Minaxi Rathod "ઝીલ"

Drama Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Drama Tragedy Inspirational

મેઘલી રાત

મેઘલી રાત

4 mins
193


જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળતી એ ઘરે પહોંચી અને બારણામાં જ ફસડાઈ પડી. ઘૃણા અને ચીડથી પોતાનું શરીર વારંવાર હાથ વડે સાફ કરી કંઈક અણગમો જતાવી રહી હતી. વરસાદની આ ઘોર અંધારી રાતે વાદળના ગડગડાટ અને કડાકા વચ્ચે થતા વીજળીના ચમકારામાં પોતાના હાથની હસ્તરેખાઓમાં જાણે કંઈક વાંચવાની કોશિશ કરતી હતી.

એક હાથની હથેળીને ફેલાવી હસ્તરેખાઓ ને બીજા હાથની આંગળીઓ વડે જોરથી ખોતરતી હતી. એણે સાંભળ્યું હતું કે હાથની લકીરોમાં કિસ્મતની રેખા હોય છે પણ એની કિસ્મત ક્યારે ચમકશે ? રોષે ભરાયેલી એણે વીજળીના ચમકારામાં હથેળીને ઘસી ઘસીને લાલઘૂમ કરી મૂકી હતી. પોતાની ગરીબાઈ અને જાતને સમયનો ગાભો લઈ કિસ્મત ચમકાવવા હથેળી લૂછી રહી હતી, કે ક્યાંક તો કોઈ સૂકુનની પળ મળેને આ નરક જેવા જીવનમાંથી છૂટકારો મળે.

અતીતમાં ખોવાયેલી એને વીજળીના એક ચમકતા લિસોટાએ વર્તમાનમાં પાછી લાવી ફેંકી દીધી. સાંબેલાધાર વરસાદ ચાલુ થયો અને પલળતી એને પોતાનો એકનો એક દીકરો યાદ આવ્યો, અને એ બારણા વચ્ચેથી સફાળી ઊભી થઈ સીધી ઘરમાં દીકરો સૂતો હતો ત્યાં એની બાજુમાં આવીને બેસી ગઈ.

એની રાહ જોઈ જોઈને એ સુઈ ગયો હતો. એની નજર ઘરની છતમાંથી ઠેરઠેર ચાળણીની જેમ ટપકતાં વરસાદના પાણી પર પડી ઘરમાં પાણીથી બચાવવા જેવું તો બીજુ કશું હતું નહીં. એણે દીકરા તરફ નજર કરી અને એની ઉપર વરસાદનું પાણી ન પડે એ માટે એ દીકરા પર ઝૂકીને છત બની ગઈ, જેથી સૂતેલા દીકરાની ઊંઘ ન બગડે. જો એ ઊંઘમાંથી ઊઠી જશે અને કંઈક ખાવાનું મળશે તો એ ક્યાંથી લાવી આપશે ?

એમ વિચારીને એ પીઠ પર પલળતી રહી. વીજળીનાં ચમકારા અને કડાકા હજુ યથાવત હતા. અને અચાનક એને ઉધરસ આવી. દીકરાની આંખો ખુલી ગઈ. એ અપલક નજરે મા ને તાકી રહ્યો. એ આખી ભીંજાઈ ગઈ હતી. બંનેની નજરો મળી અને આંખો આંખોમાં તરબતર કરુણતાની આપ-લે થઈ, અને દીકરો મા ની આંખોમાંથી વરસતા વરસાદમાં પલળી રહ્યો હતો. દીકરાએ હળવું સ્મિત આપી પોતાના બંને હાથ વડે માંના આંસુ લૂછ્યા. અને બેઠો થઈ માંને વળગી પડી પડયો. બોલ્યો મા મને જરાય ભૂખ નથી લાગી તું ચિંતા ના કરીશ..

એની સ્મૃતિમાં બધું અકબંધ યાદ હતું. વરસાદની એક આવી જ રાત્રિએ તેના પિતા અને માં ઝઘડી રહ્યા હતા. પિતાએ એની માને ધક્કો મારી દૂર હડસેલી દીધી અને ડબ્બો ખોલી હાથમાં આવ્યા તે રૂપિયા અને પરચૂરણ લઈ જતા રહ્યા હતા. ખૂણામાં લપાઈને ઊભો એણે બંને હાથ વડે એક આંખ ઢાંકી એક આંખથી બધું જોઈ રહ્યો હતો. એ રાત અને આજની રાત વચ્ચેના પાંચ વર્ષ વહી ગયા પણ એના પિતા પાછા આવ્યા નહોતા.

