STORYMIRROR

Bhairvi Maniyar

Children Stories Fantasy Inspirational

4  

Bhairvi Maniyar

Children Stories Fantasy Inspirational

પૃથ્વી પર શિરાકા - ઇમોતેજ

પૃથ્વી પર શિરાકા - ઇમોતેજ

3 mins
235

રજાના દિવસે કેટલાક મિત્રો નદીકિનારે રમતા હતા. સરસ મજાનું વાતાવરણ હતું. ચારેતરફ હરિયાળીને કારણે રમતાં રમતાં થાક પણ નહોતો લાગતો.

એવામાં નદીના પટમાં વિશિષ્ટ પ્રકારનું વિમાન ઉતર્યું. પહેલાં કોઈએ આવું વિમાન જોયું નહોતું, એટલે ઉત્સુકતાથી એ તરફ સૌ જોઈ રહ્યાં.

થોડીવારમાં એમાંથી બે વ્યક્તિ ઉતરીને ધીમે ધીમે પોતાની તરફ આવતી દેખાતાં એ લોકો પણ થોડાક આગળ વધ્યા. 

પણ અચાનક સૌ ઊભા રહી ગયા અને એકમેકની સામે આશ્ચર્યથી જોયું. આવનાર બંને વ્યક્તિ ઘણી જ વૃદ્ધ દેખાતી હતી. એમના ચહેરા મનુષ્ય જેવા નહોતા ! સૌ ડરીને પાછા હટવા જતાં એક વ્યક્તિએ બાળકોને રોકાવા કહ્યું. સૌ સ્થિર થઈને ઊભા રહ્યા. થોડીવારમાં તો બિલકુલ સામે આવીને છોકરાઓની ભાષામાં જ વાત કરવા લાગ્યા. હવે સૌને વાતોમાં રસ પડતાં થોડી હળવાશ અનુભવી.

"આ પૃથ્વી છે ને એનાથી દૂર એક બીજો ગ્રહ છે. અમે ત્યાંથી આવ્યાં છીએ. આ શિરાકા છે અને હું ઇમોતેજ. અમારો પાયલોટ બુમસ્વા છે."

ઊંડો શ્વાસ લઈને એણે કહ્યું, " અહીં સુંદર હરિયાળી છે. નદીમાં મીઠું પાણી વહે છે. તમે સૌ થાક્યાં વગર રમી શકો છો, એનું કારણ શું છે એ તમે જાણો છો ?"

એક છોકરો બોલ્યો, "આ વનસ્પતિઓ અમને પ્રાણવાયુ આપે છે. અને ફળફળાદિ પણ આપે છે."

બીજાએ ઉમેર્યું," અને નદી સરસ પાણી આપે છે. એટલે હવા, પાણી અને ખોરાક મળી રહે છે."

શિરાકાએ કહ્યું, " દોસ્તો અમે પણ તમારી ઉંમરનાં જ છીએ, પણ અમારા ગ્રહ પર તમારી પૃથ્વીની જેમ સરસ હવા, પાણી અને ખોરાક નથી મળતાં. અમારે તો મશીનો વડે શ્વાસ લેવો પડે છે."

" હેં....! મશીન વડે શ્વાસ ?!!" એકસાથે છોકરાઓ બોલી ઊઠ્યા.

ઇમોતેજ બોલ્યો, " અમે હવા, પાણી અને ખોરાક માટે ખૂબ મશીનો બનાવ્યાં છે. અમારા ગ્રહ પર અહીંની જેમ પ્રાથમિક જરૂરિયાત માટેનું વાતાવરણ જ નથી."

" તો પણ તમે જીવી શકો છો ?" એક છોકરાએ પૂછ્યું.

શિરાકાએ કહ્યું, " હા, અમારે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. એટલે અમે પૃથ્વીની રચના, સજીવો વગેરે વિશે સમજવા થોડા થોડા સમયે કોઈક જગ્યાએ ઉતરીએ છીએ. અને ત્યાંની ભાષામાં વાત કરીએ છીએ."

બીજો છોકરો પૂછે છે, " તમને બધી ભાષા કેવી રીતે આવડે છે ?" 

ઇમોતેજ કહે છે, " અમારાં શ્રવણયંત્રમાં ભાષાંતર થઈ જતાં અમને તમારો કહેવાનો અર્થ સમજાય છે. પછી અમે હિગુઈ ભાષામાં બોલીએ એનું ભાષાંતર થઈ અમે જ્યાં ઉતરીએ એ ભાષામાં રજૂ થાય છે."

"અરે વાહ ! આ તો ગૂગલ ટ્રાન્સલેટર જેવું !" બધા છોકરા એકસાથે બોલી ઊઠે છે.

તરતજ ઇમોતેજ ઉમેરે છે, " ના ના, અમારાં ભાષાંતર સાવ સાચાં હોય છે. તમારું ગૂગલ તો ભળતાં શબ્દો વાપરે ત્યારે ઘણીવાર અર્થ બદલાઈ જાય છે." 

" તમને કેવી રીતે ખબર પડી ?" એક છોકરાએ પૂછ્યું.

શિરાકાએ પોતાના ગ્રહ પર તકનિકી વૈવિધ્ય અને વિકાસ અંગે ઘણીવાત કરી.

" હવે અમારો આજે અહીં આવવાનો ઉદ્દેશ એ છે કે,....." સૌ એકાગ્ર બની સાંભળી રહ્યાં.

"તમને આટલી સરળતાથી શુદ્ધ હવા, મીઠું જળ અને અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ છે, એની કિંમત સમજો. વનનાશ અટકાવો. અસંખ્ય વૃક્ષો વાવો. "

" હવાને અને પાણીને પ્રદૂષિત ન કરો."

કારણ વગર ચીજવસ્તુનો સંગ્રહ ન કરો. સૌ માટે સહાનુભૂતિ દાખવો. યુદ્ધ ટાળો અને માનવકલ્યાણની દિશામાં પ્રગતિ કરો."

જરાક થોભીને, " તમે તો પૃથ્વીનું ભવિષ્ય છો. પૃથ્વીને જીવવા જેવી જાળવવા પ્રયત્નશીલ બનો. બોલો, માનશોને ?"

"હા...હા... અમે આપની વાત સમજી ગયાં. હવે પૃથ્વીનું જતન કરવાની જવાબદારી અમારી. 

અમને સરસ રીતે ભવિષ્ય ઉજળું બનાવવા સમજાવ્યાં એ બદલ આપનાં આભારી છીએ."

"શાબાશ શાબાશ, આવજો ત્યારે." એમ કહીને એ બંને પોતાનાં વિશિષ્ટ વિમાન તરફ ગયાં. 

છોકરાઓ હવે કયા વિસ્તારમાં કેટલાં વૃક્ષ વાવીશું, એ દિશામાં કાર્યરત થઈ ગયાં અને અતિથિ તરીકે આવેલા પરગ્રહવાસીઓનો આભાર માની રહ્યાં.


Rate this content
Log in