STORYMIRROR

Bhairvi Maniyar

Inspirational

3  

Bhairvi Maniyar

Inspirational

દેશ પ્રત્યે આપણે કૃતજ્ઞ કે કૃતઘ્ન ?

દેશ પ્રત્યે આપણે કૃતજ્ઞ કે કૃતઘ્ન ?

6 mins
181

કૃતજ્ઞતા અને કૃતઘ્નતા પૈકી આઝાદીનાં 75 વર્ષ બાદ આપણે કયો ગુણ અપનાવી રહ્યાં છીએ ?!! ?

સૌથી પહેલાં તો આ બંને શબ્દો વચ્ચેનો ભેદ સમજીએ. 

કૃતજ્ઞતા : આપણામાંથી ઘણાં ભગવાન પાસે જઈને કંઈ ને કંઈ માગતાં હશે. કદાચ એ અપેક્ષા પૂરી થાય પછી ભગવાનનો આભાર માનવા હોંશથી જતાં હશે. આ એમની ભગવાન પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કરવાની બાબતને કૃતજ્ઞતા કહેવાય.

કૃતઘ્નતા :: કોઈ વ્યક્તિને એના ઉપકારનો બદલો ધિક્કાર વડે આપવો, એને કૃતઘ્નતા કહેવાય.

આપણે ત્યાં સ્વાતંત્ર્યદિન અને પ્રજાસત્તાકદિન સમયે અચાનક દેશભક્તિનું ઘોડાપુર જોવા મળે છે. બાકીના દિવસોમાં માત્ર સ્વકેન્દ્રી અને સ્વાર્થી જીવન જોવા મળે છે. 

આઝાદી એટલે શું ? એની સમજણ કેળવવા જેટલી પણ તસ્દી લેવાનો આપણને સમય નથી. અહીં આઝાદી મેળવવા માટે જીવન જોખમમાં મૂકનારાં એ આબાલવૃદ્ધ સૌની તમન્ના વિશે વિચારીએ.

એક નવ જ વર્ષનો છોકરો નામે રસિક એક કાર્યક્રમમાં (1934-35) જામનગરના મહારાજા જામસાહેબને સ્ટેજ પરથી કહે છે, " બાપૂ, હવે તમારું રાજ નહિ, પણ અમારું એટલે કે લોકોનું રાજ ચાલશે." આ ખુમારી એ સમયનાં બાળકોમાં જોવા મળતી.

સ્વાભાવિક રીતે જ જામસાહેબે એના પિતાને બોલાવ્યા અને કહે," પુરુષોત્તમ, આ તારો દિકરો શું કહે છે, એ જાણ્યું ?"

પુરુષોત્તમ કહે, " બાપૂ હું રાજનો ઑડિટર, એટલે આપને વફાદાર છું. પણ આ તો બાળક છે, એને તો બહારની હવાની અસર થાય ને ! એ કહે તે એના વિચારો છે." આ ખુમારી અને કામની વફાદારી એ યુવાન પિતામાં સહજ દેખાતી.

આ જવાબ સાંભળીને બાજુમાં બેઠેલા જામસાહેબના ભાઈએ તલવાર પર હાથ મૂક્યો કે તરત જામસાહેબે એમને રોકીને કહ્યું, " ભાઈ, આ તો રૈયત છે. રૈયતને એના અલગ વિચાર હોઈ શકે છે. આપણે એનું માન રાખીને હવાને સમજતાં શીખવું જોઈએ." આ દિલેરી અને ખાનદાની હતી એ સમયના રાજવીઓની.

આ એક ઉદાહરણ પરથી એ સમયનો આઝાદી પામવાનો ઉત્સાહ કેટલો તીવ્ર હતો એનો અંદાજ આવી શકે છે.

જ્યાં જ્યાં અંગ્રેજોના કાર્યક્રમ હોય, ત્યાં ત્યાં અસંખ્ય યુવાનો જીવનાં જોખમે પહોંચીને એને નિષ્ફળ બનાવવા મથતા. ઘણાને જેલ થતી તો ઘણા ભાગી છૂટવામાં સફળ રહેતા. જોકે, એમની શોધમાં પોલીસ સમન્સ લઈને નીકળી પડતી.

1857થી આઝાદી અંગે સક્રિય લડત આપનારા અસંખ્ય નામીઅનામી શહીદોની એ ઉત્કટ તમન્નાને સન્માનવી જ રહી. હિંસક અને અહિંસક બંને પ્રકારની લડતનો ઉદ્દેશ તો આઝાદી મેળવવાનો જ હતો. એને આજના સમયમાં યોગ્યાયોગ્ય ઠેરવવાની આપણી લાયકાત કેળવવાનો પ્રયત્ન તો કરીએ, પછી મૂલવણીનો અધિકાર મળે.

દેશપ્રેમ કે દંભ ?

જરા અઘરો સવાલ છે. 

