મમતાની કસોટી
મમતાની કસોટી


મીનાને સમીરના લગ્ન ને એક વરસ થયું. બીજે વરસે તો દીકરા "રાજ" નો જન્મ થયો..અને સમીરના પપ્પાએ મીના ને કહ્યું, "બેટા..તેં તો મને ઘડપણની લાકડી આપી .." એમ કહી મીનાના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી પત્નીના ફોટા સામે જોઈને કહ્યું ,"તારા વગર એકલો પડી ગયો હતો પણ હવે મારું વ્યાજ મને ફરી જીવાડશે.."
પણ વિધાતાએ મીનાની જિંદગીમાં કસોટી કરવાનો લેખ લખ્યો હતો. સમીર ને ન્યૂમોનિયા થયો. તાવ મગજે ચડી જતો. અને એક દિવસ અચાનક કોઈ ને,કંઈ કહ્યા વગર અનંત યાત્રા એ ઉપડી ગયો. હજુ તો દીકરો રાજ બે જ વરસનો હતો. મીના તો શૂન્યમનસ્ક બની ગઈ. એક શૂન્યવકાશ..એક ખળખળ વહેતો ખાલીપો...
મીનાએ ઈશ્વરને ફરિયાદ કરી.." હે, ભગવાન તું આ કેવી કસોટી લે છે..!! ??"
સસરાએ હિંમત આપી કહ્યું, "બેટી..રાજ માટે જીવવું પડશે.."
ને મીના એ પોતાની જાતને સંભાળી. ભણેલી હતી એટલે ધીમે ધીમે સમીરની ઓફીસ અને ઘર બંને ને સંભાળી લીધા. સસરા નાના રાજને જીવ કરતા પણ વધારે સાચવતા.
પણ..એક દિવસ રાજ દાદર ચડી રહ્યો હતો ને હજુ મીના ના સસરા એને નીચે ઉતારે એ પહેલા જ નાનકડા રાજનો પગ લપસ્યો ને દાદર પરથી નીચે પડ્યો. માથામાં ગંભીર વાગ્યું હતું. તરત હોસ્પિટલ લઈ ગયા. એક અઠવાડિયા પછી રાજ ભાનમાં આવ્યો, પણ...કોઈ ને બરાબર ઓળખતો ન હતો..ડોકટરે કહ્યું," રાજ ને થોડો મોટો થવા દો પછી જ કંઈ કહી શકાય.."
બે વરસ પછી રાજ ને પાંચમું વરસ બેઠું. મીના ડોકટર પાસે ગઈ. બધા રિપોર્ટ કરાવ્યા..ને રિપોર્ટ જોઈ ડોક્ટરે કહ્યું, "બેટી, તારો દીકરો માનસિક વિકલાંગ બન્યો છે. એની ઉંમર વધશે પણ તેની બુદ્ધિ નાના બાળક જેવી રહેશે...!!!"
અને
મીના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી..
આજે ફરી ઈશ્વર ને ફરિયાદ કરી.."ઈશ્વર હજુ કેટલી કસોટી લેશે મારી?"
ધીમે ધીમે સમય સરકતો રહ્યો. રાજ પંદર વરસનો થયો હજુ ત્રીજા ધોરણમાં હતો. આજે સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ હતો. રાજે એક ડ્રામામાં પાર્ટ લીધો હતો. બધાએ પેરન્ટસ સાથે સાંજે પાંચ વાગે સ્કુલ પર પહોંચવાનું હતું.
રાજ, મીના ને તેના સસરા ચાર વાગે સ્કૂલ પર પહોંચી ગયા. કાર્યક્રમ ચાલુ થયો. રાજે ખૂબ સરસ અભિનય કર્યો. બધાએ તાળીઓથી વધાવી લીધો. તેની સાથે પાર્ટ લીધેલો તે અમી અને રાજની મમ્મીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. અમીની મમ્મી લાલ સાડીને ચાંદલો, ને બંગડીમાં શોભતી હતી. જ્યારે મીના સફેદ સાડીમાં સૌમ્ય લાગતી હતી. અચાનક રાજે મીના ને કહ્યું," મમ્મા તું પણ આવી લાલ સાડી પહેરને?? ચાંદલો ને બંગડી પહરે તો તું અમીની મમ્મી કરતા સરસ લાગશે.. મમ્મા ..બોલને..કરશે ને તુ..બોલને મમ્મા.."
મીનાની આંખમાંથી આંસુ રેલાય રહ્યા. ત્યાં તો રાજના દાદા સ્ટેજ પર આવ્યા ને રાજના માથે હાથ મૂકીને કહ્યું, "હા બેટા, તારી મમ્મી એ બધું જ કરશે જે તને ગમે છે.."
જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે મીનાના હાથમાં લાલ સાડી,ચાંદલા ને બંગડી ના પેકેટ હતા.
બીજે દિવસ લાલ સાડી,ચાંદલો ને બંગડીમાં શોભતી મીના પૂજા ના ઓરડામાં ભગવાન અને સમીરના ફોટા સામે હાથ જોડીને ઊભી હતી..
રાજ તો મમ્મી ને ભેટી જ પડ્યો..
દૂરથી મીનાના સસરા એક મા રુપી બલિદાન મૂર્તિને વંદન કરી રહ્યા હતા.
મીના એ મનોમન કહ્યું, "આજે હું મારા દીકરા માટે સોહાગણ બની છું.
હે ઈશ્વર..
તારે જેટલી કસોટી મારી કરવી હોય એટલી કરી લેજે....!!"