મૌલિકતા ખોવાઈ છે
મૌલિકતા ખોવાઈ છે
આજે નાનકડી શ્રુતિનો હેપ્પી બર્થડે હતો. એની મમ્મીએ એને 'બાર્બીડૉલ' જેવી સરસ તૈયાર કરી ત્યાં તો પિંકી દોડતી આવીને શ્રુતિને ભેટીને "હેપ્પી બર્થડે" કહેવા લાગી. થોડીવારમાં તો એક પછી એક ફ્રેન્ડ્સ આવે, શ્રુતિને હગ કરીને બર્થડે વીશ કરે. એ દરેકની મમ્મી પણ એની મમ્મીને હગ કરીને પછી સોફા પર બેસે.
નિકીનો વિડિયોકૉલ આવ્યો. એણે પહેલાં શ્રુતિને વીશ કરીને બધાં સાથે વાત કરી. પછી શ્રુતિ મેસેજીસની સામે સૌને વિડિયો મેસેજથી "થેંક્સ" કહી રહી હતી.
કેકકટિંગનો ટાઈમ થઈ ગયો. બધાં સર્કલમાં ગોઠવાઈ ગયાં. મોં પર મીઠું સ્મિત રાખીને "હેપ્પી બર્થડે ટુ યુ " ગાઈ રહ્યાં. ઘણાબધાંએ વિડિયો ઉતારીને ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટા વગેરે પર ફટાફટ અપલોડ કર્યાં. આ દરમિયાન સૌ કોઈ બાઉલમાં કેક લઈને બેઠાં બેઠાં બીજાએ શૅર કરેલા વિડિયો જોતાં જોતાં કોમેન્ટ્સ આપીને ખુશ થતાં હતાં.
થોડે દૂર બેસીને દાદાદાદી આ પ્રસંગ માણી રહ્યાં હતાં.
થોડીવારમાં નિહાર એના દાદાજી સાથે આવ્યો અને સૌની સાથે જોડાઈ ગયો. શ્રુતિના દાદાજીને નિહારના દાદા નીરુભાઈએ કહ્યું, "હું ખાસ આપને મળવા જ આવ્યો છું. બાળકો રમે ત્યાં સુધી નિરાંતે વાતો થાય."
શ્રુતિના દાદાજી સમીરભાઈ બોલ્યા," આવો આવો ! આ બહાને આપણેય આપણું બાળપણ વાગોળીએ."
નીરુભાઈએ સૂર પૂરાવ્યો, " સાચીવાત છે. અત્યારે એકવીસમી સદીમાં પ્રવેશ સાથે જ સ્માર્ટયુગે જાણે હરણફાળ ભરી ! "
તરતજ શ્રુતિનાં દાદીમા શીલાબેન બોલ્યાં, " હાસ્તો. આ બાળકો શું જાણે કે, થોડાક દાયકા પહેલાં ગામમાં એકાદબે ટેલિફોન માંડ હોય, ટીવીનું અસ્તિત્વ પણ કલ્પના બહાર હતું !"
સમીરભાઈએ ઉમેર્યું, "આથી માનવીને પરસ્પર વાતચીત કરવી હોય, લાગણી દર્શાવવી હોય તો એકબીજાને મળવું પડતું., ઑફિસ કે બેંકમાં પણ રૂબરૂ જવું પડતું. વીજળીનાં બિલ કે મકાનવેરો ભરવા માટે લાઈનમાં ઊભાં રહેવું પડે."
નીરુભાઈ કહે, " હા, એ જ તો. આ બધું આજનાં દસબાર વર્ષનાં બાળકને ગળે ઉતરે તેમ નથી, કારણકે એણે તો જન્મથી જ મોબાઈલ ફોન, જાતભાતનાં ઈમોજી અને નેટ બેંકિંગનો યુગ જોયો છે. એણે પરિવારનાં સભ્યોને પોતપોતાનાં મોબાઈલમાં ખોવાયેલાં જ જોયાં છેને !"
સમીરભાઈ કહે, "હું ઘણા સમયથી એ દિશામાં વિચારું છું કે, જીવનમાં કૃત્રિમતાએ મૌલિકતાની જગ્યા લઈ લીધી છે. આજની જ વાત કરું તો વિડિયોમાં હસતો ચહેરો આવે એ માટે સૌનાં મોં પર કેવું કૃત્રિમ હાસ્ય હતું ! એટલું જ નહિ, ફિલ્મીસ્ટાઈલથી એકબીજાને ભેટે અને અંગ્રેજી શબ્દો વડે જ અભિવાદન કરે. ક્યાંય પણ બાળકોની મૌલિકતા ન દેખાય. એમાં એમનો વાંક પણ નથીને !"