જવાબ આપવા તત્પર સૌ તો પોતાને સાચા દેશપ્રેમી સાબિત કરવા શબ્દોની ભરમાર ખડકી દેશે. અને થોડીક જ વાર પછી ધંધાર્થે ગ્રાહકને છેતરવા પણ બેસી જશે. 

જુસ્સાભેર ભાષણ કરી તાલીઓના ગડગડાટ વચ્ચે વટથી બેસશે. થોડીવાર પછી એ ભાષણ પેટે પુરસ્કારનું મોટું કવર લઈને પત્રકાર સહિત સૌને તુચ્છકારતો કાફલો નીકળી જશે. ગાડીમાં બેસીને કોણ કેટલાં પ્રેક્ષકો લાવેલું એ મુજબ એનો હિસાબ કરશે. ખરેખર આ દેશપ્રેમ નથી પણ નર્યો દંભ છે.

બીજું એક ઉદાહરણ આ બાબતને સમજવામાં મદદરૂપ થશે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણી પેટે વિવિધ કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યા છે. એ સમયના ક્રાંતિકારીઓની સ્મૃતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ઠેરઠેર યોજાય છે. 

ડી વાય એસ પી, મહેસાણા,નો એક સવારે ફોન આવે છે, "આપ રસિકલાલ દવેનાં સુપુત્રી છોને ? આપ ક્યાં રહો છો ? ….." વગેરે પ્રશ્નો પૂછાયા. કારણ પૂછતાં જવાબ મળ્યો, " મારે તો માત્ર આઝાદીના લડવૈયાઓના પરિવારની વિગત જ કન્ફર્મ કરવાની છે."

થોડા દિવસ બાદ બીજો ફોન આર એફ ઓનો આવે છે. એ જ વાર્તાલાપ બાદ કારણ પૂછતાં વૃક્ષારોપણ અંગે જણાવાય છે. વળી, થોડા દિવસ બાદ તારીખ, સ્થળ અને સમયની જાણ કરાય છે. એ તારીખ આવતાં મૌખિક આમંત્રણ મળે છે. સમય સવારે 10 વાગે નક્કી થાય છે. પછી એ 11નો કરાય છે. 11 વાગે ફોન કરતાં બપોરે 4નો સમય નક્કી કરાયાની જાણ થાય છે. પહેલાં ભવ્ય કાર્યક્રમની જાણ કરાય છે. પછી થોડાક મહેમાનોની રાહ જોવાય છે. પછી માત્ર વૃક્ષારોપણ કરનાર પરિવાર અને ફરજ સોંપાઈ હોય તે અધિકારી જ હાજર હશે, એમ જાણ કરાય છે.

એનો અર્થ એમ કે, અધિકારીએ ફરજ બજાવ્યાની સાબિતીનો ફોટો અપલોડ કરી સરકારને જાણ કરી દેવી. આમ, અસંખ્ય ફોટા દ્વારા સરકાર "આઝાદીની ઉજવણી"નો પ્રચાર કરે.

સ્વાભાવિક રીતે જ સ્વાતંત્ર્યસેનાની માતાપિતાનાં સંતાનમાં પણ ખુમારી તો હોય જ. એ નાતે અમારા પરિવારે હાજર રહેવાની ના પાડીને એ અધિકારીને જણાવ્યું કે, " એક ફોટોસેશન થકી એ ક્રાંતિકારીને સન્માનવાની પ્રથા એમનું સન્માન નહિ, પણ અપમાન છે. એમણે અને અમે અનેક વૃક્ષ વાવી, ઉછેરીને સાચો પ્રકૃતિપ્રેમ દાખવ્યો જ છે. દેશપ્રેમને નામે દંભ અમને પસંદ નથી."

શું લગભગ એક સદી જેટલી લાંબી લડત આપનાર એ સૌ આપ્તજનોને સાચું સન્માન આપણા આચારવિચારથી ન આપી શકીએ ? 

ભૂતકાળની ભવ્યતા થકી આપણે આઝાદીનાં ફળ પામ્યાં છીએ ત્યારે હવેની પેઢીને સાચી દેશદાઝ જગાવવા આપણે કેવા પ્રયત્નો કરવા પડે તે દિશામાં રસ દાખવનારા કેટલા ? ! જવાબ બેપાંચ ટકાથી વધુ તો નહિ જ હોય. 

હવે રાહ જોવાની ટાળો અને સાચી દિશામાં કાર્યરત્ બનો.

દેશદાઝ, દેશપ્રેમ, દેશભક્ત કે દેશદ્રોહ જેવા શબ્દો તો છાશવારે સાંભળવા મળશે, પરંતુ નિષ્ઠાપૂર્વક કાર્ય કરનારાં માત્ર આંગળીના વેઢે ગણાય એટલાં જ હશે. ત્રિરંગો લહેરાવવો એ ગૌરવની બાબત છે. શિયાળામાં હિમાલયની કંદરાઓ વચ્ચે દુશ્મનનો સામનો કરી હિંમતભેર ત્રિરંગો લહેરાવવો એ ગૌરવ કહેવાય. પરંતુ સ્વાતંત્ર્યદિનની એકદિવસીય ઉજવણી કરી ત્રિરંગાની ગરિમા જળવાય એવા આચારવિચારનું સેવન કરી શકનારા કેટલાં ?! આત્મમંથન માગી લે એવો ગહન વિષય છે. 

