મહામૂલી જીવન જીવવાની રીત
મહામૂલી જીવન જીવવાની રીત
આશ્રમમાં શિષ્યો વચ્ચે ઊંચા આસને બેઠેલા મહાન તપસ્વી સંતના ચરણોમાં પ્રણામ કરી એક શુદ્ધ નીતિવાન માનવ રામજી ભગત જીવન જીવવાની કલા મહાત્માજી પાસે જાણવા બેઠો હતો.
સંત અચાનક શિષ્ય પર ગરમ થઈ ગયા અને ચીપિયો બરડામાં ઝીંકી દીધો. શિષ્ય વિવેકથી બોલ્યો,
"ગુરુજી હું એક દુઃખી વ્યક્તિને વીંછી કરડ્યો હોવાથી ઉતારવા ગયો હતો. થોડું મોડું થવાથી આપના માટે ગાંજાની ચલમ ભરવામાં વાર થઈ. મને માફ કરશો. "
ગુરુજી આ સાંભળીને પણ ગુસ્સો કરતા બોલ્યા, "અચ્છા ઠીક છે. આટલીવાર ક્ષમા કરું છું. હવે પછી બીજા બધા કામ બાદમાં કરવાના. મારુ કામ સહુથી પહેલા. "
ચેલો બિચારો માથું ઝૂકાવીને ઊભો રહ્યો પણ રામજી ભગતને ભીડમાંથી ચૂપચાપ ઊભા થઈને પાછા વળતા જોઈ ગુરુજી બોલ્યા,
"અરે બચ્ચા તું કંઈક જાણવા આવ્યો હતો ને ?"
રામજી ભગત બોલ્યા,
"હા મહારાજ પણ હવે મને લાગ્યું કે તમે જ જાણતાં નથી તો મને કેવી રીતે શીખવશો."
સત્સંગ સભામાં ખળભળાટ મચી ગયો. સંત વિષ્મય પામી બોલ્યાં,
"બચ્ચા જે મનમાં હોય તે સ્પષ્ટ કહી દે. હું પણ સમજી શકું તેમ."
ભગત હાથ જોડી બોલ્યાં,
"મહાત્માજી હું જીવનકલા શીખવા આપની પાસે આવ્યો હતો. મને એમ કે આપની પાસેથી જ્ઞાન મેળવું જેથી મારાથી ભૂલથી પણ કોઈનું દિલ ન દુભાય અને કોઈના સેવાકાર્યમાં હું બાધારૂપ ન બનું."
મહાત્માજી બોલ્યાં, "તો બેઠો મેં શીખાતા હું તુજે."
"આપ ખુદ જ જાણતાં નથી જીવનકલા એવું મને લાગ્યું. કેમ કે આ શિષ્ય બિચારો ભૂલથી ક્ષમા માંગી તોય તમે તેના પર ગરમ થયાં અને તેને સેવાકાર્ય કરતાં પણ તમારા ચલમનાં સ્વાર્થ માટે રોકી રહ્યા છો."
ભગત હાથ જોડી બોલ્યાં,
"માફ કરજો ગુરુજી જે પોતે જ અજાણ હોય તે મને કેમ કરી શીખવી શકે ? હવે તો હું મારા અંતરાત્મા પાસેથી જ જીવનકલા સાચી શીખી લઈશ."
ભગત ચાલતા થયાં અને સંત પોતાનો અહમ સાચવવા બોલ્યાં,
"બિલકુલ પાગલ લગતા હે."
ભલે સંત પોતાની ખોટી માન પ્રતિષ્ઠા જાળવી રાખવા બોલ્યાં પણ તેમનો જ એક ભક્ત ઊભો થઈને બોલ્યો,
"માફ કરજો ગુરુજી પણ એ ભાઈની વાત તદ્દન સાચી છે. આપના સ્વાર્થ ખાતર બીજાનું ભલું કરતો રોકવો એ ખુબ સ્વાર્થી રીત છે. હવે હું પણ આપના ભરોસે મારી જીવનનૈયા મજધારે ડૂબાડવા માંગતો નથી."
ગુરુજીનો સહુથી ધનિક ભાવુક શિષ્ય પણ ઊભો થઈને પેલા રામજી ભગતની પાછળ ચાલતા થયા. આ જોતાં જ બીજા પણ ઘણાં શિષ્યો ઊભા થઈને તે ધનિક શિષ્યની પાછળ ચાલ્યા. આશ્રમ જાણે ખાલી થવા લાગ્યો હતો. ગુરુજી મનમાં જ ગુસ્સો કરી રહેતા હતાં રામજી ભગત પર પણ તેમનાં શબ્દો હવે કોઈને રોકી શકવા સક્ષમ ન હતાં.
થોડા જ સમયમાં ગુરુજી એકલા રહી ગયા અને પેલો માર ખાનાર શિષ્ય સામે બેઠો હતો. ગુરુજીને હવે અંતરમાં જોતાં જ સાચું સત્ય સમજાયું કે,
"ભૂલ મારી જ હતી મારુ વર્તન સ્વાર્થભર્યું હતું. સ્વાર્થ પૂરો ન થતાં ક્રોધ નીપજ્યો અને ક્રોધ મર્યાદા ભૂલાવે તેમ હું ભાન ભૂલ્યો હતો. એક સાચા વ્યક્તિને દંડિત કર્યો.
સંત ઊભા થયા અને સામે બેઠેલા શિષ્યને લઈને ચાલ્યા રામજી ભગત પાછળ અને દોડીને તેમની નજીક પહોંચી તેને હાથ જોડીને બોલ્યાં,
"ભગત આપ સચ્ચે હો મેં હી ગલત થા મુજે ક્ષમા કરે."
"ના ના મહાત્માજી તમે તો મને અત્યારે બહુ જ મસ્ત જીવન જીવવાની કળા શીખવી છે એટલે હવે આપને હું ગુરુ માનું છું." રામજી ભગત પગે લાગતા બોલ્યાં.
"અરે વો કેસે ? મેને તો કુછ નહીં શીખાયા." સંતને નવાઈ પામતા જોઈ રામજી ભગત બોલ્યાં, "અરે મહાત્માજી આપે તો મને હાલ શીખવ્યું કે ભૂલ ગમે તેવી થાય પણ તમે જેમ બધાની સામે કબૂલ કરી તેમ કબૂલ કરવી જોઈએ."
સહુ સમજી ગયા રામજી ભગતની વાત અને સંતના આગ્રહથી રામજી ભગત બધા જ શોષ્યોને પાછા વાળી ગુરુના આશ્રમે પાછા ફર્યા.
જીવન જીવવાની રીત શીખવી ખુબ જ મહત્વની છે.
