મી ટુ અને દીવાનજી સાહેબ
મી ટુ અને દીવાનજી સાહેબ


ઓફિસમાં એ દિવસે ખળભળાટ મચી ગયો હતો. બધાના મોઢે એક જ ચર્ચા ચાલી રહી હતી, જે એ દિવસના દરેક ન્યૂઝપેપરમાં છપાઈ હતી. સ્ટાફ પાસે અલગ અલગ મંતવ્યો હતા, દરેક પાસે કંઈને કંઈ મુદ્દો તો આ વિષયને લગતો હતો જ, આશરે અમે સિત્તેર થી એંશી જણ એ ફ્લોર પર રોજ બેસતા હોઈશું. પણ એ દિવસે સહુ કોઈ ઉભા ઉભા અલગ અલગ ટોળે વળીને આ ચર્ચામાં જ મસ્ત હતા. એટલામાં બધું શાંત થવા લાગ્યું, રોજની માફક રોઝી એના બોલ્ડ અંદાજમાં ઓફિસમાં પ્રવેશી. પણ બોસની પર્સનલ સેક્રેટરી કાલિન્દીએ "બોસ કેબીનમાં નથી." એવું કહીને એને અટકાવી. રોઝી એ જ મસ્ત અદામાં પોતાની જગ્યા પર એટલે કે રીસેપ્શન પર જઈને બેસી ગઈ.
બરાબર આગલી સાંજે, રોઝીએ બે ચાર પ્રેસ રિપોર્ટર્સને બોલાવીને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, આ બે ચાર પણ એટલે ભેગા થયા કારણકે રોઝી જેની વાત કહેવા જઈ રહી હતી એનું નામ હતું વિજય દીવાનજી. એટલે કે આમારા બોસ. હેશ ટેગ મી ટુની બહેતી ગંગામાં રોઝીએ દીવાનજી સાહેબ પર શારીરિક સંબંધોની માંગણી અને લાગણીઓના નામ પર વ્યક્તિગત ઉપયોગનો આરોપ લગાવ્યો હતો. અમને બધાને એમ હતું કે રોઝી બીજા દિવસે ઓફીસ આવશે જ નહીં, ક્યાંતો દીવાનજી સાહેબ નહીં આવે. સાહેબ તો સવારથી જ આવી ગયા હતા અને રોઝીને અમે બધાએ જોઈ. અમારી વાતો અને ઓફીસના વાતાવરણમાં આ વાતને લઈને જેટલો ગરમાટો હતો એટલો ગરમાટો બંનેમાંથી એકમાં પણ દેખાયો નહીં. દીવાનજી સાહેબ અચાનક બહાર આવ્યા, રોઝી પાસે ગયા અને બોલ્યા ગુડમોર્નિંગ, રોઝી એ સખત એક નજર દીવાનજી તરફ ફેરાવી અને ગુસ્સામાં લાલ-પીળી થઇ ગઈ. દીવાનજી કઈ પણ બળ્યા વગર ચાલ્યા ગયા. અમને એમ હતું કે આજે સાંજ સુધીમાં રોઝીનું રાજીનામું માંગી લેવાશે ક્યાંતો એને કાઢી મુકવામાં આવશે. સાંજ પણ પડી ગઈ અને કઈ જ થયું નહીં. અમારા ક્લાઈન્ટ, અમારા સપ્લાયર અને નેબર ઓફીસ સ્ટાફ બધે જ રોઝીના આ ઇન્ટરવ્યુએ ધમાલ મચાવી હતી.
બે-ચાર દિવસ વાતાવરણ તંગ જ રહ્યું અને ગરમ પણ, પણ પછી આખી વાત વિસરાવવા લાગી. રોઝીનો એટીટ્યુટ દિવસે દિવસે વધુને વધુ ખરાબ થઇ રહ્યો હતો અને દીવાનજી પહેલાની માફક જ સબ સલામત છે ના મૂડમાં ફરી રહ્યાં હતા. રોઝીનો ગુસ્સો એક દિવસ ફાટ્યો. એણે ઓફિસમાં ધમાલ શરુ કરી, દીવાનજી સાહેબ એમની કેબિનમાંથી બહાર આવ્યા અને એટલું જ બોલ્યા,
"તકલીફ શું છે?"
રોઝીએ એના પર દીવાનજી સાહેબ દ્વારા થયેલા અત્યાચારનું રટન ફરી શરુ કર્યું. બધા જોતા જ રહ્યાં. દીવાનજી થોડા સમય પછી બોલ્યા,
"આ બધું જ મેં તારા ઇન્ટરવ્યુમાં સાંભળ્યું છે, પણ અત્યારે કેમ ઓફીસ માથા પર લીધી છે?"
અમારા સહુ માટે દીવાનજી સાહેબનો આટલો નિરાંતભાવ આશ્ચર્ય પમાડે એવો હતો. રોઝી વધુ ગરમ થઇ રહી હતી અને બોલી,
"તમે જે અન્યાય કર્યો છે એ મે બધાને જ કહ્યો છે, હવે.."
"તો ફરિયાદ કર, બાકી તું એમ માનતી હોય કે તારા આ તમાશાથી હું ડરી જઈશ તો તું ભૂલી જા. મને બદનામ કરવા માટે પણ પોતાનું નામ હોવું જોઈએ રોઝી. પોલીસનો નંબર હું આપું? મહિલા યોગનો નંબર આપું કે માનવ અધિકાર પંચનો નંબર આપું?"
"બહુ મોંઘુ પડશે..દીવાનજી સાહેબ.."
"જોઈ લઈશું, આ ઓફીસ છે, શાંતિથી બેસી જા. કામ કરવું હોય તો કર નહીં તો મગજ ઠેકાણે આવે ત્યારે આવજે."
દીવાનજી સાહેબનો આ એટીટ્યુટ અજીબ હતો. રોઝી બીજા દિવસે ફરી ઓફીસ આવી અને ધમાલ કરવા લાગી, મીસીસ દીવાનજી મેડમ, બહાર આવ્યા અને રોઝીને બે ઝાપટ મારીને કહ્યું,
"રોઝી ઈનફ, ક્યાંતો તારા આરોપો સાબિત કર ક્યાંતો હવે જો મારા પતિને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે તો બદનક્ષીનો દાવો હું મૂકી દઈશ તારા પર. તું જે કરી રહી છે એ માટે એક સ્ત્રી તરીકે તને શરમ આવવી જોઈએ. બહેતી ગંગામાં હાથ ન ધોવાય, મી ટુ એ સ્ત્રીની વેદનાને અવાજ આપનારું અભિયાન છે નહીં કે કમાવવાનું."
તે દિવસ પછી આ મી ટુ માટે તો મને પણ નફરત થઇ ગઈ, કારણ કે અડધા તો આરોપો જ ખોટા અને સાચા હોય તો પણ એ એવું જ સાબિત કરે છે કે સમાધાનકારી વલણ રાખી નૈતિકતા માળીએ કી ભૂતકાળમાં અને હવે વર્તમાનમાં ફરી નૈતિકતા માળીએ મૂકી ભવિષ્યનો સ્વાર્થ સાધી લેવાનો.