મધ્યમવર્ગીય
મધ્યમવર્ગીય


ઈ.સ. ૨૦૫૦,
વિરાગ અને કૌશલ્યા તેમની દીકરી માધુરીના લગ્નની વાતચીત કરવા રાકેશના ઘરે ગયા. તેમને આવેલા જોઈ રાકેશના પિતાજી કેશવનાથે રિમોટનું બટન દબાવ્યું એ સાથે ગરમીની એ સિઝનમાં ઓરડાનો માહોલ કાશ્મીર જેવો બની ગયો. બીજીવાર બટન દબાવતા એક રોબોટ ચા-નાસ્તો લઇ આવ્યો. સહુનો ચા-નાસ્તો થઇ જતા તેમણે ત્રીજીવાર બટન દબાવ્યું અને રોબોટ આવી ખાલી કપ અને ગ્લાસ પાછા લઇ ગયો. કૌશલ્યાને આ ગમ્યું નહીં. તેથી તેણે કહ્યું, “સારું ! ત્યારે અમે રજા લઈએ...”
કેશવનાથ, “અરે! ઘર તો જોઇ લો”
વિરાગ :“પછી કો’ક દિવસ ફુરસદે આવીશું.”
કેશવનાથે બટન દબાવ્યું. એક સ્લાઈડ માધુરીના માતાપિતાના પગરખા લઈને સરકતી આવી. તેઓ પગરખા પહેરી પોતાની કારમાં બેઠા, કાર આપમેળે શરૂ થઇ ગઈ.
કૌશલ્યા, “આવા ઘરમાં આપણી દીકરીને પરણાવશો ?”
વિરાગ: “કેમ શું થયું?”
કૌશલ્યા, “શું થયું ? જોયું નહીં હજુયે તેઓ રિમોટના બટન જાતે જ દબાવે છે ! શું મારી દીકરીની જિંદગી રિમોટના બટન દબાવવામાં જ જશે ? ના..ના.. હું કોઈ કાળે મારી દીકરીને પરણાવું નહીં આવા મધ્યમવર્ગીય કુટુંબમાં”