Leena Vachhrajani

Romance

3  

Leena Vachhrajani

Romance

“મિશન સક્સેસફુલ”

“મિશન સક્સેસફુલ”

2 mins
503


છેલ્લા ચાર દિવસથી એકજ નામ યાદ આવતું હતું.“થુંક્કુંનામ કુરવી ..”

કોલેજના છેલ્લા વર્ષમાં ભણવામાં આવેલું આ નામ છ વર્ષ બાદ સતત મનોભૂમિ પર દસ્તક દઈ રહ્યું હતું. પ્રેમની ઉદાત્ત પરિસ્થિતિના વિષયની ચર્ચામાં એક ઉદાહરણ તરીકે કવિ કાલીદાસની વાત અને બીજા નામમાં થુંક્કુંનામ કુરવી પક્ષીની વાત ત્યારેજ મનમાં નક્કર અડિંગો જમાવીને બેસી ગઈ હતી.

થુંક્કુંનામ કુરવી એ પક્ષીની એવી જાત છે કે જેમાં આ પક્ષી દંપતિમાંથી જો કોઈ એકનું મૃત્યુ થાય તો આપોઆપ બીજું પક્ષી પ્રાણ ત્યાગી દે છે. એકબીજા માટે અને એકબીજા સાથે જીવવા-મરવાની આ ઉત્તમોત્તમ પરિભાષાની વાત છ વર્ષ પછી  છેલ્લા ચાર દિવસથી ફરી ફરી યાદ આવી રહી હતી.

ગ્રેજ્યુએશન પછી પપ્પા-મમ્મીએ પસંદ કરેલા મેજર રનબીર સાથે મારાં લગ્ન થયાં. મિલટ્રીમેનની જિંદગી તલવારની ધાર પરજ ચાલતી હોય એ મને પહેલાજ વર્ષે સમજાઈ ગયું હતું. ગમે ત્યારે મિશનની જાહેરાત થાય અને રનબીર પાંચમી મિનિટે ઘરની બહાર નીકળી ગયા હોય.  મને શિસ્તબધ્ધ જિંદગી ગમતી પણ સતત ભય પણ રહેતો.

રનબીરને મેં એક વાર વાતવાતમાં આ પક્ષીની વાત જણાવીને કહ્યું પણ હતું કે, “મેજર તું મારા માટે પણ જીવતો રહેજે હોં !”

મેજરની જડ લશ્કરી બુધ્ધિમાં બહુ આ વાત બેઠી નહોતી પણ સાંભળવાની મજા આવી હતી. એણે હળવાશમાં એમ પણ કહ્યું કે, “અરે! આટલું અઘરું નામ મને નહીં આવડે. મારે તો તું મારી સારસી.. બસ ?”

બસ, છેલ્લા ચાર દિવસથી રનબીરનો કોઈ પત્તો નહોતો. શહેરમાં આતંકવાદી ઘૂસી ગયાની ખબર આવી અને રનબીરનું યુનિટ મિશન પર એલર્ટ થઈ ગયું. જતી વખતે માત્ર માથે હાથ મુકીને “લવ યુ” કહીને વિદાય થયેલા રનબીરના એ “લવ યુ” શબ્દો કાનમાં ગુંજતા રહ્યા અને સારસ બેલડી જેવાં અમે કેમ જીવશું એ સવાલ પૂછતા રહેતા.

ધીરે ધીરે મારું મગજ સુન્ન થતું ગયું. 

પણ... કાનમાં ઊંડે ઊંડે એક અવાજ સંભળાયો. “પૂજા એ પૂજા, જાત સાથે આવી લડાઈ કાંઈ હોય ?”

અને મારો આંખ ખોલવાનો પ્રયાસ સફળ નિવડ્યો.  રનબીર માથે હાથ મુકીને બોલી રહ્યો હતો,

“પૂજા આમ હોય ! હું સહીસલામત છું પણ તેં તારી જાતને આ શું કરી નાખ્યું ? પાંચ દિવસથી આમ શૂન્ય થઈ ગઈ છો તે જીવ કેટલો ઊંચો કરાવી દીધો ?”

માંડ માંડ મારા ગળામાંથી શબ્દો નીકળ્યા.. “થુંક્કુંનામ કુરવી...”

રનબીર છલકાઈ ગયો, “અરે મારી સારસી, હું જઇશ તો તને લઇને જ જઇશ. ચાલ હવે ઘેર જઇએ.”


Rate this content
Log in

Similar gujarati story from Romance