STORYMIRROR

Bhairvi Maniyar

Inspirational Children

4  

Bhairvi Maniyar

Inspirational Children

ઊંડણીના બાપુ

ઊંડણીના બાપુ

3 mins
366

એક નાનકડું અને સુંદર રજવાડું હતું. એનું નામ હતું ઊંડણી. નદીને કિનારે ભવ્ય મહેલમાં રાજાનો નિવાસ. હા, મહેલનાં પ્રાંગણમાં દાખલ થતાં જ મહેલની રચના, સ્થાપત્ય અને વિવિધ વિભાગોનું આયોજન બહુ ચીવટથી કર્યું હોય એનો ખ્યાલ આવે. દરેક ઓરડાનું રાચરચીલું અને એની સજાવટમાં કલાકારીગરીનાં દર્શન થાય.

રાજાને સૌ પ્રેમથી બાપુ કહે. અને બાપુ પણ નાનાંમોટાં સૌને પ્રેમથી આવકારે.

આઝાદી બાદ પણ આ નાનકડાં રજવાડાંની જાહોજલાલી જળવાઈ રહેલી.

એકવાર અમારા પરિવારને એમની મહેમાનગતિ માણવાનો લાભ મળેલો.

પોતાના દોસ્તનો પરિવાર આવી રહ્યો હોવાથી બાપુ સવારથી આખા મહેલના ખૂણેખૂણાની સજાવટ જોઈ આવેલા. અરે ! રસોઈઘરમાં પણ એકાદબે ચક્કર મારીને વાનગીઓ માટે કંઈક સૂચન કરી આવેલા. આખો મહેલ જાણે અમારું સ્વાગત કરવા તત્પર હતો.

અમે જેવાં ગામમાં પ્રવેશ્યાં કે, એક ભાઈએ અમારું સ્વાગત કર્યું. રસ્તામાં થોડે થોડે અંતરે સૌ અભિવાદન કરતાં હતાં. બાપુ પણ જાણે દોડતાં હોય એમ છેક મહેલની બહાર આવી ગયા. અમને હેતથી આવકારીને મહેલમાં લઈ ગયા.

વડીલો વાતે વળગે અને બાળકો કંટાળી ન જાય એ માટે બાપુએ અમને કેટલાક બાળદોસ્તો સાથે નદીકિનારે રમવા મોકલ્યાં. 

નદીકિનારે વેલાઓમાં પથરાયેલી શક્કરટેટી અમે પહેલીવાર જોઈને ખુશ થયાં. અમને એ વેલામાંથી શક્કરટેટી તોડીને ખાવામાં અનેરો આનંદ આવ્યો.

થોડાક સમય બાદ અમે મહેલ પહોંચ્યાં. મહેલનો ખૂબ મોટો 'ડાઈનિંગ હૉલ' જોઈ આશ્ચર્ય થયું. બાપુ અમારો ભાવ સમજી ગયા. 

એમણે કહ્યું, " આ તો આજે મારો ભાઈબંધ આવવાનો હતો એટલે બીજા કોઈ મહેમાન નથી. નહિતર આ આખો હૉલ ભરાઈ જાય એટલા મુલાકાતીઓ ભૂખ્યાં ન જાય એ માટેની આ વ્યવસ્થા છે."

પછી અમારી સાથે થોડીક બાળસહજ વાતો કરી ત્યાં તો જમવાના થાળ પીરસાયા. હા, આજના સમયમાં હોટેલમાં 'ગુજરાતી થાળી' મળે છે, એના કરતાં લગભગ દોઢા કદનાં જર્મનસિલ્વરના થાળ હતા. અનેક વાનગીઓ પીરસાઈ.

સ્વાભાવિક રીતે નાનાં બાળકો માટે આટલી બધી વાનગીઓ અને એ પણ વધુ જથ્થામાં જોઈ અમને મૂંઝવણ થઈ. બાપુને એ પણ સમજાઈ ગયું.

એમણે અમને સમજાવ્યું કે," દરેક થાળમાંથી આપણે જોઈએ એટલું જ ખાઈ શકાય એ માટે થાળમાં એક ખાલી ખૂણામાં લઈને જમવાનું. આથી બાકીની વસ્તુ ઘણાબધા સેવકો માટે વધે. "

અમને આશ્ચર્ય થયું તો કહે, " એ લોકો પોતાનાં ઘરે આટલી વાનગીઓ ન બનાવી શકે. અને એ લોકો રસોડામાંથી સીધું પોતાને માટે ભરે તો એમની ઉપરના સેવકો એમને વઢે. પરંતુ આ થાળમાંથી એ લોકો રોકટોક વિના પોતાને ત્યાં લઈ જાય."

કેવો સુંદર ભાવ ! ખોરાકનો બગાડ ન મહેમાન કરે કે ન સેવક ! એટલા મોટા થાળનો એક નાનકડો ખૂણો જ બગડે. હાથ પણ એમાં ધોવાની ઈચ્છા જ ન થાય. અને કેટલાં માણસોને વૈવિધ્યસભર અને પૌષ્ટિક ખોરાક મળી રહે !

આજના સમયમાં નાનકડી ડીશમાં બૂફે ડિનરમાં લોકો કેટલી બધી વસ્તુઓ લઈને બગાડે છે ! એના બદલે કોઈને નાનમ, લઘુતાગ્રંથિ કે કોઈને અહમ્ કે ગુરુતાગ્રંથિનો અહેસાસ થયા વગર વ્યવસ્થાની આ રજવાડી રીતનું મહત્વ સમજાયું.

પછી તો સિત્તેર કરતાં વધુ ઉંમરના એ બાપુ અમારી સાથે થોડીક બાળરમતો રમ્યાં. આમ સાંજ પડી અને અમે અમારાં ગામ તરફ જવા નીકળ્યાં.

આજે સાડા પાંચ દાયકા બાદ પણ ઊંડણીનો રજવાડી ઠાઠ અને રજવાડી સંસ્કારનું જતન કરતાં એ લોકલાડીલા બાપુની મહેમાનગતિનો પ્રસંગ સ્મૃતિપટમાં એવો ને એવો જ અંકિત થયેલો છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational