સ્વાતંત્ર્યની અસ્પૃશ્યતા
સ્વાતંત્ર્યની અસ્પૃશ્યતા


૧૫મી ઓગસ્ટ નિમિત્તે ગામના ચોરા પર લોકો ભેગા થયા હતા, તેમાં પહેલી હરોળમાં ઉચ્ચ વર્ગ હિન્દુ, બીજો વર્ગ મુસલમાન અને છેલ્લે નીચલા વર્ગના હરિજન અને ભંગી જેવા અસ્પૃશ્ય લોકો માટે બેસવાની વ્યવસ્થા હતી. ગામના સરપંચે શહેરમાંથી આદિજાતિના વિકાસ મંત્રી શ્રી ગણપતભાઈ ને ધ્વજવંદન માટે બોલાવ્યા હતા. તેમનું વક્તવ્ય ધ્વજવંદન પછી શરૂ થયું. ભાઈઓ અને બહેનો આ ગામ સંપ અને એકતા માટે જાણીતું છે સરપંચ દ્વારા મને જણાવવામાં આવ્યું છે અહીં કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી, સૌ સમાન છે. બધા ધર્મ ના લોકો સંપ અને એકતાથી રહે છે. મંત્રી આટલું બોલ્યા, ત્યાં તો પાછળ બેઠેલા હરિજનોમાંથી રઘુ ઊભો થયો અને બોલ્યો, સાહેબ મારા એક પ્રશ્નનો જવાબ આપો, અને ગણગણાટ શરૂ થયો. સરપંચે આંખના ઈશારાથી રઘુ ને બેસી જવા કહ્યું, પણ રઘુ ના માન્યો તે બોલ્યો, કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી તો અમને મંદિરમાં પ્રવેશવાની મનાઈ કેમ છે ? લોકો અમારા પડછાયાથી પણ દૂર ભાગે છે. પણ આજે એવું બન્યું કે મંદિરના પરસાળમાં એક મરેલું બિલાડું પડેલું હતું, તો મને મંદિરના પૂજારીએ બિલાડું ઉઠાવવા માટે બોલાવ્યો. મંદિરના પ્રથમ પગથિયે પગ મૂકતાં એક ગભરાટ અને એક હરખની લાગણી સાથે થઈ આવી. ધીરે ધીરે ઉપર જઈ મરેલું બિલાડું કોથળામાં મૂકી ભગવાન તરફ પહેલીવાર મીટ માંડી ને ભગવાન ને પૂછ્યું, કે પ્રભુ, હું અસ્પૃશ્ય છું. તમે મારા પડછાયાથી અભડાઈ તો ગયા નથી ને? અને એવું લાગ્યું કે જાણે મૂર્તિ હસી રહી છે. એક ફૂલ ભગવાનના માથેથી નીચે ખર્યું. સાહેબ હું તમને પૂછું છું કે મહાત્મા ગાંધીજીએ અમને "હરિના જન" કહ્યા છે તો પછી અમે અસ્પૃશ્ય કેમ છીએ ? "હરિજનો" ને "હરિ" થી દૂર કેમ રખાય છે? ભારત દેશના સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ આ અસ્પૃશ્યતા દૂર થશે ખરી ?
જો આવું બનશે તો સાચે જ દેશ સ્વતંત્ર થયો કહેવાશે.