોયું. તેણે તો વાળંદના હાથમાંથી સળિયો લીધો અને જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો. ઊંહકારો પણ ન કર્યો.

યુવાનીમાં આ કિશોર વિદેશ જાય છે. ત્યાં રહીને તેમનો અભ્યાસ ચાલુ હતો. આ સમયે તેમના પગે વાળા નીકળ્યા. ડોકટરોએ તેને દૂર કરવા માટે ઓપરેશનની વાત કરી. ઓપરેશન કરવા માટે કલોરોફોર્મ સૂંઘાડવાની વાત થઈ. પણ આ યુવાને કહી દીધું કે, હું કલોરોફોર્મ નહિ જ સૂંઘું. ડોકટરો ખૂબ સમજાવે છે, પણ યુવાન એકનો બે ન થયો. છેવટે ડોકટરોએ કલોરોફોર્મ સૂંઘાડયા વિના જ ઓપરશેન કર્યું અને આ યુવાને ઊંહકારો પણ ન કર્યો. ડોકટરો પણ તાજ્જુબ થયા. આ પહેલા આવો દરદી તેઓએ જોયો જ નહોતો. આ યુવાને મન મક્કમ રાખીને આવા રોગોને પણ ભગાડયા હતા.

આ માત્ર બે પ્રસંગોમાં જ આવું બન્યું છે એવું નથી. ગોધરામાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. મિત્રના પુત્રની સારવાર કરતા તેમને પણ એ રોગ થયો. ત્યારે પણ મન મજબૂત રાખી જાતે સારવાર કરી આ રોગને દૂર કાઢયો હતો.

ખરી મક્કમતા તેઓના અંત સમયની પણ હતી. ભારતને આઝાદી મળી. દેશી-રજવાડાંઓના વિલીનીકરણ સહિતનાં અનેક કામ કરવાનાં હતાં. તેમાં વળી ગાંધીજીની હત્યા થઈ. તેમને પણ હુમલો આવ્યો. તેમાંથી તેઓ બચી ગયા, પણ બિમારી તો ચાલુ જ રહી. છતાંયે મન મક્કમ રાખી દેશનાં કામ કરતા રહ્યાં અને જ્યારે એમ લાગ્યું કે હવે મોટાભાગનાં કામ પૂરાં થઈ ગયાં છે ત્યારે તેઓએ પોતાની લીલા સંકેલી લીધી.

આમ, મનને મજબૂત રાખીને અનેક વખત તેઓએ દુ:ખને પણ દૂર ભગાડયું. આવું તો સરદાર જ કરી શકેને!

આપણે પણ નાનકડું દુ:ખ આવે તો રડી-રડીને મોટું કરી દઈએ છીએ. રડવાથી દુ:ખ દૂર થતું નથી. તેમની સામે ઝઝૂમવું પડે છે. મન મજબૂત હોય તો દુ:ખ અસર કરી શકતું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Classics