પિતા વગર એને ઘર ખાલી ખાલી લાગતું હતું. પહેલા તેઓ કેટલા પ્રેમથી રહેતા હતા. તેને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાનું એના પિતાનું સપનું હતું એના માટે જ તો એ ખૂબ મહેનત કરી રહ્યા હતા. 

એક દિવસ એ સ્કૂલે ગયો અને ખૂબ વરસાદ આવ્યો હતો બધા વિસ્તારમાં કેડ સુધી પાણી ભરાઈ ગયા હતા. અને તેના પિતાએ એક ખભે દફતર અને બીજા ખભે તેને બેસાડી ઘરે લઈ આવ્યા હતા. પછી તેને ખૂબ જ ઠંડી ચઢી ગઈ અને તે બીમાર થયો હતો. ત્યારે તેઓ કેવા રાત-દિવસ તેની બાજુમાં બેસી રહ્યા.

મા ના માટે નવું મંગળસુત્ર લાવ્યા ત્યારે મા કેટલી બધી ખુશ થઈ હતી. ઓછા પૈસામાં પણ તેઓ કોઈ આનંદ માણવાનું ચૂકતા ન હતા. એના જન્મદિવસે ચોપાટી પર જઈ ખાલી આઈસ્ક્રીમ ખાવાનો જે આનંદ હતો એમાં જ કેક વગર બર્થડે ઊજવાઈ જતી હતી. અને ત્રણે એકબીજાનો હાથ પકડી દરિયાની માટીમાં આવતા જતાં પાણીમાં પગલાં પાડતા કેવા મસ્તીથી ચાલતા, દોડતા હતા. એના ચહેરા પર હળવું હાસ્ય ફરી વળ્યું.

અને આજનો દિવસ વિચારી એ ઉદાસ થઈ ગયો. એના સુખી પરિવાર ને કોની નજર લાગી ગઈ હતી કે એ રોજ નશો કરીને ઘરે આવવા લાગ્યા અને રોજના થતા કજીયા કંકાસથી અમારી જિંદગી બરબાદ થઈ ગઈ.

માં એ તો શોધવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તેમના ક્યાંય કોઈ સગડ મળ્યા નહીં. એણે હંમેશા એની માને બે ટંકના રોટલા માટે ઘેર ઘેર કામ કરતી જોઈ હતી. એણે નક્કી કર્યુ હતું કે એ કોઈ દિવસ નશો નહીં કરે અને માંના દુઃખમાં સહારો બનશે. પણ માંને મદદરૂપ થવા એ ત્યારે નાનો હતો.

જીવનના જે પાઠ સમય અને લાચારી શીખવાડે એ કોઈ પાઠશાળામાંથી નથી શીખી શકાતા. આજે એ પૂરા પંદર વર્ષનો થઈ ગયો હતો. અને કમાતા શીખ્યો હતો. એની પહેલી કમાઈમાંથી એ મા માટે હોંશે-હોંશે એક સાડી અને ઉધરસની દવા લાવ્યો હતો. ખુશી ખુશી એ ઘરમાં ગયો. વરસાદની રાત હતી એણે માંને પથારીમાં જોઈ અને ગભરાઈ જ ગયો. એને ખબર હતી કે ઉધરસ માંનો જીવ લઈને જ જશે.  

તેણે માને ઢંઢોળીને ઉઠાડવાની કોશિશ કરી પણ માંતો વરસતા વરસાદના ધોધમાર પ્રવાહમાં વહેતી એનાથી ક્યાંય દૂરના પ્રવાસે નીકળી ગઈ હતી. હાથમાંથી દવાની બાટલી નીચે પડી ફૂટી ગઈ. એની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. એની નજર વરસતાં વરસાદના પાણી પર પડી મા પલળી ના જાય એ માટે એ માંની ઉપર ઝૂકીને છત બની ગયો. આજે માં દીકરાના આંસુથી પલળી રહી હતી. એને બાથમાં ભરી હૂંફ આપનાર મા તો અનંતની વાટે ચાલી ગઈ અને એ યતીમ બની ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Drama