અને રાષ્ટ્રીય તહેવારને પણ માત્ર નફાનું સાધન બનાવી વેપલો કરનારા લોકો ટીવી હોય કે અન્ય માધ્યમો થકી ઘરેઘરે ખરીદીનો જુવાળ ઊભો કરી રહ્યાં છે, એટલું જ નહિ ટીવી ચેનલ્સ હોય કે ઓટીટી માધ્યમો આઝાદીને ઉજવવાને નામે મોટો નફો મેળવી રહ્યાં છે.

ગરીબ વધુ ગરીબ બનતો જાય છે, તો કેટલાક સરકારી નિર્ણયને કારણે મધ્યમવર્ગ પણ ગરીબી તરફ ધકેલાઈ રહ્યો છે. પૂંજીપતિઓ સરકારને કઠપૂતળી સમજીને બેફામ બની રહ્યા છે. સવારે ગળગળા બનીને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પનારા, રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપનારા ભિખારીને હડધૂત કરીને સાંજે મહેફિલમાં દેખાય ત્યારે સહજ સવાલ થાય કે આ એમની કૃતઘ્નતા નહિ તો બીજું શું ?!! 

રાજાઓનાં સાલિયાણાં બંધ થયાં ત્યારે રાજાઓને સરકાર વિરુદ્ધ ચડાવનારા આજે ધારાસભા કે સંસદમાં સભ્યપદ મળતાં જ સાલિયાણાંનો બીજો પ્રકાર એટલે મોટું પેન્શન મેળવવાના હકદાર બની જાય છે, ભલે ને ક્યારેય સાચી સમાજસેવા ન જ કરી હોય! દેશને શરમાવે એવો વાણીવિલાસ કરવો, વિરોધીઓનાં ચારિત્ર્યને ખરાબ ચિતરવું, ભૂલથી પણ કોઈ સામો થાય તો એની હત્યા સુધી પહોંચી જનારા શું સાચા દેશભક્ત કહેવાય ?! ? દરરોજ રાજકારણીઓનાં ખરીદવેચાણમાં જ વ્યસ્ત લોકોની દેશ પ્રત્યે કૃતઘ્નતાની યાદી ઘણી લાંબી બનાવી શકાય. પણ કૃતજ્ઞતા દર્શાવતું એકપણ કાર્ય શોધ્યુંય ન જડે.

આ અનુસંધાનમાં બીજા બે શબ્દો યાદ આવી ગયા. આજકાલ અનાયાસે મિડિયામાં એક શબ્દ ઘણીવાર સાંભળવા મળે છે - નામચીન.

વહાઁકે નામચીન નેતા આદરણીય !

અરે ! ભૂલભૂલથી પણ મિડિયાકર્મીએ એ નેતાની અસલિયત એક શબ્દમાં જ કહી દીધી ! 

હકીકતમાં સાચા નામાંકિત નેતાઓ તો આજકાલ શોધ્યાય ન જડે. 

એટલે મિડિયામાં એવા નામચીનને જ આદરણીય પણ કહેવા પડે એવો સમય આવી ગયો છે. 

સાથોસાથ બુદ્ધિજીવી વર્ગને પણ આત્મમંથન કરી સત્યશોધક અને અસત્યનિષેધ તરફ આગળ વધવાનો સમય પણ આવી ગયો છે.

સક્રિય બનો અને આપણા દેશનાં ઉજ્જ્વળ ભવિષ્યનાં ઘડતર માટે પ્રયત્નશીલ બનો. નહિ તો વિવિધ વ્યસનો, અણઆવડત, ઓછી સહનશીલતા, સ્વાર્થી અને સ્વકેન્દ્રી વલણ, પારિવારિક, સામાજિક અને રાજકીય કાવાદાવા, ષડયંત્રો વગેરેમાં ફસાયેલી નમાલી ભાવિ પેઢી થકી દેશની કફોડી સ્થિતિ માટે તમે જ જવાબદાર ગણાશો. 

તમને તો આઝાદીની ભેટ આપનારાં વડીલો થકી નિર્મળ વાતાવરણ, સંબંધોની પવિત્રતા, પરમાર્થે આનંદ, ભાઈચારો, વગેરે સદગુણો વારસામાં મળ્યા હતા. પણ શું તમે એ સદગુણોનું વહન કરવામાં સફળ થયાં છો ? હજુય સમય છે. જાગો અને દેશનાં ઉજ્જવળ ભાવિ માટે પ્રયત્નશીલ બનશો જ એવી શ્રદ્ધા સાથે શુભેચ્છા પાઠવું છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational