Abid Khanusia

Romance

3  

Abid Khanusia

Romance

મહેંકતી કળી

મહેંકતી કળી

15 mins
437


મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી અતુલભાઈએ પોતાના મોબાઇલની ફ્લાઇટ ટ્રેકર એપ્લીકેશનમાં મહેંકની ફ્લાઇટનો નંબર નાખી સર્ચ કર્યું. રોયલ ડચ એરલાઇન્સની ફ્લાઇટને એરપોર્ટ પર પહોંચવાને હજુ ઘણીવાર હતી. કદાચ... પોતાની વહાલી દીકરી મહેંક બે વર્ષ પછી કેનેડાથી ફક્ત એક મહિના માટે પરત આવી રહી હતી એટલે હર્ષાવેશમાં તે થોડા વહેલા એરપોર્ટ પહોંચી ગયા હતા. મહેંકે ટોરંટો યુનિવર્સિટીમાંથી હ્યુમન સાયંસિસમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બે મહિના પછી તેને ડિગ્રી એનાયત થવાની હતી. તેણે કેનેડામાં વર્કિંગ વિઝા મેળવવાની સાથોસાથ ઓંટેરીયો સ્થિત કેનેડીયન રિસર્ચ સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની નોકરી માટે અરજી કરી હતી જેની મંજૂરીની રાહ જોવાતી હતી. તેની પાસે હાલ ફાજલ સમય હોવાથી તેના ડેડીને મળવા અને તેમને કોન્વોકેશનમાં હાજર રાખવા તેની સાથે કેનેડા લઈ જવા માટે તે ભારત આવી રહી હતી. 

અતુલભાઈએ વેઇટિંગ લોંજની એક ખુરશી પર બેઠક જમાવી. તેમણે વિચાર્યું.... સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. નાની ઢીંગલી જેવડી મહેંક એક યુવતી બની ગઈ છે. મહેંકના ઉછેર માટે અતુલભાઈને ખૂબ મોટો ભોગ આપવો પડ્યો હતો.જે તેમણે હસતાં- હસતાં આપ્યો હતો. બે વર્ષ પહેલાં તે મહેંકને કેનેડા ભણવા માટે મોકલવા તૈયાર ન હતા પરંતુ તેણે ખૂબ જીદ કરી એટલે તેમના કાળજાના કટકાને 'કમને' કેનેડા જવાની હા પાડી હતી. આજે તે તેનો અભ્યાસ પૂરો કરી હેમખેમ પરત આવી રહી હતી તેની તેમને ખુશી હતી.  

મહેંકે કેનેડા જતાં પહેલાં અતુલભાઈને કેટકેટલી સલાહો આપી હતી. કેટલીય ભલામણો કરી હતી. દાદીની જેમ “કોઈ સારું પાત્ર જોઈ ફરીથી લગ્ન કરી લેવા” માટે પણ તેણે સૂચન કર્યું હતું... પાગલ છોકરી ...! તે ઉપરાંત બંગલાના વ્યોવૃધ્ધ નોકર રામુકાકાને પોતાના ડેડીને સાચવવા ભારપૂર્વક જણાવ્યું હતું, તેના પાલતુ કુતરા ટોમીને પણ તેમની દેખરેખ રાખવા માટે ભલામણ કરતી ગઈ હતી. 

અતુલભાઈને લાગ્યું કે છેલ્લા સત્તાવીસ વર્ષમાં તેમના જીવનમાં કેટલાંય વમળો ઉઠ્યા હતા અને શમ્યાં હતા. તેમનું જીવન એક એવી ભૂલભુલામણીમાં સપડાયું હતું. જેમાંથી બહાર નીકળવાનો માર્ગ હજુ સુધી તેમને જડ્યો ન હતો. જૂના પ્રસંગો ચલચિત્રની જેમ તેમની સામે જીવંત થવા લાગ્યા હતા.  

***

અંધેરી મુંબઈ સ્થિત ભવન્સ કોલેજમાં અતુલનો પ્રથમ દિવસ હતો. ઉંચા ઉંચા પામ વૃક્ષોથી ઘેરાયેલા કેમ્પસમાં વરસોવા બીચ તરફથી આવતા ભેજવાળા પવનો શરીર પર ચીકાશનો અનુભવ કરાવતા હતા. કોલેજની ભવ્યતાને નિહાળતો અતુલ બેફિકરાઈથી કોલેજના આર્ટ્સ વિભાગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે બેહદ ખૂબસૂરત યુવતી સાથે તેની નજરો એક થઈ હતી. તે યુવતી બે ક્ષણ અતુલને તાકી રહી હસીને શરમથી પોતાની નજર નીચી ઢાળી દીધી હતી. અતુલના હદયની ધડકનો તેજ થઈ ગઈ હતી. તેણે તેની આજુબાજુ નજર નાખી. કોઇની પણ નજર તેમની તરફ ન હતી. તે હિંમત કરી ચાર ડગલાં આગળ વધ્યો.

તે ખૂબસૂરત યુવતી પાસે આવીને બોલ્યો :“ હાય ! આઈ એમ અતુલ.... અતુલ અદાણી “ નીચી નજરે પોતાના પગના અંગૂઠાથી જમીન ખોતરી રહેલી યુવતીએ પોતાની નજર ઉંચી કરી દબાતા અવાજે કહ્યું “ હું, કિંજલ ...કિંજલ અંતાણી.“ અતુલ આગળ કોઈ વાર્તાલાપ કરે તે પહેલાં કિંજલ મધુર મુસકન ફેંકીને ઉતાવળી ચાલે તેના વર્ગ તરફ ચાલી ગઈ હતી. કોલેજ તરફ જતી કિંજલની મદમસ્ત ચાલને અતુલ તાકીને જોઈ રહ્યો. કોલેજનો પ્રથમ દિવસ હતો. હજુ કોઈ મિત્રો ન હતા. તે ખુશ થઈ ઉત્સાહ પૂર્વક તેના વર્ગ તરફ ચાલ્યો. 

પ્રથમ દિવસનું શિક્ષણકાર્ય પૂરું થયું. પોતાના ટુ-વ્હીલર પર ઘર તરફ રવાના થયેલ અતુલના મનનો કબજો કિંજલે લઈ લીધો હતો. આખી રાત કિંજલ તેના સપનાઓમાં આવી તેને પજવતી રહી હતી. બીજા દિવસે ખૂબ સારી રીતે તૈયાર થઈ બ્લ્યુ જીન્સ અને મરૂન ટીશર્ટ પરિધાન કરી તેના પર મોંઘા સેન્ટનો સ્પ્રે કરી અતુલે તેનું ટુ-વ્હીલર કોલેજ તરફ દોડાવી મૂક્યું. ગઈ કાલે જે જગ્યા પર કિંજલ સાથે મુલાકાત થઈ હતી ત્યાં આવી અતુલ કિંજલની રાહ જોતો ઊભો રહ્યો. પિરિયડ શરૂ થવાનો સમય થઈ ગયો તેમ છતાં કિંજલના દર્શન ન થયા એટલે અતુલ આજુબાજુ નજર કરતો- કરતો પોતાના વર્ગખંડ તરફ રવાના થયો. કોલેજ છૂટ્યા પછી તે કેમ્પસના દરવાજા પાસે કિંજલની રાહ જોતો ઊભો રહ્યો પરંતુ કિંજલ ન દેખાઈ. તે નિરાશ થઈ ઘરે આવ્યો. બીજા દિવસે પણ કિંજલના દિદાર ન થયા એટલે તે વિહવળ થઈ ગયો. 

બે દિવસ પછી પ્રથમ વર્ષ બી.એ. ના વિદ્યાર્થીઓના વર્ગોની ફાળવણી થતાં અતુલના ફાળે 'બી ડિવિઝન' આવ્યું હતું. તે જ્યારે 'બી ડિવિઝન' ના વર્ગખંડમાં દાખલ થયો ત્યારે પિરિયડ શરૂ થઈ ગયો હતો. તે પ્રોફેસરની પરવાનગી મેળવી ચૂપચાપ વર્ગમાં દાખલ થઈ પ્રથમ બેન્ચ પરની ખાલી જગ્યામાં બેસી ગયો. બે પિરિયડ પછી રિસેસ પડી. આખો વર્ગ ખાલી થઈ ગયા પછી તે વર્ગની બહાર જવા ઊભો થયો. તે માંડ ચાર ડગલાં ચાલ્યો હશે ત્યાં જ તેના કાને સુરીલો અવાજ પડ્યો :“ મી. અદાણી! કેમ છો ?” તેણે પાછળ નજર કરી. તેની પાછળ હાસ્ય વેરતી કિંજલ ઊભી હતી. તેની બાજુમાં તેની એક બહેનપણી પણ ઊભી હતી. તેણે ઉત્સાહ પૂર્વક કહ્યું: “ વાઉ!!!.... મિસ. કિંજલ અંતાણી... !આઈ એમ ફાઇન, થેન્ક યુ." 

વિના કારણે ખડખડાટ હસી પડતાં કિંજલ બોલી: “ નો, મિસ કિંજલ અંતાણી, ઓન્લી કિંજલ, ઓકે ...” 

હાસ્ય વેરતો અતુલ બોલ્યો :“ ઓકે, ઓન્લી કિંજલ અને તમારે પણ મને ફક્ત અતુલ જ કહેવાનું. નો ફોર્માલિટી.. ઓકે..!! “ કિંજલે આંખના ઇશારાથી સંમતિ આપી. કિંજલની બહેનપણી બહાર ચાલી ગઈ. રિસેસ પૂરી થઈ ત્યાં સુધી કિંજલ અને અતુલ ટૂંકા વાક્યોની આપ-લે કરી એકબીજાનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરતાં રહ્યા. 

 થોડા દિવસોમાં કિંજલ અને અતુલ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. કોલેજના ત્રણ વર્ષ દરમ્યાન બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. તેમને બંનેને એક બીજા વિના ચેન પડતું ન હતું. રજાના દિવસે “એકસ્ટ્રા ક્લાસ” ના બહાને બંને વિવિધ જગ્યાએ મળતા અને ઘૂંટુર ઘૂં.. ઘૂંટુર ઘૂં.. કર્યા કરતાં હતા. અભ્યાસ પૂરો કરી અતુલ તેના પિતાજી સાથે ધંધામાં જોડાઈ ગયો હતો. કિંજલ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા તેના પિતાના મિત્રની ઓફિસમાં નોકરીએ લાગી ગઈ હતી.

કિંજલ ખૂબ મહત્વાકાંક્ષી યુવતી હતી. પોતાની નિષ્ઠા અને કાબેલિયતથી કિંજલે ઓફિસમાં પોતાનું વર્ચસ્વ પુરવાર જમાવી દીધું હતું. એક વર્ષના ટૂંકાગાળામાં તે એક્ઝિક્યુટિવના મોભાદાર પદ પર પહોંચી ગઈ હતી. તેને કંપની ખૂબ આકર્ષક પગાર આપતી હતી.  

વેલેન્ટાઇન ડે ના દિવસે અતુલ અને કિંજલે શહેરની એક મોંઘી હોટલમાં ડિનર માટે ટેબલ રિઝર્વ કરાવ્યું હતું. રાત્રે નવ વાગ્યે બંને હોટલમાં આવી પહોંચ્યા ત્યારે આખી હોટલ યુવક-યુવતીઓથી ભરાઈ ગઈ હતી. હોટલમાં ખૂબ ઝાંખી રોશની હતી. ઓર્કેષ્ટ્રા દ્વારા ધીમું પણ ખૂબ મધુર સંગીત પીરસાઈ રહ્યું હતું. કિંજલ અને અતુલ મદ્હોશ કરતા હિન્દી ફીલ્મોના સંગીતને માણી રહ્યા હતા. પગરવનો પણ અવાજ ન થાય તેનો ખ્યાલ રાખીને વેઇટર્સ યુવાન ગ્રાહકોને વાનગીઓ પીરસતા હતા. ટેબલ નીચે કિંજલ અને અતુલના પગ એકબીજાને સ્પર્શ કરતા હતા. અતુલે હળવેથી પોતાનો હાથ કિંજલના લિસ્સા સાથળ પર મૂક્યો. કિંજલે પોતાની મદહોશ આંખો અતુલની આંખોમાં પરોવી દીધી. તેણે અતુલનો હાથ પોતાના હાથમાં લઈ એક હળવું ચુંબન કર્યું. અતુલ પ્રોત્સાહિત થઈ પોતાની બેઠક પરથી ઊભો થયો. પોતાનો એક પગ વાળી કિંજલને ઉદ્દેશીને બોલ્યો :“ કિંજલ ! વિલ યુ બી માય વેલેન્ટાઇન ?” કિંજલે આંખના ઇશારે સંમતિ આપી. પોતાને પ્રોપોઝ કરવા ઘૂંટણ પર બેઠેલા અતુલના માથાના વાળ પોતાના હાથથી વિખેરીને અનુકૂળ પ્રતિઘોષ પાડતાં અતુલે હીરાજડીત સોનાની વીંટી કિંજલની રિંગ ફિંગરમાં પહેરાવી કિંજલને પોતાની વાગ્દત્તા તરીકે સ્વીકારી લીધી.

 એક વર્ષ પછી કિંજલ અને અતુલ વડીલોની સંમતિથી લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા. કિંજલે લગ્ન પછી પણ તેની નોકરી ચાલુ રાખી હતી. પાંચ વર્ષના સુખી દાંપત્ય જીવનના પરિપાક રૂપે તેઓ એક પુત્ર અને એક પુત્રીના માબાપ બની ગયા હતા. બંનેનું લગ્ન જીવન ખૂબ સુખી હતું. એકાએક કોણ જાણે... કોઈની તેમના સુખી લગ્નજીવનને કોઇની નજર લાગી હોય તેમ, લગ્નજીવનના આઠ વર્ષ પછી, તેમના જીવનમાં નાના-નાના ઝઘડા થવા લાગ્યા હતા. કિંજલ ખૂબ મહત્વાકાંક્ષી થઈ ગઈ હતી. તે બાળકોના ઉછેર પર ધ્યાન આપવાના બદલે પોતાની કેરીયર પર વધારે ધ્યાન આપતી હતી. અતુલ કિંજલને નોકરી છોડી દેવા દબાણ કરતો હતો. કિંજલ તે બાબત સાથે સંમત થતી ન હતી. કિંજલ અતુલને કહેતી હતી કે બાળકોના ઉછેરની જવાબદારી તેની એકલીની નથી. અતુલે પણ બાળકોના ઉછેર માટે તેટલો જ ભોગ આપવો જોઈશે. કેરીયર બાબતે કિંજલ વધારે સંવેદનશીલ હોવાથી તે ઓફિસને વધારે સમય આપતી હતી જે બાબત અતુલને ગમતી ન હતી. તે અવારનવાર કિંજલને તે બાબતે કડવા વેણ કહેતો જેથી કિંજલ ઉશ્કેરાઈ જતી હતી.

