જ્યોતિષીની ભવિષ્યવાણી
જ્યોતિષીની ભવિષ્યવાણી
શ્યામ અને મોરલીને ત્યાં જોડિયાં બાળકોનો જન્મ થતાં બધાં રાજી થયાં. દિકરાનું નામ બિરજુ અને દિકરીનું નામ બંસી પાડ્યું. બંને બાળકો ધરાર વ્હાલાં લાગે એવાં સુંદર હતાં. સોસાયટીમાં જેને સમય મળે એ આ બંનેને રમાડવા પહોંચી જતાં.
થોડાક સમય બાદ નજીકમાં જ કોઈ મોટા જ્યોતિષી પધાર્યાની જાણ થતાં શ્યામે પોતાનાં બાળકોનાં ભવિષ્ય વિશે જાણવાનો નિર્ણય કર્યો. જ્યોતિષીનેપોતાનાં ઘરે પધરામણી માટે વિનંતિ કરી. આખો પરિવાર જ્યોતિષી સામે શ્રદ્ધાથી જોતો હતો.
થોડીવાર બાદ એમણે કહ્યું,"બંને બાળકો બહુ હોંશિયાર બનશે. દાક્તરીનાં ક્ષેત્રમાં ખૂબ પ્રસિદ્ધિ પામશે."
બધાં આ સાંભળીને ખૂબ રાજી થયાં.
એમણે આગળ ઉમેર્યું,"પણ..... પણ....આ બિરજુને એક ઘાતનો સામનો કરવો પડશે."
બધાં ગંભીર થઈ ગયાં.
જ્યોતિષી આગળ બોલ્યા, "એને પંદરેક વર્ષ સુધીમાં મોટી ઘાત આવશે, પણ એ સમય સાચવી લેશો તો પછી બિરજુ ખૂબ નામના મેળવશે."
શ્યામે પૂછ્યું,"કોઈ ઉપાય ?"
જ્યોતિષી બોલ્યા, "આમાં કોઈ ઉપાય અગાઉથી નહિ મળે છતાં તમારી સમયસૂચકતા જ એને બચાવી શકશે."
એ દિવસથી શ્યામ અને મોરલી ખૂબ સજાગ બનીને બાળકોને ઉછેરી રહ્યાં. બને ત્યાં સુધી બિરજુને એકલો ન મૂકતાં.
ધીમેધીમે તો બંસી- બિરજુ ભણવામાં પ્રથમ આવવા લાગ્યાં. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ બેઉ જીત મેળવતાં.
આમ ને આમ પંદર વર્ષનાં થઈ ગયાં. શ્યામ અને મોરલીને મનોમન રાહત થઈ કે આ પંદરમું વર્ષ પણ હેમખેમ ગયું.
થોડા દિવસ બાદ એક પ્રસંગમાં શ્યામ અને મોરલીને ફરજિયાત જવું પડ્યું. આ તરફ સોસાયટીનાં બાળકો સંતાકૂકડી રમતાં હતાં. અચાનક બિરજુની ચીસ સાંળળીને સૌ એ તરફ દોડ્યાં. બિરજુ જમીન પર પડ્યો હતો એ ઝાડ પાછળથી કોઈએ સાપને પસાર થતો જોયો. બધાં બાળકો ગભરાઈ ગયાં. જલદીથી વડીલો પણ ભેગાં થયાં. બંસીએ એનાં મમ્મી-પપ્પાને પણ ફોન કરીને રડતાં રડતાં વાત કરી. એ લોકો ઝડપથી પરત આવવા નીકળી ગયાં.
કોઈએ ડૉક્ટરને પણ ફોન કરી દીધો. એક છોકરો સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાંથી સાપનું ઝેર ચૂસવાવાળાને પણ બોલાવી લાવ્યો. એણે આવીને સાપનાં કરડવાનાં નિશાનની જગ્યાએથી ઝેર ચૂસવાનું શરૂ કર્યું. થોડીવાર બાદ ડૉક્ટર પણ આવી ગયા. એ બિરજુને ચેક કરતાં હતાં એવામાં જ એણે આંખ ખોલવા પ્રયાસ કર્યો. મોટાભાગનું ઝેર નીકળી ગયેલું. અને હવે બાકીની અસર સામે દવાએ કામ કર્યું.
હવે બિરજુ સ્વસ્થ થવા લાગ્યો એટલે સૌના જીવમાં જીવ આવ્યો. ત્યાં તો મોરલી દોડતી આવીને દિકરાને ખોળામાં લેતાં જ એની આંખમાંથી ગંગા-જમના વહેવા લાગી. શ્યામને જ્યોતિષીની વાત યાદ આવી. બાળકોની સમયસૂચકતાએ જ બિરજુનો જીવ બચાવી લીધો, એનો અહેસાસ થયો.
ભાઈને ભાનમાં આવેલો જોઈને બંસી તો કૂદવા લાગી, "મારો ભઈલો બચી ગયો, બચી ગયો." શ્યામ અને મોરલીએ ઝેર ચૂસવાવાળા ભાઈ, એને બોલાવનાર અને ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર માન્યો. સોસાયટીનાં સૌ સ્વજનોને પ્રણામ કરીને શ્યામ બોલ્યો, "અમે આપ સૌનાં જીવનભર ઋણી રહીશું."
આટલા સમયમાં તો બિરજુ ઘણો સ્વસ્થ થઈ ગયો. બોલ્યો,"આજે મારી મોટી ઘાત ગઈ. હવે હું સાચે જ ડૉક્ટર બનીશ. અને આપ સૌની સેવા માટે હંમેશાં તત્પર રહીશ."
બધાં બાળકો તાલીઓ પાડીને કૂદવા લાગ્યાં. શ્યામે એ સાંજે આખી સોસાયટીના રહીશોને સરસ પાર્ટી આપી.
એ ઘટનાને આજે વીસ વર્ષ થઈ ગયાં. શ્યામ અને મોરલી બિરજુનાં બાળકોમાં વ્યસ્ત ખુશહાલ જીવન જીવી રહ્યાં છે.
બંસી પરણીને એના સંસારમાં સુખી છે.
જોકે, એક જ શહેરમાં રહેતાં હોવાથી અને બંનેના જીવનસાથી પણ ડૉક્ટર હોવાથી, એક સરસ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ઊભી કરી છે. ડૉ. બિરજુની ખ્યાતિ તો આસપાસનાં ગામો સુધી પહોંચી છે. અને અત્યાધુનિક હોસ્પિટલમાં પરદેશથી પણ દરદીઓ આવે છે.
આમ, આકસ્મિક સંજોગો ઊભાં થતાં સમયસૂચકતાથી જેનો જીવ બચી ગયેલો, એ ડૉક્ટર આજે અનેક દરદીઓના જીવ બચાવે છે.
