અજયે પપ્પાને પત્ર લખ્યો
અજયે પપ્પાને પત્ર લખ્યો


અને અજયે પપ્પાને પત્ર લખ્યો..
પપ્પા..મમ્મી..
પ્રણામ..
જય શ્રી કૃષ્ણ
મારા વ્હાલા પપ્પા..
પંદર દિવસ પછી દિવાળી છે..અને મને ખબર છે કે તમે દિવાળી પહેલા નિવૃત્ત થવાના છો.તો આ દિવાળી એ હું મારા વ્હાલા પપ્પા પાસે આવીશ. ને દિવાળીના પાંચ દિવસ પહેલા તમે જે તૈયારી કરતા હતા... એ જ રીતે બધું કરીશ.
પહેલે દિવસે કપડાંની ખરીદી...હા..પપ્પા...મને, દીદી ને, મમ્મી ને બધા ને કપડા અપાવ્યા પછી...તમે કહેતા કે હું આગલે દિવસે લઈ આવીશ..પણ પપ્પા તમે હંમેશા નવા વરસે જૂના જ કપડા પહેરતા..
બીજે દિવસે ફટાકડા અપાવતા...ત્રીજે દિવસે મીઠાઈ અને નીત નવી વાનગીઓ બનાવવા માટેની ખરીદી..પછી મમ્મી ને ગમતી રંગોળી અને દીવડાની ખરીદી...મને યાદ છે પપ્પા...તમે ક્યારેય તમારા માટે કંઈ ખરીદ્યું નથી. હવે જોજો...હું પાંચ દિવસ પહેલા કેવી ખરીદી કરું છું.
ને જનકભાઈના હાથમાં દીકરાનો પ્રેમ નીતરતો પત્ર આવ્યો..ને આંખો આંસુઓથી ભીની થઈ ગઈ. એમણે રમાબેન ને કહ્યું..હું..ખૂબ નસીબદાર છું કે મને આવો દીકરો મળ્યો. અને ખરેખર દિવાળીના સાત દિવસ પહેલા દીકરો, વહુ અને નાનકડી પરી..આવી પહોંચ્યા.
અજયની બહેન પણ પતિ અને નાનકડા પપ્પુ ને લઈ ને આવી પહોંચ્યા. રમાબેન બહાર જ હતા. બંને છોકરાઓને પરિવાર સાથે આવેલા જોઈને એમને જનકભાઈને બૂમ પાડી. અરે સાંભળો છો....જુઓ કોણ આવ્યું છે? છોકરાઓ અંદર આવ્યા..ત્યારે પપ્પા... પૂજાની ઓરડીમાં બેસી ..અજયનો પત્ર વાંચતા હતા.
રમાબેને હસતા હસતા કહ્યું, બેટા.. તારા પપ્પા રોજ પૂજા પછી કરે છે..પહેલા તારો પ્રેમપત્ર વાંચે છે..અને બધા ખડખડાટ હસવા લાગ્યા. બાળકોના દાદા ..દાદાના અવાજથી જનકભાઈનું ધ્યાન ગયું...ને તેઓ ભગવાનને પગે લાગીને બોલ્યા, પ્રભુ માફ કરજો..તમે ભક્તના પ્રેમના ભૂખ્યા છો..અને હું મારા બાળકોના પ્રેમનો ભૂખ્યો છું. બોલીને પૂજાની રૂમમાંથી બહાર આવ્યા અને બંને બાળકો પપ્પાને પગે લાગવા જાય છે ત્યાં તો જનકભાઈ એ બંને ને હૈયાસરસા ચાપી દીધા. ત્યાં તો વહુ બોલી..પપ્પા..તમારા દીકરા એ તો મને કોઈ દિવસ પ્રેમપત્ર નથી લખ્યો.
ને હસતા હસતા સાસુ સાથે રસોડા તરફ જવા લાગી. ત્યાંતો જનકભાઈ બોલ્યા..વહુ બેટા, આ પત્ર તો મારા જીવન જીવવાની જીવાદોરી છે.
હું જીવીશ ત્યાં સુધી મારા દીકરાનો પ્રેમ આ એક કાગળની ચબરખીમાંથી નીતરતો રહેશે.