અતુલ તેની દીકરી મહેંકને ખૂબ પ્રેમ કરતો હતો. એક દિવસે ત્રણ વર્ષની મહેંકને ખૂબ તાવ ચઢ્યો હતો. તે મમ્મી..મમ્મી.. કહી કિંજલને બોલાવી રહી હતી. અતુલે ફોન કરીને કિંજલને મહેંકની બીમારી વિષે જણાવ્યું. જલ્દી ઘરે આવી જવા વિનંતી કરી પરંતુ તે દિવસે એક ફોરેન ડેલિગેશન સાથે કિંજલને ખૂબ મહત્વની મિટિંગ હોવાથી ઓફીસમાંથી વહેલા નીકળી શકાય તેમ ન હતું. 

મહેંકની માંદગીના સમાચાર જાણી અતુલના મિત્રો સજોડે તેના ઘરે આવી ગયા હતા. અતુલે તેના ફેમિલી ડૉકટરને ફોન કરી ઘરે વિઝિટ માટે બોલાવ્યા હતા. મહેંકને 103 તાવ હતો. મહેંક “મમ્મી..મમ્મી” ના નામની લવારી કરતી હતી. અતુલે કિંજલને જલ્દી ઘરે આવી જવા ફોન જોડ્યો પરંતુ મિટિંગમાં વ્યસ્ત હોવાથી તેણે અતુલનો ફોન રિસીવ ન કર્યો જેથી અતુલને ખૂબ ગુસ્સો ચઢ્યો હતો. અડધી રાત્રે કિંજલ ઘરે પહોંચી ત્યારે અતુલના મિત્રોથી ઘર ભરાયેલું હતું. મહેંક તાવમાં ખૂબ કણસતી હતી. અતુલ તેના મિત્રોની હાજરીમાં કિંજલ પર વરસી પડ્યો. કિંજલને તે વાત પસંદ ન પડી. તેનું અહમ્ ઘવાયું. તેણે અતુલ સાથે ખૂબ મોટો ઝઘડો કર્યો અને ઘરની બહાર નીકળી ગઈ. તે આખી રાત કિંજલ ઘરે પરત ન ફરી. અતુલ આખી રાત અનિમેષ નયને મહેંકના માથા પર કોલન વોટરના પોતાં મૂકતો બેસી રહ્યો. 

બે દિવસ સુધી કિંજલ ઘરે ન આવી. ત્રીજા દિવસે સાંજે તે ઘરે આવી. તેના હાથમાં ડીવોર્સ પેપર્સ હતા. તેણે તે કાગળો અતુલ સામે ધરી તેમાં સહી કરી આપવા કહ્યું. અતુલ ડઘાઈ ગયો. તેને નવાઈ લાગી કે કિંજલ એક સ્ત્રી હોવા છતાં પોતાની બિમાર દીકરીના ખબર-અંતર પૂછવાના બદલે કેમ આમ બાલિશતાપૂર્વક વર્તી રહી હતી. ત્રણ વર્ષની મહેંક પોતાની મમ્મી તરફ તાકી રહી હતી. તેમનો પાંચ વર્ષનો પુત્ર યજ્ઞેશ સ્કૂલે ગયેલો હતો. અતુલ અને કિંજલ વચ્ચે ખૂબ ઝઘડો થયો. મહેંક પોતાના મમ્મી પપ્પાને ઝઘડતાં જોઈ ડઘાઈ ગઈ હતી. અતુલે ડીવોર્સ પેપર પર સહી કરી આપવાની ધરાર ના પાડી દીધી. કિંજલ પગ પછાડી ઘરની બહાર નીકળી ગઈ. અતુલના મિત્રોએ બંને વચ્ચે સમાધાન કરાવવા ખૂબ પ્રયાસો કર્યા પરંતુ કિંજલ એક જ રટણ લઈને બેઠી હતી કે અતુલે સૌની સામે તેનું અપમાન કર્યું છે એટલે તે તેને દિલથી માફ કરી શકશે નહીં.ભવિષ્યમાં ઝઘડા થતા રહેશે માટે બંનેએ છૂટા થઈ જવું હિતાવહ છે.  

ખૂબ સમજાવટ પછી પણ અતુલ કિંજલને છૂટાછેડા આપવા સંમત ન થયો પરંતુ કિંજલને પોતાનાથી અલગ રહેવાની સંમતિ આપી દીધી. કિંજલે મહેંકને તેને આપી દેવા આગ્રહ કર્યો. અતુલ મહેંકને ખૂબ ચાહતો હતો અને મહેંક વિના જીવી શકે તેમ ન હોવાથી તેણે મહેંકને કિંજલના હવાલે ન કરી. કિંજલ મહેંકના બદલે યજ્ઞેશને પોતાની સાથે લઈ ચાલી ગઈ.

જે દિવસે કિંજલ અલગ રહેવા ગઈ તે દિવસે તે એક સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ કરેલ લખાણ અતુલને આપી ગઈ હતી. તે લખાણ દ્વારા કિંજલે અતુલને બીજા લગ્ન કરવા હોય તો તે કરી શકશે.તે અંગે કિંજલ કોઈ વાંધો લેશે નહીં તેવી સંમતિ આપી હતી. કિંજલના આઘાતકારી પગલાંના કારણે અતુલભાઈને કિંજલ પ્રત્યે અભાવ જન્મ્યો હતો એટલે પોતાનાથી અલગ થયા પછી તે ક્યાં ગઈ તેની તેમણે કદી તપાસ કરી ન હતી. 