નીરુભાઈ કહે, "અરે, કોર્પોરેટ ફીલ્ડમાં તો નરી દેખાદેખી છલકે છે. મને એમ થાય કે માણસ નિખાલસતાથી સાચું સ્મિત પણ નથી કરી શકતો ! !"
સમીરભાઈ કહે, " ચિંતા એ વાતની છે કે, આવતી પેઢીમાં કૃત્રિમ ચાલઢાલને જ મૌલિકતા માનવામાં આવશે. આ બાળકોને મેદાની રમતની પણ તાલીમ આપવી પડે છે. આપણી જેમ શેરીક્રિકેટની તો એમને ખબર જ નથી ! અને રમે તો કોઈના કાચ તૂટવાનો ભય ! !"
નીરુભાઈએ કહ્યું, " આપણું બાળક કોમ્પ્યુટર કે મોબાઈલમાં ફટાફટ બધું શોધી શકે એટલે આપણે એને પ્રોત્સાહિત કરીએ છીએ, પણ એ બિચારું વિડિયોગેમમાં ખોવાઈને માયકાંગલું બની રહ્યું છે, એ ચિંતાનો વિષય છે."
શીલાબેન બોલ્યાં, " એટલું જ નહિ , ઘણાં બાળકો તો મોબાઈલ ન મળે તો અવળું પગલું પણ ભરે છે અને બધાં માબાપને કાંઈ છાશવારે અપડેટ થતાં સ્માર્ટફોન ન જ પોષાયને !"
સમીરભાઈ બોલ્યા, "ફ્લેટમાં રહેવાથી આપણી જેમ તારા ગણવાની મજા પણ છીનવાઈ ગઈ. માટીમાં રમવાથી કુદરતી એક્યુપ્રેશર પણ ગયું. એ લોકોને તો પૈસા ખરચીને પેલી રંગબેરંગી ક્લે રમવાનો વારો આવ્યો છે."
નીરુભાઈએ ઉમેર્યું,"અરે ભાઈ આ જંકફૂડનાં વળગણમાં તો પૌષ્ટિક આહારને બદલે વિરુદ્ધ આહાર થકી અવનવા રોગો વધ્યા છે. અને કેમિકલવાળો ખોરાક તેમજ ભેળસેળવાળાં ઘી-તેલ મળે છે. ભાઈ, બાળકને દૂધ પણ સિન્થેટિક મળે એ કેવું ?"
અત્યાર સુધી થોડે દૂર બેઠેલી બાળકોની મમ્મીઓને રસપૂર્વક સાંભળતી જોઈ સમીરભાઈએ કહ્યું, "આપ સૌ પણ અભિપ્રાય આપી શકો છો."
એ લોકોએ એકસાથે જવાબ આપ્યો, " અમે સૌ આ બાબતે મનોમંથન કરી રહ્યાં છીએ કે, બાળકોને આ બધું કેવી રીતે સમજાવવું !"
અચાનક બાળકોનું ધ્યાન પણ આ તરફ ખેંચાતાં એ લોકો દોડતાં વડીલોની આસપાસ ગોઠવાઈ ગયાં.
પછી તો વડીલોએ પોતપોતાની રીતે બાળકોને કુદરત તરફ વાળવાની વાતો સમજાવી.
નિહાર બોલી ઊઠ્યો, "દાદાજી, કાલથી જ હું વિડિયોગેમને બદલે તમારી સાથે વૉક પર આવીશ અને આપણે રોજ નવી નવી રમતો રમીશું."
શ્રુતિ પણ એના દાદાદાદીને નિખાલસતા, મૌલિકતા, કૃત્રિમપણું જેવા ભારે શબ્દો સમજાવવા વિનવી રહી.
અચાનક તંદુરસ્ત ચર્ચા થતી જોઈને શીલાબેન બોલ્યાં, આપણે સૌ વડીલો સમયાંતરે આ બાળકો માટે ઘરઆંગણે થાય એવી નવી - આમ તો જૂની જ - પ્રવૃત્તિઓ પૂરી પાડીએ તો કેવું !?"
સૌએ સંમતિ આપી અને બાળકોને કુદરત ભણી લઈ જવાનાં જાણે નવાં જ દ્વાર ખુલી ગયાં.
