મજા કે સજા?
મજા કે સજા?


રાતે અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતનું એ પરિવાર આખી રાત ચિંતામાં જાગતું રહ્યું હતું. બહાર વરસી રહેલા મુશળધાર વરસાદને જોઇને ઘરની અંદર બેઠેલા એ પરિવારજનોની આંખમાંથી પણ અવરિત અશ્રુઓ વરસી રહ્યા હતા. સવારે વરસાદ ખુલતાની સાથે જ ખેડૂતના નાના પુત્ર રાજુએ મુઠ્ઠીઓ વાળીને ખેતર તરફ દોટ લગાવી. તેની માતા “બેટા રાજુ... સાંભળ તો...” એમ સાદ પાડતા તેની પાછળ પાછળ ઠેઠ ખેતર સુધી જઈ પહોંચી.
બંનેએ ખેતર તરફ જોયું તો તેમના પગ નીચેની ધરતી સરકી ગઈ. રાતે ઓચિંતા પડેલા વરસાદને કારણે તેમના ખેતરનો ઉભો પાક બગડી ગયો હતો. જાણે કોઈ સુંદર મજાના ચિત્ર પર અચાનક પાણી પડી જતા એ બગડી ગયું ન હોય, તેવી હાલત તેમના લીલાછમ ખેતરની થયેલી દેખાતી હતી. જે ખેતરને જોઇને કાલ સુધી તેમનું હૈયું હરખાતું હતું આજે તે જ ખેતર તરફ જોઇને તેમના હૈયામાં પીડા થઇ રહી હતી. રાજુએ રડતા રડતા તેની માતાને પૂછ્યું, “માઁ, જો આવો જ વરસાદ પડતો રહેશે તો આપણું શું થશે?”
રાજુએ પૂછેલા વેધક સવાલથી તેની માતાની આત્મા તડપી ઉઠી.
*****
દૂર એક શહેરના આલીશાન બંગલામાં વિડીયો ગેમ રમી રહેલા બાળકે આનંદથી તેની માતાને કહ્યું, “મોમ... આજે હેવી રેઇનને કારણે બધી સ્કૂલોમાં રજા છે... જો આવો જ વરસાદ પડતો રહેશે તો કેવી મજા આવશે નહીં?”
લાચાર બેબસ ખેડૂતોના અશ્રુઓને ભૂલીને જાણે એ શ્રીમંતના દીકરાને રાજી કરવા પુરજોશમાં ફરી વરસી પડ્યો એ વરસાદ...
(સમાપ્ત)