***

એરપોર્ટની પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર રોયલ ડચ એરલાઇન્સની ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થઈ હોવાનો સંદેશો સાંભળી અતુલભાઈ વર્તમાનમાં પાછા ફર્યા. તે જાણતા હતા કે કસ્ટમ અને ઇમિગ્રેશનની વિધિ પતાવી એરપોર્ટની બહાર આવવામાં મહેંકને થોડી વાર લાગશે તેમ છતાં તે ઊભા થઈ પેસેંજર્સના આવવાના રસ્તા પર મીટ માંડીને ઊભા રહયા. ખાસી વાર પછી મહેંકને આવતી જોઈ તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.

મહેંક: “ હાય ....માય લવિંગ ડેડ....હાવ આર યૂ ?” કહી અતુલભાઈના ગળે વળગી પડી. અતુલભાઈ રડતી આંખે મહેંકની પીઠ પર પોતાનો વ્હાલભર્યો હાથ ફેરવતા રહ્યા. 

ઘરે પહોંચ્યા ત્યારે સંધ્યા થવા આવી હતી. મહેંકને જોઈ તેનો કૂતરો ટોમી તેના પગ ચાટવા લાગ્યો. થોડી વાર પછી તેની સામે જોઈ ટોમી ઘુરક્યો. જાણે મહેંકને પૂછતો હતો :“ તું આટલો સમય ક્યાં હતી ?“ મહેંકે તેના માથે અને પીઠ પર હાથ ફેરવ્યો તેમ છતાં તેનો ઘુરકાટ બંધ ન થયો. તે મહેંકને કોઈ સંદેશો આપવા માગતો હોય તેમ તેના મોંઢા વડે મહેંકનું જીન્સ ખેંચી અતુલભાઈના રૂમ તરફ દોરી ગયો. મહેંક હસતાં હસતાં તેની સાથે અતુલભાઈના રૂમમાં ગઈ.  

અતુલભાઈના રૂમમાં બધું અસ્તવ્યસ્ત પડેલું હતું. મહેંકે અતુલભાઈનો રૂમ વ્યવસ્થિત કર્યો. પુસ્તકો સરખા ગોઠવતી વખતે તેની મમ્મીનું નોટરી સમક્ષ કરેલુ લખાણ તેના હાથમાં આવી ગયું હતું. તે લખાણની પાછળ કોરા ભાગમાં અતુલભાઈએ લખ્યું હતું “ કિંજલ, મેં તને મારા હૃદયના ઊંડાણથી ચાહી છે. મારા જીવનમાં તારું સ્થાન અન્ય કોઈ સ્ત્રી લઈ શકે તેમ નથી. મને આશા છે તને એક દિવસે તારી ભૂલ જરૂર સમજાશે. હું તારા પાછા ફરવાની રાહ જોઈશ. ..” પિતાનું લખાણ વાંચી મહેંક દ્રવી ઉઠી. તેને આજે તેની મમ્મી અને ભાઈની યાદ આવી ગઈ. તેની મમ્મી અને મોટો ભાઈ અત્યારે ક્યાં હશે અને કેવી હાલતમાં હશે તેનો વિચાર આવતાં તેની આંખો ઉભરાઇ ગઈ. 

અતુલભાઈનો રૂમ વ્યવસ્થિત કરી મહેંકે ટોમી તરફ નજર નાખી. ટોમી જાણે હજુ પણ કોઈ સંદેશો આપવા માંગતો હોય તેમ તેના આગલા બે પગ ઊંચા કરી મહેંક સામે બેસી તેનું માથું જમીન પર મૂકી દીધું. તેણે ટોમીની આંખો સાથે તેની આંખો મીલાવી. ટોમીની આંખોમાં આંસુ હતા. મહેંક ટોમીની વાત સમજી ગઈ. તે વિષાદભરી નજર ટોમી પર નાખી બેઠકખંડમાં આવી. ટોમી પણ તેની સાથે આવ્યો. અતુલભાઈ સોફા પર બેઠેલા હતા. મહેંક અતુલભાઈ પાસે બેસી તેમનો એક હાથ પોતાના હાથમાં લઈ બોલી :“ પાપા! ટોમીએ મને ફરિયાદ કરી કે તમે તમારા રૂમમાં પુરાઈ એકલાં એકલાં રડ્યા કર્યો છો ? સાચી વાત છે ?” અતુલભાઈએ :“ ટોમી જુઠ્ઠો છે !” કહી પોતાનું મોઢું ફેરવી લીધું. ટોમીએ અતુલભાઈની વાત સાંભળી તેમની સામે જોઈ એક ઘુરકિયું કર્યું. મહેંક હસી પડી.  

એક મહિના બાદ મહેંક અતુલભાઈને, તેના કોન્વોકેશનમાં હાજર રહેવા, તેની સાથે કેનેડા લઈ આવી ગઈ હતી. મહેંક અને બીજી ત્રણ છોકરીઓએ રહેવા માટે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો પરંતુ અતુલભાઈને અગવડતા ન પડે તે માટે તેણે ટોરેન્ટોમાં એક અલગ ફ્લેટ ભાડે રાખી લીધો હતો. હજુ કોન્વોકેશનને વાર હતી. મહેંક અને અતુલભાઈ નાયગ્રા ધોધની મુલાકાત લઈ આવ્યા હતા. મહેંકનો બોયફ્રેન્ડ હેમંત પણ તેમની સાથે આવ્યો હતો. 

એક દિવસે મહેંકે અતુલભાઈને કહ્યું:“ ડેડી! આ રવિવારે અહીંના ગુજરાતીઓએ “ રિવર રોક “ કેસીનો રિસોર્ટમાં એક ગેટ ટુ ગેધર રાખ્યું છે. આખું આયોજન વડીલોના હવાલે છે. હેમંત અને તેના મિત્રોના તેમને મદદ કરી રહ્યા છે. આપણે તેમાં સામેલ થવાનું છે.“ 

અતુલભાઈ :“ બેટા !તમારા જેવા જુવાનીયાઓ વચ્ચે મારા જેવા બુઢ્ઢાનું શું કામ. હું કબાબમાં હડ્ડી બનવા નથી માંગતો. યુ ગો એન્ડ એન્જોય “  

મહેંક :“ ઓહ ડેડ ..! બુઢ્ઢા હોગા આપકા બાપ... મેરા નહીં ..” કહી હસી પડી.“ ડેડી! અહીં રહેતા તમામ ગુજરાતીઓનો વર્ષમાં એકવાર નાનો મેળાવડો થાય છે. તેમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ જોડાય છે. બધા ખર્ચમાં સરખે ભાગે હિસ્સો આપે છે. તમને ત્યાં ઘણા ગુજ્જુઓની મુલાકાત થશે. કદાચ તમને ત્યાં કોઈ તમારો જૂનો મિત્ર કે પરિચિત પણ મળી જાય તો નવાઈ નહીં !.” પછી તે મજાકીય લહેજામાં આગળ બોલી “...... ..અને જો તમને કોઈ બુઢ્ઢી પસંદ આવી જાય તો તમે તેને પ્રપોઝ કરજો, હું તમને સપોર્ટ કરીશ “ કહી અતુલભાઈને બાઝી પડી. લાડથી તેમને હોટેલ આવવા રાજી કરી લીધા.

મહેંક અને તેના મિત્રો “ગેટ ટુ ગેધર” કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ વ્યસ્ત રહ્યા. કાર્યક્રમની સંધ્યાએ હેમંત પોતાની ગાડી લઈ મહેંક અને અતુલભાઈને લેવા આવી પહોંચ્યો. મહેંકે હેમંતને ઈશારો કરી પ્રોગ્રામની તૈયારી વિષે પૂછ્યું. હેમંતે 'થમ્સ અપ' નો ઈશારો કરી બધું બરાબર છે તેવું જણાવી દીધું. મહેંકના ચહેરા પર હાસ્ય ઊભરી આવ્યું.

હોટલ જતી વખતે મહેંકે અતુલભાઈને કહ્યું :“ ડેડી! દર વર્ષે “ગુજ્જુ ગેટ ટુ ગેધર” અનોખી રીતે ઉજવવામાં આવે છે. 

અતુલભાઈ: “ અનોખી રીતે એટલે..?”

મહેંક: “ એટલે કે ત્યાં સૌને એક આશ્ચર્યજનક ટાસ્ક આપવામાં આવે છે. હાજર રહેનાર દરેકે ટાસ્કમાં ભાગ લેવો ફરજિયાત હોય છે. જીતનારને ઈનામ આપવામાં આવે છે “

અતુલભાઈ: “ ‘પોકેમોન ગો’ મોબાઇલ ગેમ જેવા અઘરા ટાસ્ક તો નથી હોતા ને ?’ 

મહેંક હસીને બોલી: “ અરે ના ...બાબા.... એકદમ નિર્દોષ ટાસ્ક હોય છે. જેમકે સંગીત-ખુરશી, અંતાક્ષરી, આંધળો-પાટો, લીંબુ-ચમચી, કોથળા-દોડ, સંતાકૂકડી વિગેરે વિગેરે “  

અતુલભાઈ: “ આ વખતે ક્યો ટાસ્ક છે “

મહેંક: “ ટાસ્ક હંમેશાં ખાનગી રાખવામા આવેછે. આપણને રમત શરૂ થાય ત્યારે જ ખબર પડશે. આયોજકો છેક છેલ્લી ઘડી સુધી ગુપ્તતા જાળવે છે. “ 

અતુલભાઈ: “ જો અઘરો ટાસ્ક હશે તો હું તેમાં ભાગ નહીં લઉં. મને તેવું બધું નહીં ફાવે “

મહેંક :“ ડેડી, બધું ફાવી જશે જોજોને !. ખૂબ ફન થાય છે. “

ગાડી પાર્કિંગમાં આવી પહોંચી હતી. પાર્કિંગમાં કેટલાક ગુજ્જુ યુવાનો હાથમાં કાગળના માસ્ક લઈ ઊભા હતા. તેમના ચહેરા પર પણ માસ્ક પહેરેલા હતા. તેમણે મહેંક, હેમંત અને અતુલભાઇને એક-એક માસ્ક આપ્યો. માસ્ક પહેરીને જ બેંકવેટ હોલમાં જવાનું છે તેવી સૂચના આપી. સૌએ નિયમનું પાલન કરી પોતાના ચહેરા પર માસ્ક પહેરી લીધા. અતુલભાઈને થોડુંક અજુગતું લાગ્યું તેમ છતાં તેમણે સહકાર આપ્યો. 

 "રિવર રોક “ કેસીનો રિસોર્ટનો બેંકવેટ હૉલ ભરચક હતો. આખી હોટલ ગુજ્જુ માટે રીઝર્વડ હતી. આજના દિવસે ગુજ્જુ સિવાય અન્ય કોઈ ગ્રાહકને પ્રવેશની મનાઈ હતી. બધાના ચહેરા પર માસ્ક હતા. એકબીજાને ઓળખવાનું કામ થોડુંક અઘરું લાગતું હતું તેમ છતાં બધા ખૂબ ખુશ જણાતા હતા. અતુલભાઈ પણ આ ફનને, માસ્ક હેઠળના હસતા ચહેરે, માણી રહ્યા હતા. સૌ ટેબલ પર ગોઠવાઈ ગયા. 

પબ્લિક અડ્રેસ સિસ્ટમ પરથી એનાઉન્સમેંટ થયું. "આ વખતે આપણે થોડી ટફ ગેમ રમવાની છે. અહીં હાજર દરેકે આ ગેમમાં ભાગ લેવો ફરજિયાત છે. ગેમ સિમ્પલ છે છતાં ટફ છે....! આ ગેમમાં પુરુષો અને સ્ત્રીઓના બે ગ્રૃપ રહશે. દરેક મહિલાએ માસ્ક પહેરી રાખીને પુરુષો તરફ જવાનું છે. પોતાના સાચા જીવનસાથીને શોધી કાઢીને તેમની સાથે જોડી બનાવવાની રહેશે. પ્રથમ વ્હિસલ વાગશે એટલે ઝગમગતી લાઇટો બંધ થઈ જશે. પુરૂષોએ પોતાની હાલની જગ્યા બદલી લેવાની રહેશે. હૉલમાં ફક્ત ઝાંખું અજવાળું રહેશે. ઝાંખા અજવાળાના સહારે બે મિનિટમાં દરેક મહિલાએ પોતાનો સાચો જીવનસાથી શોધી તેનો હાથ પકડી લેવાનો રહેશે. બીજી વ્હિસલ વાગે ત્યારે જે માણસ જ્યાં હશે ત્યાં જ ઊભો રહેશે. લાઇટ ચાલુ થયા પછી દરેકે પોતાના માસ્ક ઉતારી લેવાના રહેશે. સાચા જીવનસાથીની જોડી બનાવનાર જોડીને વિજેતા જાહેર કરવામાં આવશે અને *લવિંગ કપલ* નો એવાર્ડ આપવામાં આવશે. આપણા ગૃપમાં ઘણા અપરિણીત પુરુષો પણ છે. તેઓ પણ પરિણીત યુગલને છકાવવા (જસ્ટ ફોર ફન) માટે મહિલાઓને પોતાને જોડીદાર તરીકે પસંદ કરી લેવા માટે હાવભાવથી આમંત્રણ આપી શકશે. અપરિણીત મહિલાઓ પણ પોતાની પરિણીત બહેનપણીઓને ભોંઠી પાડવા કોઈના પતિ સાથે જોડી બનાવી શકશે. અપરિણીત યુવક અને યુવતીઓ પોતાના બોય કે ગર્લ ફ્રેન્ડ સાથે જોડી બનાવી શકશે. ઓપોઝિટ ફ્રેંડની સાચી જોડી બનાવનાર યુવાનો પણ ઈનામને હકદાર રહેશે. આ ગેમનો હેતુ ફક્ત તે જોવાનો છે કે હૃદયના ઊંડાણથી પ્રેમ કરતા દંપતિઓ મહોરાથી ઢંકાયેલા પોતાના સાચા જીવનસાથીને ઓળખી શકે છે કે કેમ ? કોઈ શક ?”  

હાજર સૌએ "નો" કહી આ ટાસ્કને વધાવી લીધો. હેમંત અને મહેંકે અતુલભાઈને 'થમ્સ અપ' ની નિશાની કરી શુભેછાઓ પાઠવી.    

પ્રથમ વ્હિસલ વાગતાની સાથે જ લાઇટ બંધ થઈ ગઈ. હૉલમાં ખૂબ ઝાંખી રોશની હતી. હૉલમાં ઘોંઘાટ અને ગણગણાટ થવા માંડ્યો. પરિણીત યુગલો પોતાના જીવનસાથીની પરખ કરી સાચી જોડી બનાવવા દોડાદોડી કરવા લાગ્યા. હાસ્યની છોળો ઊડતી રહી. 

અતુલભાઈ પોતાના સ્થાને શાંતિથી ઊભા હતા. તેમને જોડી બનાવવામાં કોઈ રસ ન હતો. બે મિનિટનો સમય પૂરો થવાની દસ સેકન્ડ પહેલાં કોઈએ તેમનો હાથ પકડી જોડી બનાવી લીધી.

અતુલભાઈને તે સ્ત્રીનો સ્પર્શ જાણીતો લાગ્યો. તેમના શરીરમાં એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. આવું કેમ થયું..... તે તેઓ સમજી ન શક્યા. તેમને લાગ્યું કદાચ વર્ષો પછી કોઈ સ્ત્રીનો સભાન સ્પર્શ થવાના કારણે આવું બન્યું હશે. તેમની જોડીદાર કોણ હશે તે બાબતે અતુલભાઈ વધુ વિચારે તે પહેલાં બીજી વ્હિસલ વાગતાની સાથે જ હૉલમાં લાઇટો ઝળહળી ઉઠી. દરેકે પોતાના ચહેરા પરથી માસ્ક હટાવવા માંડ્યા. જે લોકો પોતાના જીવનસાથી સાથે જોડી બનાવવામાં સફળ રહ્યા હતા તેમની ખુશીનો પાર ન હતો. પોતાનો સાચો પાર્ટનર શોધી કાઢનાર મહિલાઓ વિશેષ ખુશ હતી. અતુલભાઈ અને તેમના જોડીદારને માસ્ક હટાવવાની કોઈ ઉતાવળ ન જણાઈ. અતુલભાઈએ શાંતિથી પોતાનો માસ્ક હટાવ્યો. તેમણે જોયું કે તેમની બાજુમાં મહેંક અને હેમંતની જોડી હતી. તેમની જોડીદાર સ્ત્રી માસ્ક હેઠળથી તેમને તાકીને જોઈ રહી હતી. તેણે હજુ પોતાના ચહેરા પરનો માસ્ક હટાવ્યો ન હતો તેથી તેમનું જોડીદાર કોણ છે તે અતુલભાઈ ઓળખી ન શક્યા.

સ્ટેજ પરથી અતુલભાઈના જોડીદારને પોતાનો માસ્ક હટાવવા વિનંતી કરાઇ. તે સ્ત્રીએ પોતાનો માસ્ક હટાવવાની કોઈ ચેષ્ટા ન કરી એટલે મહેંકે હળવેથી તેમના મોઢા પરનો માસ્ક હટાવ્યો. અતુલભાઈની સામે સેંથામાં સિંદુર પુરીને લાલ રંગના વસ્ત્રો પરિધાન કરેલી કિંજલ ઊભી હતી. અતુલભાઈ દિગ્મૂઢ થઈ કિંજલને તાકી રહ્યા. કિંજલબેન માટે પણ આ અકલ્પનીય ક્ષણ હતી. પોતાના જીવનમાં અતુલભાઈ સાથે ફરીથી મુલાકાત થશે તેવી તેમણે કલ્પના પણ કરી ન હતી. જાણે કે....... ભગવાને બંનેને ભેગા કરવા માટે જ આ સંયોગ રચ્યો હોય તેવું લાગતું હતું. કિંજલની આંખોમાં આંસુ હતા. જેવાં

અતુલભાઈના ચરણ સ્પર્શ કરવા નીચા નમ્યા તેવા જ અતુલભાઈએ તેમને પોતાના આલિંગનમાં સમાવી લીધા. કિંજલ હીંબકે ચઢી ગયા હતા. થોડીક ક્ષણો માટે આખો હૉલ શાંત થઈ ગયો. અતુલભાઈ અને કિંજલના અભૂતપૂર્વ મિલનના સાક્ષીઓએ આખા હૉલને તાળીઓથી અને હર્ષની ચિચિયારીઓથી ભરી દીધો.અતુલભાઈની બાજુમાં મોગરાની મહેંકતી કળી જેવી ઊભેલી મહેંક ખુશ્બુ વેરતી “મમ્મી.....“ કહી દોડીને કિંજલને વળગી પડી. કિંજલ પોતાની પ્રતિકૃતિ જેવી મહેંકને પોતાની બાથમાં લઈ ફરીથી હીંબકે ચઢી ગયા. 

 ભીડમાંથી એક અજાણ્યો યુવક અતુલભાઈ નજીક આવ્યો.... “ પાપા...... “ કહી તેમને લપેટાઇ ગયો. કિંજલ બોલી: “ અતુલ! આ આપણો દીકરો યજ્ઞેશ છે.” અતુલભાઈ યજ્ઞેશને પોતાની છાતીએ વળગાડી પોતાની આંખો બંધ કરી તેના પર વાત્સલ્યનું હેત વરસાવતા રહ્યા. 

 સ્ટેજ પરથી એનાઉન્સ થયું........“ અતુલભાઈ અને કિંજલબેનની જોડીને 'સુપર લવિંગ કપલ' તરીકે વિજેતા જાહેર કરવામાં આવે છે. સૌએ તાળીઓથી આ 'સુપર લવિંગ કપલ' ને હર્ષોલ્લાસથી વધાવી લીધું . 


Rate this content
Log in

Similar gujarati story from Romance